5 કલાક પેહલા
- કૉપી લિંક
મયંક રાવલ
તા મંગેશકરને ક્યારેય લોકલ ટ્રેનમાં મુસાફરી કરતી બહેનો સાથે અંતાક્ષરી રમવાની ઈચ્છા થઇ હશે? અમિતાભને ક્યારેય આરાધ્યાની સ્કૂલમાં દાદા-દાદી માટેની વકતૃત્વ સ્પર્ધામાં ભાગ લેવાનું મન થયું હશે? સામાન્ય રીતે એક મુકામ ઉપર પહોંચ્યા પછી જેમાં મજા પડતી હોય, એવું કાર્ય કરવાની ઈચ્છા થાય તો પણ તે કરી શકતા નથી. ક્યારેક તો એવા વિચારો મગજ સુધી પહોંચી જ નથી શકતા. સામાન્ય માણસ જે મજા કે મસ્તીથી જીવે છે, તે પ્રતિષ્ઠિત વ્યક્તિઓ નથી કરી શકતી. એક સ્તર સુધી પહોંચ્યા પછી પણ ગમતું કરવાની ટેવ સાચવી રાખવામાં પણ સુખ તો છે જ. સચિન તેંડુલકર જો વાસ્તુમાં વિશ્વાસ ધરાવે છે, તો આપણે પણ વિશ્વાસ રાખવો જોઈએ એ વિચારધારા પણ ખોટી છે. દરેકનાં શ્રદ્ધા-વિશ્વાસ અંગત અને અલગ હોઈ શકે છે. આજે આપણે કેટલીક અંધશ્રદ્ધા અને માન્યતાઓને સમજીએ. 1. ઈશાનમાં પીવાના પાણીની ટાંકી મૂકવાથી બધા દોષનું નિવારણ થાય છે. ઇશાન દિશા પર જળ તત્ત્વનું આધિપત્ય છે, પણ એનો અર્થ એવો નથી કે બધું જ પાણી ઈશાનમાં મૂકીએ. પહેલાંના જમાનામાં વરસાદી પાણીનો સંગ્રહ કરીને એને આખું વર્ષ પીવા માટે વાપરવામાં આવતું. જેના માટે જમીનની અંદર વિશાળ ટાંકા બનાવાતા. અમદાવાદની કેટલીક પોળોમાં આજે પણ આવા ટાંકા જોવા મળે છે. ભારતીય વાસ્તુમાં પાણી વિશે ખૂબ સારી સમજણ આપવામાં આવી છે. ઈશાનમાં કઈ જગ્યાએ કેટલું પાણી હોઈ શકે એની પણ સમજણ છે. મુખ્યત્વે જમીનની અંદર પાણી રાખવાનું હોય, તો તે ઈશાનના યોગ્ય પદમાં હોઈ શકે. આપણા દરેક તત્ત્વમાં આકર્ષણ છે. પાણી અગ્નિને પણ આકર્ષી શકે છે. તેથી તેને યોગ્ય જગ્યાએ યોગ્ય રીતે રાખવું ખૂબ જરૂરી છે. ઈશાનમાં કોઈ પણ જગ્યાએ પાણી ન રાખી શકાય. વળી, ઈશાનમાં પાણી રાખવાથી સમસ્યાનું નિરાકરણ આવે એવું શક્ય નથી. જો ખોટી રીતે પાણી મુકાઈ જાય તો તે સમસ્યા ઊભી કરી શકે. 2. ઘરના મંદિર ઉપર શ્રીફળ મૂકવાથી ઘરમાં ચેતના જાગૃત થાય છે. ઈશ્વરને સન્માન આપવું ખૂબ જરૂરી છે. ઈશ્વરથી વધારે શક્તિ કોનામાં હોય? નિયમ એવો છે કે દેવસ્થાન ઉપર કોઈ પ્રકારનું વજન ન હોવું જોઈએ. આપણે શ્રીફળ મૂકીએ તો તેનું વજન તો હોય જ. તેથી મંદિરની ઉપર કશું પણ ન રાખવાની સલાહ છે. 3. દરવાજા ઉપર લાલ કપડાંમાં શ્રીફળ લટકાવી દેવાથી દરવાજાનો દોષ દૂર થાય છે. આવી કોઈ વાત શાસ્ત્રોક્ત નથી. કપડામાં કોઈ વસ્તુ બાંધીને રાખવામાં આવે, તો તેમાં ધૂળ ભરાય છે. જેની નકારાત્મક અસર આવે છે. દરવાજા પાસે આવી કોઈ વસ્તુ ન રાખવી જોઈએ. 4. મુખ્ય દ્વાર પર ઘોડાની નાળ લગાવવાથી ફાયદો થાય છે. ઘોડો દોડતો હોય અને અચાનક એના પગમાંથી નાળ છુટી થાય, તો એને ક્ષણિક હાશકારો થાય છે. એવું માનવામાં આવે છે કે એની ઊર્જા આ નાળમાં હોય છે. જોકે એના કોઈ શાસ્ત્રોક્ત પુરાવા નથી. વળી, નવીનકોર નાળમાં આવી કોઈ ઊર્જા જ ન હોય. કેટલાક લોકો ખાસ નવી નાળ વિવિધ ધાતુમાંથી બનાવડાવે છે. તે પણ આખી વાતને સમર્થન આપતા નથી. 5. સૂતી વખતે ઓશિકા નીચે લોખંડની છરી રાખવાથી ભૂતપ્રેત નજીક આવતા નથી. કોઈ અંગ્રેજી ફિલ્મમાં ભૂત ભગાડવા માટે આવી રીત બતાવાઈ હતી. એનું સમર્થન કોઈ પણ દેશના શાસ્ત્રો આપતા નથી. ફિલ્મોમાં દર્શાવેલી દરેક વાત સાચી ન પણ હોય.