નવી દિલ્હી19 મિનિટ પેહલા
- કૉપી લિંક
UPSCના વકીલે દિલ્હી કોર્ટમાં કહ્યું કે પૂજાએ સિસ્ટમ સાથે છેતરપિંડી કરી છે અને કાયદા અને કાયદાકીય પ્રક્રિયાનો દુરુપયોગ કર્યો છે.
દિલ્હી કોર્ટે ટ્રેઇની IAS ઓફિસર પૂજા ખેડકરની આગોતરા જામીન અરજી ફગાવી દીધી છે. કોર્ટે દિલ્હી પોલીસને UPSC પરીક્ષામાં છેતરપિંડી કરનારા અન્ય ઉમેદવારોની તપાસ કરવાનો આદેશ આપ્યો છે. તેમજ UPSCના કોઈ કર્મચારીએ પૂજાને મદદ કરી હોય તો તેની પણ તપાસ થવી જોઈએ.
પૂજા ખેડકર પર તેની ઉંમર, તેના માતા-પિતા વિશે ખોટી માહિતી અને ઓળખ બદલીને નિર્ધારિત મર્યાદા કરતાં વધુ વખત સિવિલ સર્વિસ પરીક્ષા આપવાનો આરોપ હતો. UPSCએ દસ્તાવેજોની તપાસ કર્યા પછી પૂજાને CSE-2022 નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ દોષી ઠેરવી હતી. આ પછી UPSCએ તેની વિરુદ્ધ FIR દાખલ કરાવી હતી.
છેતરપિંડી અને બનાવટના આ કેસમાં ધરપકડથી બચવા માટે પૂજાએ દિલ્હી કોર્ટમાં આગોતરા જામીન અરજી કરી હતી. યુપીએસસીના વકીલે કહ્યું હતું કે તેણે સિસ્ટમ સાથે છેતરપિંડી કરી છે, કાયદા અને કાયદાકીય પ્રક્રિયાનો દુરુપયોગ કર્યો છે. તે સાધનસંપન્ન વ્યક્તિ છે અને તે કાયદાનો દુરુપયોગ કરે તેવી શક્યતા છે. દલીલો સાંભળ્યા બાદ કોર્ટે બુધવારે નિર્ણય સુરક્ષિત રાખ્યો હતો.
UPSCએ 31 જુલાઈ, બુધવારના રોજ પૂજાનું સિલેક્શન રદ કરી દીધું હતું. આ ઉપરાંત ભવિષ્યમાં યુપીએસસીની કોઇ પરીક્ષા આપવા પર પણ પ્રતિબંધ મૂક્યો હતો. પૂજાએ 2022ની પરીક્ષામાં 841મો રેન્ક મેળવ્યો હતો. તેણી 2023 બેચની તાલીમાર્થી IAS હતી અને જૂન 2024થી તાલીમ પર હતી.
UPSCએ કહ્યું- પૂજાને બે વાર સમય આપ્યો, પરંતુ તેણે જવાબ ન આપ્યો
- પૂજાએ નિયમો તોડ્યાઃ UPSCએ જણાવ્યું કે ઓળખ બદલવા અને સિવિલ સર્વિસની પરીક્ષા નિયત મર્યાદા કરતાં વધુ વખત આપવા બદલ 18 જુલાઈના રોજ કારણ બતાવો નોટિસ (SCN) જારી કરવામાં આવી હતી. તેમાં કહેવામાં આવ્યું હતું કે પૂજાએ 25 જુલાઈ સુધીમાં તેનો જવાબ સબમિટ કરવાનો હતો, પરંતુ તેણે તેના જવાબ માટે જરૂરી દસ્તાવેજો એકત્રિત કરવા માટે 4 ઓગસ્ટ સુધીનો સમય માંગ્યો હતો. કમિશને કહ્યું કે, તેમને ફરીથી 30 જુલાઈએ બપોરે 3:30 વાગ્યા સુધીનો સમય આપ્યો, પરંતુ તેમણે જવાબ આપ્યો નહીં.
- 15,000 ડેટાની તપાસ કરી, પૂજાએ કેટલા પ્રયાસો કર્યા તે જાણી શકાયું નથી: ખેડકરના કેસને કારણે UPSCએ 2009થી 2023 સુધીના 15,000થી વધુ ભલામણ કરેલ ઉમેદવારોના ડેટાની તપાસ કરી. એવું જાણવા મળ્યું હતું કે તેમના સિવાય અન્ય કોઈ ઉમેદવારે CSE નિયમો હેઠળ નિર્ધારિત સંખ્યા કરતાં વધુ પ્રયાસો કર્યા નથી. મિસ પૂજા મનોરમા દિલીપ ખેડકરનો કિસ્સો એક જ હતો. તેમણે ઘણી વખત ન માત્ર પોતાનું નામ પરંતુ પોતાના માતા-પિતાના નામ પણ બદલીને પરીક્ષા આપી હતી, તેથી UPSCની સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર (SOP) તેમના પ્રયાસોની સંખ્યાને ટ્રેક કરી શકી ન હતી. UPSC તેના SOPને વધુ મજબૂત કરવાની પ્રક્રિયામાં છે જેથી ભવિષ્યમાં આવા કિસ્સાઓનું પુનરાવર્તન ન થાય.
પૂજાનો મુદ્દો કેવી રીતે સામે આવ્યો; લાલ બત્તીવાળી ઓડી કારમાં ઓફિસ પહોંચી, સિનિયર ઓફિસરને ધમકાવ્યા
પૂજા તેની પોસ્ટિંગ દરમિયાન જે ઓડી કાર પર લાલ-વાદળી બત્તી અને મહારાષ્ટ્ર સરકારનું સ્ટીકર લગાવીને ફરતી હતી, તેની પર 26 હજાર રૂપિયાનો દંડ બાકી છે.
પૂજા પુણેમાં ટ્રેઇની ઓફિસર તરીકે ટ્રેનિંગ લઈ રહી હતી. આ દરમિયાન તેના પર સુવિધાઓ માગવાનો આરોપ લાગ્યો હતો. એક વરિષ્ઠ અધિકારીની ચેમ્બર પર કબજો કરવાની ફરિયાદ પણ સામે આવી. તેણે પોતાની અંગત ઓડી કારમાં લાલ બત્તી અને ‘મહારાષ્ટ્ર સરકાર’ પ્લેટ લગાવી હતી.
પુણેના જિલ્લા કલેક્ટર સુહાસ દિવાસેએ પૂજા વિરુદ્ધ ફરિયાદ કરી હતી, ત્યારપછી તેને વાશિમ ટ્રાન્સફર કરવામાં આવી હતી. આ પછી જ્યારે મામલાની તપાસ કરવામાં આવી તો જાણવા મળ્યું કે તેણે યુપીએસસીમાં સિલેક્શન કરાવવા માટે નકલી દસ્તાવેજોનો પણ ઉપયોગ કર્યો હતો. આ પછી જ્યારે તેની સામે તપાસ શરૂ થઈ તો ઘણા ખુલાસા સામે આવ્યા.
વિકલાંગતા પ્રમાણપત્ર સંબંધિત 4 વિવાદો
- ડિસેબિલિટી સર્ટિફિકેટમાં પૂજા ખેડકરનું સરનામું ‘પ્લોટ નંબર 53, દેહુ આલંદી રોડ, તલાવડે, પિંપરી ચિંચવાડ, પૂણે’ લખેલું હતું. જ્યારે આ સરનામે કોઈ મકાન નથી, પરંતુ થર્મોવર્ટા એન્જિનિયરિંગ કંપની નામનું કારખાનું છે. પૂજાની જે ઓડી જપ્ત કરવામાં આવી હતી તે આ કંપનીના નામે રજીસ્ટર્ડ હતી.
- સરકારી નિયમો હેઠળ વિકલાંગતાનું પ્રમાણપત્ર બનાવવા માટે આધાર કાર્ડ ફરજિયાત છે, પરંતુ પૂજાના પ્રમાણપત્રમાં રેશનકાર્ડ સામેલ હતું.
- વિકલાંગ ક્વોટામાંથી UPSCમાં પસંદગી પામ્યા બાદ પૂજાના ઘણા વિકલાંગતા પ્રમાણપત્રો બહાર આવ્યા છે. પૂજા ખેડકરે 2018 અને 2021માં UPSCને અહેમદનગર જિલ્લા સિવિલ હોસ્પિટલ દ્વારા જારી કરાયેલા 2 અપંગતા પ્રમાણપત્રો સબમિટ કર્યા હતા.
- પૂજાએ તેના ડિસેબિલિટી સર્ટિફિકેટની પુષ્ટિ કરવા માટે દિલ્હીમાં મેડિકલ તપાસ માટે ઘણી એપોઇન્ટમેન્ટ લીધી હતી, પરંતુ બાદમાં તેણે એક ખાનગી હોસ્પિટલમાં કરવામાં આવેલ રિપોર્ટ UPSCને સબમિટ કર્યો હતો.
- યશવંત રાવ ચવ્હાણ મેમોરિયલ (વાયસીએમ) હોસ્પિટલે સ્પષ્ટ કર્યું છે કે પૂજા ખેડકરનું લોકોમીટર સર્ટિફિકેટ તૈયાર કરવામાં કોઈ ભૂલ થઈ નથી. સર્ટિફિકેટમાં પૂજાને 7% લોકોમીટર ડિસેબિલિટી હોવાનું જણાવવામાં આવ્યું હતું. હોસ્પિટલ પિંપરી ચિંચવડ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ચલાવવામાં આવે છે.
- પૂજાએ UPSCને આપેલા એફિડેવિટમાં દાવો કર્યો હતો કે તે માનસિક રીતે અક્ષમ છે અને તેને જોવામાં પણ તકલીફ પડે છે. મેડીકલ ટેસ્ટ આપવો જરૂરી હોવા છતાં પૂજાએ 6 વખત મેડિકલ ટેસ્ટ આપવાની ના પાડી હતી.
- ઘણા મીડિયા રિપોર્ટ્સ અનુસાર, પૂજાનો પહેલો મેડિકલ ટેસ્ટ એપ્રિલ 2022માં દિલ્હી AIIMSમાં થવાનો હતો. તેણે કોવિડ પોઝીટીવ હોવાનું જણાવી તેમાં ભાગ લેવાનો ઇનકાર કર્યો હતો.
પૂજા પર OBC નોન-ક્રિમી લેયર ક્વોટાનો લાભ લેવાનો પણ આરોપ
પૂજા પર તેના માતા-પિતાની વૈવાહિક સ્થિતિ વિશેની માહિતી છુપાવીને OBC નોન-ક્રિમી લેયર ક્વોટાનો લાભ લેવાનો પણ આરોપ છે. પૂજાના પિતા દિલીપ ખેડકર નિવૃત્ત IAS ઓફિસર છે. તેમણે ચૂંટણી પણ લડી હતી. એફિડેવિટમાં તેમણે પોતાની સંપત્તિ 40 કરોડ રૂપિયા હોવાનું જણાવ્યું હતું. પૂજાએ પરિવારની સંપત્તિ 8 લાખ રૂપિયાથી ઓછી હોવાનું જાહેર કર્યું હતું.
પૂજાનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં તેણે પોતાના માતા-પિતાના છૂટાછેડા અંગે દાવો કર્યો છે. તેના પિતા હવે તેની સાથે રહેતા નથી, તેથી તે હવે ઓબીસી નોન-ક્રિમી લેયર હેઠળ આવે છે. પુણે પોલીસના જણાવ્યા અનુસાર યુપીએસસીએ પૂજાના માતા-પિતાનો વૈવાહિક સ્ટેટસ રિપોર્ટ માંગ્યો છે.
પૂજા ખેડકરની માતા પર ખેડૂતોને ધમકાવવાનો આરોપ, 14 દિવસની કસ્ટડીમાં મોકલ્યા
વાયરલ વીડિયોમાં મનોરમા ખેડકર સાથે સુરક્ષાકર્મીઓ પણ હતા. મનોરમા ખેડૂતોને ધમકાવતી જોવા મળી હતી. આ ઘટના પુણેના મુલશી તાલુકાના ધડાવલી ગામમાં બની હતી.
પૂજા ખેડકરની માતા મનોરમા ખેડકરની થોડા દિવસો પહેલા ખેડૂતોને પિસ્તોલથી ધમકાવવા અને જમીન પચાવી પાડવાના આરોપમાં પોલીસે ધરપકડ કરી હતી. પુણે પોલીસે તેમને સોમવારે મેજિસ્ટ્રેટ કોર્ટમાં રજૂ કર્યા હતા, જ્યાંથી તેમને 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યા છે.
2023માં મનોરમાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. વીડિયોમાં મનોરમા એક ખેડૂતને જમીન બાબતે પિસ્તોલ બતાવીને ધમકાવતી જોવા મળી હતી. વીડિયો સામે આવ્યા બાદ જ્યારે તેની સામે કાર્યવાહીની માંગ ઉઠી ત્યારે તે ફરાર થઈ ગઈ હતી.
તે તેના ડ્રાઈવર સાથે મહાડ, રાયગઢમાં એક લોજમાં છુપાઈ ગઈ હતી. તેણે ડ્રાઈવરને પોતાનો પુત્ર ગણાવ્યો હતો. મનોરમાએ લોજમાં રૂમ બુક કરવા માટે નકલી આધાર કાર્ડનો ઉપયોગ કર્યો હતો. પોલીસે 18 જુલાઈના રોજ આ લોજમાંથી તેની ધરપકડ કરી હતી.
અગાઉ 19 જુલાઈએ સેશન્સ કોર્ટે આ જ કેસમાં પૂજા ખેડકરના પિતા દિલીપ કોંડિબા ખેડકરને 25 જુલાઈ સુધી વચગાળાના જામીન મંજૂર કર્યા હતા.