22 મિનિટ પેહલા
- કૉપી લિંક
અયોધ્યામાં રામલલ્લાની પ્રાણપ્રતિષ્ઠાના એક દિવસ પહેલાં 21 જાન્યુઆરીએ મુંબઈના મીરા રોડમાં શ્રીરામ શોભાયાત્રા કાઢવામાં આવી હતી. આ દરમિયાન બંને પક્ષો વચ્ચે મારામારી થઈ હતી. આ દરમિયાન તોફાની તત્ત્વોએ અનેક વાહનોમાં તોડફોડ કરી હતી.
આ ઘટના પછી 23 જાન્યુઆરીએ વહીવટીતંત્રે આ વિસ્તારમાં ગેરકાયદે બાંધકામ પર બુલડોઝર ફેરવ્યું અને ઘણા તોફાનીઓની ધરપકડ કરી. હવે આ મામલાને લગતો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ રહ્યો છે.
- વીડિયોમાં જોઈ શકાય છે કે પોલીસ તોફાનીઓને તેમના ઘરની બહાર કાઢીને લાકડીઓથી ફટકારી રહી છે
- દાવો કરવામાં આવી રહ્યો છે કે આ વીડિયો મુંબઈના મીરા રોડનો છે, જ્યાં પોલીસે ગઈ કાલે તોફાની તત્ત્વો વિરુદ્ધ કાર્યવાહી કરી હતી.
ઘણા યુઝર્સે X પર આ વીડિયો શેર કર્યો છે. યુઝર્સે મરાઠી ભાષામાં લખ્યું- પોલીસે અડધી રાત્રે ઘરમાં ઘૂસીને કાર્યવાહી કરી. ( આર્કાઇવ )
તેજસ નામના એક વેરિફાઈડ યુઝરે પણ આ વીડિયોને મુંબઈના મીરા રોડના હેશટેગ સાથે શેર કર્યો છે.
વાઇરલ થઈ રહેલા વીડિયોનો સ્ક્રીનશોટ.
આ વીડિયો પણ આ જ દાવા સાથે ફેસબુક પર વ્યાપકપણે શેર કરવામાં આવી રહ્યો છે.
વાઇરલ વીડિયોનું સત્ય…
વાઇરલ વીડિયો વિશે સત્ય જાણવા માટે, અમે ગૂગલ પર એની કી ફ્રેમ્સ રિવર્સ સર્ચ કરી. શોધ કરતાં અમને NDTVના X એકાઉન્ટ પરની માહિતી સાથેનો આ વીડિયો મળ્યો.
NDTV અનુસાર, 24 ઓગસ્ટ 2022નો આ વીડિયો હૈદરાબાદના શાલીબંદાનો છે. જ્યાં પ્રદર્શનકારીઓ બીજેપી નેતા ટી રાજા સિંહની પ્રોફેટ મોહમ્મદ વિશેની કથિત ટિપ્પણીને લઈને એકઠા થયા હતા, પોલીસે તેમને રોકવા માટે બળનો ઉપયોગ કર્યો હતો. એ જ સમયે આ વીડિયો NDTV દ્વારા તેના X એકાઉન્ટ પર 25 ઓગસ્ટ 2022ના રોજ શેર કરવામાં આવ્યો હતો.
તપાસના આગલા તબક્કામાં અમે Google પર આનાથી સંબંધિત કીવર્ડ્સ સર્ચ કર્યા. શોધ કરવા પર અમને આ મામલાને લગતા ઘણા મીડિયા રિપોર્ટ્સ મળ્યા. મીડિયા રિપોર્ટ્સ અનુસાર ટી રાજાએ પ્રોફેટ મોહમ્મદ પર ટિપ્પણી કરી હતી.
આજતકની વેબસાઇટ પર ઉપલબ્ધ સમાચારનો સ્ક્રીનશોટ.
23 ઓગસ્ટ 2022ના રોજ પોલીસે ટી રાજાની ધરપકડ કરી, પરંતુ એ જ દિવસે તેમને કોર્ટમાંથી જામીન મળી ગયા. આ પછી લોકોમાં ગુસ્સો જોવા મળ્યો અને ટી રાજાની ધરપકડને લઈને ઘણી જગ્યાએ પ્રદર્શન શરૂ થયા. દરમિયાન 24 ઓગસ્ટના રોજ પોલીસે હૈદરાબાદ ઓલ્ડ સિટીમાં ઘણા લોકોની ધરપકડ કરી હતી.
ધ ન્યૂઝ મિનિટે એની યુટ્યૂબ ચેનલ પર વીડિયો સાથે આ કેસ સંબંધિત સમગ્ર સમાચાર અપલોડ કર્યા હતા. ટી રાજાને જામીન મળ્યા બાદ હૈદરાબાદના જૂના શહેરના ઘણા ભાગોમાં વિરોધ ફાટી નીકળ્યો હતો. વિરોધ દરમિયાન કેટલાક યુવકોએ પોલીસ પર પથ્થરમારો શરૂ કર્યો હતો. આ ઘટના બાદ 24 ઓગસ્ટ 2022ની રાત્રે પોલીસે ઘરોમાં ઘૂસીને બદમાશોની અટકાયત કરી હતી.
એ સ્પષ્ટ છે કે સોશિયલ મીડિયા પર વાઇરલ વીડિયોને લઈને કરવામાં આવેલો દાવો ખોટો છે . આ વીડિયો મુંબઈના મીરા રોડનો નથી, પરંતુ લગભગ 2 વર્ષ જૂનો હૈદરાબાદનો છે.
નકલી સમાચાર સામે અમારી સાથે જોડાઓ. જો તમને કોઈપણ માહિતી વિશે કોઈ શંકા હોય, તો કૃપા કરીને અમને @[email protected] અને WhatsApp 9201776050 પર મેસેજ કરો.