- Gujarati News
- National
- The Opposition Parties Who Are Not Going To Go To Ayodhya Despite Being Invited, What Are They Going To Do Today; Two Leaders Are Going To Other Temples
21 મિનિટ પેહલા
- કૉપી લિંક
અયોધ્યામાં આજે દેશનો સૌથી મોટો અધ્યાત્મિક પ્રસંગ છે અને તેમાં બોલિવુડ સ્ટાર્સ, ક્રિકેટર્સ, બિઝનેસમેન સહિતના વીવીઆઈપીઓને આમંત્રણ છે. સાથે વિપક્ષોને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે. પણ વિપક્ષોને આમંત્રણ મળ્યું છે છતાં તેઓ અયોધ્યા જવાના નથી. વિપક્ષો અયોધ્યા નથી જવાના તો આજે શું કરવાના છે? વિપક્ષના બે નેતાઓ તો બીજા મંદિરોમાં જવાના છે. આવો જાણીએ, આજના દિવસે ક્યા વિપક્ષી નેતાઓ શું કરવાના છે…
રાહુલ ગાંધી આસામમાં છે
રાહુલ ગાંધીથી લઈને મમતા બેનર્જી, ઉદ્ધવ ઠાકરેના પોતપોતાના કાર્યક્રમો છે. રાહુલ ગાંધી મણિપુરથી મુંબઈ સુધી ભારત જોડો ન્યાય યાત્રા પર નીકળ્યા છે. રાહુલની આજની મુલાકાત આસામમાં છે. આજે રાહુલ ગાંધી આસામના નાગાંવ જિલ્લામાં સ્થિત બર્દોવા ગામમાં વૈષ્ણવ સંત શ્રીમંત સંકરદેવના જન્મસ્થળની મુલાકાત લેશે. આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાએ રાહુલ ગાંધીને બર્દોવા ન જવાની અપીલ કરી છે. જો કે કોંગ્રેસના મહાસચિવ અને રાજ્યસભાના સાંસદ જયરામ રમેશે કહ્યું છે કે રાહુલ ગાંધી નિર્ધારિત કાર્યક્રમ મુજબ બર્દોવા મંદિર જશે.
આસામનું સંકરદેવ મંદિર જ્યાં રાહુલ જવાના છે
મમતા બેનર્જી કાલીઘાટ મંદિર જશે, સર્વધર્મ શોભાયાત્રા કાઢશે
પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ પણ રામલલ્લાના અભિષેકના આયોજનથી પોતાને દૂર રાખ્યા છે. ટીએમસીએ ભાજપ પર ધાર્મિક કાર્યક્રમને રાજકીય કાર્યક્રમમાં ફેરવવાનો આરોપ લગાવ્યો છે. મમતા બેનર્જી કોલકાતાના કાલીઘાટ મંદિર પહોંચશે અને દર્શન અને પૂજા કરશે. કાલીઘાટ મંદિરમાં દર્શન અને પૂજા કર્યા બાદ મમતા બેનર્જી સર્વ ધર્મ સદભાવના રેલી પણ કાઢશે. TMC વડાએ પાર્ટીના નેતાઓ અને કાર્યકરોને રાજ્યમાં વિવિધ સ્થળોએ સર્વ ધર્મ સદભાવના રેલીઓ કાઢવાની પણ અપીલ કરી છે.
બંગાળનું કાલીઘાટ મંદિર
ઉદ્ધવ કાલારામ મંદિર જશે
શિવસેના યુબીટી પ્રમુખ ઉદ્ધવ ઠાકરે પણ રામ મંદિર કાર્યક્રમમાં ભાગ લેશે નહીં. આજે ઉદ્ધવ ઠાકરે વિનાયક દામોદર સાવરકરના જન્મસ્થળ ભગુરની મુલાકાત લેશે. આ પછી ઉદ્ધવ સાંજે નાસિકના કાલારામ મંદિરની મુલાકાત લેવાના છે. ઉદ્ધવ ઠાકરે કાલારામ મંદિર પહોંચશે અને મહાઆરતીમાં ભાગ લેશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ તાજેતરમાં જ કાલારામ મંદિરની મુલાકાત લીધી હતી. ભગવાન રામનું આ મંદિર દલિતોના મંદિરમાં પ્રવેશ માટેના ઐતિહાસિક આંદોલન માટે પણ ઓળખાય છે. 1930માં મંદિરમાં પ્રવેશ માટે દલિત આંદોલન અહીં ડૉ. ભીમરાવ આંબેડકરના નેતૃત્વમાં થયું હતું.
નાસિકનું કાલારામ મંદિર
આમ આદમી પાર્ટી રામ શોભાયાત્રા કાઢશે
દિલ્હીની સત્તારૂઢ આમ આદમી પાર્ટી અયોધ્યાના રામ મંદિરમાં રામલલ્લાના અભિષેક પ્રસંગે શોભાયાત્રા કાઢશે. પાર્ટીના વરિષ્ઠ નેતાઓ પણ શોભાયાત્રામાં ભાગ લેશે. આ કાર્યક્રમમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પણ ભાગ લઈ શકે છે. આમ આદમી પાર્ટી દ્વારા સમગ્ર દિલ્હીમાં ભંડારાનું પણ આયોજન કરવામાં આવનાર છે. 20 જાન્યુઆરીથી પ્યારેલાલ ભવન ખાતે આમ આદમી પાર્ટી દ્વારા રામલીલાનું આયોજન કરવામાં આવી રહ્યું છે.