9 કલાક પેહલા
- કૉપી લિંક
મિલનાડુના તિરુચિરાપલ્લીના સમયપુરમ ખાતે આવેલું અરુલમિગુ મરિઅમ્મન મંદિર પ્રાચીન હિંદુ મંદિર છે, જેના મુખ્ય દેવતા મરિઅમ્મનને દેવી દુર્ગા કે મહાકાળી અથવા આદિશક્તિનું એક રૂપ માનવામાં આવે છે. આ મંદિરમાં રેતી અને માટીથી દેવીની મૂર્તિ બનાવવામાં આવી છે. અહીં દર્શન માટે આવતા ભક્તોએ અન્ય મંદિરોમાં પ્રવેશતાં પહેલાં સ્નાન કરવાનું હોય છે, તેવું સ્નાન કરવાની જરૂર નથી હોતી. દર્શનાર્થે આવતા શ્રદ્ધાળુઓમાં એવી માન્યતા પ્રવર્તે છે કે દેવી ભક્તના શરીરની કોઇ પણ બીમારીને દૂર કરવાની અલૌકિક શક્તિ ધરાવે છે. તેથી જ અહીં શરીરના વિવિધ અંગોની ચાંદી કે સ્ટીલમાંથી બનેલી પ્રતિકૃતિ ખરીદવાનો રિવાજ છે. આ પ્રતિકૃતિ મંદિરની દાનપેટીમાં જમા કરવામાં આવે છે. અહીં સ્થાનિક ભક્તો ગોળ, ચોખાના લોટ અને ઘીમાંથી બનાવેલી એક સ્વાદિષ્ટ વાનગી – મવિલક્કુ પણ ચડાવે છે. આ મંદિરમાં મરિઅમ્મનના દર્શન માટે રવિવાર, મંગળવાર અને શુક્રવારે અનેક ભક્તો આવે છે. તહેવારો દરમિયાન શ્રદ્ધાળુઓ અહીં ધગધગતા કોલસા પર ચાલવા અને ગરમ માટીનું વાસણ ખુલ્લા હાથે પકડે છે. મરિઅમ્મન મંદિરમાં સામાન્ય રીતે સમિયાટ્ટમ પણ સામેલ હોય છે. જેમાં એક ભક્ત (ખાસ કરીને મહિલા)ને દેવી મરિઅમ્મન આવેલા ભક્તોની મદદ કરવા અને તેમને આશીર્વાદ આપવા માટે પસંદ કરે છે.