પુણે7 કલાક પેહલા
- કૉપી લિંક
પૂજા ખેડકરે પોતાની પર્સનલ ઓડી કાર પર ભારત સરકાર લખાવ્યું હતું, સાથે જ લાલ-વાદળી લાઇટ પણ લગાવી હતી.
ટ્રેઇની IAS ઓફિસર પૂજા ખેડકરનું IAS સિલેક્શન રદ કરવાની નોટિસ UPSCએ શુક્રવારે જારી કરી હતી. UPSCએ પૂજા વિરુદ્ધ FIR પણ નોંધાવી છે. પૂજા ખેડકર પર OBC અને ડિસેબિલિટી ક્વોટાનો દુરુપયોગ કરવાનો આરોપ છે.
બીજી તરફ, પૂજા ખેડકરના પિતા દિલીપ ખેડકરે પુણેની કોર્ટમાં આગોતરા જામીન માટે અરજી કરી છે. જમીન વિવાદમાં ખેડૂતોને ધમકી આપવા બદલ પોલીસ તેમની શોધ કરી રહી છે. દિલીપ હાલ ફરાર છે.
આ કેસમાં દિલીપ ખેડકરની પત્ની મનોરમાની ગુરુવારે (18 જુલાઈ) ધરપકડ કરવામાં આવી હતી. મનોરમા રાયગઢ જિલ્લાના એક લોજમાં છુપાયેલી હતી. તેની સાથે એક છોકરો પણ હતો, જેને તેને પોતાનો દીકરો કહ્યો હતો. પુણેની જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ કોર્ટે મનોરમાને 20 જુલાઈ સુધી પોલીસ કસ્ટડીમાં મોકલી છે.
દિલીપ-મનોરમા ખેડૂતને પિસ્તોલ બતાવીને ધમકાવવાના કેસમાં આરોપી
મનોરમા ખેડકરનો એક વીડિયો સામે આવ્યો હતો, જેમાં તે એક ખેડૂતને પિસ્તોલથી ધમકાવતી જોવા મળી હતી. વાઇરલ વીડિયોમાં મનોરમાની સાથે સુરક્ષાકર્મીઓ પણ હતા.
હકીકતમાં સોશિયલ મીડિયા પર એક વીડિયો સામે આવ્યા બાદ 11 જુલાઈએ પૂજાનાં માતા-પિતા સહિત 7 લોકો વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો હતો. આ વીડિયોમાં પૂજાની માતા મનોરમા એક ખેડૂતને પિસ્તોલથી ધમકાવતી જોવા મળી હતી. પોલીસે જણાવ્યું હતું કે આ વીડિયો 4 જૂન 2023નો છે.
ખેડકર પરિવારનો પુણેના મુલશી તહસીલના ધડવલી ગામમાં કેટલીક જમીનને લઈને ખેડૂતો સાથે વિવાદ છે. આ વિવાદને લઈને મનોરમા 65 વર્ષના પંઢરીનાથ પાસલકરને પિસ્તોલથી ધમકાવી રહી હતી, જેનો વીડિયો હવે સામે આવ્યો છે.
વીડિયો વાઇરલ થયા બાદ ખેડૂતે દિલીપ ખેડકર, તેની પત્ની મનોરમા સહિત 7 લોકો વિરુદ્ધ કેસ દાખલ કર્યો હતો. આર્મ્સ એક્ટ ઉપરાંત, પોલીસે IPC કલમ 307 (હત્યાનો પ્રયાસ), 144 (ઘાતક હથિયારોથી સજ્જ ગેરકાયદે જમાવડો), 147 (હુલ્લડો) અને 506 (ગુનાહિત ધમકી) હેઠળ કેસ નોંધ્યો છે.
ખેડૂત કુલદીપ પાસલકરે આરોપ લગાવ્યો કે ખેડકર પરિવારે બાઉન્સરની મદદથી તેમની જમીન પર કબજો કરવાનો પ્રયાસ કર્યો અને તેમને ધમકી આપી હતી.
ખેડકર પરિવારનો દાવો- ખેડૂતોએ તેમની જમીન પર કબજો કર્યો
જોકે ખેડકર પરિવારનો દાવો છે કે તેમણે પુણેના મુલશી તાલુકામાં 25 એકર જમીન ખરીદી હતી. એનો એક ભાગ ખેડૂતોએ કબજે કર્યો હતો. આ કારણે મનોરમા તેના સુરક્ષાકર્મીઓ સાથે ત્યાં પહોંચી અને ખેડૂતોને પિસ્તોલ બતાવીને ધમકાવ્યા. વાઇરલ વીડિયોમાં મનોરમાએ કહી રહી છે કે જમીન તેના નામે છે.
પૂજાના પિતા સામે ઓપન ઈન્ક્વાયરીની માગ
જમીન વિવાદ ઉપરાંત પૂજાના પિતા અને નિવૃત્ત અધિકારી દિલીપ ખેડકર અપ્રમાણસર સંપત્તિના કેસમાં ફસાયા છે. પુણે એન્ટી કરપ્શન બ્યૂરોએ બુધવારે (17 જુલાઈ) કહ્યું હતું કે તેમને દિલીપ ખેડકર વિરુદ્ધ ઓપન ઇન્ક્વાયરીની માગ કરતી ફરિયાદ મળી છે.
આ મામલે પુણે એસીબીએ એસીબી હેડક્વાર્ટર પાસેથી નિર્દેશ માગ્યા છે, કારણ કે નાસિક ડિવિઝનમાં એસીબીના અપ્રમાણસર મિલકતના કેસમાં દિલીપ ખેડકર સામે પહેલેથી જ તપાસ ચાલી રહી છે.
2023 બેચના IAS અધિકારી પૂજા ખેડકર UPSCમાં અપંગતા અને અન્ય પછાત વર્ગ (OBC) ક્વોટા હેઠળ સિલેક્શન અને પુણે કલેક્ટર કચેરીમાં નિમણૂક દરમિયાન તેમના વર્તન માટે તપાસ હેઠળ છે.
વિવાદ વચ્ચે કેન્દ્ર સરકારે મંગળવારે (16 જુલાઈ) પૂજા ખેડકરની ટ્રેનિંગ રોકી દીધી હતી. તેમને 23 જુલાઈ પહેલાં મસૂરી સ્થિત સિવિલ સર્વિસ ટ્રેનિંગ ઈન્સ્ટિટ્યૂટ LBSNAAમાંથી પાછી બોલાવવામાં આવી છે. જ્યાં સુધી તપાસ પૂરી ન થાય ત્યાં સુધી પૂજા ત્યાં જ રહેશે.
કેન્દ્ર સરકારની સમિતિએ પૂજાનાં પ્રમાણપત્રો માગ્યાં
કેન્દ્રીય કર્મચારી મંત્રાલયની સમિતિએ પણ પૂજા વિરુદ્ધ કાર્યવાહી શરૂ કરી દીધી છે. ઈન્ડિયન એક્સપ્રેસના અહેવાલ મુજબ, સમિતિએ પૂજા ખેડકરના OBC નોન-ક્રીમી લેયર અને વિકલાંગતાનાં પ્રમાણપત્રો માગ્યાં છે.
અહમદનગરના જિલ્લા કલેક્ટર અને નાશિકના ડિવિઝનલ કમિશનર બંને પ્રમાણપત્ર અને તેમનો રિપોર્ટ સબ્મિટ કરશે. એ જ સમયે, પર્સનલ ઓડી કાર પર લાલ-વાદળી લાઇટ લગાવવા સહિતના અન્ય આરોપો અંગે આરટીઓ અને પોલીસ પાસેથી રિપોર્ટ માગવામાં આવ્યો છે.
પૂજાએ પૂણેના કલેક્ટર સામે હેરાનગતિનો કેસ દાખલ કર્યો
પુણેના જિલ્લા કલેક્ટર સુહાસ દિવeસે પૂજા ખેડકરના વર્તન અંગે સૌથી પહેલા ફરિયાદ કરી હતી. આ પછી પૂજાની પુણેથી વાશીમ ટ્રાન્સફર થઈ ગઈ. પૂજાએ 15 જુલાઈના રોજ પોલીસને તેના વાશીમના ઘરે બોલાવી અને સુહાસ દિવાસે વિરુદ્ધ હેરાનગતિની ફરિયાદ નોંધાવી હતી.
ડોક્ટરે કહ્યું- પૂજાનું પ્રમાણપત્ર નકલી નથી
પૂજાએ ઘણી વખત યુપીએસસીની પરીક્ષા આપી છે. આ માટે તેણે અલગ-અલગ ડિસેબિલિટી સર્ટિફિકેટ જારી કર્યાં છે. ઈન્ડિયન એક્સપ્રેસના અહેવાલ મુજબ, પૂજાને અહમદનગર જિલ્લા હોસ્પિટલ તરફથી અપંગતાનું પ્રમાણપત્ર પણ આપવામાં આવ્યું છે. હોસ્પિટલના સિવિલ સર્જને પુષ્ટિ કરી હતી કે પૂજાને આપવામાં આવેલાં પ્રમાણપત્ર નકલી નથી.
આ સર્ટિફિકેટમાં પૂજાની માનસિક બીમારી અને બંને આંખોમાં માયોપિક ડિજનરેશનનો ઉલ્લેખ છે. આ પ્રમાણપત્રનો અહેવાલ અહમદનગર જિલ્લા કલેક્ટરને સુપરત કરવામાં આવ્યો છે. તેઓ આ રિપોર્ટ નાશિકના ડિવિઝનલ કમિશનરને મોકલી રહ્યા છે.
પૂજાના અન્ય વિકલાંગતાના પ્રમાણપત્રમાં 7% અપંગતા દર્શાવવામાં આવી
પુણેની યશવંતરાવ ચવ્હાણ મેમોરિયલ (YCM) હોસ્પિટલમાંથી 24 ઓગસ્ટ, 2022ના રોજ આપવામાં આવેલા પ્રમાણપત્રમાં તેને 7% અપંગ તરીકે વર્ણવવામાં આવી હતી. UPSC નિયમો અનુસાર વિકલાંગ ક્વોટા હેઠળ પસંદગી માટે 40% વિકલાંગતા હોવી જરૂરી છે.
YCM ડીન રાજેન્દ્ર વાબલેએ 16 જુલાઈએ કહ્યું- 7%નો અર્થ છે કે શરીરમાં કોઈ મોટી વિકલાંગતા નથી. પૂજાનો કેસ લોકોમોટર ડિસેબિલિટી, એટલે કે ચાલવામાં તકલીફ સાથે સંબંધિત છે. આ સર્ટિફિકેટમાં પૂજાએ ખોટું સરનામું પણ આપ્યું હતું.
આ એ જ વિકલાંગતા પ્રમાણપત્ર છે, જે યશવંતરાવ ચવ્હાણ મેમોરિયલ હોસ્પિટલ, પુણે દ્વારા જારી કરવામાં આવ્યું હતું.
પૂજા પર નામ અને ઉંમર સાથે ચેડાં કરવાનો પણ આરોપ
પૂજાની યુપીએસસીમાં ગેરરીતિના મામલે વધુ ઘટસ્ફોટ થયા છે. એ પ્રકાશમાં આવ્યું છે કે પૂજાએ તેના UPSC પ્રયાસો વધારવા માટે તેનું નામ અને ઉંમર પણ બદલ્યાં હતાં. 2020 અને 2023 માટે સેન્ટ્રલ એડમિનિસ્ટ્રેટિવ ટ્રિબ્યુનલ (CAT)માં તેના દ્વારા દાખલ કરાયેલી બે અરજીમાં પૂજાનાં અલગ-અલગ નામ છે.
2020ની અરજીમાં પૂજાએ પોતાનું નામ ‘ખેડકર પૂજા દિલીપરાવ’ અને તેની ઉંમર 30 વર્ષ દર્શાવી હતી, જ્યારે 2023માં તેની CAT એપ્લિકેશનમાં તેણે તેનું નામ ‘પૂજા મનોરમા દિલીપ ખેડકર’ અને તેની ઉંમર 31 વર્ષ દર્શાવી હતી. સવાલ ઊઠી રહ્યો છે કે ત્રણ વર્ષના ગાળામાં તેની ઉંમર માત્ર એક વર્ષ કેવી રીતે વધી શકે?
હકીકતમાં UPSCમાં જનરલ કેટેગરીના ઉમેદવારોને 32 વર્ષની ઉંમર સુધી 6 વખત પરીક્ષા આપવાની છૂટ છે, જ્યારે OBC કેટેગરીના ઉમેદવાર 35 વર્ષની ઉંમર સુધી 9 વખત પરીક્ષા આપી શકે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, પૂજાએ કુલ 11 વખત સિવિલ સર્વિસની પરીક્ષા આપી છે.