લખનૌ2 કલાક પેહલા
- કૉપી લિંક
યુપી ATSએ કાશ્મીરમાંથી હિઝબુલ મુજાહિદ્દીનના આતંકી ઉલ્ફત હુસૈનને ઝડપી લીધો છે. ATS અને યુપી પોલીસ 18 વર્ષથી ઉલ્ફતને શોધી રહી હતી. પોલીસે તેના પર 25 હજાર રૂપિયાનું ઈનામ પણ જાહેર કર્યું હતું.
ATSના પ્રવક્તાએ કહ્યું- ઉલ્ફત મૂળ કાશ્મીરના પુંછ જિલ્લાનો રહેવાસી છે. તે દેશવિરોધી પ્રવૃત્તિઓમાં સામેલ રહ્યો છે. તે 2007થી ફરાર હતો.
ઉલ્ફત હુસૈને POKમાંથી ટ્રેનિંગ લીધી છે
SSP ATS દેવેશ કુમાર પાંડેએ જણાવ્યું – અમને માહિતી મળી રહી હતી કે ઉલ્ફત હુસૈન આતંકવાદી પ્રવૃત્તિઓમાં સામેલ છે. આ પછી, સહારનપુરની ATS યુનિટ તેને ટ્રેસ કરી રહી હતી. તેનું લોકેશન જમ્મુ અને કાશ્મીરના પૂંછમાં મળી આવ્યું હતું. એટીએસની ટીમ ત્યાં પહોંચી અને તેની ધરપકડ કરી હતી.
તેમણે જણાવ્યું કે ઉલ્ફત હિઝબુલ મુજાહિદ્દીન આતંકવાદી સંગઠનનો સભ્ય રહ્યો છે. તેણે 1999થી 2000 દરમિયાન પાકિસ્તાન કબજા હેઠળના જમ્મુ અને કાશ્મીર (POK) માં ટ્રેનિંગ લીધી હતી.
એક મોટો હુમલો કરવા જઈ રહ્યો હતો પણ પકડાઈ ગયો એસએસપીએ કહ્યું કે તે ટ્રેનિંગ લીધા પછી મુરાદાબાદ આવ્યો હતો. તે એક મોટા હુમલાને અંજામ આપવાનો હતો પણ 9 જુલાઈ 2001ના રોજ મુરાદાબાદ પોલીસે તેને પકડી લીધો. તેની પાસેથી AK-47, AK-56, 2 પિસ્તોલ (30 બોર), 12 હેન્ડ ગ્રેનેડ, 39 ટાઈમર, 50 ડેટોનેટર, 37 બેટરી, 29 કિલો વિસ્ફોટક સામગ્રી અને 560 જીવંત કારતૂસ સાથે 8 મેગેઝિન મળી આવ્યા હતા.
2007માં તેને જામીન મળ્યા હતા. બાદમાં કોર્ટે ફરીથી તેની ધરપકડ માટે વોરંટ જારી કર્યું, પરંતુ તે ફરાર થઈ ગયો. ત્યારથી તેની શોધ ચાલી રહી હતી.
2 દિવસ પહેલા UPના કૌશાંબીમાંથી બબ્બર ખાલસા આતંકવાદીની ધરપકડ કરી હતી

2 દિવસ પહેલા, કૌશાંબીમાંથી બબ્બર ખાલસા ઇન્ટરનેશનલ (BKI) ના એક આતંકવાદીની ધરપકડ કરવામાં આવી હતી. તેની ઓળખ લાઝર મસીહ તરીકે થઈ હતી. ડીજીપી પ્રશાંત કુમારે કહ્યું હતું કે- લાઝર મહાકુંભમાં એક મોટી ઘટના (વિસ્ફોટ)ને અંજામ આપવાના પ્લાનમાં હતો. આ પછી તે પોર્ટુગલ ભાગી જવા માંગતો હતો. તેને બબ્બર ખાલસા ઇન્ટરનેશનલ દ્વારા હેન્ડ ગ્રેનેડ પૂરા પાડવામાં આવ્યા હતા.
4 દિવસ પહેલા હરિયાણામાંથી આતંકી ઝડપાયો હતો
4 દિવસ પહેલા ગુજરાત ATSએ ફરીદાબાદ (હરિયાણા)માંથી અબ્દુલ રહેમાન નામના શંકાસ્પદ આતંકવાદીની ધરપકડ કરી હતી. તેની પાસેથી બે હેન્ડ ગ્રેનેડ મળી આવ્યા હતા. અબ્દુલનું ઘર અયોધ્યામાં રામ મંદિરથી 36 કિમી દૂર મિલ્કીપુરમાં છે. તેણે રામ મંદિરની રેકી પણ કરી હતી.
ATSને શંકા છે કે તે હેન્ડ ગ્રેનેડથી રામ મંદિરને ઉડાવી દેવાનું કાવતરું ઘડી રહ્યો હતો. STFની પૂછપરછ દરમિયાન ખુલાસો થયો કે આતંકી ફરીદાબાદથી હેન્ડ ગ્રેનેડ લેવા આવ્યો હતો.
23 ડિસેમ્બરે પીલીભીતમાં 3 ખાલિસ્તાની આતંકવાદીઓ માર્યા ગયા હતા
આ પહેલા પીલીભીત અને પંજાબ પોલીસે ગયા વર્ષે 23 ડિસેમ્બરે ખાલિસ્તાન ઝિંદાબાદ ફોર્સ (KZF)ના ત્રણ આતંકવાદીઓનું એન્કાઉન્ટર કર્યુ હતું. આતંકવાદીઓએ પંજાબના ગુરદાસપુર જિલ્લામાં 19 ડિસેમ્બરે પોલીસ ચોકી પર ગ્રેનેડથી હુમલો કર્યો હતો.