મુંબઈ4 મિનિટ પેહલા
- કૉપી લિંક
ઉદ્ધવ ઠાકરેએ શનિવારે પુણેમાં પાર્ટી કાર્યકર્તાઓને સંબોધિત કર્યા હતા. આ દરમિયાન તેમણે અમિત શાહ પર કટાક્ષ કર્યો હતો.
શિવસેના (UBT)ના વડા ઉદ્ધવ ઠાકરેએ શનિવારે (3 ઓગસ્ટ) ભારતીય જનતા પાર્ટી પર ‘પાવર જેહાદ’ કરવાનો આરોપ લગાવ્યો હતો. તેમણે કહ્યું કે ભાજપ સત્તામાં રહેવા માટે રાજકીય પક્ષો વચ્ચે વિભાજન કરી રહી છે.
આ સાથે ઉદ્ધવે ગૃહમંત્રી અમિત શાહને અહેમદ શાહ અબ્દાલીના વંશજ ગણાવ્યા. અબ્દાલીએ પાણીપતના યુદ્ધમાં મરાઠાઓને હરાવ્યા હતા. હકીકતમાં, 21 જુલાઈએ અમિત શાહે ઠાકરેને પુણેમાં ઔરંગઝેબ ફેન ક્લબના નેતા કહ્યા હતા. ઉદ્ધવ આ ટોણાનો જવાબ આપી રહ્યા હતા.
અમિત શાહનું નિવેદન અને તેના પર ઉદ્ધવનો જવાબઃ
21 જુલાઈ, અમિત શાહ: ઉદ્ધવ ઠાકરે એ લોકો સાથે બેઠા છે જેમણે 1993ના મુંબઈ બોમ્બ બ્લાસ્ટના દોષી યાકુબ મેમણ માટે જીવનદાન માગ્યું હતું. ઔરંગઝેબ ફેન ક્લબ શું છે? જે 26/11ના આતંકી હુમલાના ગુનેગાર કસાબને બિરયાની ખવડાવતા હતા, જે ઝાકિર નાઈકને શાંતિ દૂત પુરસ્કાર આપે છે અને જે PFIને સપોર્ટ કરે છે. ઉદ્ધવ ઠાકરેને આ લોકો સાથે બેસતા શરમ આવવી જોઈએ.
મહા વિકાસ અઘાડી ઔરંગઝેબ ફેન ક્લબ છે. તે ભારતની સુરક્ષા સુનિશ્ચિત કરી શકતું નથી. ઉદ્ધવ ઠાકરે આ ફેન ક્લબના લીડર છે. આ ફેન ક્લબ મહારાષ્ટ્ર અને ભારતને સુરક્ષિત ના રાખી શકે. માત્ર ભાજપ જ બધાનું રક્ષણ કરી શકે છે.
3 ઓગસ્ટ, ઉદ્ધવ ઠાકરે: અમે અમારા હિન્દુત્વની વ્યાખ્યા કરી, તેમ છતાં જો મુસ્લિમો અમારી સાથે છે, તો ભાજપના મતે અમે ઔરંગઝેબ ફેન ક્લબ છીએ. તો આ હિસાબે તમે જે કરી રહ્યા છો, તે પાવર જેહાદ છે.
શરદ પવારે કહ્યું હતું- જે આજે ગૃહમંત્રી છે, તે એક સમયે તડીપાર હતા
22 જુલાઈએ સંભાજી નગરમાં એક પુસ્તકના વિમોચન પ્રસંગે શરદ પવારે અમિત શાહ પર કાયદાનો દુરુપયોગ કરવાનો આરોપ લગાવ્યો હતો.
21 જુલાઈએ પુણેમાં જ અમિત શાહે કહ્યું હતું કે વિપક્ષો અમારા પર ભ્રષ્ટાચારના આરોપ લગાવી રહ્યા છે, પરંતુ ભારતીય રાજકારણમાં ભ્રષ્ટાચારના સૌથી મોટા કિંગપિન શરદ પવાર છે. દેશની કોઈપણ સરકારમાં જો કોઈ રાજકારણીએ ભ્રષ્ટાચારને સંસ્થાકીય રૂપ આપ્યું છે તો તે શરદ પવાર છે અને મને તેના વિશે કોઈ શંકા નથી.
તેના જવાબમાં 22 જુલાઈએ NCP (SP)ના નેતા શરદ પવારે ગૃહમંત્રી અમિત શાહ પર નિશાન સાધ્યું હતું. પવારે કહ્યું- થોડા દિવસ પહેલા ગૃહમંત્રીએ મારી વિરુદ્ધ કેટલીક વાતો કહી હતી. હું તેમને યાદ અપાવી દઉં કે જે માણસ આજે દેશના ગૃહમંત્રી છે, તે એવા વ્યક્તિ છે જેમણે ગુજરાતના કાયદાનો દુરુપયોગ કર્યો હતો. આ માટે સુપ્રીમ કોર્ટે તેમને તડીપાર (રાજ્ય બહાર) કરી દીધા હતા.
અમિત શાહને 2010માં સોહરાબુદ્દીન શેખ નકલી એન્કાઉન્ટર કેસમાં બે વર્ષ માટે રાજ્ય માંથી બહાર કરી દેવામાં આવ્યા હતા. બાદમાં તેમને 2014માં આ કેસમાં નિર્દોષ જાહેર કરવામાં આવ્યા હતા.
મહારાષ્ટ્રના રાજકારણમાં ઔરંગઝેબને લઈને કેટલી વખત વિવાદ થયો છે?
7 જૂન 2023: બીજેપી નેતા નિલેશ રાણેએ X પર લખ્યું- ક્યારેક એવું લાગે છે કે શરદ પવાર ઔરંગઝેબનો અવતાર છે. ચૂંટણી નજીક આવે છે ત્યારે પવાર સાહેબને મુસ્લિમ સમાજની ચિંતા થાય છે.
હકીકતમાં, મહારાષ્ટ્રમાં કેટલાક મુસ્લિમ યુવાનોએ સોશિયલ મીડિયા પર તેમના સ્ટેટસ પર ઔરંગઝેબ અને ટીપુ સુલતાનની તસવીરો પોસ્ટ કરી હતી. તસવીરની સાથે ઔરંગઝેબ અને ટીપુ સુલતાનની પ્રશંસામાં કેપ્શન પણ લખવામાં આવ્યું હતું. તેના વિરોધમાં હિંદુત્વવાદી સંગઠનોએ 7 જૂને કોલ્હાપુરમાં માર્ચ કાઢી હતી.
આ દરમિયાન ઘણી જગ્યાએ હિંસા અને પથ્થરમારો થયો, જેને કાબૂમાં લેવા માટે પોલીસે લાઠીચાર્જ કરવો પડ્યો. હિંસાની આ ઘટનાઓમાં 36 લોકોની ધરપકડ કરવામાં આવી હતી.
આ પછી એનસીપી ચીફ શરદ પવારે કહ્યું હતું કે પરિસ્થિતિ એવી છે કે આપણે મુસ્લિમ અને ખ્રિસ્તી ધર્મના લોકોની ચિંતા કરવી જોઈએ. પવારના આ નિવેદનનો જવાબ આપતા નિલેશે તેમને ઔરંગઝેબનો અવતાર ગણાવ્યા હતા.
14 જૂન, 2023: મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS)ના વડા રાજ ઠાકરેએ તેમના 55મા જન્મદિવસ પર મુઘલ શાસક ઔરંગઝેબ અને લાઉડસ્પીકરની તસવીર સાથેની કેક કાપી. તેમણે કેક પર ઔરંગઝેબના ગળાના ભાગ પર છરી ચલાવી અને લાઉડસ્પીકરને ક્રોસ કરી દીધું.
તેમના સમર્થકો આ કેક લઈને તેમના ઘરે પહોંચ્યા હતા. મહારાષ્ટ્રમાં ઔરંગઝેબની તસવીરને લઈને થોડા દિવસો પહેલા હિંસાની ઘટનાઓ સામે આવી હતી. આ પછી MNS સમર્થકોએ મુંબઈમાં ઔરંગઝેબનું પૂતળું પણ બાળ્યું હતું. રાજ ઠાકરે ઔરંગઝેબ વિરુદ્ધ બોલતા રહ્યા છે. તેઓએ મસ્જિદથી લાઉડ સ્પીકરમાં અઝાન વિરુદ્ધ આંદોલન પણ કર્યું હતું.
મહારાષ્ટ્રમાં રાજકીય હલચલ વધી, આ વર્ષે થવાની છે વિધાનસભાની ચૂંટણી
મહારાષ્ટ્રમાં રાજકીય નિવેદનબાજીનું સાચું કારણ આગામી વિધાનસભા ચૂંટણી છે. આ વર્ષે મહારાષ્ટ્ર સહિત દેશના 4 રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી યોજાશે. મહારાષ્ટ્રમાં 14 દિવસ પહેલા વિધાન પરિષદ (MLC)ની ચૂંટણી યોજાઈ હતી. એનડીએને પ્રચંડ જીત મળી હતી. ગઠબંધનને 11માંથી 9 બેઠકો મળી હતી. ઇન્ડિયા ગઠબંધનના ત્રણ ઉમેદવારો હતા, જેમાંથી માત્ર 2 જ જીતી શક્યા હતા. કોંગ્રેસના 7થી 8 ધારાસભ્યોના ક્રોસ વોટિંગના સમાચાર હતા.
ભાજપ-શિવસેના (શિંદે જૂથ) સરકારનો કાર્યકાળ નવેમ્બર 2024માં સમાપ્ત થશે
હાલમાં મહારાષ્ટ્રમાં ભાજપ-શિવસેના (શિંદે જૂથ)ની સરકાર છે. તેનો કાર્યકાળ 8 નવેમ્બર 2024એ સમાપ્ત થાય છે. ઓક્ટોબર 2024માં ચૂંટણી યોજાઈ શકે છે. 2019માં મહારાષ્ટ્રમાં 288 વિધાનસભા બેઠકો પર ચૂંટણી યોજાઈ હતી. ભાજપ 106 ધારાસભ્યો સાથે રાજ્યમાં સૌથી મોટી પાર્ટી બની. મુખ્યમંત્રી પદને લઈને શિવસેના અને ભાજપ વચ્ચે ગઠબંધન ચાલી શક્યું નહીં.
56 ધારાસભ્યોવાળી શિવસેનાએ 44 ધારાસભ્યોવાળી કોંગ્રેસ અને 53 ધારાસભ્યોવાળી એનસીપી સાથે મહાવિકાસ અઘાડી બનાવીને સરકાર બનાવી. શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે મુખ્યમંત્રી બન્યા.
મે 2022માં મહારાષ્ટ્ર સરકારના શહેરી વિકાસ પ્રધાન અને શિવસેનાના નેતા એકનાથ શિંદેએ 39 ધારાસભ્યો સાથે બળવો કર્યો. તેઓ ભાજપના સમર્થનમાં આવ્યા. 30 જૂન, 2022ના રોજ એકનાથ શિંદેએ મહારાષ્ટ્રના 20મા મુખ્યમંત્રી તરીકે શપથ લીધા. આ સાથે શિવસેના બે જૂથોમાં વહેંચાઈ ગઈ. એક જૂથ શિંદે જૂથનું અને બીજું ઉદ્ધવ જૂથનું બનેલું હતું.
17 ફેબ્રુઆરી, 2023એ ચૂંટણી પંચે આદેશ આપ્યો કે પાર્ટીનું નામ ‘શિવસેના’ અને પાર્ટીનું ચૂંટણી ચિન્હ ‘ધનુષ અને તીર’ એકનાથ શિંદે જૂથ પાસે જ રહેશે.
લોકસભા ચૂંટણી 2024: ભાજપને માત્ર 9 બેઠકો મળી, ઈન્ડિયા બ્લોક જીત્યો
લોકસભા ચૂંટણી 2024માં ભાજપે મહારાષ્ટ્રમાં 48માંથી 9 બેઠકો જીતી હતી. ગઠબંધન સાથી એનસીપીએ એક બેઠક જીતી હતી. શિવસેના (શિંદે જૂથ) 7 બેઠકો જીતી. ઈન્ડિયા બ્લોકમાં સમાવિષ્ટ કોંગ્રેસે 13 બેઠકો જીતી હતી. શિવસેના (UBT)ને 9 બેઠકો મળી છે. એનસીપી શરદચંદ્ર પવારે 8 બેઠકો જીતી હતી. સાંગલી બેઠક પર અપક્ષ ઉમેદવારે જીત મેળવી હતી.