નવી દિલ્હી5 મિનિટ પેહલા
- કૉપી લિંક
લોકસભામાં વિપક્ષના નેતા અને કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ મહિલા કુસ્તીબાજ વિનેશ ફોગટને પેરિસ ઓલિમ્પિકમાં ફાઇનલમાં પ્રવેશ કરવા બદલ અભિનંદન પાઠવ્યા છે. તેમજ કેન્દ્ર સરકારની ટીકા કરી હતી. રાહુલે કહ્યું કે આજે ભારતની બહાદુર દીકરીની સામે સત્તાનું સમગ્ર તંત્ર પડી ભાંગ્યું છે, જેમણે તેને ખૂબ જ રડાવી હતી.
રાહુલે X પર એક પોસ્ટ દ્વારા આ વાત કહી. તેમણે લખ્યું, “આજે વિનેશની સાથે-સાથે આખો દેશ એક જ દિવસમાં વિશ્વના ત્રણ શ્રેષ્ઠ કુસ્તીબાજોને હરાવીને ભાવુક છે. જે લોકોએ વિનેશ અને તેના સાથીદારોના સંઘર્ષને નકાર્યો હતો, તેમના ઈરાદા અને ક્ષમતા પર સવાલો ઉઠાવ્યા હતા. તે બધાને તેમનો જવાબ મળી ગયો છે.
રાહુલે આગળ કહ્યું, “ચેમ્પિયન્સની આ જ ઓળખ છે, તેઓ પોતાનો જવાબ મેદાનમાંથી જ આપે છે. વિનેશને ખૂબ ખૂબ અભિનંદન. પેરિસમાં તમારી સફળતાની ગુંજ દિલ્હી સુધી સ્પષ્ટ સંભળાય છે.” રાહુલે છેલ્લે હેશટેગ સાથે લખ્યું- ગો ફોર ગોલ્ડ.
જયરામે પૂછ્યું- શું નોન-બાયોલોજિક પીએમ વિનેશને કોલ કરશે?
કોંગ્રેસ મહાસચિવ અને સાંસદ જયરામ રમેશે પણ વિનેશ ફોગટની જીત પર કેન્દ્ર પર પ્રહારો કર્યા હતા. તેમણે એક પોસ્ટમાં લખ્યું, વિનેશનો પેરિસ ઓલિમ્પિકમાં સિલ્વર અથવા ગોલ્ડ મેડલ પાક્કો છે. શું નોન-બાયોલોજિકલ વડાપ્રધાન તેમને કોલ કરશે?
જયરામે આગળ લખ્યું, આનાથી પણ જરૂરી એ છે કે શું વડાપ્રધાન તે શરમજનક ઘટના માટે માફી માગશે, જ્યારે મહિલા પહેલવાનોના વિરોધ પ્રદર્શન દરમિયાન દિલ્હી પોલીસે તેમની સાથે ખરાબ વ્યવહાર કર્યો હતો?
વિનેશ આજે ગોલ્ડ માટે રમશે, સિલ્વર મેડલ પાક્કો
સેમિફાઇનલમાં વિનેશે ક્યુબાની ગુઝમેન લોપેઝનો સામનો કર્યો હતો.
વિનેશ ફોગાટ 50 કિગ્રા વજન કેટેગરીની ફાઇનલમાં પહોંચી છે. ઓલિમ્પિકના ઈતિહાસમાં પ્રથમ વખત કોઈ ભારતીય મહિલા રેસલર ફાઇનલમાં પહોંચી છે. તેનો સિલ્વર મેડલ કન્ફર્મ થઈ ગયો છે. તે આજે (7 ઓગસ્ટ) રાત્રે અમેરિકાની સારા એન હિલ્ડરબ્રાન્ડ સામે ગોલ્ડ મેડલ મેચ રમશે.
ફાઇનલમાં પહોંચવા માટે, વિનેશે મંગળવારે (6 ઓગસ્ટ) એક જ દિવસમાં વિશ્વની 3 ટોચની મહિલા કુસ્તીબાજોને હરાવ્યા. સેમિફાઇનલમાં વિનેશે ક્યુબાના કુસ્તીબાજ ગુઝમેન લોપેઝને 5-0થી હરાવી હતી. ક્વાર્ટર ફાઇનલમાં તેણે યુક્રેનની ઓક્સાના લિવાચને 7-5થી હરાવી. અગાઉ તેનો મુકાબલો ઓલિમ્પિક ગોલ્ડ મેડલ વિજેતા અને વિશ્વ ચેમ્પિયન જાપાનની યુઇ સુસાકી સાથે થયો હતો. વિનેશે સુસાકીને 3-2થી હરાવી હતી.
પૂનિયાએ કહ્યું- વિનેશ વિશ્વ જીતશે, પરંતુ પોતાના જ દેશમાં સિસ્ટમ સામે હારી ગઈ હતી
વિનેશ પેરિસ ઓલિમ્પિકમાં ફાઇનલમાં પહોંચ્યા પછી બજરંગ પુનિયાની પોસ્ટ
ભારતીય રેસલર બજરંગ પુનિયાએ વિનેશની જીત પર સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી હતી. પુનિયાએ લખ્યું, “વિનેશ ફોગાટ, ભારતની સિંહણ જેણે આજે 4 વખતની વર્લ્ડ ચેમ્પિયન અને વર્તમાન ઓલિમ્પિક ચેમ્પિયનને બેક ટુ બેક મેચમાં હરાવી. આ પછી, તેણે ક્વાર્ટર ફાઇનલમાં ભૂતપૂર્વ વર્લ્ડ ચેમ્પિયનને હરાવી, પરંતુ આ છોકરીને તેના જ દેશમાં લાતોથી કચડવામાં આવી હતી. આ છોકરીને તેના જ દેશમાં રસ્તા પર ઢસડવામાં આવી હતી. આ છોકરી દુનિયા જીતવાની છે, પરંતુ આ દેશમાં સિસ્ટમ સામે હારી ગઈ હતી.
વિનેશના કાકા દ્રોણાચાર્ય પુરસ્કાર વિજેતા મહાવીર ફોગાટે મીડિયાને કહ્યું, “વિનેશે જે કર્યું તે બ્રિજ ભૂષણ સિંહના મોઢા પર લાફો છે. બ્રિજ ભૂષણ તેને હરાવવા માટે ઘણી મહેનત કરી રહ્યો હતો, પરંતુ વિનેશની મહેનત રંગ લાવી છે. વિનેશે મારી 24 વર્ષની ઇચ્છા પૂરી કરી છે, તેને લેવા માટે હું પોતે એરપોર્ટ જઈશ.
રેસલર્સે રેસલિંગ એસોસિએશનના પ્રમુખ પર યૌન શોષણનો આરોપ લગાવ્યો હતો
બ્રિજ ભૂષણ (જમણેથી) સાક્ષી મલિક, વિનેશ ફોગાટ, બજરંગ પુનિયા અને સંગીતા ફોગાટ સામે વિરોધ કરી રહેલા કુસ્તીબાજો. જંતર-મંતર પર વિરોધ પ્રદર્શન દરમિયાન પત્રકારો સાથે વાતચીત કરતી વખતે આ તસવીર લેવામાં આવી હતી.
ભારતીય રમતોના દૃષ્ટિકોણથી વર્ષ 2023નો પ્રારંભિક મહિનો એક મોટા વિવાદને કારણે સમાચારમાં રહ્યો હતો. દેશના મોટા ઓલિમ્પિયન સહિત લગભગ 23 ખેલાડીઓએ રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયા (WFI)ના તત્કાલિન પ્રમુખ બ્રિજ ભૂષણ શરણ સિંહ પર શારીરિક શોષણના આરોપો લગાવ્યા હતા. બ્રિજભૂષણ શરણ સિંહ તે સમયે ભાજપના સાંસદ હતા.
વિરોધ ઘણા દિવસો સુધી ચાલુ રહ્યો અને તેનું નેતૃત્વ મુખ્યત્વે 3 કુસ્તીબાજો- બજરંગ પુનિયા, સાક્ષી મલિક અને વિનેશ ફોગાટ દ્વારા કરવામાં આવ્યું. કુસ્તીબાજો બજરંગ પુનિયા અને વિનેશ ફોગાટે તેમના સરકારી પુરસ્કારો ખેલ રત્ન અને અર્જુન એવોર્ડ દિલ્હીની ફૂટપાથ પર છોડી દીધા હતા. બંને કુસ્તીબાજોએ તેમને વડાપ્રધાનને સોંપવા પોલીસને વિનંતી કરી હતી.
વિનેશે પીએમ મોદીને મેડલ પરત કરવા કહ્યું હતું
બ્રિજભૂષણ સિંહના વિરોધ દરમિયાન પોલીસે 23 જુલાઈ 2023ના રોજ વિનેશ ફોગાટની પણ અટકાયત કરી હતી.
વિનેશ ફોગાટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને એક ઓપન લેટર લખ્યો હતો, જેમાં તેમણે કહ્યું હતું કે તે મેડલ પરત કરશે. આ પુરસ્કારોનો હવે મારા જીવનમાં કોઈ અર્થ નથી. આ પહેલા કુસ્તીબાજ સાક્ષી મલિકે રમતમાંથી નિવૃત્તિ લેવાની જાહેરાત કરી હતી.
કુસ્તીબાજ બજરંગ પુનિયાએ પણ પોતાનો પદ્મશ્રી એવોર્ડ સરકારને પરત કર્યો હતો. કુસ્તીબાજોના આરોપો પર બ્રિજભૂષણ શરણ સિંહ સામે આરોપો ઘડવામાં આવ્યા છે. દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટે પોતાની ટિપ્પણીમાં કહ્યું હતું કે તેમની વિરુદ્ધ પૂરતા પુરાવા છે.
વિનેશે કહ્યું હતું- હું મેડલ લાવીશ, બ્રિજભૂષણને બતાવીશ
હિન્દુસ્તાન ટાઈમ્સ અનુસાર, નવેમ્બર 2023માં વિનેશ ફોગાટે ESPN સાથે વાત કરતાં કહ્યું હતું કે, “મેં બજરંગ અને સાક્ષીને કહ્યું છે કે હું હજુ પણ લડીશ. હું મેડલ લાવીશ અને તેને (બ્રિજ ભૂષણ શરણ સિંહ) બતાવીશ. બંને. (બજરંગ અને સાક્ષી પાસે ઓલિમ્પિક મેડલ છે, મારી પાસે એક પણ નથી. જો હું સારી રીતે તાલીમ આપીશ તો મને કોઈ રોકી શકશે નહીં.”