13 મિનિટ પેહલાલેખક: પ્રકાશ.એ.પરમાર
- કૉપી લિંક
ભારતની રાજનીતિના અલગ અલગ રંગ છે. કહેવાય છે રાજનીતિમાં કોઇ વસ્તુ સામાન્ય નથી હોતી, તેની પાછળ અનેક ગણિત જોડાયેલા હોય છે અને તેની અસર કોઇક વાર તુરંત તો કોઇક વાર લાંબા ગાળાની હોય છે. હાલ દેશમાં ફરી એકવાર ખેડૂત આંદોલન શરૂ થઇ ગયુ છે. તો થોડા દિવસ પહેલા જ ખેડૂતોના મસિહા એવા ચૌધરી ચરણસિંહને ભારત રત્ન અપાયો. જયંત ચૌધરી અને NDA વચ્ચેના ગઠબંધનથી સવાલ થઇ રહ્યો છે કે ભારતની સૌથી શક્તિશાળી પાર્ટી ભાજપને કેમ જંયત ચૌધરી સાથે ગઠબંધનમાં રસ છે. આ બધા વચ્ચે ફરી એક વખત જાટલેન્ડ ચર્ચાના કેન્દ્રમાં છે. ત્યારે આવો જાણીએ જાટલેન્ડની રાજનીતિની ઐતિહાસિક પૃષ્ઠભૂમિ, જમીની વાસ્તવિકતા અને આ વોટ બેંકના સમીકરણને.
આ જાટલેન્ડ આખરે છે શું?
સૌપ્રથમ આપણે જાણીએ કે આ જાટલેન્ડ આખરે છે શું? અને તે ખેડૂત આંદોલન અને આવનારી લોકસભાની ચૂંટણી માટે કેમ મહત્વપૂર્ણ છે. દિલ્હીની આસપાસ 300-400 કિલોમીટરની ત્રિજ્યામાં આવેલો વિસ્તાર જાટલેન્ડ તરીકે ઓળખાય છે. ઉત્તર ભારતની રાજનીતિમાં જાટ સમુદાયને રાજકીય રીતે ખૂબજ પ્રભાવશાળી માનવામાં આવે છે. હરિયાણા, ઉત્તરપ્રદેશ, રાજસ્થાન, દિલ્લી, પંજાબ સહિતના ઉત્તર ભારતના રાજ્યોમાં જાટ સમુદાયની વસતી મોટા પ્રમાણમાં છે. અને તે દેશની 40થી વધુ લોકસભા બેઠકો, 160થી વધુ વિધાનસભા બેઠકો અને ઉત્તર ભારતના 4 રાજ્યોમાં રાજકીય રીતે પ્રભાવશાળી છે.
જયંત ચૌધરી સાથે ગઠબંધનમાં ભાજપને કેમ રસ?
ખેડૂત આંદોલનને કારણે ફરી એકવાર જાટલેન્ડમાં ભાજપ વિરોધી માહોલ ઉભો થઇ રહ્યો છે. વિપક્ષ પણ આ મુદ્દાનો રાજકીય લાભ લેવાનો એક પણ મોકો ચૂકશે નહીં. ત્યારે હાલની સ્થિતિમાં ભાજપ પાસે કોઇ મોટો જાટ નેતા કે કોઇ એવું સમીકરણ નથી તે આ વોટબેંક પર અસર કરી શકે. રાજકીય વિશ્લેષકોનું માનીએ તો ચૌધરી ચરણ સિંહને ભારત રત્ન આપવો અને જયંત ચૌધરીને NDAમાં લાવવા એ આવનારી લોકસભાની ચૂંટણીમાં જાટલેન્ડની મહત્તમ લોકસભા બેઠકો અંકે કરવાની રાહમાં મહત્વપૂર્ણ પગલું છે.

પશ્ચિમ યુપીમાં આરએલડીનો ઘણો પ્રભાવ
હવે આપણે જાણીએ કે રાજનીતિમાં અત્યારે સૌથી ખરાબ સ્થિતિમાં ચાલતી આરએલડી સાથે ભાજપને ગઠબંધન કેમ કરવું છે. તો રાજકીય વિશ્લેષકોનું કહેવું છે કે એક સમયે પશ્ચિમ યુપીમાં આરએલડીનો ઘણો પ્રભાવ હતો. બાગપતને ચૌધરી અજીત સિંહની કર્મભૂમી માનવામાં આવતી હતી. પશ્ચિમ યુપીમાં આરએલડીનો ઘણો પ્રભાવ છે. ભાજપ પણ આ જાણે છે. ભાજપ નેતૃત્વ પશ્ચિમ યુપીમાં જીત સુનિશ્ચિત કરવા માગે છે અને આરએલડીના સમર્થનથી તેમને ફાયદો થઇ શકે છે.
યુપીમાં જાટલેન્ડની તાકાત શું છે?
જીસકા જાટ ઉસી કા ઠાઠ એવી વર્ષો જુની માન્યતા પશ્ચિમ યુપીમાં છે. ત્યારે યુપીમાં સૌથી મોટી ચર્ચા પશ્ચિમ યુપી એટલે કે જાટલેન્ડની રાજનીતિની છે. યુપીના પશ્ચિમી જિલ્લાઓમાં જાટોનું વર્ચસ્વ છે. પશ્ચિમ યુપીના કુલ મતોમાં જાટ સમુદાયનો હિસ્સો લગભગ 17 ટકા છે. આ વિસ્તારની 120 વિધાનસભા સીટો અને 18 લોકસભા સીટો પર જાટ વોટ બેંકનો પ્રભાવ છે. યુપીમાં મેરઠ, મથુરા, અલીગઢ, બુલંદશહર, મુઝફ્ફરનગર, આગ્રા, બિજનૌર, મુરાદાબાદ, સહારનપુર, બરેલી અને બદાઉન જાટ પ્રભાવિત જિલ્લાઓ છે. આ જાટ મતોના કારણે ચૌધરી ચરણ સિંહના પુત્ર અને જયંત ચૌધરીના પિતા ચૌધરી અજીત સિંહ ઘણી કેન્દ્રીય સરકારોમાં કિંગમેકરની ભૂમિકા ભજવતા રહ્યા છે.
પૌત્રએ અપાયું દાદાને સન્માન
પૂર્વ વડાપ્રધાન ચૌધરી ચરણસિંહને ભારત રત્ન આપવાની માગ વર્ષો જૂની છે. તેમના પુત્ર અજિત સિંહ પણ આ માગ વર્ષોથી કરતા હતા પણ તેમને સફળતા મળી નહીં. ચરણસિંહના પૌત્રએ પોતાના પિતાની ઇચ્છા પૂરી કરી.

સ્વ. ચૌધરી ચરણ સિંહને ભારત રત્ન આપવાથી ફાયદો થશે
ખેડૂત અને ખેડૂતની રાજનીતિમાં ચૌધરી ચરણ સિંહ આજે પણ કેન્દ્ર સ્થાને છે. દેશની 50 લોકસભા અને 200 વિધાનસભા બેઠકો પર ખેડૂતોનું પ્રતિનિધિત્વ કરતા જાટ સમુદાયનું વર્ચસ્વ છે. સત્તા પક્ષ- વિપક્ષની રાજનીતિ વચ્ચે આજે પણ ચૌધરી ચરણ સિંહ હંમેશા રાજનીતિમાં કેન્દ્ર સ્થાને રહે છે. ચૌધરી ચરણ સિંહ સાથે આજે પણ ખેડૂત ભાવનાત્મક રૂપ સાથે જોડાયેલો છે. જેનો લાભા રાલોદને મળે છે. અજિતસિંહને પુત્ર અને જયંતને પૌત્ર હોવાનો લાભ મળ્યો છે. અને તેથી ચૌધરી ચરણ સિંહને ભારત રત્ન આપવો અને જયંતનું NDA સાથે જોડાવવું આવનારી લોકસભાની ચૂંટણીમાં અસર કરશે.
દાયકાઓ પછી પણ આ સૂત્ર કેમ અસરકારક?
જ્ઞાતિની મતબેંકને મજબૂત કરવા માટે ચરણસિંહે પછાત જાતિઓને ઉમેરી. પ્રથમ, તેમણે યુપીમાં પછાત જાતિઓ માટે અનામતની દરખાસ્ત મંજૂર કરવામાં અને પછી કેન્દ્રમાં જનતા પાર્ટીની સરકાર દરમિયાન મંડલ કમિશનની ભલામણો તૈયાર કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. ચરણ સિંહે હંમેશા નાના અને મધ્યમ કક્ષાના ખેડૂતોના રાજકારણ પર ભાર મૂક્યો હતો. ચરણ સિંહે ખેડૂતોના રાજકીય પ્રતિનિધિત્વ માટે કામ કરવાનું ચાલુ રાખ્યું. આ માટે ચરણ સિંહે પશ્ચિમી યુપીના સામાજિક માળખાને રાજકીય શક્તિનો આકાર આપ્યો. ચરણ સિંહે જાટ તેમજ યાદવ-મુસ્લિમ વોટ બેંકને જોડીને મજબૂત આધાર બનાવ્યો હતો.
આ વોટબેંક ચૌધરી ચરણ સિંહના ભારતીય લોકદળનો આધાર બની
પહેલા આ વોટબેંક ચૌધરી ચરણ સિંહના ભારતીય લોકદળનો આધાર બની અને બાદમાં આ સમીકરણ તેમના પુત્ર અજીત સિંહની આરએલડીની રાજનીતિનો આધાર બની ગયું. પશ્ચિમ યુપીના રાજકારણમાં ચૌધરી ચરણ સિંહ પછી, તેમના પુત્ર અજીત સિંહે લગભગ 3 દાયકા સુધી વારસો સંભાળ્યો અને રાજ્યથી લઈને કેન્દ્ર સુધીની સત્તામાં ભાગીદારી મેળવી અને હવે તેમના પૌત્ર જયંત ચૌધરી પોતાનો રાજકીય વારસો આગળ વધારી રહ્યા છે.

જાટ સમુદાય કેવી રીતે રાજકીય સત્તામાં પરિવર્તિત થયો?
1957ની ચૂંટણીમાં, ચૌધરી ચરણ સિંહ જ્ઞાતિના અંકગણિતને કારણે ઓછા માર્જિનથી તેમના ગઢ છપરૌલીથી હારી ગયા હતા. આવી સ્થિતિમાં તેમણે રાજકીય સમીકરણોને લઈને અનોખા પ્રયોગો કર્યા હતા. સ્વતંત્રતા ચળવળ પછી ચૌધરી ચરણ સિંહ પહેલા કોંગ્રેસમાં જોડાયા. પછી યુપીમાં મંત્રી બન્યા અને પછી બિનકોંગ્રેસી સરકાર બનાવી અને સીએમ પદ સુધી પહોંચ્યા. પછી બે દાયકા સુધી કેન્દ્રીય રાજકારણ કરીને જાટ સમુદાયે રાજકીય નકશા પર મજબૂત સ્થાન મેળવ્યું.
જાટ સત્તા સામે સંઘર્ષ કરવા જાણીતા
ઈતિહાસ એ વાતનો સાક્ષી છે કે સિંધમાં આરબ આક્રમણકારો, મેરઠ-હરિદ્વારના રસ્તે તૈમૂર, દિલ્હીમાં મુઘલો, 1857ના યુદ્ધમાં અંગ્રેજો અને સ્વતંત્ર ભારતની સરકારોને સૌથી મોટો પડકાર જાટોનો રહ્યો છે. સ્વતંત્રતા પહેલાના ત્રણ દાયકામાં સંયુક્ત પંજાબની રાજકીય ક્ષિતિજ પર જાટ નેતા ચૌધરી છોટુ રામનું વ્યક્તિત્વ ઉભરી આવ્યું હતુ. આમ હંમેશા આ સમુદાય સત્તા સામે સંઘર્ષ કરવા જાણીતો છે.
હરિયાણામાં 30 ટકા જાટ
હરિયાણામાં આશરે 30 ટકા જાટ સમુદાયની વસતી છે. જે કોઇ પણ પક્ષને ચૂંટણી જીતવા અને કોઈપણ સરકારને તોડી પાડવા સક્ષમ છે. આ જ કારણ છે કે હરિયાણાની રાજકીય ધરી લાંબા સમયથી જાટ સમુદાયની આસપાસ જ ફરતી રહી છે.
30 વિધાનસભા બેઠકો પર પ્રભાવ
હરિયાણામાં રોહતક, સોનીપત, પાણીપત, જીંદ, કૈથલ, સિરસા, ઝજ્જર, ફતેહાબાદ, હિસાર અને ભિવાની જિલ્લામાં લગભગ 30 વિધાનસભા બેઠકો પર જાટોનો પ્રભૂત્વ છે. આ કારણે આ વિસ્તારને જાટલેન્ડ કહેવામાં આવે છે. અહીંની બેઠકો પર જીત કે હારનો નિર્ણય જાટ સમુદાય કરે છે.

રાજસ્થાનમાં જાટ સમુદાયની રાજકીય શક્તિ
રાજસ્થાનમાં જાટ સમુદાય સૌથી વધુ વસ્તી ધરાવતો OBC સમુદાય છે. એવું માનવામાં આવે છે કે રાજ્યમાં લગભગ 12 ટકા જાટ સમુદાય છે, જેના કારણે તેઓનું લગભગ 50 વિધાનસભા બેઠકો પર પ્રભુત્વ છે. તો 20 બેઠકો પર અન્ય સમુદાયના નેતાઓની હાર-જીત નક્કી કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. જાટ સમુદાયના વર્ચસ્વનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે રાજસ્થાનમાં દરેક ચૂંટણીમાં ઓછામાં ઓછા 10થી 15 ટકા ધારાસભ્યો જાટ સમુદાયના હોય છે.
જાટ પ્રભુત્વ ધરાવતા જિલ્લાઓ અને વિસ્તારો
રાજસ્થાનના શેખાવતી વિસ્તારમાં જાટ પ્રભુત્વ જોવા મળે છે. અહીં 25થી 35 ટકા જાટ મતદારો છે. આ સાથે હનુમાનગઢ, ગંગાનગર, ધોલપુર બિકાનેર, ચુરુ, ઝુંઝુનુ, નાગૌર, જયપુર, ચિત્તોડગઢ, અજમેર, બાડમેર, ટોંક, સીકર, જોધપુર, ભરતપુરમાં જાટ સમુદાય મોટી સંખ્યામાં હાજર છે.
ભાજપને આ રણનીતિથી કેટલો ફાયદો થશે?
આમ ભાજપે ચૌધરી ચરણ સિંહને ભારત રત્ન આપીને જાટોમાં સહાનુભુતિ ઉભી કરી છે અને તેની સીધી અસર હરિયાણા, રાજસ્થાન, દિલ્હી સહિત સમગ્ર ઉત્તર ભારતના જાટ સમુદાય પર પડશે. તો બીજી તરફ જયંત ચૌધરી સાથે ગઠબંધનથી પણ એક પોઝિટિવ મેસેજ પશ્ચિમ યુપીમાં જશે. ત્યારે હવે એ જોવું રહ્યું કે ભાજપની આ રણનીતિથી આવનારી લોકસભામાં ચૂંટણીમાં શું અસર કરશે.