અયોધ્યા39 મિનિટ પેહલા
- કૉપી લિંક
અયોધ્યામાં રામલલ્લાના કપાળ પર સૂર્ય તિલકની ટ્રાયલ હાથ ધરવામાં આવી. સૂર્યનાં કિરણો અરીસા દ્વારા ભગવાનના મસ્તક પર પડ્યાં. રામનવમીના દિવસે 17 એપ્રિલે બપોરે બરાબર 12 વાગ્યે સૂર્યનાં કિરણોથી રામલલ્લાનું તિલક કરવામાં આવશે. આ પહેલાં શુક્રવારે બપોરે બરાબર 12 વાગ્યે વૈજ્ઞાનિકોની હાજરીમાં ટ્રાયલ કરવામાં આવી હતી, જે સફળ રહી હતી. એનો વીડિયો પણ સામે આવ્યો છે.
એક મિનિટ 19 સેકન્ડના વીડિયોમાં રામલલ્લાના મુખ્ય પૂજારી આચાર્ય સત્યેન્દ્ર દાસ ભગવાનની આરતી કરી રહ્યા છે. દરમિયાન સૂર્યનાં કિરણો રામલલ્લાના લલાટે સુશોભિત થતાં જોવા મળે છે. રામ સિયારામ, સિયારામ જય જય રામની ધૂન વાગી રહી છે.
ટ્રાયલનાં 2 દૃશ્ય-
સૂર્યતિલક વખતે ભગવાન રામલલ્લાની આરતી કરવામાં આવી હતી.
રામલલ્લાના મુખ્ય પૂજારી આચાર્ય સત્યેન્દ્ર દાસ આરતી કરી રહ્યા છે.
રામલલ્લાના મુખ્ય પૂજારી આચાર્ય સત્યેન્દ્ર દાસે કહ્યું કે વૈજ્ઞાનિકો દ્વારા કરવામાં આવેલી સફળ ટ્રાયલ બાદ સ્પષ્ટ છે કે ભગવાન રામલલ્લાનું સૂર્યતિલક આ વખતે રામનવમીના અવસર પર કરવામાં આવશે. અગાઉ એવું અનુમાન કરવામાં આવી રહ્યું હતું કે મંદિરનું સંપૂર્ણ નિર્માણ થયા બાદ જ સૂર્યતિલક શક્ય બનશે, પરંતુ, વૈજ્ઞાનિકોએ શુક્રવારે સફળતાપૂર્વક સૂર્યનાં કિરણોને ભગવાનના મસ્તક સુધી પહોંચાડ્યાં.
‘ત્રેતાયુગનું દૃશ્ય હવે કળિયુગમાં પણ સાકાર થઈ રહ્યું છે’
આચાર્ય સત્યેન્દ્ર દાસે જણાવ્યું હતું કે જ્યારે અમે ભગવાન રામની આરતી કરી રહ્યા હતા અને સૂર્ય ભગવાન તેમના કપાળ પર રાજતિલક કરી રહ્યા હતા ત્યારે એ દૃશ્ય ખૂબ જ અદભુત લાગી રહ્યું હતું. વૈજ્ઞાનિકોએ જે રીતે પ્રયાસ કર્યો એ ખૂબ જ પ્રશંસનીય છે. સૂર્યનાં કિરણો ભગવાન રામલલ્લાના કપાળ પર પડે છે. સૂર્યના કિરણો ભગવાન રામના કપાળ પર પડતાં જ સ્પષ્ટ થઈ ગયું કે ભગવાન સૂર્યનો ઉદય થઈ રહ્યો છે. એટલું જ નહીં ત્રેતાયુગમાં પણ જ્યારે ભગવાન રામનો જન્મ થયો ત્યારે સૂર્ય ભગવાન 1 મહિના સુધી અયોધ્યામાં રહ્યા હતા. ત્રેતાયુગનું એ દૃશ્ય હવે કળિયુગમાં પણ સાકાર થઈ રહ્યું છે.
રામલલ્લાના મુખ્ય પૂજારી આચાર્ય સત્યેન્દ્ર દાસ.
આ રીતે કિરણો ગર્ભગૃહ સુધી પહોંચશે
આ સિસ્ટમ IIT રૂરકીની સેન્ટ્રલ બિલ્ડિંગ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા બનાવવામાં આવી છે. પ્રોજેક્ટ વૈજ્ઞાનિક દેવદત્ત ઘોષના જણાવ્યા અનુસાર, તે સૂર્યનો માર્ગ બદલવાના સિદ્ધાંતો પર આધારિત છે. તેમાં રિફ્લેક્ટર, 2 મિરર્સ, 3 લેન્સ છે અને કિરણો બ્રાસ પાઇપ દ્વારા માથા સુધી પહોંચશે.
ગિયર સેકન્ડોમાં કિરણોની ઝડપને બદલી દેશે
સીબીઆરઆઈના વૈજ્ઞાનિક ડૉ. પ્રદીપ ચૌહાણે જણાવ્યું કે રામ નવમીની તારીખ ચંદ્ર કેલેન્ડર દ્વારા નક્કી કરવામાં આવે છે. સૂર્ય તિલક સમયસર થાય તેની ખાતરી કરવા માટે, સિસ્ટમમાં 19 ગિયર્સ ઇન્સ્ટોલ કરવામાં આવ્યા છે, જે સેકન્ડમાં મિરર અને લેન્સ પરના કિરણોની ગતિ બદલી દેશે. બેંગલુરુ સ્થિત કંપની ઓપ્ટિકાએ લેન્સ અને બ્રાસ પાઇપનું ઉત્પાદન કર્યું છે. ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ એસ્ટ્રોફિઝિક્સ દ્વારા ચંદ્ર અને સૌર કેલેન્ડર વચ્ચેના જટિલ તફાવતોની સમસ્યાનું નિરાકરણ કરવામાં આવ્યું છે.
2 મિરર્સ, 3 લેન્સ, પિત્તળની પાઇપ અને સૂર્યનો માર્ગ બદલવાનો સિદ્ધાંત
આ એક બોક્સમાં છત પર સ્થાપિત રિફ્લેક્ટર છે. તેમાં એક મોટો મુખ્ય લેન્સ છે, જે 19 ગિયર્સ દ્વારા વીજળી વગર કામ કરશે. રામ નવમીના દિવસે 12 વાગ્યે સૂર્યના કિરણો ત્રીજા માળે સ્થાપિત સિસ્ટમના પ્રથમ રિફ્લેક્ટર પર પડશે. અહીંથી તે પહેલા અરીસામાં જશે અને પછી લેન્સ દ્વારા ઝડપથી આગળ વધશે. ઊભી પાઇપમાં 2 વધુ લેન્સમાંથી પસાર થતાં, કિરણો ગર્ભગૃહમાં રામલલ્લાની સામે સ્થાપિત બીજા અરીસા પર પડશે. આ અરીસો 60 ડિગ્રી પર મૂકવામાં આવે છે, જેથી કિરણો સીધા કપાળ પર જાય.