નવી દિલ્હી4 મિનિટ પેહલા
- કૉપી લિંક
નવી દિલ્હી રેલવે સ્ટેશન પર શનિવારે રાત્રે થયેલી નાસભાગમાં 18 લોકોના મોત થયા હતા. મહાકુંભમાં જવા માટે સેંકડો લોકો પ્લેટફોર્મ પર હતા.
નવી દિલ્હી રેલ્વે સ્ટેશન પર શનિવારે રાત્રે લગભગ 9:26 વાગ્યે થયેલી નાસભાગમાં 18 લોકોના મોત થયા હતા. મૃતકોમાં 14 મહિલાઓ અને 4 પુરુષોનો સમાવેશ થાય છે. તેમાં 4 બાળકો પણ છે. 25થી વધુ લોકો ઘાયલ થયા છે. જોકે, વહીવટીતંત્રે 15 ઘાયલ લોકોની યાદી જાહેર કરી છે.
મૃતકોને દિલ્હીની આરએમએલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા. સ્ટાફ સૂત્રોના જણાવ્યા અનુસાર, મોટાભાગના મૃતદેહોની છાતી અને પેટ પર ઈજાના નિશાન હતા. તેમનું ગૂંગળામણથી મૃત્યુ થયું હતું.
બીજી બાજુ નાસભાગ શા માટે થઈ તે અંગેના ત્રણ સરકારી નિવેદનોએ તપાસને જટિલ બનાવી દીધી છે. હકીકતમાં, દિલ્હી પોલીસનું કહેવું છે કે પ્રયાગરાજ નામની બે ટ્રેનો હતી. તેમાંથી એક સ્પેશિયલની પ્લેટફોર્મ 16 પર પહોંચવાની જાહેરાત થઈ. ત્યારે પ્રયાગરાજ (મગધ) એક્સપ્રેસ પ્લેટફોર્મ 14 પર ઉભી હતી. જે યાત્રી 14 પર જઈ રહ્યા હતા, તે જાહેરાત સાંભળીને 16 તરફ દોડ્યા.
દરમિયાન, ઉત્તર રેલ્વેના સીપીઆરઓએ જણાવ્યું હતું કે પ્લેટફોર્મ 14-15ના ફૂટઓવર બ્રિજ પર એક મુસાફરનો પગ લપસ્યો અને પરિસ્થિતિ વધુ વણસી ગઈ. જ્યારે કેન્દ્રીય મંત્રી સુકાંત મજુમદાર કહે છે કે નાસભાગની અફવા ફેલાવવાના એંગલની પણ તપાસ કરી રહ્યા છીએ.
જોકે, પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, ટ્રેનનો પ્લેટફોર્મ નંબર 14થી બદલીને 16 કરવામાં આવ્યો હતો. આના કારણે નાસભાગ મચી ગઈ.
તપાસ કમિટીની રચના, CCTV ફૂટેજ સીલ
દુર્ઘટના પ્લેટફોર્મ નંબર 13, 14 અને 15 વચ્ચે થયો હતો. મહાકુંભમાં જવા માટે સાંજે 4 વાગ્યાથી સ્ટેશન પર ભીડ એકઠી થવા લાગી હતી. રાત્રે લગભગ 8.30 વાગ્યે પ્રયાગરાજ જતી 3 ટ્રેનો મોડી પડી, જેના કારણે ભીડ વધી ગઈ.
રેલવેએ દુર્ઘટનાની તપાસ માટે બે સભ્યોની કમિટીની રચના કરી છે. તેમાં ઉત્તર રેલવેના બે અધિકારીઓ, નરસિંહ દેવ અને પંકજ ગંગવારનો સમાવેશ કરવામાં આવ્યો છે. કમિટીએ નવી દિલ્હી રેલ્વે સ્ટેશનના તમામ CCTV વીડિયો ફૂટેજ સુરક્ષિત રાખવાનો આદેશ આપ્યો છે.
દરમિયાન, દિલ્હી પોલીસે પણ ઘટનાની તપાસ શરૂ કરી દીધી છે. તપાસની જવાબદારી ડીસીપી રેન્કના અધિકારીને સોંપવામાં આવી છે. દિલ્હી એનસીઆરના મોટાભાગના ટીટીને નવી દિલ્હી સ્ટેશન પર બોલાવવામાં આવ્યા છે. તે બધાને પ્લેટફોર્મ પર વ્યવસ્થા કરવાની જવાબદારી સોંપવામાં આવી છે.

તે 3 મોટા કારણ… જેના કારણે પરિસ્થિતિ વધુ વણસી અને જીવ ગયા
- પ્રયાગરાજ સ્પેશિયલ ટ્રેન, ભુવનેશ્વર રાજધાની અને સ્વતંત્ર સેનાની એક્સપ્રેસ. ત્રણેય પ્રયાગરાજ જઈ રહી હતી. બે ટ્રેનો ભુવનેશ્વર રાજધાની અને સ્વતંત્ર સેનાની મોડી હતી. પ્લેટફોર્મ-14 પર આ ત્રણેય ટ્રેનોની ભીડ હતી. જ્યારે પ્રયાગરાજ સ્પેશિયલ ટ્રેન અહીં પહોંચી, ત્યારે જાહેરાત કરવામાં આવી કે ભુવનેશ્વર રાજધાની પ્લેટફોર્મ નં. 16 પર આવી રહી છે. આ સાંભળીને, 14 પર હાજર ભીડ 16 તરફ દોડી ગઈ.
- ટિકિટ કાઉન્ટર પર ઘણા લોકો હતા. આમાંથી 90% પ્રયાગરાજ જઈ રહ્યા હતા. અચાનક ટ્રેન આવવાની જાહેરાત થઈ અને લોકો ટિકિટ વગર પ્લેટફોર્મ તરફ દોડી ગયા. આના કારણે નાસભાગ મચી ગઈ.
- બે વિકેન્ડથી કુંભમાં જનારા લોકોની ભીડ થઈ રહી હતી, પરંતુ સ્ટેશન પ્રશાસને કોઈ કંટ્રોલ રૂમ બનાવ્યો ન હતો. શનિવારે પણ સાંજે 7 વાગ્યાથી ભીડ વધવા લાગી, પરંતુ કોઈએ ધ્યાન આપ્યું નહીં.

નાસભાગ પછી કેટલાક મુસાફરો બેભાન જોવા મળ્યા, જ્યારે કેટલાક સંબંધીઓને શોધી રહ્યા હતા.
ત્રણ પ્રત્યક્ષદર્શીઓના નિવેદન…
પોલીસે કહ્યું- જીવ બચાવવો હોય તો પાછા જાઓ: પ્રત્યક્ષદર્શીઓએ જણાવ્યું કે સ્ટેશન પર એટલી ભીડ હતી કે પગ મૂકવાની પણ જગ્યા નહોતી. ટ્રેન લોકોથી ખીચોખીચ ભરેલી હતી. કેટલાક પોલીસકર્મીઓ દેખાતા હતા. પોલીસકર્મીઓ લોકોને કહી રહ્યા હતા કે પોતાનો જીવ બચાવવા માંગતા હોય તો પાછા જતા રહો. તમારા પૈસા નથી ગયા. તમારો જીવ બચેલો છે.
કન્ફર્મ ટિકિટવાળા પણ ડબ્બામાં પ્રવેશી શક્યા નહીં: પ્રયાગરાજ જઈ રહેલા પ્રમોદ ચૌરસિયાએ કહ્યું કે મારી પાસે પુરુષોત્તમ એક્સપ્રેસની સ્લીપર ટિકિટ છે. પરંતુ એટલી બધી ભીડ હતી કે કન્ફર્મ ટિકિટ ધરાવતા લોકો પણ ડબ્બામાં પ્રવેશી શક્યા નહીં. ત્યાં એટલી બધી ધક્કામુક્કી હતી કે અમે માંડ-માંડ કોઈક રીતે ભીડમાંથી બહાર નીકળવામાં સફળ રહ્યા.
ટ્રેનો રદ અને મોડી પડવાથી ભીડ વધી: પ્રત્યક્ષદર્શી ધર્મેન્દ્ર સિંહે કહ્યું કે હું પણ પ્રયાગરાજ જઈ રહ્યો હતો. બે ટ્રેનો પહેલેથી જ મોડી ચાલી રહી હતી, કેટલીક રદ કરવામાં આવી હતી. તેથી સ્ટેશન પર ભારે ભીડ હતી. મારા જીવનમાં પહેલી વાર મેં આ સ્ટેશન પર આટલી ભીડ જોઈ. મેં પોતે છ-સાત મહિલાઓને સ્ટ્રેચર પર લઈ જતા જોઈ.
રેલ્વે અધિકારીઓએ જણાવ્યું- મુસાફરો સીડી પર લપસી ગયા, જેના કારણે દુર્ઘટના થઈ ઉત્તર રેલવેના અધિકારી હિમાંશુ શેખર ઉપાધ્યાયે જણાવ્યું હતું કે- ગઈકાલે જ્યારે આ દુ:ખદ ઘટના બની ત્યારે પટના તરફ જતી મગધ એક્સપ્રેસ નવી દિલ્હી રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 14 પર ઉભી હતી, અને જમ્મુ તરફ જતી ઉત્તર સંપર્ક ક્રાંતિ પ્લેટફોર્મ નંબર 15 પર ઉભી હતી.
આ દરમિયાન, પ્લેટફોર્મ 14-15 તરફ આવી રહેલો એક મુસાફર સીડી પરથી લપસીને નીચે પડી ગયો, અને તેની પાછળ ઉભેલા ઘણા મુસાફરો તેની ચપેટમાં આવી ગયા, અને આ દુ:ખદ ઘટના બની. કોઈ ટ્રેન રદ કરવામાં આવી ન હતી, કે પ્લેટફોર્મમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યા ન હતા. આ ઘટનાની તપાસ કરવામાં આવી રહી છે.
LGએ પહેલા શ્રદ્ધાંજલિ આપી… પછી અડધા કલાકમાં જ પોતાનું ટ્વિટ બદલી નાખ્યું

દિલ્હીના LG વીકે સક્સેનાએ રાત્રે 11:55 વાગ્યે ટ્વિટ કર્યું, ‘નવી દિલ્હી રેલ્વે સ્ટેશન પર ભાગદોડને કારણે ઘણા લોકો માર્યા ગયા છે અને ઘણા ઘાયલ થયા છે.’ આ ઘટના પર અમે મૃતકોના પરિવારજનો પ્રત્યે ઊંડી સંવેદના વ્યક્ત કરીએ છીએ.
પછી બપોરે 12:24 વાગ્યે, તેમણે પોતાનું ટ્વીટ એડિટ કર્યું અને લખ્યું – ‘નવી દિલ્હી રેલ્વે સ્ટેશન પર એક દુર્ભાગ્યપૂર્ણ ઘટના બની છે.’ આ પરિસ્થિતિને સંભાળવા માટે મુખ્ય સચિવ અને પોલીસ કમિશનર સાથે વાત કરવામાં આવી છે.
એલજી વીકે સક્સેનાએ મૃત્યુ અને શોક વ્યક્ત કરવા અંગેની વાત હટાવી દીધી હતી. જોકે, પીએમ નરેન્દ્ર મોદીએ બપોરે 12:56 વાગ્યે ટ્વિટ કર્યું- ‘નવી દિલ્હી રેલ્વે સ્ટેશન પર થયેલી નાસભાગથી દુઃખી છું.’ જેમણે પોતાના પ્રિયજનો ગુમાવ્યા છે તેમના પ્રત્યે મારી સંવેદના. ઘાયલો જલ્દી સ્વસ્થ થાય તેવી પ્રાર્થના કરું છું.
દુર્ઘટના સંબંધિત 4 તસવીર…
ભીડ

નવી દિલ્હી રેલ્વે સ્ટેશનના પ્લેટફોર્મ પર ભારે ભીડ એકઠી થઈ હતી.

ભીડમાં કેટલાક લોકો બાળકોને સાથે લાવ્યા હતા.
નાસભાગ

ભીડમાં નાસભાગ મચી ગઈ. લોકો જમીન પર પડી ગયા. કેટલાક તેમના ઉપર ચઢી ગયા.
મૃત્યુ

ભાગદોડ પછી, પ્લેટફોર્મ પર મહિલાઓના મૃતદેહ જોવા મળ્યા.
શોક

દુર્ઘટનામાં જીવ ગુમાવનારા લોકોના પરિવારજનો શોકમાં ડૂબી ગયા.
દુર્ઘટનાના એક દિવસ પછીની પરિસ્થિતિ

દુર્ઘટનાના બીજા દિવસે રવિવારે પણ નવી દિલ્હી રેલ્વે સ્ટેશન પર ભીડ હતી.
નાસભાગ સંબંધિત આ સમાચાર પણ વાંચો…
દિલ્હી નાસભાગ: હોસ્પિટલથી આંખે જોયેલો અહેવાલ:દરેક મૃતદેહ સાથે એક-એક પોલીસકર્મી, ઓળખ માટે લાશ નહીં ફોટા બતાવ્યા; પીડિતોએ કહ્યું- રોકકળ કરતા પણ અમને રોક્યા

નવી દિલ્હી રેલવે સ્ટેશન પર થયેલી ભાગદોડના લગભગ 2 કલાક પછી, ભાસ્કરની ટીમ રાત્રે લગભગ 11:30 વાગ્યે લોક નાયક જય પ્રકાશ હોસ્પિટલ (LNJP) પહોંચી. હોસ્પિટલના ગેટ નંબર 4માંથી ફક્ત એમ્બ્યુલન્સ જ પ્રવેશી રહી હતી, જેમાં સાયરન વાગી રહી હતી. દિલ્હી પોલીસ ચારે બાજુ બેરિકેડ સાથે તૈનાત હતી. અહીંથી મીડિયાના પ્રવેશ પર સંપૂર્ણપણે પ્રતિબંધ હતો, ફક્ત મીડિયા જ નહીં પરંતુ દર્દીઓનો પ્રવેશ પણ આ ગેટથી બંધ હતો. વાંચો સંપૂર્ણ સમાચાર
ભાગદોડમાં દીકરીના માથામાં ખીલી ઘુસી:ડૉક્ટરે કહ્યું- કાશ તમે થોડા વહેલા આવ્યા હોત; તૂટેલા મોબાઈલમાં પુત્રીનો ફોટો બતાવીને પિતા રડી પડ્યા

શનિવારે રાત્રે નવી દિલ્હી રેલવે સ્ટેશન પર થયેલી ભાગદોડમાં 18 લોકોના મોત થયા હતા. આમાં પુરુષો, સ્ત્રીઓ અને 4 બાળકોનો સમાવેશ થાય છે. આ અકસ્માતમાં ઉત્તર પ્રદેશના ઉન્નાવના રહેવાસી ઓપિલ સિંહની 7 વર્ષની પુત્રી રિયાનું પણ મોત થયું હતું. ભાગદોડ દરમિયાન, એક ખીલી રિયાના માથામાં ઘુસી ગઈ હતી. વાંચો સંપૂર્ણ સમાચાર
દિલ્હી નાસભાગ પછીના કાળજું કંપાવતા 5 VIDEO:ચારેબાજુ ચિચિયારી, કચડીને ભાગતા લોકો; પગ મૂકવાની પણ જગ્યા નહતી, ત્યાં 3 કલાક પછી મૌન પ્રસરી ગયું

નવી દિલ્હી રેલ્વે સ્ટેશન પર શનિવારે રાત્રે લગભગ 9:26 કલાકે નાસભાગ મચી હતી. આ અકસ્માતમાં 18 લોકોના મોત થયા હતા. જ્યારે 25થી વધુ લોકો ઘાયલ થયા. આ અકસ્માતના ઘણા વીડિયો સામે આવ્યા છે. જેમાં જોઈ શકાય છે કે કેવી રીતે ભીડ વધવાને કારણે અકસ્માત થયો. પ્રયાગરાજ જતી બે ટ્રેન પ્લેટફોર્મ 14 પર મોડી પડી હતી, જેના કારણે ભીડ વધવા લાગી હતી. વાંચો સંપૂર્ણ સમાચાર