હવે વિરોધી પાર્ટીઓએ ભાજપ પર હુમલો કરવાનું શરૂ કરી દીધું છે
એજન્સી, નવી દિલ્હી:
લોકસભા ચૂંટણી ૨૦૧૯ માટે રાજકીય પાર્ટીઓ એક-બીજા પર પ્રહારો કરતા રહે છે. દરેક રાજકીય પાર્ટીઓએ પોતાના ઉમેદવારોની યાદી જાહેર કરી દીધી છે. જેમ-જેમ ઉમેદવારોના નામ જાહેર થતા જ રાજકીય પાર્ટીઓનું વાતાવરણ ગરમ થઈ રહ્યું છે. ભાજપે જે ઉમેદવારોની યાદી જાહેર કરી છે તેમાં દિગ્ગજ ઉમેદવારનોની બાદબાકી કરી દેવાઈ છે. બાદબાકી થયેલ ચહેરાઓમાં માર્ગદર્શક મંડળના સભ્ય લાલકૃષ્ણ અડવાણી અને મુરલી મનોહર જોશીનું નામ પણ સામેલ છે.
આ મુદ્દા પર હવે વિરોધી પાર્ટીઓએ ભાજપ પર હુમલો કરવાનું શરૂ કરી દીધું છે. દિલ્હીના મુખ્યમંત્રી અને આપના સંસ્થાપક અરવિંદ કેજરીવાલે ભાજપ સરકાર પર પ્રહાર કર્યા છે. અરવિંદ કેજરીવાલે ટ્વીટ કરીને કહ્યું કે, લાલકૃષ્ણ અડવાણી અને મુરલી મનોહર જોશીને ટિકિટ નહીં આપીને ભાજપે વૃદ્ધોનું અપમાન કર્યું છે. આ હિંદુ સંસ્કૃતિ નથી. હિંદુ ધર્મ આપણને આપણા વૃદ્ધોનું માન-સમ્માન આપવાનું શિખવે છે.
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કહ્યું કે, તેમની સરકાર દિલ્હીના વિકાસ માટે સતત પ્રયત્નો કર્યા છે. પરંતુ નરેન્દ્ર મોદીની આગેવાનીવાળી સરકાર હંમેશા રસ્તામાં રોડા નાખતી રહે છે. સીસીટીવીનું ઉદાહરણ આપતા કહ્યું કે, તમે જોયું હશે કે છેલ્લા ચાર વર્ષોથી સતત આપ સરકાર સીસીટીવી માટે કોશિશ કરી રહી છે. એ વાત અલગ છે કે, છેલ્લા ચાર વર્ષોથી કંઈ થયું નથી. દિલ્હીના ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયા અને સ્વાસ્થ્ય મંત્રી સત્યેન્દ્ર જૈને આ માટે અભિયાન ચલાવ્યું ત્યારે જઈને હવે કેટલીક જગ્યાઓએ સીસીટીવી લગાવવા માટે રસ્તો સાફ થયો છે.