34 મિનિટ પેહલા
- કૉપી લિંક
વાયનાડ ભૂસ્ખલનના છઠ્ઠા દિવસે પણ સર્ચ ઓપરેશન ચાલુ છે. ગુમ થયેલા 206 લોકોની શોધ ચાલુ છે.
કેરળના વાયનાડમાં 29-30 જુલાઈની રાત્રે ભારે વરસાદ બાદ થયેલા ભૂસ્ખલનમાં મૃત્યુઆંક 365 પર પહોંચી ગયો છે. જેમાં 30 બાળકોનો પણ સમાવેશ થાય છે. 206 લોકો હજુ પણ ગુમ છે. દુર્ઘટનાના છઠ્ઠા દિવસે આજે રવિવારે (4 ઓગસ્ટ) સર્ચ ઓપરેશન ચાલુ છે.
આ દરમિયાન, ભૂસ્ખલનથી વિસ્થાપિત થયેલા લોકોનું કહેવું છે કે તેમના ઘરોમાં ચોરી થઈ રહી છે. કેટલાક લોકો રાત્રિના સમયે આવીને ઘરોમાંથી કિંમતી સામાનની ચોરી કરી રહ્યા છે. જો કે, રિપોર્ટ નોંધાયા બાદ હવે પોલીસ ચોરીમાં સંડોવાયેલા લોકોને પકડવા પેટ્રોલિંગ કરી રહી છે.
બીજી તરફ, મુખ્યમંત્રી વિજયને શનિવારે કહ્યું કે કેરળ સરકાર વાયનાડ ભૂસ્ખલનમાં ઘર અને જમીન ગુમાવનારા લોકોના પુનર્વસન માટે સુરક્ષિત વિસ્તારમાં ટાઉનશિપ બનાવશે. ભૂસ્ખલન પ્રભાવિત વિસ્તારના બાકીના લોકોને અહીં વસાવવામાં આવશે. આ પુનર્વસન પ્રોજેક્ટ ટૂંક સમયમાં પૂર્ણ થશે.
સર્ચ ઓપરેશનના છઠ્ઠા દિવસે અપડેટ
- ભૂસ્ખલન બાદ છઠ્ઠા દિવસે રવિવારે સવારે 7 વાગ્યાથી સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે. છ ટીમોમાં સામેલ 1264 લોકો મુંડક્કઈ, ચુરાલમાલા અને સમાલીમટ્ટમમાં સર્ચ ઓપરેશન ચલાવી રહ્યા છે. મુખ્યમંત્રી વિજયને શનિવારે કહ્યું હતું કે બચાવ કાર્ય અંતિમ તબક્કામાં છે.
- હવામાન વિભાગે આજે કેરળના 6 જિલ્લા કસરગોડ, કન્નુર, વાયનાડ, કોઝિકોડ, ઇડુક્કી અને કોટ્ટાયમમાં વરસાદ માટે યલો એલર્ટ જાહેર કર્યું છે.
- કેરળના મંત્રી એકે સસેન્દ્રને રવિવારે કહ્યું- અમે ભૂસ્ખલન પ્રભાવિત વિસ્તારને 6 ઝોનમાં વહેંચ્યા છે. દરેક ઝોનમાં 40 લોકોની ટીમ સર્ચ ઓપરેશન ચલાવી રહી છે. ત્યાં કેટલા લોકો હતા તે શોધવું મુશ્કેલ બની રહ્યું છે. આ માટે સ્થાનિક લોકોની મદદ પણ લેવામાં આવી રહી છે.
- ભૂસ્ખલન પ્રભાવિત વિસ્તારોમાં ગુમ થયેલા અને દટાયેલા લોકોને શોધવા માટે રડારની મદદ લેવામાં આવી રહી છે. આ રડાર ભૂગર્ભમાં 80 મીટર સુધીની ઉંડાઈએ ફસાયેલા માણસોને શોધી કાઢે છે. સેના આ રડારનો ઉપયોગ બરફીલા વિસ્તારોમાં ખાસ કરીને સિયાચીન અને લદ્દાખમાં હિમપ્રપાત પછી શોધ માટે કરે છે.
- સેનાએ 1 ઓગસ્ટના રોજ મુંડક્કાઈ, ચુરલમાલા, અટ્ટમાલા અને નૂલપ્પુઝા ગામમાં બચાવ અભિયાન પૂર્ણ થવાની માહિતી આપી હતી. હવે માત્ર કાટમાળ નીચે દટાયેલા મૃતદેહોને શોધવાનું કામ ચાલી રહ્યું છે. ઘણી જગ્યાએ કાટમાળ નીચે 20 થી 30 ફૂટ સુધી મૃતદેહો દટાયા હોવાની આશંકા છે.
બચાવ કામગીરીની તસવીરો…
આર્મીએ ચુરલમાલા અને મુંડક્કાઈને જોડવા માટે 190 ફૂટ લાંબો બેઈલી બ્રિજ બનાવ્યો. બચાવ મશીનરી આમાંથી પસાર થઈ શકે છે.
વાયનાડમાં આજે છઠ્ઠા દિવસે પણ બચાવ કાર્ય ચાલુ છે. લોકોના મૃતદેહોને બહાર કાઢવાની કામગીરી ચાલી રહી છે.
રેસ્ક્યુ ઓપરેશન દરમિયાન ઘાયલ થયેલા લોકોની મેડિકલ ટીમ સારવાર કરી રહી છે.
ભૂસ્ખલન પ્રભાવિત વિસ્તારમાં બચાવ માટે નેવીના હેલિકોપ્ટરની મદદ લેવામાં આવી રહી છે.
કેરળની પ્રાદેશિક સેનાના લેફ્ટનન્ટ. કર્નલ અને અભિનેતા મોહનલાલ શનિવારે વાયનાડ પહોંચ્યા હતા. તેમના વિશ્વશાંતિ ફાઉન્ડેશને પીડિતોને 3 કરોડ રૂપિયાની સહાયની જાહેરાત કરી છે.
5 વર્ષ પહેલા પણ અહીં ભૂસ્ખલનને કારણે 17 લોકોના મોત થયા હતા
વાયનાડના 4 ગામોમાં ભૂસ્ખલન થયું છે – મુંડક્કાઈ, ચુરાલમાલા, અટ્ટમાલા અને નૂલપુઝા. પાંચ વર્ષ પહેલા 2019માં આ જ ગામોમાં ભારે વરસાદને કારણે ભૂસ્ખલન થયું હતું, જેમાં 17 લોકોના મોત થયા હતા. 5 લોકો આજદિન સુધી મળ્યા નથી. 52 મકાનો ધરાશાયી થયા હતા.
વાયનાડમાં ભૂસ્ખલનનું કારણ શું છે?
વાયનાડ કેરળના ઉત્તર-પૂર્વમાં છે. કેરળનો આ એકમાત્ર ઉચ્ચપ્રદેશનો વિસ્તાર છે. એટલે કે, માટી, પથ્થરો અને વૃક્ષો અને તેના પર ઉગેલા છોડના ઊંચા અને નીચા ટેકરાવાળો વિસ્તાર. જિયોલોજિકલ સર્વે ઓફ ઈન્ડિયાના 2021ના અહેવાલ મુજબ કેરળનો 43% વિસ્તાર ભૂસ્ખલનથી પ્રભાવિત છે. વાયનાડની 51% જમીન પહાડી ઢોળાવવાળી છે. એટલે કે ભૂસ્ખલનની શક્યતા ઘણી વધારે રહે છે.
વાયનાડ ઉચ્ચપ્રદેશ પશ્ચિમ ઘાટમાં 700 થી 2100 મીટરની ઉંચાઈ પર આવેલું છે. આ વિસ્તારમાં ચોમાસાની ઋતુમાં ઘણો વરસાદ પડે છે. વાયનાડમાં કાબિની નદી છે. તેની ઉપનદી મનંતાવડી ‘થોંડારમુડી’ શિખરમાંથી નીકળે છે. ભૂસ્ખલનને કારણે આ નદીમાં પૂર આવવાથી ભારે નુકસાન થયું છે.
આ સમાચાર પણ વાંચો…
વાયનાડમાં ભૂસ્ખલન, 4 દિવસ પછી 4 આદિવાસી બાળકોને બચાવ્યા: બચાવ ટીમે હથેળીમાં પાણી ભરી તેને પાણી પીવડાવ્યું, પેટે બાંધીને પર્વત પરથી નીચે લાવ્યા
વાયનાડ ભૂસ્ખલનના ચોથા દિવસે શુક્રવારે એક સારા સમાચાર આવ્યા. વન અધિકારીઓએ 8 કલાકના ઓપરેશનમાં 4 બાળકો સહિત 6 લોકોને દૂરના આદિવાસી વિસ્તારમાંથી બચાવ્યા હતા. બાળકોની ઉંમર એકથી ચાર વર્ષની છે. પનીયા સમાજનો આ આદિવાસી પરિવાર પહાડીની ટોચ પરની ગુફામાં ફસાઈ ગયો હતો.