(એજન્સી) નવી દિલ્હી: લોકસભાનો ચૂંટણીજંગ આ વખતે માત્ર જાહેર રેલીઓમાં જ લડાતો નથી, પરંતુ ડિજિટલ પ્લેટફોર્મ પર પણ શાસક પક્ષ અને વિપક્ષો આમનેસામને આવી ગયા છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આજે સવારે બ્લોગ લખીને કોંગ્રેસ અને વિરોધ પક્ષોના વંશવાદ પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે ખાસ કરીને વંશવાદ, લોકતંત્ર અને સંસદ સહિત કેટલાયે મુદ્દાઓ પર કોંગ્રેસને ચોમેરથી ઘેરી હતી.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ બ્લોગમાં લખ્યું છે કે ઇમર્જન્સી લાદીને કોંગ્રેસે સાબિત કરી દીધું હતું કે એક વંશનું રક્ષણ કરવા માટે કોંગ્રેસ કેટલી હદે જઇ શકે છે. નરેન્દ્ર મોદીના આ બ્લોગ સામે પ્રિયંકા ગાંધીએ વળતો હુમલો કરતાં જણાવ્યું હતું કે વડા પ્રધાન નરેન્દ્ર મોદી હવે જનતાને મૂર્ખ સમજવાનું બંધ કરે. તેમણે જણાવ્યું હતું કે છેલ્લાં પાંચ વર્ષમાં ભાજપે તમામ સંસ્થાઓને બરબાદ કરવાનું જ કામ કર્યું છે. અમને જેટલા હેરાન કરવામાં આવશે એટલા અમે વધુ મજબૂતીથી લડીશું, અમે કોઇનાથી ડરવાના નથી.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આજે સવારે લખેલા પોતાના બ્લોગમાં જણાવ્યું હતું કે કોંગ્રેસના શાસન દરમિયાન સકારાત્મક સમાચારોના સ્થાને માત્ર ભ્રષ્ટાચાર, માનીતાઓને ખોટો ફાયદો પહોંચાડવાના અને ભાઇ-ભત્રીજાવાદના સમાચારોની જ હેડલાઇન બનતી હતી. ર૦૧૪ની સામાન્ય ચૂંટણીમાં દેશવાસીઓએ ભ્રષ્ટાચારમાં ડૂબેલી કોંગ્રેસ સરકારમાંથી મુકિત મેળવવા અને શ્રેષ્ઠ ભવિષ્ય માટે મતદાન કર્યું હતું. ર૦૧૪નો જનાદેશ ઐતિહાસિક હતો. ભારતના ઇતિહાસમાં પ્રથમ વખત કોઇ બિનવંશવાદી પાર્ટીને સંપૂર્ણ બહુમતી મળી હતી.
જ્યારે કોઇ પણ સરકાર ફેમિલી ફર્સ્ટના બદલે ઇન્ડિયા ફર્સ્ટની ભાવના સાથે ચાલે છે તો તે તેના કામમાં પણ દેખાય છે. પીએમએ લખ્યું છે કે અમારી સરકારની નીતિઓ અને કામકાજની અસર છે કે છેલ્લાં પાંચ વર્ષમાં ભારત દુનિયાનાં ટોચનાં અર્થતંત્રમાં સામેેલ થઇ ગયું છે. પીએમ મોદીએ પોતાના બ્લોગમાં સંસદના કામકાજ, પ્રેસની અભિવ્યકિત, બંધારણ-ન્યાયતંત્ર અને સરકારી સંસ્થાઓના મુદ્દે કોંગ્રેસને ઘેરી હતી. ર૦૧૪માં લોકોએ પરિવારતંત્રની નહીં પણ લોકતંત્રની પસંદગી કરી હતી. વિનાશનેે નહીં, વિકાસને પસંદ કર્યો હતો. શિથિલતાને લઇ સુરક્ષાને પસંદ કરી હતી. અવરોધને નહીં, અવસરને પ્રાથમિકતા આપી હતી. વોટબેન્કની રાજનીતિ પર વિકાસની રાજનીતિને મૂકી હતી.