કોલકાતા10 મિનિટ પેહલા
- કૉપી લિંક
પોલીસ કસ્ટડીમાં કોર્ટમાંથી બહાર આવતો સંજય રોય. આ તસવીર સપ્ટેમ્બર 2024ની છે.
કોલકાતાની આરજી કર હોસ્પિટલમાં ટ્રેઈની ડૉક્ટર પર બળાત્કાર અને હત્યા કેસમાં સિયાલદહ કોર્ટ આજે પોતાનો ચુકાદો સંભળાવતા સંજય રોયને દોષિત જાહેર કર્યો છે. જસ્ટિસ અનિર્બાન દાસે બપોરે 2.30 વાગ્યે ચુકાદો સંભળાવ્યો હતો. સંજય રોયને દોષિત ઠેરવતા જજે કહ્યું કે, તને સજા મળવી જ જોઈએ.
સંજય રોયને સોમવારે સજા સંભળાવવામાં આવશે. કોર્ટે 162 દિવસ બાદ ચુકાદો આપ્યો છે. બળાત્કાર-હત્યાની ઘટના 9 ઓગસ્ટ 2024ના રોજ બની હતી. સીબીઆઈએ આરોપી સંજયને ફાંસીની સજાની માંગ કરી છે. CBIએ 7 ઓક્ટોબર 2024ના રોજ આરોપી સંજય રાય વિરુદ્ધ ચાર્જશીટ રજૂ કરી હતી.
ચુકાદા બાદ દોષિત સંજયે કહ્યું-

મને આ મામલે ફસાવવામાં આવ્યો છે. મેં આ કામ નથી કર્યું. જેમણે આ કર્યું છે તેમને છોડી દેવામાં આવ્યા છે. તેમાં એક IPS પણ સામેલ છે.
કોર્ટ 20 જાન્યુઆરીએ સંજય રોયને સજા સંભળાવશે
સંજયે જજને પૂછ્યું, ‘મને ફસાવનારા અન્ય લોકોને કેમ છોડવામાં આવે છે?’ જવાબમાં જજ અનિર્બાન દાસે કહ્યું, ‘મેં તમામ પુરાવાઓની તપાસ કરી છે અને સાક્ષીઓને સાંભળ્યા છે અને સુનાવણી દરમિયાન દલીલો પણ સાંભળી છે. આ બધું કર્યા પછી મેં તને દોષિત ગણાવ્યો છે. તું દોષિત છે. તને સજા થવી જ જોઈએ. કોર્ટ 20 જાન્યુઆરીએ સંજય રોયને સજા સંભળાવશે. ત્યાં સુધી તેને જ્યુડિશિયલ કસ્ટડીમાં ધકેલવામાં આવ્યો છે. આ કેસ પછી દેશભરમાં આક્રોશ હતો અને કોલકાતામાં લાંબા સમય સુધી વિરોધ પ્રદર્શનો થયા હતા, જેમાં મુખ્યત્વે ડોક્ટરો અને મેડિકલના કર્મચારીઓ સામેલ હતા.
8-9 ઓગસ્ટની રાત્રે આરજી કર હોસ્પિટલમાં એક ડૉક્ટર યુવતી પર રેપ અને હત્યા કરવામાં આવી હતી. 9 ઓગસ્ટની સવારે ડૉક્ટરનો મૃતદેહ મળ્યો હતો. આ કેસમાં 10 ઓગસ્ટના રોજ સંજય નામના યુવકની ધરપકડ કરવામાં આવી હતી, જેના કારણે આક્રોશ અને નારાજગી સાથે દેશભરમાં લાંબા સમય સુધી વિરોધપ્રદર્શનો થયાં હતાં.
આ કેસની તપાસ કરી રહેલી સીબીઆઈએ 10 ડિસેમ્બરે સુપ્રીમ કોર્ટમાં સ્ટેટસ રિપોર્ટ રજૂ કર્યો હતો, જેમાં કહેવામાં આવ્યું હતું કે સિયાલદહ ટ્રાયલ કોર્ટમાં સોમવારથી ગુરુવાર સુધી દરરોજ સુનાવણી ચાલી રહી છે. ફરિયાદ પક્ષના 81 સાક્ષીમાંથી 43 સાક્ષીની પૂછપરછ કરવામાં આવી છે.
ચુકાદા પહેલાં પીડિતાના પિતાના 4 દાવા
1. અમારા વકીલ અને CBIએ અમને કોર્ટમાં ન જવા કહ્યું છે. CBI વધુ પ્રયાસ કરતી નથી. આમાં ચોક્કસપણે કોઈક સામેલ છે. મને હાલની કોર્ટની કાર્યવાહી વિશે કંઈ ખબર નથી.
2. CBIએ મને ક્યારેય ક્યાંય બોલાવ્યો નથી, તેઓ એક કે બે વાર અમારા ઘરે આવ્યા હતા, પરંતુ જ્યારે પણ અમે તેમને તપાસ વિશે પૂછ્યું ત્યારે તેઓ હંમેશાં કહેતા કે તપાસ ચાલી રહી છે.
3. મારી પુત્રીના ગળા પર ઈજાનાં નિશાન હતાં, પરંતુ ત્યાંથી કોઈ સેમ્પલ લેવામાં આવ્યાં ન હતાં. પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં પણ કોઈ નક્કર પુરાવા મળ્યા નથી.
4. DNA રિપોર્ટ જણાવે છે કે ત્યાં 4 પુરુષ અને 2 મહિલા હાજર હતી. અમે ઈચ્છીએ છીએ કે આમાં સામેલ દરેકને સજા મળે.

ચુકાદો જાહેર થાય એ પહેલાં સિયાલદહ કોર્ટની બહાર મોટી સંખ્યામાં પોલીસ તહેનાત કરવામાં આવી છે.
ચુકાદામાં વિલંબનાં 3 કારણ
પહેલું કારણ- 2 વકીલે કેસ છોડી દીધો
પીડિતાના પરિવારનો કેસ સિયાલદહ કોર્ટમાંથી બે વકીલે છોડી દીધો હતો. આ કારણે એક સમય એવો આવ્યો, જ્યારે પીડિતાના પરિવારનું પ્રતિનિધિત્વ કરવા માટે કોઈ વકીલ ન હતો.
પીડિત પરિવારે પહેલા એડવોકેટ વિકાસ રંજન ભટ્ટાચાર્યને કેસ લડવા રાખ્યા હતા. ભટ્ટાચાર્યએ સિયાલદહ કોર્ટ તેમજ હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટમાં સીબીઆઈ તપાસની માગણી કરવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી.
ડૉક્ટર યુવતીના પિતાએ કહ્યું હતું કે- અમે ઈચ્છતા હતા કે ભટ્ટાચાર્ય હાઈકોર્ટ અને સિયાલદહ કોર્ટમાં અમારો કેસ લડે. અમે સુપ્રીમ કોર્ટ માટે બીજા વકીલની શોધમાં હતા. ભટ્ટાચાર્યને આ ગમ્યું નહીં અને તમામ કોર્ટમાં અમારો કેસ છોડી દીધો.
જોકે સૂત્રોએ જણાવ્યું હતું કે ભટ્ટાચાર્યના વ્યસ્ત કાર્યક્રમને કારણે પીડિત પરિવારને નવો વકીલ શોધવો પડ્યો હતો. ભટ્ટાચાર્યએ છેલ્લે 9 સપ્ટેમ્બરે પીડિત પરિવારનું પ્રતિનિધિત્વ કર્યું હતું.
બીજું કારણ- સીબીઆઇને કેસ મોડો સોંપવામાં આવ્યો
9 ઓગસ્ટની ઘટના બાદ આરજી કર હોસ્પિટલના ડોક્ટરો અને પીડિત પરિવારે આ કેસમાં સીબીઆઈ તપાસની માગ કરી હતી, પરંતુ મુખ્યમંત્રી મમતા બેનર્જીએ તપાસનો આદેશ આપ્યો નહોતો.
હાઈકોર્ટના આદેશ બાદ 13 ઓગસ્ટે તપાસ સીબીઆઈને સોંપવામાં આવી હતી. આ પછી સીબીઆઈએ નવેસરથી તપાસ શરૂ કરી હતી, પરંતુ ઘટનાને 5 દિવસ વીતી ગયા હતા.

હોસ્પિટલમાં લાગેલા સીસીટીવી કેમેરામાં સંજય રોય 9 ઓગસ્ટના રોજ સવારે 4:03 વાગ્યે વોર્ડમાં આવતો દેખાયો હતો. તેણે ટી-શર્ટ અને જીન્સ પહેર્યું હતું.
ત્રીજું કારણ- CBI અન્ય આરોપીઓ સામે 90 દિવસમાં ચાર્જશીટ રજૂ કરી શકી નહીં
આ કેસમાં આરોપી સંજય રોય ઉપરાંત મેડિકલ કોલેજના પૂર્વ પ્રિન્સિપાલ સંદીપ ઘોષને પણ આરોપી બનાવવામાં આવ્યા હતા, પરંતુ સીબીઆઈ ઘોષ વિરુદ્ધ 90 દિવસમાં ચાર્જશીટ દાખલ કરી શકી ન હતી, જેના કારણે સિયાલદહ કોર્ટે 13 ડિસેમ્બરે આ કેસમાં ઘોષને જામીન આપ્યા હતા. આ ઉપરાંત તાલા પોલીસ સ્ટેશનના પૂર્વ ઈન્ચાર્જ અભિજિત મંડલને પણ ચાર્જશીટ ન રજૂ કરવા બદલ જામીન આપવામાં આવ્યા હતા.

આરોપી સંજય સિવિક વોલન્ટિયર હતો. પોલીસે 10 ઓગસ્ટે તેની ધરપકડ કરી હતી. તસવીર એ જ દિવસની છે.
CBIએ સંજયનો પોલીગ્રાફ ટેસ્ટ કરાવ્યો હતો
25 ઓગસ્ટે CBIએ સેન્ટ્રલ ફોરેન્સિક ટીમની મદદથી કોલકાતાની પ્રેસિડેન્સી જેલમાં સંજયનો પોલીગ્રાફ ટેસ્ટ કરાવ્યો હતો. અધિકારીઓએ તેમની લગભગ 3 કલાક પૂછપરછ કરી હતી. સંજય સહિત કુલ 10 લોકોનો અત્યાર સુધી પોલીગ્રાફ ટેસ્ટ કરવામાં આવ્યો છે.
જેમાં આરજી કારના પૂર્વ પ્રિન્સિપાલ સંદીપ ઘોષ, ASI અનુપ દત્તા, 4 સાથી ડોક્ટર, એક વોલેન્ટિયર અને બે ગાર્ડનો સમાવેશ થાય છે.
સીબીઆઈએ કહ્યું- ટ્રેની ડોક્ટર પર ગેંગરેપ નથી થયો
CBIએ 7 ઓક્ટોબરે હાઈકોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી, જેમાં બળાત્કાર-હત્યાનો એકમાત્ર આરોપી તરીકે સંજયને નામ આપવામાં આવ્યું હતું. સંજય કોલકાતા પોલીસમાં સિવિક વોલેન્ટિયર તરીકે કામ કરતો હતો. એજન્સીએ કહ્યું કે ટ્રેઇની ડૉક્ટર પર ગેંગરેપ થયો નથી.
ચાર્જશીટમાં 100 સાક્ષીઓના નિવેદનો, 12 પોલીગ્રાફ ટેસ્ટ રિપોર્ટ્સ, સીસીટીવી ફૂટેજ, ફોરેન્સિક રિપોર્ટ, મોબાઈલ કોલ ડિટેઈલ અને લોકેશન સામેલ છે. ઘટનાના દિવસે આરોપીના ઈયરફોન અને મોબાઈલ બ્લૂટૂથ દ્વારા કનેક્ટ કરવામાં આવ્યા હતા. આ પણ મહત્વનો પુરાવો માનવામાં આવતો હતો.
ચાર્જશીટમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે પીડિતાના શરીરમાંથી મળેલા સીમન સેમ્પલ અને લોહી આરોપીના શરીર સાથે મેચ થાય છે. ફોરેન્સિક તપાસ બાદ ગુનાના સ્થળેથી મળેલા ટૂંકા વાળ પણ આરોપીના વાળ સાથે મેચ થયા હતા.
ફોરેન્સિક રિપોર્ટમાંથી ટ્વિસ્ટ, ગાદલા પર ઝપાઝપીના કોઈ પુરાવા નથી
કોલકાતાની આરજી કર મેડિકલ કોલેજ હોસ્પિટલમાં તાલીમાર્થી ડૉક્ટરનો રેપ-હત્યા કેસમાં સેન્ટ્રલ ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી (CFSL)નો રિપોર્ટ 24 ડિસેમ્બરે સામે આવ્યો હતો. જેમાં અનેક સનસનીખેજ ખુલાસા થયા છે. 12 પાનાના રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે સેમિનાર રૂમમાં પીડિતા પર બળાત્કાર અને તેની હત્યા કરવામાં આવી હોવાના કોઈ પુરાવા મળ્યા નથી.
રિપોર્ટના 12મા પેજની છેલ્લી લાઈનમાં લખવામાં આવ્યું છે કે – જ્યાંથી તાલીમાર્થી ડોક્ટરનો મૃતદેહ મળ્યો હતો ત્યાંથી કોઈ ઝપાઝપી થઈ હોવાના પુરાવા મળ્યા નથી. મૃતદેહ જે ગાદલા પર હતો તેના પર કોઈ પણ પ્રકારની ઝપાઝપીના નિશાન જોવા મળ્યા ન હતા.