2 કલાક પેહલા
- કૉપી લિંક
રાજસુંદર વિજય
સારની અનાદિકાલીન યાત્રા ચાલુ છે, તેમાંથી બહાર નીકળી મોક્ષસ્થાનની પ્રાપ્તિ માટે આધ્યાત્મયાત્રા સોપાનશ્રેણી રૂપ છે. એ સોપાનશ્રેણીનો સ્પર્શ કરાવતું એક પદ્ય જોઈએ. સંસાર કાદવ જેવો છે. તેમાંથી બહાર નીકળવાનો પ્રયાસ કરનાર ઘણી વાર વધુ ને વધુ કળણમાં ફસાતો જાય છે. કમળ એવું પુષ્પ છે, જે કાદવમાં ભલે જન્મે છે, પણ તેનાથી સર્વથા નિર્લેપ રહી સુવાસ પ્રસારિત કરે છે, સ્વયં પ્રસન્ન રહે છે અને અનુપમ સૌંદર્ય ધારણ પણ કરે છે. આવા કમળ સમ ઋજુ બનવાની આપણે ભાવના રાખવાની છે અને ઋજુ બની પ્રભુની પૂજા કરવાની છે. ભવ-કાદવમાં કમળ મારે થાવું છે, દોષશૂન્ય થઈ નિર્મળ મારે થાવું છે… કમળની સમ બનું ઋજુ, ઋજુ બની પ્રભુને પૂજું… કમળની મુખાકૃતિનાં ક્યારેક દર્શન કરવામાં આવે, તમે સૂક્ષ્મતાથી અવલોકન કરશો તો ખ્યાલ આવશે કે ત્યાં આનંદનો ઉત્કર્ષ જોવા મળશે. એ આનંદ પાછળ કારણ એ છે કે તે કાદવ વચ્ચે પણ નિર્લેપ રહે છે અને જે કાદવથી નિર્લેપ રહે, તેને જ પ્રભુના સ્પર્શની પ્રાપ્તિ થઈ શકે છે. દેવાલયમાં જઈને પ્રભુની તમે વર્ષોથી પૂજા કરતા હો, પણ જ્યાં સુધી કષાય રૂપી કાદવથી મુક્ત નહીં થઈએ, ત્યાં સુધી ખરેખર આપણે પ્રભુપૂજાના અધિકારી નથી. આમ તો પ્રભુપૂજાની ફળશ્રુતિ એ છે, છતાં પૂજા કરતાં પૂર્વે પણ અંતઃકરણને આ જ ભાવનાથી ભાવિત કરવાનું છે. પ્રભુપૂજા – પ્રભુપ્રાપ્તિનું સૌથી મોટું પરિણામ એ છે કે પછી જીવનમાં ગમે તેટલી વિપત્તિઓ આવે, સંઘર્ષ આવે, એ સંઘર્ષની અસર મન ઉપર તો નહીં જ થાય. મન ઉપર થાય તો મુખ ઉપર આવ્યા વિના ન જ રહે, એટલે જેને પ્રભુપ્રાપ્તિ થયેલી હોય, તે વ્યક્તિ આ કમળ સમ છે. તેની આસપાસ ભલે ઉદ્વિગ્નતાનાં અનેક નિમિત્તો હોય, પણ એ પરિસ્થિતિમાં તેની અસર મન ઉપર અંશ નહીં દેખાય. અરે, અસરની વાત જવા દો, પ્રભુની પ્રાપ્તિ જેને થાય, તે પ્રત્યેક પરિસ્થિતિમાં પ્રસન્ન હોય છે. આવનાર દુઃખનું પણ તે સકારાત્મક દૃષ્ટિથી અવલોકન કરે છે. તેથી જ તે પ્રતિક્ષણ હર્ષિત રહે છે. કમળનાં મુખ ઉપર છે આનંદનો ઉત્કર્ષ, કારણ એને થયો છે પ્યારા પ્રભુનો સ્પર્શ, પ્રભુપ્રાપ્તિ પછી જીવનમાં ભલે આવે સંઘર્ષ, દુઃખ નવિ દેખાશે, મુખ પર રહેશે હર્ષ… પ્રભુજી સમ કોઈ નથી દુજું… ઋજુ બની પ્રભુને પૂજું… કમળનો ઋજુતાનો ગુણ છે, તેનાથી જે લાભ થાય છે, તે વાત મહાવીર સ્વામી ભગવાને ઉત્તરાધ્યયન સૂત્રમાં ફરમાવી છે કે, વ્યક્તિ ગમે તેટલી સાધના કરે, પણ જેનું હૃદય ઋજુ-કોમળ હોય, તે જ આત્મિક શુદ્ધિ પ્રાપ્ત કરી શકે છે, તો વળી, પ્રભુ દશવૈકાલિક સૂત્રમાં જણાવે છે કે, જે સાધકની દૃષ્ટિ ઋજુતાથી પરિપૂર્ણ છે, તે જ સાચો નિર્ગ્રંથ-સંયમી બની શકે છે. આપણે પણ આપણી દૃષ્ટિને કમળ જેવી ઋજુતાયુક્ત બનાવવાનો પ્રયાસ કરીએ. सोही उज्जुअभूअस्स : ઉત્તરાધ્યયન निग्गंथा उज्जुदंसिणो દશવૈકાલિક સૂત્ર સાધકની પૂર્વભૂમિકા જણાવી કે સાધના પૂર્વે અંતઃકરણ કેવું હોવું જોઈએ. સાધકની ઉત્તરભૂમિકા જણાવે છે કે, સાધક બન્યા પછી એ સિંહ જેવો સત્ત્વશાળી હોય. તે આંતરશત્રુને જોતાંની સાથે સિંહ સમ પ્રચંડ સ્વરે ગર્જના કરે. એ ગર્જનાનો ધ્વનિ એટલા ઉચ્ચ સ્વરવાળો હોય કે મોહરૂપી મૃગ તત્ક્ષણ પરાસ્ત થઈ જાય. આત્મતત્ત્વના સૂર્ય સામે મોહરાજની મૃગ તરીકેની ઉપમા એકદમ બરાબર છે. આમ ભલે મોહરાજ ખૂંખાર કહેવાય, પણ આત્મસિંહ સામે તે મૃગ સમ પણ નથી. સિંહની બીજી એક વિશેષતા નોંધવા જેવી છે કે, તે ભૂખ્યો રહે, પણ ઘાસ તો ન જ ખાય, તેમ આત્મસાધક પોતાના સ્તરથી જઘન્ય કક્ષાનાં કાર્યો પણ ન જ કરે. આ ભાવધારાને અહીં સ્પષ્ટ શબ્દોમાં એ રીતે જણાવી છે કે, વાસનાના ગમે તેટલા વાવાઝોડા આવે, સાધક તેને વશ નહીં જ થાય. અહીં ખુદને ‘શૂરવીર’ અને ‘ભડવીર’ ઉભય શબ્દોથી સાધક પોતાને નવાજે છે અને હજી કોઈ મોહ શત્રુ ગેરસમજ ન કરે, એટલે વધુ સ્પષ્ટતા કરતાં કહે છે કે, હું સિંહ છું અને મોહ મૃગ છે. એટલે મારે ભયભીત થઈ ધ્રૂજવાની કોઈ જરૂર નથી. સિંહ બનીને કરતો રહીશ પ્રચંડ હું તો ગર્જના, મોહ-મૃગની થઈ જશે ક્ષણભરમાં વિસર્જના, ઘાસ ક્યારેય ખઈશ નહીં, એવો હું શૂરવીર છું, વાસના-વશ થઈશ નહીં, એવો હું ભડવીર છું. મોહ સામે હું નહીં ધ્રૂજું, ઋજુ બની પ્રભુને પૂજું… આમ, કમળની કોમળતાથી શરૂ થયેલ પદ્ય મધ્યમાં મહાવીર સ્વામી ભગવાનના શબ્દોની યાત્રા કરતું અંતે સિંહની શૂરવીરતાનો સ્પર્શ કરે છે. આપણે પણ આવા સાધક બની પરમ પદને પ્રાપ્ત કરીએ. પુણ્ય સૌરભ : પ્રભુ! પ્રેમમાં ભલે ને હતી તારી ગઈ કાલની ‘ના’, મને તો એમાં પણ સંભળાતી હતી આજની ‘હા’… – આર્સુ