(એજન્સી)નવી દિલ્હી: હવે ટૂંક સમયમાં રેલવેમાં પ્રવાસ કરતા યાત્રીઓને ટ્રેન મોડી પડવાની મુશ્કેલીનો સામનો કરવો પડશે નહીં. તેનું કારણ એ છે કે ઇન્ડિયન રેલવે દેશભરમાં રેલ ફ્લાયઓવર બનાવવાની તૈયારી કરી રહી છે. આ ફ્લાયઓવર્સ પર ટ્રેનને કોઇ પણ સ્ટેશન પર સિગ્નલ ગ્રીન થાય ત્યાં સુધી રોકાવું પડશે નહીં.
ઇન્ડિયન રેલવે દેશના ૨૫૦ જેટલા સૌથી વ્યસ્ત રેલવે સ્ટેશનો પર ફ્લાયઓવર બનાવવાનું પ્લાનિંગ કરી રહી છે. આ માટેના લોકેશન્સ પણ નક્કી કરી દેવાયા છે અને તેની પ્રક્રિયા ટૂંક સમયમાં શરૂ થઇ જશે. દેશના કેટલાક બિઝિએસ્ટ રેલવે સ્ટેશન પર માત્ર બે રેલ ટ્રેક છે. આ માટે રેલ ફ્લાયઓવર સ્ટેશનોની નજીક સરફેસ ક્રોસિંગથી બચવા અને ટ્રેનના વિલંબને ઘટાડવા માટે બનાવવામાં આવી રહ્યા છે.
આ ઉપરાંત ભારતમાં ટ્રેનોની અવરજવર ઝડપી બનાવવા માટે ઇન્ડિયન રેલવે ક્રોસ ઓવર્સ પર ટ્રેનની સ્પીડ હાલ કલાકના ૧૫ કિમી છે તે વધારીને ૩૦ કિલોમીટર કરવાની તૈયારીમાં છે, જોકે તે માટે સિગ્નલિંગ પ્રોસેસ પણ બદલવી પડશે.