1 કલાક પેહલા
- કૉપી લિંક
ભાણદેવ
ગવદાસક્તિ અને સંસારાસક્તિ બંનેમાં આસક્તિનું તત્ત્વ છે. છતાં બંનેમાં ઘણી ભિન્નતા છે. બંનેના વિષય ભિન્ન-ભિન્ન છે. બંનેનાં મુખ ભિન્ન-ભિન્ન દિશામાં છે. સંસારાસક્તિમાં મુખ સંસાર તરફ છે. ભગવદાસક્તિમાં મુખ ભગવાન તરફ છે. સંસારાસક્તિ માનવીને નીચે લઈ જાય છે. ભગવદાસક્તિ માનવીને ઊંચે લઇ જાય છે. ભગવાનઆસક્તિ દ્વારા જીવ કોઇક રીતે ભગવાન તરફ વળે છે અને ભગવાન તરફ વળનાર કલ્યાણપથનો પથિક છે. એક વાર આસક્તિ દ્વારા પણ જે જીવ ભગવાન સાથે સંબંધ સ્થાપિત કરે છે, તેનામાં આજે નહીં તો કાલે ભક્તિ ઉપન્ન થાય તેવી સંભાવના છે. ભગવાત પરમ કૃપાળુ છે અને કોઈ પણ હેતુથી પોતાના તરફ વળનાર જીવનો તે સ્વીકાર કરે છે અને કાળક્રમે તેનું શોધન પણ કરે છે. જીવને તો મર્યાદા હોય જ, પણ ભગવાન તરફ વળનાર જીવની મર્યાદાઓનું ભગવાન ભેદન કરે છે. તેથી જ આપણી પ્રાચીન પરંપરામાં કહેવાય છે કે ઉત્તમ તો એ જ છે કે કશાની આસક્તિ ન રાખવી, પરંતુ આસક્તિ ન જ છૂટે તો તેને ભગવાન તરફ વાળો. ભગવદ્ભક્તિની તુલનામાં ભગવદાસક્તિ ઘણી નિમ્ન કોટિની છે, પરંતુ સંસારાસક્તિ કરતાં તો ભગવદાસક્તિ સહસ્ત્રગણી અધિક ચડિયાતી છે. આસક્તિના ભાવથી પણ ભગવાન તરફ મુખ રાખનાર જીવની જીવનધારા બદલાય છે, એટલું તો નિશ્ચિત! ભાવે કે કુભાવે પણ ભગવાનના નામનું સ્મરણ કરનાર જીવ આખરે મંગલમય જીવનને પામે છે. ભગવદાસક્તિ આભાસી ભક્તિ છે તે સાચું છે અને ભગવદાસક્તિ ભક્તિનું પ્રતિબિંબ છે તે પણ સાચું છે, પરંતુ પ્રતિબિંબ પરથી બિંબ પર જવું અશક્ય નથી અને આભાસ પરથી અસલ પર જવું પણ અશક્ય નથી. ભગવદાસક્તિમાં આભાસ ઉપરાંત આંશિક ભક્તિ પણ ઘણી વાર ભળેલી હોય છે. આ આંશિક ભક્તિ વિકસતાં-વિકસતાં પ્રગાઢ બનતી જાય છે. ભક્તિ જેમ-જેમ પ્રગાઢ બનતી જાય છે, તેમ-તેમ આભાસનું સ્થાન યથાર્થ ભક્તિ લે છે અને ભક્તિ વધુ ને વધુ શુદ્ધ સ્વરૂપ ધારણ કરે છે. આમ હોવાથી ભાગવતકાર સંસારાસક્તિની જેમ ભગવદાસક્તિને ત્યાજ્ય ગણતા નથી. કુબ્જાના પ્રેમનો પણ ભગવાને સ્વીકાર કર્યો છે. સંસારાસક્તિ કુલટા છે. ભગવદાસક્તિ કુબ્જા છે. ભગવદ્ભક્તિ શ્રીરાધાજી છે.