- Gujarati News
- National
- SC Lalghum On Chandigarh Mayoral Election; Order To Preserve Entire Record Of Election Process Including Ballot Papers, Videography, Other Materials
2 કલાક પેહલા
- કૉપી લિંક
તાજેતરમાં યોજાયેલી ચંડીગઢ મેયરની ચૂંટણીને લઇને સુપ્રીમ કોર્ટે ભારે નારાજગી વ્યક્ત કરી છે. સુપ્રીમ કોર્ટે તેને લોકશાહીની હત્યા ગણાવી છે. કોર્ટે કહ્યું કે મેયરની ચૂંટણી યોગ્ય રીતે યોજવી એ સૌથી મહત્વપૂર્ણ છે. ચૂંટણી અધિકારી અનિલ મસીહને સુપ્રીમ કોર્ટે ફટકાર લગાવી છે. સુપ્રીમ કોર્ટે આદેશ આપ્યો છે કે મેયરની ચૂંટણીનો તમામ રેકોર્ડને જપ્ત કરીને પંજાબ અને હરિયાણા હાઇકોર્ટના રજિસ્ટાર જનરલ પાસે રાખવામાં આવે. બેલેટ પેપર અને વીડિયોગ્રાફીને સુરક્ષિત રાખવામાં આવે. AAP-કોંગ્રેસના સંયુક્ત ઉમેદવાર કુલદીપ કુમારે આ અરજી દાખલ કરી હતી. જેમાં તેમણે ભાજપના નવા ચૂંટાયેલા મેયર મનોજ સોનકરને હટાવીને ફરીથી ચૂંટણી કરાવવાની માગ કરી છે.
સુપ્રીમ કોર્ટે સમગ્ર મામલે નોટિસ ઇશ્યૂ કરી
અરજીમાં એવી દલીલ કરવામાં આવી હતી કે ચૂંટણી અધિકારી અનિલ મસીહે મત ગણતરીમાં છેડછાડ કરી હતી. કોંગ્રેસના નેતા અને વરિષ્ઠ વકીલ અભિષેક મનુ સિંઘવીએ તેમના વતી દલીલો રજૂ કરી હતી. સીજેઆઈ જસ્ટિસ ડી.વાય.ચંદ્રચુડે સુનાવણી દરમિયાન કહ્યું કે આ લોકશાહીની હત્યા કરવા જેવું છે. આ માણસ સામે કાર્યવાહી થવી જોઈએ. આ લોકશાહી સાથે મજાક છે. સાથે જ સુપ્રીમ કોર્ટે સમગ્ર મામલે નોટિસ ઇશ્યૂ કરી છે.

સ્પષ્ટ છે કે તેઓએ બેલેટ પેપરમાં ગડબડ કરી હતી
સીજેઆઈ જસ્ટિસ ચંદ્રચુડે વકીલ મનિન્દર સિંહને કહ્યું, “તે સ્પષ્ટ છે કે તેઓએ બેલેટ પેપરમાં ગડબડ કરી હતી. તેના પર કાર્યવાહી થવી જોઈએ, તે કેમેરા તરફ કેમ જોઈ રહ્યા છે, વકીલ સાહેબ, આ લોકશાહીની મજાક અને લોકશાહીની હત્યા છે, અમને નવાઈ લાગે છે. શું આ રિટર્નિંગ ઓફિસરનું વર્તન છે? જ્યાં પણ ક્રોસ નીચે હોય ત્યાં કઇ કરતા નથી અને જ્યારે તે ઉપર હોય ત્યારે તે તેને બદલે છે, કૃપા કરીને રિટર્નિંગ ઓફિસરને જણાવો કે સુપ્રીમ કોર્ટ તેના પર નજર રાખી રહી છે.
ચંડીગઢ કોર્પોરેશનની આગામી બેઠક સ્થગિત
સીજેઆઈએ પોતાના આદેશમાં વધુમાં કહ્યું કે એસજી તુષાર મહેતા કહે છે કે સમગ્ર રેકોર્ડ ચંડીગઢના ડેપ્યુટી કમિશનરને સોંપવામાં આવ્યો છે. ડેપ્યુટી કમિશનર તેને હાઇકોર્ટના રજિસ્ટ્રાર જનરલને સોંપશે. આ સાથે ચંડીગઢ મ્યુનિસિપલ કોર્પોરેશનની આગામી બેઠક આગામી તારીખ સુધી સ્થગિત કરવામાં આવી છે.

ચંડીગઢ મ્યુનિસિપલ કોર્પોરેશનના મેયરનું પરિણામ જાહેર થતાં જ ભાજપના મનોજ સોનકરને ખુરશી પર બેસાડવામાં આવ્યા હતા.
આગામી આદેશ સુધી બજેટ રજૂ નહી કરાય
આ દરમિયાન ચૂંટણી સંબંધિત તમામ દસ્તાવેજો આજે સાંજે 5 વાગ્યા સુધીમાં હાઇકોર્ટના રજિસ્ટ્રાર જનરલને સોંપવામાં આવશે. આ મામલે આગામી સપ્તાહે સોમવારે સુનાવણી થશે. કોર્ટના આદેશ બાદ ચંડીગઢ કોર્પોરેશનનું બજેટ મંગળવારે રજૂ કરવામાં આવશે નહીં. સુપ્રીમ કોર્ટે આગામી આદેશ સુધી બજેટ રજૂ ન કરવા જણાવ્યું છે.
ગઠબંધનના 8 મત અમાન્ય હતા
અગાઉ ચંડીગઢ મેયરની ચૂંટણીમાં એક સાંસદ અને 35 કાઉન્સિલરો સહિત 36 મત પડ્યા હતા. તેમાં ભાજપના 14 કાઉન્સિલરો, એક બીજેપી સાંસદ કિરણ ખેર, 1 અકાલી દળનો અને બાકીના 20 મત AAP અને કોંગ્રેસના કાઉન્સિલરોના હતા. બધાએ મતદાન કર્યું. મતગણતરી બાદ ચૂંટણી અધિકારીએ કહ્યું કે ભાજપને 16 મત મળ્યા છે. જ્યારે, AAP-કોંગ્રેસના ઉમેદવારને 12 મત મળ્યા, જ્યારે 8 મત અમાન્ય જાહેર કરાયા હતા.

મનોજ સોનકરે પણ કેવિયેટ દાખલ કરી હતી
ભાજપના નવા ચૂંટાયેલા મેયર મનોજ સોનકરે પણ સુપ્રીમ કોર્ટમાં કેવિયેટ દાખલ કરી છે. જેમાં કહેવામાં આવ્યું છે કે કુલદીપની અરજી પર કોઈ નિર્ણય લેતા પહેલા તેની પણ સુનાવણી કરવામાં આવે. તેમના વતી પૂર્વ કેન્દ્રીય મંત્રી સ્વ. સુષ્મા સ્વરાજની પુત્રી બાંસુરી ભારદ્વાજ દલીલો રજૂ કરશે.
હાઈકોર્ટમાંથી કોઈ રાહત મળી નથી
સુપ્રીમ કોર્ટમાં જતા પહેલા કુલદીપ કુમાર વતી પંજાબ અને હરિયાણા હાઈકોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી હતી. આ અંગે સુનાવણી દરમિયાન તેમને કોઈ રાહત મળી નથી. જેમાં જસ્ટિસ સુધીર સિંહ અને હર્ષ બાંગરની ડિવિઝન બેંચે ચૂંટણી પર રોક લગાવવાની AAPની માગને નકારી કાઢી હતી. તે જ સમયે ચંડીગઢ પ્રશાસનને નોટિસ જારી કરવામાં આવી હતી અને ત્રણ અઠવાડિયામાં જવાબ માંગવામાં આવ્યો હતો. કુલદીપ કુમાર વતી આ મામલે વહેલી તકે સુનાવણી કરવાની માગ કરવામાં આવી હતી. પરંતુ, હાઈકોર્ટ દ્વારા ચંડીગઢ પ્રશાસનને ત્રણ અઠવાડિયાનો સમય આપવામાં આવ્યો છે. હવે આ મામલે પંજાબ અને હરિયાણા હાઈકોર્ટમાં 26 ફેબ્રુઆરીએ સુનાવણી થવાની છે.

આ કારણે મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો હતો
AAP કાઉન્સિલરે વચગાળાની રાહત નકારવા અને અરજીને ત્રણ અઠવાડિયાનો સમય આપવા સામે સુપ્રીમ કોર્ટમાં અપીલ દાખલ કરી હતી. હાઈકોર્ટમાં આ કેસની સુનાવણી 26 ફેબ્રુઆરી સુધી મુલતવી રાખવામાં આવી છે. હાઈકોર્ટમાં દાખલ કરાયેલી અરજી અનુસાર, AAP ઉમેદવારે નિવૃત્ત ન્યાયાધીશની દેખરેખ હેઠળ મુક્ત અને નિષ્પક્ષ રીતે નવી ચૂંટણીઓ કરાવવાની માગ કરી છે.
ડેપ્યુટી મેયરની ચૂંટણીને લઈને કોંગ્રેસ અરજી કરશે
કોંગ્રેસ સિનિયર ડેપ્યુટી મેયર અને ડેપ્યુટી મેયરની ચૂંટણીને લઈને પંજાબ અને હરિયાણા હાઈકોર્ટમાં અરજી દાખલ કરવા જઈ રહી છે. બંને પદો પર ભાજપના ઉમેદવારો કુલજીતસિંહ સંધુ અને રાજેન્દ્ર શર્માની જીતને કોંગ્રેસ પડકારશે. કોંગ્રેસે ગઠબંધનના સમર્થનથી ગુરપ્રીત ગાવી અને નિર્મલા દેવીને આ બંને પદો માટે પોતાના ઉમેદવાર બનાવ્યા હતા, પરંતુ વિપક્ષના વોકઆઉટ બાદ ભાજપના બંને ઉમેદવારો જીતી ગયા હતા.