- Gujarati News
- National
- The Delhi High Court Yesterday Upheld The Arrest, Saying ‘ED Has Provided Sufficient Evidence’.
નવી દિલ્હી4 કલાક પેહલા
- કૉપી લિંક
દિલ્હી હાઇકોર્ટે બુધવારે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને મુખ્યમંત્રીપદેથી હટાવવાની માગ કરતી અરજી પર આમ આદમી પાર્ટીના પૂર્વ મંત્રી સંદીપ કુમારને સખત ઠપકો આપ્યો હતો. કોર્ટે કડક શબ્દોમાં કહ્યું હતું કે તેઓ અહીં રાજકીય ભાષણ ન આપે, આ માટે તેમણે રસ્તા કે પાર્લરમાં જવું જોઈએ. કેજરીવાલને છેલ્લા 24 કલાકમાં ત્રણ મોટા ઝટકા લાગ્યા છે. મંગળવારે દિલ્હી હાઈકોર્ટ ધરપકડ અને કસ્ટડીને પડકારતા કેસમાં નિરાશા થઈ હતી અને ત્યાર બાદ બુધવારે રાઉઝ એવન્યુ કોર્ટમાં વકીલોની માગણી કરતી અરજીમાં નિરાશા હાથમાં આવી હતી. બપોરે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી કરવા પણ કેજરીવાલને રાહ જોવી પડશે એવા સમાચાર આવ્યા. દિલ્હી CMએ હાઈકોર્ટના નિર્ણયને પડકાર્યો હતો. જોકે કેજરીવાલની અરજી પર SCમાં તાત્કાલિક સુનાવણી થશે નહીં.
તમને જણાવી દઈએ કે મંગળવારે દિલ્હી હાઈકોર્ટે કેજરીવાલની ધરપકડ અને કસ્ટડીને કાયદેસર બનાવી દીધી હતી અને તેમની દલીલોને ફગાવી દેવાની સાથે તેમની અરજી પણ ફગાવી દીધી હતી. એ બાદ બુધવારે સવારે દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટે વકીલોને લગતી કેજરીવાલની બીજી અરજી પણ ફગાવી દીધી હતી. આ અરજીમાં દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલે વકીલોને અઠવાડિયામાં 5 વખત મળવાની માગ કરી હતી. હાલમાં કેજરીવાલ પોતાના વકીલોને અઠવાડિયામાં માત્ર બેવાર જ મળી શકે છે.
કેજરીવાલની કાનૂની ટીમે બુધવારે દિલ્હી હાઈકોર્ટના નિર્ણયને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો. મળતી માહિતી મુજબ, કેજરીવાલે સુનાવણી માટે આવતા સપ્તાહ સુધી રાહ જોવી પડશે. સુપ્રીમ કોર્ટમાં અરજી પર તાત્કાલિક સુનાવણી થશે નહીં. ગુરુવારે ઈદ, શુક્રવારે સ્થાનિક રજા અને પછી શનિવાર-રવિવારની રજાઓ છે. આવી સ્થિતિમાં અત્યારે ન તો સુપ્રીમ કોર્ટમાં સ્પેશિયલ બેન્ચની રચના થશે અને ન તો સોમવાર પહેલાં સુનાવણી થવાની કોઈ શક્યતા છે. હવે સોમવાર સુધી સુનાવણી થવાની શક્યતા નથી.

દિલ્હીના CM કેજરીવાલે વકીલોને અઠવાડિયામાં 5 વખત મળવાની માગ કરી હતી. હાલમાં કેજરીવાલ પોતાના વકીલોને અઠવાડિયામાં માત્ર બેવાર જ મળી શકે છે.
જાણો શું થયું દિલ્હી હાઈકોર્ટમાં…
દિલ્હી હાઈકોર્ટે મંગળવારે દિલ્હી લિકર પોલિસી કૌભાંડ સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં કેજરીવાલની ધરપકડ અને ન્યાયિક કસ્ટડીને યોગ્ય ઠેરવી હતી. કેજરીવાલની અરજી ફગાવી દેવામાં આવી છે એટલું જ નહીં, કોર્ટે એ પણ સ્પષ્ટ કર્યું છે કે તપાસ એજન્સી એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા આપવામાં આવેલા પુરાવા નક્કર છે. કોર્ટે કહ્યું હતું કે કેજરીવાલ સમગ્ર ષડયંત્રમાં સામેલ હતા અને તેમણે લાંચ પણ માગી હતી. હાઈકોર્ટના જસ્ટિસ સ્વર્ણ કાંતા શર્માએ કહ્યું હતું કે કેજરીવાલની ધરપકડમાં કાયદાકીય જોગવાઈઓનું કોઈ ઉલ્લંઘન થયું નથી અને ન તો તેમની ધરપકડ કોઈપણ રીતે ગેરકાયદે હતી. હાલમાં હાઈકોર્ટની ટિપ્પણીઓ સંકેત આપી રહી છે કે ભવિષ્યમાં કેજરીવાલનો રસ્તો સરળ નહીં રહે અને મુશ્કેલીઓ વધવાની નિશ્ચિત છે.
રાઉઝ એવન્યુ કોર્ટે આજે શું કહ્યું…
કેજરીવાલના વકીલ વિવેક જૈને રાઉઝ એવેન્યુ કોર્ટમાં દલીલ કરી હતી કે દિલ્હીના મુખ્યમંત્રી કોઈ રાહતની માગ કરી રહ્યા નથી, પરંતુ તેમની સામે વિવિધ અદાલતોમાં પેન્ડિંગ કેસોના સંબંધમાં વકીલો સાથે વધારાની મિટિંગની પરવાનગી માગે છે. જૈને કહ્યું હતું કે કેજરીવાલ સામે 35થી 40 કેસ પેન્ડિંગ છે. વ્યક્તિને સમજવા અને સૂચના આપવા માટે અઠવાડિયામાં એક કલાક પૂરતો નથી. આ સૌથી મૂળભૂત કાયદાકીય અધિકાર છે, જે અંતર્ગત કેજરીવાલ પોતાના વકીલને મળવાની માગ કરી રહ્યા છે. જૈને કહ્યું હતું કે સંજય સિંહની સામે માત્ર 5 કે 8 કેસ નોંધાયા હોવા છતાં તેમને 3 મિટિંગની મંજૂરી આપવામાં આવી હતી.
એ જ સમયે ED તરફથી હાજર રહેલા વકીલે કહ્યું હતું કે કેજરીવાલ 5 લીગલ મિટિંગની માગ કરી રહ્યા છે, જે જેલ મેન્યુઅલ વિરુદ્ધ છે. જ્યારે કોઈ વ્યક્તિ જેલમાં હોય છે ત્યારે તેની બહારની સ્થિતિ અપ્રસ્તુત હોય છે અને તેની સાથે સમાન વ્યવહાર કરવામાં આવે છે. કેજરીવાલને પહેલા જ અઠવાડિયામાં 2 મિટિંગ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. ન્યાયિક કસ્ટડીમાં બહારની દુનિયા સાથેનો સંપર્ક મર્યાદિત અને કાયદા મુજબ હોય છે. જો કોઈ વ્યક્તિ જેલમાંથી સરકાર ચલાવવાનું પસંદ કરે છે, તો તેને અપવાદ ગણી શકાય નહીં અને વિશેષાધિકારો આપવામાં આવશે નહીં. EDના વકીલે કહ્યું હતું કે કાનૂની બેઠકોનો પરામર્શ સિવાય અન્ય હેતુઓ માટે દુરુપયોગ કરવામાં આવી રહ્યો છે. રાઉઝ એવન્યુ કોર્ટે કેજરીવાલની અરજી ફગાવી દીધી હતી.
મુખ્યમંત્રીપદેથી હટાવવાની અરજી પર કોર્ટ લાલઘૂમ
દિલ્હી હાઈકોર્ટે બુધવારે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને મુખ્યમંત્રીપદેથી હટાવવાની માગ કરતી અરજી પર આમ આદમી પાર્ટીના પૂર્વ મંત્રી સંદીપ કુમારને સખત ઠપકો આપ્યો હતો. કોર્ટે કડક શબ્દોમાં કહ્યું હતું કે તેઓ અહીં રાજકીય ભાષણ ન આપ, આ માટે તેમણે રસ્તા કે પાર્લરમાં જવું જોઈએ. 50 હજારનો દંડ ફટકારતાં કોર્ટે કહ્યું કે હવે બહુ થયું. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ દિલ્હી લિકર પોલિસી કેસમાં અરવિંદ કેજરીવાલની ધરપકડ કરી છે. આ પછી દિલ્હી હાઈકોર્ટમાં એક પછી એક અનેક અરજીઓ દાખલ કરવામાં આવી છે, જેમાં માગ કરવામાં આવી છે કે કેજરીવાલને સીએમ પદ પરથી હટાવવામાં આવે. જોકે કોર્ટે અગાઉ પણ આ અરજીઓ ફગાવી દીધી છે.
એક્ટિંગ ચીફ જસ્ટિસ મનમોહન અને જસ્ટિસ મનમીત પ્રીતમ સિંહ અરોરાની ડિવિઝન બેન્ચે કહ્યું હતું કે અરજદારો કોર્ટને રાજકીય વર્તુળોમાં ખેંચવાનો પ્રયાસ કરી રહ્યા છે. કોર્ટે સ્પષ્ટ કર્યું કે તે અરજદાર પર 50,000 રૂપિયાનો દંડ પણ લગાવશે. ‘બાર એન્ડ બેન્ચ’ અનુસાર, કોર્ટે કહ્યું, “તમે અમને રાજકીય જાળમાં ફસાવવાનો પ્રયાસ કરી રહ્યા છો.” અમે તમારા પર 50 હજાર રૂપિયાનો દંડ લગાવી રહ્યા છીએ.

આમ આદમી પાર્ટીના પૂર્વ મંત્રી સંદીપ કુમારે કેજરીવાલને મુખ્યમંત્રીપદેથી હટાવવાની અરજી કરી હતી.
રસ્તા પર કે પાર્લરમાં જાઓ, અહીં ભાષણ ન આપો: કોર્ટ
અરજી પર સુનાવણી કરતાં કોર્ટે વધુમાં કહ્યું હતું કે “કૃપા કરીને અહીં રાજકીય ભાષણો ન આપો. પાર્લર કે રસ્તા પર જાઓ. અમને રાજકીય પ્રવૃત્તિઓમાં સામેલ ન કરો.” આ અરજી દિલ્હીના પૂર્વ ધારાસભ્ય સંદીપ કુમારે દાખલ કરી હતી. એમાં તેમણે આરોપ લગાવ્યો હતો કે અક્ષણ હોવા છતાં કેજરીવાલ મુખ્યમંત્રીપદ સંભાળી રહ્યા છે.
કોર્ટે કહ્યું હતું કે અરજદાર જેવા અરજદારોએ ન્યાયિક પ્રણાલીની મજાક ઉડાવી છે. બેન્ચે કહ્યું, જો તમે ઇચ્છો તો તમે તેને સુપ્રીમ કોર્ટમાં પડકારી શકો છો, પરંતુ આ સિસ્ટમની મજાક ઉડાવવાનું બંધ કરો. તમારા જેવા લોકોના કારણે જ અમે મજાક બની ગયા છીએ.” આ પછી કોર્ટે દંડ ફટકારવાની ચેતવણી પણ આપી હતી. તમને જણાવી દઈએ કે કેજરીવાલને મુખ્યમંત્રીપદેથી હટાવવાની માગ કરતી દિલ્હી હાઈકોર્ટમાં આ ત્રીજી અરજી હતી. પ્રથમ બે અરજીને પણ કોર્ટે ફગાવી દીધી હતી.