48 મિનિટ પેહલા
- કૉપી લિંક
હાલમાં ગણેશ ઉત્સવ ચાલી રહ્યો છે અને આ દિવસોમાં ભગવાન ગણેશની વિશેષ પૂજા કરવામાં આવે છે. ગણેશ પૂજા હોય કે અન્ય કોઈ દેવી-દેવતાની પૂજા હોય કે અન્ય કોઈ ધાર્મિક વિધિ હોય, સૌ પ્રથમ ભગવાન ગણેશનું પ્રતીક સ્વસ્તિક બનાવવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે જો સ્વસ્તિક દોરીને કોઈપણ કાર્યની શરૂઆત કરવામાં આવે તો તે કાર્ય કોઈપણ અવરોધ વિના પૂર્ણ થાય છે. જાણો સ્વસ્તિક બનાવતી વખતે કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ…
ગણેશ પૂજામાં સૌથી પહેલાં ગણેશજીનું પ્રતીક ચિહ્ન સ્વસ્તિક બનાવવામાં આવે છે. ગણેશજી પ્રથમ પૂજ્ય દેવ છે, આ કારણે પૂજાની શરૂઆતમાં સ્વસ્તિક બનાવવાની પરંપરા છે. સ્વસ્તિક બનાવીને પૂજા કરવાથી બધા ધર્મ-કર્મ સફળ થાય છે અને જે મનોકામનાઓ માટે પૂજા કરવામાં આવે છે તે ઇચ્છાઓ ભગવાન પૂર્ણ કરે છે. સ્વસ્તિકનું ખૂબ જ મહત્ત્વ ઉલ્લેખવામાં આવ્યું છે, તેને યોગ્ય રીતે બનાવવાથી જ પૂજા પૂર્ણ થાય છે.
ભારતીય સંસ્કૃતિમાં વૈદિકકાળથી જ સ્વસ્તિકની માન્યતા વિશેષ રહી છે. સ્વસ્તિકમાં રહેલી ઊર્જા અને તત્વોની વાત તો આપણે અગાઉ કરી પણ સ્વસ્તિકની આકૃતિ બે પ્રકારે જોવા મળે છે. એક જે દક્ષિણામુખી સ્વસ્તિક (ઘડિયાળના કાંટાની ગતિની દિશા) અને બીજું વામમુખી સ્વસ્તિક (વિરૂદ્ધ દિશા) આ બંને સ્વસ્તિકના આકાર એ સ્ત્રી અને પુરૂષ તત્વના પ્રતીક માનવામાં આવે છે.
જેમાં જમણી ભુજાવાળા સ્વસ્તિકને શુભ અને કલ્યાણકારી સાથે જ ગણેશજીનું સ્વરૂપ પણ માનવામાં આવે છે. ત્યારે ડાબી ભુજાવાળું સ્વસ્તિક એ શત્રુનો સંહાર કરનાર સાથે જ માતા કાલીનું સ્વરૂપ માનવામાં આવે છે. સ્વસ્તિકની મધ્યમાં રહેલું બિંદુ એ સાક્ષાત્ વિષ્ણુ ભગવાનની નાભિ છે તો સ્વસ્તિકની ચારભુજા એ બ્રહ્માજીના ચારમુખ માનવામાં આવે છે.
પૂજાની સફળતા માટે સ્વસ્તિક બનાવતી સમયે કઈ વાતોનું ધ્યાન રાખવું જોઈએ..
પહેલી વાત-સ્વસ્તિક ક્યારેય આડો-અવળો બનાવવો જોઈએ નહીં. આ નિશાન એકદમ સીધું અને સુંદર બનાવવું જોઈએ. ધ્યાન રાખો ઘરમાં ક્યારેય પણ ઊંધો સ્વસ્તિક બનાવવો નહીં. ઊંધો સ્વસ્તિક મંદિરમાં બનાવવામાં આવે છે. કોઈ ખાસ મનોકામના માટે મંદિરમાં ઊંધો સ્વસ્તિક બનાવવામાં આવે છે. ઘરમાં જ્યાં સ્વસ્તિક બનાવો, તે સ્થાન એકદમ સાફ અને પવિત્ર હોવું જોઈએ. જ્યાં સ્વસ્તિક બનાવો, ત્યાં બિલકુલ પણ ગંદકી હોવી જોઈએ નહીં.
બીજી વાત- સ્વસ્તિક ધનાત્મક એટલે સકારાત્મક ઊર્જાને આકર્ષિક કરે છે. દરવાજા ઉપર સ્વસ્તિક બનાવવાથી ઘરમાં નકારાત્મકતા પ્રવેશ કરતી નથી અને દૈવીય શક્તિઓ આકર્ષિત થાય છે. દરવાજા ઉપર સ્વસ્તિક બનાવવાથી વાસ્તુદોષ પણ દૂર થઈ શકે છે.
ત્રીજી વાત- લગ્નજીવનમાં પરેશાનીઓ દૂર કરવા માટે પૂજા કરતી સમયે હળદરથી સ્વસ્તિક બનાવવો જોઈએ. અન્ય મનોકામનાઓ માટે કંકુથી સ્વસ્તિક બનાવવો જોઈએ.
ભગવાન ગણેશની પૂજા કરતી વખતે આ વાતોનું ધ્યાન રાખો ગણેશ પૂજામાં ભગવાનને સામેથી જ જોવું જોઈએ. ભગવાન ગણેશની પીઠ તરફ ન જુઓ, કારણ કે ભગવાનની પીઠ પર ગરીબી રહે છે. ભગવાન ગણેશના કપાળ પર બ્રહ્મલોક, સૂંઢ પર ધર્મ, કાન પર વેદનું જ્ઞાન, જમણા હાથમાં વરદાન એટલે કે આશીર્વાદ, બીજા જમણા હાથમાં દુષ્ટતા રોકવા માટેનું અંકુશ, ડાબા હાથમાં અન્ન, બીજા હાથમાં કમળ એટલે કે પવિત્રતા છે. ડાબો હાથ, પેટમાં સુખ-સમૃદ્ધિ, નાભિ પર બ્રહ્માંડ, આંખોમાં પ્રેમ, પગમાં સાતેય લોક વસે છે. પીઠ જોવાથી ઘરમાં ગરીબી વધે છે. જો તમે ભગવાન ગણેશના દર્શન કરો છો, તો તમને ભગવાનની કૃપા મળે છે.
સ્વસ્તિકનો ઈતિહાસ ખૂબ જ પ્રાચીન છે. પ્રાચીનકાળથી તેનો દરજ્જો મહાન રહ્યો છે. 4000 વર્ષ પૂર્વેની સિંધુ ખીણની સભ્યતામાં પણ સ્વસ્તિકના પુરાવા મળી આવ્યા છે. એથી પણ આગળની સભ્યતામાં આનો ઉલ્લેખ જોવા મળે છે. વાલ્મિકી કૃત રામાયણમાં પણ ધ્વજમાં સ્વસ્તિકનો ઉલ્લેખ જોવા મળે છે. આ સિવાય એ પણ શક્યતા છે કે સ્વસ્તિક માનવ સભ્યતાના જન્મની સાથે જ જોડાયેલ છે. પ્રાગૈતિહાસિક યુગમાં માનવના ગુફાચિત્રોમાં મળેલાં સ્વસ્તિકના પુરાવા તેની સાબિતી આપે છે. આ સિવાય સમ્રાટ અશોક દ્વારા કોતરાયેલાં ભૈગઢ શિલાલેખમાં અને અનેક અભિલેખોમાં નાગાર્જુન કોન્ડ, કેસનાપલ્લી વગેરે સ્થાને રહેલ ભગવાન બુદ્ધની મૂર્તિમાં પણ દર્શાવાયું છે કે પ્રાચીન સમયથી સ્વસ્તિક મંગળનું પ્રતીક રહ્યું છે. આ સિવાય પ્રાચીન બ્રાહ્મીલિપિમાં ક ને સ્વસ્તિકની જ આકૃતિમાં લખવામાં આવે છે.
અનેક ધર્મોમાં સ્વસ્તિકનું મહત્ત્વ સ્વસ્તિકનું મહત્ત્વ લગભગ બધા ધર્મોમાં રહેલું છે. વિવિધ સભ્યતા અને ધર્મમાં સ્વસ્તિકને અન્ય નામે ઓળખવામાં આવે છે. જૈન તીર્થકરોના ચોવીસ લક્ષણોમાં સ્વસ્તિક એક લક્ષણ મનાય છે. બૌદ્ધ ધર્મમાં સ્વસ્તિકને ગૌતમ બુદ્ધના શરીરના અંગ ઉપર દર્શાવવામાં આવ્યું છે. ચીનના મંદિરોમાં અને ધર્મગ્રંથોમાં પણ સ્વસ્તિક પ્રતીક જોવા મળે છે. આ સિવાય મધ્ય એશિયામાં સ્વસ્તિક ચિહ્નને મંગળ અને સૌભાગ્યનું પ્રતીક માનવામાં આવે છે. નેપાળમાં હેરંબ, મિસરનાં એકરોન અને બર્મામાં મહા પિયેનીના નામથી પૂજવામાં આવે છે. ઓસ્ટ્રેલિયા તેમજ ન્યૂઝિલેન્ડના માવરી આદિવાસીઓ દ્વારા આદિકાળથી જ સ્વસ્તિકને રાષ્ટ્રચિહ્નનું પણ સન્માન મળેલું હતું. તેમજ જાવા અને સુમાત્રા જેવા ટાપુઓમાં પણ સ્વસ્તિકને શુભ માનવામાં આવે છે. તિબેટીયન લોકોમાં શરીર ઉપર સ્વસ્તિકનાં છુંદણા અંકિત કરવાની પ્રથા છે.
એકમેવ અદ્વિતીય બ્રહ્મ એટલે સ્વસ્તિક ભારતીય શિલ્પકલા અને નગરરચનામાં પણ સ્વસ્તિકનું અસ્તિત્વ અને મહત્ત્વ જોવા મળે છે. જગન્નાથપુરીના મંદિરનો અંદરનો ભાગ સ્વસ્તિક આકૃતિવાળો છે. તો મંદિરના કલરમાં પણ સ્વસ્તિક ચિહ્ન જોવા મળે છે. મેસોપોટેમિયામાં 3000 વર્ષ પૂર્વે આ પ્રતીક વાસણ ઉપર બનાવવામાં આવતું હતું.
વૈજ્ઞાનિકો તેમજ શોધકર્તાઓ દ્વારા મળેલી પ્રાચીન ભારતની નગરરચનાની જાણકારી અનુસાર ભગવાન બુદ્ધની જન્મસ્થળી લુમ્બી (હાલ નેપાળમાં)નામની નગરી છે. આ નગરી 8મી સદીના પૂર્વે બનેલી હતી. આ નગરીની રચના સ્વસ્તિક આકારમાં બનાવવામાં આવી હતી. પ્રાચીનકાળમાં રાજાઓ પોતાના કિલ્લાનું નિર્માણ સ્વસ્તિક આકારે કરાવતા જેથી તેમનાં કિલ્લા અભેદ અને સુરક્ષિત રહે.