11 મિનિટ પેહલા
- કૉપી લિંક
ડુંગળી પકવતા ખેડૂતો માટે મોટા સમાચાર આવ્યા છે. ડુંગળીની નિકાસને કેન્દ્ર સરકારે મંજૂરી આપી છે. નિકાસના આ નિર્ણયથી ગુજરાતના લાખો ખેડૂતોને ફાયદો થશે. કેન્દ્ર સરકારે 3 લાખ મેટ્રિક ટન ડુંગળીની નિકાસને મંજૂરી આપી છે. ગૃહમંત્રી અમિત શાહ અને મનસુખભાઈ માંડવિયાની હાજરીમાં મળેલી બેઠકમાં આ નિર્ણય લેવાયો છે. સરકારના આ નિર્ણયથી ગુજરાત સહિત દેશભરના ડુંગળી પકવતા ખેડૂતોને ફાયદો થશે. ગત 2023 ના વર્ષમાં એકાએક ડુંગળીના ભાવ આસમાને જતા કેન્દ્ર સરકારે 31 માર્ચ, 2024 સુધી ડુંગળીના નિકાસ પર પ્રતિબંધ લગાવ્યો હતો. જે હવે હટાવી લેવામાં આવ્યો છે. ગયા વર્ષે ડુંગળીના ભાવમાં અચાનક તેજી આવી હતી. ડુંગળીના ભાવ એટલી હદે વધ્યા હતા કે, લોકો માટે ડુંગળી ખરીદવી મોંઘી બની હતી. ડુંગળીના ભાવ આસમાને ગયા હતા. જેને પગલે ડુંગળીના નિકાસ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. જેને કારણે ડુંગળીના ભાવ અંકુશમાં આવ્યા હતા. આ બાદ છેલ્લા કેટલાક સમયથી ખેડૂતોને ડુંગળીના પોષણક્ષમ ભાવ મળી રહ્યા ન હતા. જેને કારણે ખેડૂતોએ વિરોધ દર્શાવવાનું શરૂ કર્યુ હતું. ડુંગળીના પૂરતા ભાવ ન મળતા અનેક રાજ્યોમાં ખેડૂતો રસ્તા પર ઉતરી આવ્યા હતા. તો ખેડૂતોએ આત્મવિલોપનની ચીમકી પણ આપી હતી. જેને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકાર દ્વારા ડુંગળીના નિકાસને મંજૂરી આપવામાં આવી છે. સરકારના આ નિર્ણયથી ડુંગળી પકવતા ખેડૂતોમાં ખુશી વ્યાપી ગઈ છે.
નિકાસ બંધ થઈ હતી ત્યારે ખેડૂતોએ ડુંગળી રસ્તા પર ઢોળીને વિરોધ કર્યો હતો
દેશભરમાંથી ખેડૂતો ડુંગળી પરથી નિકાસનો પ્રતિબંધ હટાવવાની માંગ કરી રહ્યા હતા. આખરે સરકારે ખેડૂતોના હિતમાં આ નિર્ણય લીધો છે. સરકારના આ નિર્ણયથી ખેડૂતો ફરીથી નિકાસ કરી શકશે.
બે મહિના પહેલાં ચક્કાજામ કરીને રોષ વ્યક્ત કર્યો હતો
ડુંગળીના ભાવ આસમાને પહોચ્યા હતા અને ખેડૂતો પાયમાલ થયા હતા ત્યારે ગોંડલ અને મહુવામાં ખેડૂતોએ નેશનલ હાઇવે બંધ કરીને ચક્કાજામ કરી ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યો હતો. લાલ ડુંગળીએ ખેડૂતોને રાતા પાણીએ રડાવ્યા હતા. એક બાજુ સરકારે ડુંગળીની નિકાસ બંધ કરતાં એક જ દિવસમાં ભાવમાં કડાકો થયો હતો. ડુંગળીની નિકાસ બંધ થતાં અનેક દિવસ બજારમાં હરાજી બંધ રહી હતી. આજે ડુંગળીની હરાજી ફરી શરૂ થતાં ભાવ ગગડી ગયા છે. ડુંગળીના ભાવ રાતોરાત ગગડી જતાં ખેડૂતોએ સરકાર સામે રોષ વ્યક્ત કર્યો હતો.
ખેડૂતોએ હાઈવે પર ડુંગળી ફેંકી દીધી હતી
હરાજીમાં ડુંગળીના ભાવ ખેડૂતોને ના મળતાં ખેડૂતોએ પોતાની ડુંગળી નેશનલ હાઇવે પર નાખી દીધી હતી. ડુંગળી લઈને આવતા તમામ ખેડૂતો હાઇવે પર ઊતર્યા હતા. ત્યારબાદ હાઇવે પર વાહનો રોકીને ચક્કાજામ કર્યો હતો.
ઓછા ઉત્પાદન છતાં ગયા વર્ષની સરખામણીમાં 10 લાખ ટન વધુ ડુંગળી વિદેશ મોકલવામાં આવી હતી
ગયા વર્ષે હવામાનના ચક્રમાં ફેરફારને કારણે ડુંગળીના ઉત્પાદનમાં મોટો ઘટાડો નોંધાયો હતો. ક્રોપ એન્ડ વેધર વોચ ગ્રૂપના જણાવ્યા અનુસાર 2021-22માં સમગ્ર દેશમાં 3.76 લાખ હેક્ટર જમીનમાં ડુંગળીનું ઉત્પાદન કરવાનો લક્ષ્યાંક હતો. તેની સરખામણીમાં ડુંગળીનું વાવેતર માત્ર 3.29 લાખ હેક્ટરમાં થયું હતું.
નાસિક સહિત મહારાષ્ટ્રના ઘણા જિલ્લાઓમાં, જે ખેડૂતોએ ડુંગળીનું વાવેતર કર્યું હતું, કમોસમી વરસાદ અને અતિવૃષ્ટિએ તેમનો પાક બરબાદ થયો હતો. તેના કારણે ડુંગળીના પાકને લગભગ 40% નુકસાન થયું હતું. જ્યારે 20% ડુંગળીના પાકની ગુણવત્તા બગડી છે. બજારમાં ડુંગળીની અછતનું એક કારણ આ પણ હોવાનું કહેવાય છે.
આ બધું હોવા છતાં, ભારતે નાણાકીય વર્ષ 2022-23માં 25.25 લાખ ટન ડુંગળીની નિકાસ કરી હતી, જ્યારે તેણે 2021-22માં 15.37 લાખ ટન અને 2020-21માં 15.78 લાખ ટનની નિકાસ કરી હતી. ગયા વર્ષે ભારતે બાંગ્લાદેશ અને પશ્ચિમ એશિયામાં સૌથી વધુ ડુંગળીની નિકાસ કરી હતી. ડુંગળી વિદેશમાં ન જાય તે માટે સરકારે 40% સુધીની નિકાસ ડ્યૂટી લગાવી હતી. હવે તેમાં વધુ વધારો કરવામાં આવ્યો છે.