શ્રીનગર2 મિનિટ પેહલા
- કૉપી લિંક
પુંછ હુમલાના આતંકીઓની આ ત્રણ તસવીરો સામે આવી છે.
જમ્મુ-કાશ્મીરના પુંછમાં 4 મેના રોજ એરફોર્સના કાફલા પર થયેલા આતંકવાદી હુમલામાં સામેલ ત્રણ શંકાસ્પદ લોકોના નામ અને તસવીરો સામે આવી છે. આ આતંકીઓમાં એક પાકિસ્તાની આર્મીનો પૂર્વ કમાન્ડો ઇલ્યાસ ઉર્ફે ફૌજી છે, બીજો લશ્કર કમાન્ડર અબુ હમઝા અને ત્રીજો પાકિસ્તાની આતંકવાદી હદુન છે.
આ હુમલામાં એરફોર્સનો એક જવાન શહીદ થયો હતો અને ચાર ઘાયલ થયા હતા. હુમલામાં સામેલ આતંકવાદીઓના સ્કેચ જાહેર કરવાની સાથે સેનાએ તેમના પર 20 લાખ રૂપિયાનું ઈનામ પણ જાહેર કર્યું છે. હુમલાના સંદર્ભમાં પૂછપરછ માટે લગભગ 20 લોકોની અટકાયત કરવામાં આવી છે. બુધવારે સતત પાંચમા દિવસે સુરક્ષાદળો દ્વારા સર્ચ ઓપરેશન ચાલુ રહ્યું હતું.
આતંકવાદીઓની આ ત્રણ તસવીરો સામે આવી છે…
કુલગામમાં બીજા દિવસે પણ એન્કાઉન્ટર ચાલુ
જમ્મુ-કાશ્મીરના કુલગામના રેડવાની પાઈન વિસ્તારમાં બુધવારે સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે ફરી એન્કાઉન્ટર શરૂ થયું છે. આ પહેલા મંગળવારે એન્કાઉન્ટર દરમિયાન સુરક્ષા દળોએ બે આતંકીઓને ઠાર કર્યા હતા.
માર્યા ગયેલા લોકોમાં આતંકવાદી લશ્કરનો ટોપ કમાન્ડર બાસિત ડાર પણ હતો, જેના પર 10 લાખ રૂપિયાનું ઈનામ હતું. તે કાશ્મીરમાં અનેક લોકોની હત્યામાં સામેલ છે. માર્યો ગયેલો બીજો આતંકી ફહીમ અહેમદ હતો, જે આતંકવાદીઓને મદદ કરતો હતો.
લશ્કર કમાન્ડર બાસિત દાર પર 10 લાખ રૂપિયાનું ઈનામ જાહેર કરવામાં આવ્યું હતું.
રેડવાની પાઈન વિસ્તારના આ ઘરમાં આતંકીઓ છુપાયા હતા, જ્યાં આગ લાગી હતી.
આ તસવીર લશ્કરના ટોચના કમાન્ડર બાસિત અહેમદ ડારની છે. તેના પર 10 લાખ રૂપિયાનું ઈનામ જાહેર કરવામાં આવ્યું હતું.
4 મેના રોજ એરફોર્સના કાફલા પર આતંકી હુમલો થયો હતો
જમ્મુ-કાશ્મીરના પૂંચમાં 4 મેના રોજ એરફોર્સના જવાનો પર થયેલા આતંકી હુમલામાં પાંચ જવાનો ઘાયલ થયા હતા. સારવાર દરમિયાન એક જવાનનું મોત થયું હતું. આ હુમલો પુંછના શાહસિતાર વિસ્તારમાં થયો હતો. આતંકવાદીઓએ સુરક્ષાદળોના બે વાહનો પર જોરદાર ગોળીબાર કર્યો હતો. આ વાહનોમાંથી એક એરફોર્સનું હતું. બંને વાહનો સનાઈ ટોપ તરફ જઈ રહ્યા હતા. આતંકવાદીઓની ગોળીઓ વાહનના આગળના અને બાજુના કાચની આરપાર થઈ ગઈ હતી.
આતંકવાદીઓ દ્વારા ચલાવવામાં આવેલી ગોળીઓના નિશાન ટ્રકની આગળના કાચ પર જોઈ શકાય છે.
સુરનકોટમાં ગયા વર્ષે ડિસેમ્બરમાં પણ હુમલો થયો હતો
સુરનકોટમાં 21 ડિસેમ્બરે આતંકીઓએ સેનાના કાફલા પર હુમલો કર્યો હતો. જેમાં 5 જવાન શહીદ થયા હતા. આ ઘટનાને 4 આતંકીઓએ અંજામ આપ્યો હતો. આતંકવાદીઓએ અમેરિકન એમ-4 કાર્બાઈન એસોલ્ટ રાઈફલમાંથી સ્ટીલની ગોળીઓ ચલાવી હતી. આ સ્ટીલની ગોળીઓ સેનાના વાહનોની જાડી લોખંડની ચાદરમાંથી પસાર થઈને સૈનિકોને વાગી હતી.
પીપલ્સ એન્ટી ફાસીસ્ટ ફ્રન્ટ (PAFF) એ હુમલાની જવાબદારી લીધી હતી. આતંકવાદીઓએ સોશિયલ મીડિયા પર હુમલાના સ્થળની તસવીરો પણ જાહેર કરી હતી, જેમાં તેમણે એમ-4 રાઈફલ્સનો ઉપયોગ કરવાનો દાવો કર્યો હતો.
ડેરા સ્ટ્રીટ અને બુફલિયાઝની એક સાઈડથી ઘાત લગાવીને બેઠેલા આતંકવાદીઓએ કાફલા પર અમેરિકન એમ-4 એસોલ્ટ રાઈફલ્સમાંથી સ્ટીલની ગોળીઓ ચલાવી હતી.
આ વર્ષે જાન્યુઆરીમાં પણ પૂંચમાં હુમલો થયો હતો
આ વર્ષે 12 જાન્યુઆરીએ જમ્મુ-કાશ્મીરના પુંછમાં આતંકવાદીઓએ સેનાના વાહન પર હુમલો કર્યો હતો. આ પછી જવાનોએ જવાબી કાર્યવાહી કરવી પડી. કોઈના ઘાયલ કે માર્યા ગયાના સમાચાર નથી.
ગુપ્તચર માહિતી અનુસાર 250-300 આતંકવાદીઓ ભારતમાં ઘૂસણખોરી કરવા માટે તૈયાર
16 ડિસેમ્બર, 2023ના રોજ, BSFના એક વરિષ્ઠ અધિકારીએ ગુપ્ત માહિતીને ટાંકીને માહિતી આપી હતી કે 250થી 300 આતંકવાદીઓ પાકિસ્તાન સરહદ પરના લોન્ચપેડ પર છે. તેઓ જમ્મુ-કાશ્મીરમાં ઘૂસણખોરી કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. અધિકારીએ કહ્યું કે સુરક્ષા દળોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે. સરહદ પારથી ઘૂસણખોરીના કોઈપણ પ્રયાસને નિષ્ફળ બનાવવામાં આવશે.
BSF IG અશોક યાદવે પુલવામામાં કહ્યું કે આતંકવાદી ગતિવિધિઓને જોતા અમે (BSF) અને સેના સંવેદનશીલ વિસ્તારો પર નજર રાખી રહ્યા છીએ અને સતર્ક છીએ. છેલ્લા કેટલાક વર્ષોમાં સુરક્ષા દળો અને કાશ્મીરના લોકો વચ્ચેના સંબંધોમાં સુધારો થયો છે. જો લોકો અમને સહકાર આપે તો અમે વિકાસના કામને વધુ સારી રીતે આગળ વધારી શકીશું.