શ્રીનગર12 કલાક પેહલા
- કૉપી લિંક
જમ્મુ-કાશ્મીરના કિશ્તવાડના કેશવાન અને તેની આસપાસના વિસ્તારોના ગાઢ જંગલોમાં સુરક્ષા દળોએ સોમવારે સવારે ફરી સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે.
રવિવારે અહીં 3-4 આતંકીઓ છુપાયા હોવાના સમાચાર મળ્યા હતા, ત્યારબાદ સેનાએ શોધખોળ કરી અને આતંકીઓએ ફાયરિંગ શરૂ કરી દીધું. ગોળીબાર ચાર કલાકથી વધુ સમય સુધી ચાલ્યો હતો.
જવાબી કાર્યવાહી દરમિયાન પેરા સ્પેશિયલ ફોર્સના 4 જવાનો ઘાયલ થયા હતા. નાયબ સુબેદાર રાકેશ કુમાર સારવાર દરમિયાન શહીદ થયા હતા.
સેનાના જણાવ્યા અનુસાર કેશવાન ફોરેસ્ટમાં છુપાયેલા આતંકીઓ કાશ્મીર ટાઈગર્સ ગ્રુપના છે. આ લોકોએ જ 7મી નવેમ્બરે 2 વિલેજ ગાર્ડની હત્યા કરી હતી.
સોપોરમાં 2 દિવસમાં 3 એન્કાઉન્ટર, 3 આતંકવાદીઓ માર્યા ગયા
છેલ્લા 2 દિવસમાં સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે 3 એન્કાઉન્ટર થયા છે. નવેમ્બરના 10 દિવસમાં સેનાએ 8 આતંકીઓને ઠાર કર્યા છે. સોપોરમાં 8 નવેમ્બરે બે આતંકવાદીઓ માર્યા ગયા હતા અને 9 નવેમ્બરે એક આતંકવાદી માર્યો ગયો હતો. આ વિસ્તારોમાં સુરક્ષા દળો હાઈ એલર્ટ પર છે.
ઘાટીમાં છેલ્લા 10 દિવસમાં આતંકવાદી ઘટનાઓ અને એન્કાઉન્ટર
- 10 નવેમ્બર – કિશ્તવાડમાં એક જવાન શહીદ: કેશવાનના જંગલોમાં 3-4 આતંકવાદીઓ છુપાયા હોવાના સમાચાર પર સુરક્ષા દળોએ સર્ચ ઓપરેશન શરૂ કર્યું. એન્કાઉન્ટર દરમિયાન સેકન્ડ પેરા એસએફ સૈનિક નાયબ સુબેદાર રાકેશ કુમાર શહીદ થયા હતા.
- 9 નવેમ્બર- સોપોરમાં સેનાએ એક આતંકવાદીને ઠાર કર્યો: રામપુરના જંગલમાં 2-3 આતંકવાદીઓ છુપાયા હોવાની માહિતી મળી હતી. ત્યારથી સુરક્ષા દળોનું સંયુક્ત સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે. આ દરમિયાન આતંકીઓએ સુરક્ષા દળો પર ગોળીબાર કર્યો હતો. જવાબી ગોળીબારમાં એક આતંકવાદી માર્યો ગયો હતો.
- 8 નવેમ્બર- સગીપોરા અને પાણીપોરામાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું: સોપોરમાં સુરક્ષા દળો દ્વારા 2 આતંકવાદીઓ માર્યા ગયા. સેનાએ સગીપોરા અને પાણીપોરામાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. સોપોરના આ વિસ્તારોમાં 7 નવેમ્બરની રાતથી એન્કાઉન્ટર ચાલી રહ્યું હતું. અહીં 2-3 આતંકવાદીઓ છુપાયા હોવાના સમાચાર હતા. કાશ્મીરના આઈજીપી વીકે બિરડીએ કહ્યું હતું કે આ ઓપરેશનમાં 2 આતંકવાદીઓ માર્યા ગયા છે. તેમની પાસેથી મોટી માત્રામાં હથિયારો અને દારૂગોળો અને ગુનાહિત દસ્તાવેજો મળી આવ્યા હતા.
- નવેમ્બર 7- જૈશ આતંકવાદીઓએ 2 વિલેજ ગાર્ડની હત્યા કરી: આતંકવાદીઓએ કિશ્તવાડના અધવારી વિસ્તારમાં 2 વિલેજ ગાર્ડની હત્યા કરી. પોલીસે જણાવ્યું હતું કે મુંજાલા ધાર જંગલમાં પશુઓ ચરાવવા ગયેલા વિલેજ ગાર્ડનું આતંકવાદીઓએ અપહરણ કરી તેમને ગોળી મારી હતી.
- મૃતકોની ઓળખ નઝીર અહેમદ અને કુલદીપ કુમાર તરીકે થઈ હતી, જેઓ ઓહલી-કુંતવાડાના વિલેજ ડિફેન્સ ગાર્ડ હતા. શુક્રવારે બંનેના મૃતદેહ કેશવન બેલ્ટના પોંડગવારી વિસ્તારમાં એક નાળા પાસે પડેલા મળી આવ્યા હતા.
- 5 નવેમ્બર- બાંદીપોરામાં એન્કાઉન્ટરઃ પોલીસ અને સેનાના જવાનોએ સર્ચ ઓપરેશન હાથ ધર્યું. અથડામણમાં એક આતંકવાદી માર્યો ગયો હતો.
- 3 નવેમ્બર- શ્રીનગરના રવિવાર બજારમાં ગ્રેનેડ વિસ્ફોટ: ટુરિસ્ટ રિસેપ્શન સેન્ચર પાસે વિલ્ફોટ થયો હતો. જેમાં 12 લોકો ઘાયલ થયા હતા. ઘટના બાદ તરત જ હુમલાખોરોને પકડવા માટે સમગ્ર વિસ્તારને કોર્ડન કરી લેવામાં આવ્યો હતો.
- 1-2 નવેમ્બરના રોજ 3 એન્કાઉન્ટર: 36 કલાકની અંદર, શ્રીનગર, બાંદીપોરા અને અનંતનાગમાં સેના અને આતંકવાદીઓ વચ્ચે 3 એન્કાઉન્ટર થયા. શ્રીનગરમાં લશ્કરનો કમાન્ડર માર્યો ગયો હતો. અનંતનાગમાં સેનાએ 2 આતંકીઓને ઠાર કર્યા હતા.