ચેન્નાઈ3 મિનિટ પેહલા
- કૉપી લિંક
તામિલનાડુના સીએમ એમકે સ્ટાલિને રાજ્યના લોકોને શક્ય તેટલી વહેલી તકે બાળકો પેદા કરવાની અપીલ કરી છે. તેમણે કહ્યું- પહેલા આપણે કહેતા હતા કે, આરામથી બાળકો પેદા કરો, પરંતુ હવે પરિસ્થિતિઓ બદલાઈ ગઈ છે, તેથી તાત્કાલિક બાળકો પેદા કરવાની જરૂર છે.
રાજ્યમાં વસ્તી આધારિત સીમાંકનને કારણે રાજ્યમાં લોકસભા બેઠકોની સંખ્યામાં ઘટાડો થઈ શકે છે, જેનાથી રાજ્યનું રાજકીય પ્રતિનિધિત્વ ઘટશે. તામિલનાડુની સફળ ફેમિલી પ્લાનિંગ પોલિસી હવે રાજ્ય માટે હાનિકારક સાબિત થઈ રહી છે.
સ્ટાલિને તામિલનાડુના ભવિષ્ય અંગે ચર્ચા કરવા માટે 5 માર્ચે સર્વપક્ષીય બેઠક બોલાવી છે. તેમણે તમામ વિપક્ષી પક્ષોને જોડાવા અપીલ કરી અને કહ્યું કે આપણે આ મુદ્દા પર એક થવું પડશે અને આપણા અધિકારોનું રક્ષણ કરવું પડશે.
હકીકતમાં, સ્ટાલિન સોમવારે નાગપટ્ટિનમ જિલ્લાના પાર્ટી સેક્રેટરીના લગ્નની વર્ષગાંઠમાં હાજરી આપવા પહોંચ્યા હતા. અહીં તેમણે રાજ્યના લોકોને વધુ બાળકો પેદા કરવાની અપીલ કરી હતી.

ફેમિલી પ્લાનિંગ પોલિસીથી રાજ્યને નુકસાન 25 ફેબ્રુઆરીએ કેબિનેટની બેઠક બાદ બોલતા સ્ટાલિને એ વાત પર પણ ભાર મૂક્યો હતો કે તામિલનાડુમાં ફેમિલી પ્લાનિંગ પોલિસીને સફળતાપૂર્વક લાગુ કર્યા પછી, રાજ્ય હવે નુકસાનની સ્થિતિમાં છે. જો વસ્તી ગણતરીના આધારે સીમાંકન લાગુ કરવામાં આવે તો તામિલનાડુ આઠ સાંસદો ગુમાવશે. આનાથી સંસદમાં તામિલનાડુનું પ્રતિનિધિત્વ ઘટશે.
સીમાંકન શું છે? સીમાંકન એટલે લોકસભા અને વિધાનસભા બેઠકોની સીમાઓ નક્કી કરવાની પ્રક્રિયા. સીમાંકન માટે એક કમિશનની રચના કરવામાં આવે છે. અગાઉ 1952, 1693, 1973 અને 2002માં પણ કમિશનની રચના થઈ ચૂકી છે.
લોકસભા બેઠકો માટે સીમાંકન પ્રક્રિયા 2026થી શરૂ થશે. આવી સ્થિતિમાં 2029ની લોકસભા ચૂંટણીમાં લગભગ 78 બેઠકોનો વધારો થવાની શક્યતા છે. દક્ષિણના રાજ્યોએ વસ્તી આધારિત સીમાંકનનો વિરોધ કર્યો છે. તેથી, સરકાર પ્રમાણસર સીમાંકન તરફ આગળ વધશે, જેમાં વસ્તી સંતુલન જાળવવા માટે એક માળખું તૈયાર કરવામાં આવી રહ્યું છે.
સીમાંકનનું માળખું શું હશે? સીમાંકન પંચ પહેલાં સરકારે માળખા પર કામ કરવાનું શરૂ કરી દીધું છે. પ્રતિનિધિત્વ અંગેની હાલની વ્યવસ્થા સાથે ચેડા કરવામાં આવશે નહીં, તેના બદલે વસ્તી વિષયક સંતુલનને ધ્યાનમાં રાખીને એક વ્યાપક માળખા પર વિચાર કરવામાં આવી રહ્યો છે.

બેઠકોમાં શું ફેરફાર થશે? તામિલનાડુ-પુડુચેરીમાં 40 લોકસભા બેઠકો છે. ઉત્તર પ્રદેશમાં હાલની 80 બેઠકોમાં 14 બેઠકો વધે તો આમાંથી અડધી એટલે કે 7 બેઠક તામિલનાડુ-પુડુચેરીમાં વધારવી પ્રમાણસર પ્રતિનિધિત્વ છે. એટલે કે, બેઠકો વધારવા માટે વસ્તી એકમાત્ર વિકલ્પ નથી.
વસ્તીના આધારે હિન્દી પટ્ટામાં જેટલી બેઠકો વધશે, તેટલા જ પ્રમાણમાં વસ્તી નિયંત્રિત કરતા રાજ્યોમાં પણ બેઠકો વધશે. એક લોકસભામાં 20 લાખની વસ્તી માટે એક સાંસદ હશે, જ્યારે બીજી જગ્યાએ 10-12 લાખની વસ્તી માટે એક સાંસદ હશે.
લઘુમતી બહુમતી બેઠકોનું શું થશે? દેશની 85 લોકસભા બેઠકો પર લઘુમતી વસ્તી 20% થી 97% સુધીની છે. સૂત્રોના જણાવ્યા અનુસાર આ બેઠકો પર વસ્તી વિષયક સંતુલન જાળવવા માટે સીમાંકન હેઠળ લોકસભા મતવિસ્તારો નવેસરથી બનાવવામાં આવી શકે છે.
મહિલા અનામત પછી શું થશે? 1977થી લોકસભા બેઠકોની સંખ્યા ફ્રીઝ છે, પરંતુ હવે મહિલાઓને 33 ટકા અનામત આપ્યા પછી તેને ડિફ્રીઝ કરવું જરૂરી છે. જે રાજ્યોએ વસ્તી વૃદ્ધિ દરને અસરકારક રીતે નિયંત્રિત કર્યો છે તેમણે ચેતવણી આપી છે કે તેઓ આ આધાર પર તેમની બેઠકોમાં કોઈપણ ઘટાડાનો વિરોધ કરશે.