મહાશિવરાત્રિએ સવારથી સોશિયલ મીડિયામાં મહાદેવના ફોટા ને વીડિયો શેર થાય. મંદિરોમાં લાઈનો લાગે. ઘરે પૂજા-પાઠ થાય. આ બધા વચ્ચે આપણે શિવજીના ગુણોને જીવનમાં ઉતારતાં ભુલી જઈએ છીએ. મહાદેવમાં સહનશીલતાનો ગુણ છે તો રૌદ્ર રૂપ પણ છે. જ્યારે જેવો સમય આવે ત્યારે તે
.
નમસ્કાર,
માગો ને આપે તે દેવ, માગ્યા વગર આપે તે મહાદેવ. શિવનું રૂપ જીવનની દિશા સૂચવે છે. મહાદેવને માથે મુકુટ નથી જટા છે. એમના ગળામાં આભૂષણો નથી, સાપ છે. એમના દરબારમાં અપ્સરાઓ નથી, ભૂતગણો છે. એમના શરીરે રેશમી વસ્ત્રો નથી, વ્યાઘચર્મ છે. મહાદેવનું આ સ્વરૂપ ત્યાગ સૂચવે છે. અહંકાર છોડવાનું અને અધ્યાત્મ તરફ વળવાનું સૂચવે છે. ભગવાન ભોલેનાથના પ્રતીકો પણ આપણને કોઈને કોઈ શીખ આપે છે.
1. બિલીપત્ર
સ્કંદ પુરાણમાં શ્લોક છે
અર્પિતાન્યપિ બિલ્વાની પ્રક્ષાલ્યાપિ પુન: પુન:
શંકરાર્યર્પણિયાનિ ન નવાનિ યદિ ક્વાચિત…
અર્થાત
બિલિપત્ર એકવાર શિવલિંગ ચડાવ્યા પછી જો ઉતારી લેવાયાં હોય તો બીજીવાર ધોઈને ચડાવી શકાય છે.
બિલિપત્રમાં કુદરતી ગુણ એવા છે જે ઠંડક આપે છે. સમુદ્ર મંથનમાંથી વિષ બહાર આવ્યું ત્યારે શિવજીએ કંઠમાં ધારણ કર્યું. એ પછી દરેક દેવી-દેવતાએ શિવજીને બિલિપત્ર ખવડાવવાના શરૂ કરી દીધા. કારણકે બિલિપત્ર વિષની અસર ઓછી કરે છે. બિલિપત્ર અને જળના પ્રભાવથી ભોલેનાથના શરીરમાં ઉત્પન્ન થયેલી ગરમી શાંત થવા લાગી અને શિવજી પર જળ અને બિલિપત્ર ચઢાવવાની પ્રથા ચાલુ થઇ. શિવપુરાણમાં બિલિના વૃક્ષને શિવજીનું જ સ્વરૂપ જણાવવામાં આવ્યું છે. આ વૃક્ષને શ્રીવૃક્ષ પણ કહેવામાં આવે છે. શ્રી એ લક્ષ્મીનું જ એક નામ છે. જેના કારણે બિલિવૃક્ષની પૂજાથી લક્ષ્મીજીની કૃપા મળે છે. આ વૃક્ષની જડમાં ગિરિજા, મૂળમાં મહેશ્વરી, ડાળીમાં દક્ષાયની, પાનમાં પાર્વતી, ફૂલમાં ગૌરી અને ફળમાં દેવી કાત્યાયની વાસ કરે છે. બિલિપત્રમાંથી સતત એનર્જી વહે છે એટલે શિવજીને ચડેલું બિલિપત્ર ઘરે લઈ જવાની પરંપરા છે. બિલિપત્ર ઘરમાં આવતાંની સાથે જ ઘરની નેગેટિવ ઊર્જા ખેંચી લે છે.
આપણને શું શીખ મળે?
બિલિની જેમ બીજાને ઠંડક આપો. સતત પોઝિટિવ પ્રવાહ વહેતો રાખો.
2. ત્રિશૂળ
ભગવાન શિવનું ત્રિશૂળ એ ત્રણ ગુણોનું પ્રતીક છે – સતગુણ, રજગુણ અને તમગુણ, જેનું મિશ્રણ અને વિસર્જન બ્રહ્માંડની રચના અને વિનાશ તરફ દોરી જાય છે. ભગવાન શિવના ત્રિશૂળની ત્રણ અણી (શૂળ) બ્રહ્માંડનું સર્જન, સંભાળ અને વિનાશનું પ્રતીક છે. ત્રિશૂળ માનવ જીવનના ભૌતિક, તામસિક અને કામિક ત્રણેય પ્રકારના દુઃખોનો નાશ કરનાર છે. શિવજીનું ત્રિશૂળ એ મહાકાલ, વર્તમાન, ભૂતકાળ અને ભવિષ્યના ત્રણ કાળનું પ્રતીક છે. ત્રિશૂળ એ ડાબા ભાગમાં સ્થિત ઇડાનું, જમણા ભાગમાં સ્થિત પિંગલા અને મધ્ય ભાગમાં સ્થિત સુષુમ્ણા નાડીનું પ્રતીક છે. શૈવ અદ્વૈત વેદાંતમાં શંકરજીના ત્રિશૂળને શરીર, બ્રહ્માંડ અને પરમ શક્તિનું પ્રતીક માનવામાં આવે છે. ત્રણ ગુણો, ત્રણ દુ:ખોને કાબૂમાં રાખી શકે તો એ શિવ છે.
આપણને શું શીખ મળે?
ત્રિશૂળ એ સંહાર, ગુસ્સાનું પ્રતીક છે. જે રીતે શિવજીએ ત્રિશૂળને કાબૂમાં રાખ્યું છે, જ્યાં જરૂર પડે ત્યાં જ ઉપયોગ કર્યો છે. તે રીતે તમારી ધીરજ, ગુસ્સો, સારપ બધાને કાબૂમાં રાખો. જ્યાં જેની જરૂર પડે ત્યાં જ ઉપયોગ કરો.
3. ત્રિપુંડ
શિવ મહાપુરાણ મુજબ, માથા પર ચંદન અને ભસ્મમાંથી બનાવેલી ત્રણ રેખાઓને ત્રિપુંડ કહેવાય છે. ચંદન અથવા ભસ્મ દ્વારા ત્રણ આંગળીઓની મદદથી ત્રિપુંડ બનાવવામાં આવે છે. લલાટની આ ત્રણ રેખાઓમાં 27 દેવોનો વાસ હોય છે. દરેક રેખામાં 9 દેવતાઓનો વાસ હોય છે. ત્રિપુંડ ધારણ કરનારા લોકો પર શિવની વિશેષ કૃપા હોય છે. ત્રિપુંડ પરમબ્રહ્મની શક્તિનુ સૂચક છે.
ત્રિપુંડ ત્રણ અવસ્થાઓનું પ્રતીક છે. જાગ્રત અવસ્થા, સ્વપ્ન અવસ્થા અને સુષુપ્ત અવસ્થા. એટલે જ્યારે આપણે આપણું રોજનું કામ કરીએ છીએ. ઉંઘમાં સપનાં જોઈએ છે અને સ્વપ્ન વગરની નિંદર માણીએ છીએ તે ત્રણેય અવસ્થાથી શિવ પર છે. તેમની સ્થિતિ તુરિય (ચોથી અવસ્થા)માં છે, જે શુદ્ધ ચેતનાની સ્થિતિ છે. ત્રિપુંડ બતાવે છે કે શિવ ધ્યાન, યોગ અને આત્મ-સાક્ષાત્કાર દ્વારા આ અવસ્થાઓમાંથી વ્યક્તિને મુક્ત કરી શકે છે. ત્રિપુંડ એ ત્રિમૂર્તિનું પ્રતીક છે, બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ. ભગવાન શિવ આ ત્રણ દેવોનું એક જ સ્વરૂપ છે. રોજ કપાળે ભસ્મ કે ચંદનનું ત્રિપુંડ લગાવવાથી ભાગ્ય ચમકે છે.
આપણને શું શીખ મળે?
જે રોજ ત્રિપુંડ કરે છે તે શિવને પ્રિય છે. ત્રિપુંડ આપણને અહંકાર, માયા અને કર્મના ચક્રમાંથી મુક્ત થઈને શિવભક્તિ તરફ વળવાનું સૂચવે છે.
4. ભસ્મ
શિવપુરાણની રૂદ્ર સંહિતામાં લખ્યું છે કે, દેવી સતીએ હવનકૂંડમાં ઝંપલાવ્યા પછી ભગવાન શિવે ભાન ગુમાવી દીધું હતું. ક્રોધમાં ભગવાન શિવે દેવી સતીના મૃત શરીર સાથે તાંડવ નૃત્ય કરવાનું શરૂ કર્યું. તેમને શાંત કરવા અને પરિસ્થિતિને સંભાળવા માટે ભગવાન વિષ્ણુએ સુદર્શન ચક્ર છોડીને સતીના શરીરના 51 ટુકડા કરી નાખ્યા. સતીથી અલગ થયા પછી શિવે દિગમ્બરનું રૂપ ધારણ કર્યું. સતીની રાખ જ્યાં પડી તે દિગંબર શિવે પોતાના શરીરે લગાવી લીધી. ભસ્મ સાથેના શિવજીનું સ્વરૂપ અઘોર સ્વરૂપ કહેવાયું.
દેવ્યપરાધ ક્ષમાપના સ્તોત્રમાં પણ એક શ્લોક છે-
चिताभस्मालेपो गरलमशनं दिक्पटधरो
जटाधारी कण्ठे भुजगपतिहारी पशुपतिः
તેમાં પણ શિવ માટે કહેવાયું છે કે – ચિતાની ભસ્મનો લેપ લગાડનારા…
આપણને શું શીખ મળે?
શરીરે ભસ્મ લગાવીને શિવ સમજાવે છે કે, આપણું શરીર પણ એક દિવસ ભસ્મ બની જવાનું છે.
5. ડમરું
શિવજીના વાદ્ય ડમરુંના નાદમાં સર્જન અને વિસર્જનના 14 પ્રકારના ધ્વનિ છે. ડમરું પણ બ્રહ્મ સ્વરૂપ છે. શિવપુરાણ અનુસાર ડમરુંમાંથી એવા મંત્રોનું સર્જન થયું હતું કે આ મંત્રોથી મોટામાં મોટી બીમારીનો જડમૂળમાંથી નાશ થઈ શકે છે. ડમરુંનો અવાજ સાંભળવાથી માનસિક શાંતિ મળે છે. મનુષ્યના મસ્તકમાં નકારાત્મક વાઈબ્રેશન દૂર થઈને હકારાત્મક વાઈબ્રેશન ઉત્પન્ન થાય છે. સૃષ્ટિના સંતુલન માટે શિવજી ડમરું સાથે પ્રગટ થયા હતા. ડમરુંનો નાદ સુખદાયી પણ છે અને ભયાનક પણ છે. આ વાતને સાર્થક કરતી વાત શિવપુરાણમાં મળી આવે છે. જયારે ભયાનક અસુરો કૈલાસ પર હુમલો કરવા આવતા ત્યારે શિવના ગણો ડમરુંનો નાદ કરતા. આ નાદ સાંભળવાથી કેટલાક અસુરો ભયના માર્યા ભાગી જતા હતા. અ,ઉ અને મ ના સંયોગને “ઓમ” ( ૐ ) કહેવાય છે.આ ઓમની ધ્વનિ આપણે શ્વાસોશ્વાસની પ્રક્રિયા કરીએ ત્યારે સંભળાય છે. જરા કરીને જુઓ.આ ધ્વનિની અંદર જે સ્વર છે તેવો સ્વર ડમરુંના ધ્વનિમાં છે. જો ઘરમાં ડમરું વગાડીને શિવની સ્તુતિ કરવામાં આવે તો ઘરમાં ક્યારેય અશુભતા નથી આવતી. તેના અવાજના કારણે નકારાત્મક ઊર્જા ઘરમાં પ્રવેશતી નથી. સકારાત્મક ઊર્જાનો સંચાર થાય છે.
આપણને શું શીખ મળે?
શિવજી સૃષ્ટિના સંતુલન માટે ડમરૂનો નાદ કરે છે. આપણે પણ શરીર અને મનનું સંતુલન કરવું જોઈએ. જેમ ખોરાક શરીરને પોષણ આપે છે તેમ સંગીત મનને પોષણ આપે છે. ડમરૂ એ સમસ્ત નાદ જગતનું પ્રતીક છે.
હવે વાત મહાશિવરાત્રિની…
મહાશિવરાત્રિમાં રાત્રે કેમ જાગવું જોઈએ?
ભગવાન શિવ વિનાશક શક્તિ અને તમોગુણના પ્રમુખ દેવતા છે. રાત્રિ વિનાશક સમયનું પ્રતિનિધિત્વ કરે છે અને શિવ વિનાશના દેવ છે, તેથી શિવને રાત્રીનો સમય વધુ પ્રિય છે. કેટલાક જીવો, જે દિવસભર પોતાનું કામ કરે છે, તે રાત્રે ખતમ થઈ જાય છે. રાત્રિના સમયે આખું વિશ્વ મૌન હોય છે. આવી સ્થિતિમાં હંમેશા ધ્યાનની મુદ્રામાં રહેતા શિવનો જીવ સાથે સંગમ કરવો સરળ છે. શાંત ચિત્તવાળા લોકો તેમના લક્ષ્યોને પ્રાપ્ત કરવામાં સફળ થાય છે. આ જ કારણ છે કે મહાશિવરાત્રી પર રાત્રી જાગરણ કરવામાં આવે છે. માન્યતા અનુસાર આ રાત્રે શિવલિંગમાં મહાદેવનો વાસ હોય છે, આથી સાચા મનથી શિવનું સ્મરણ કરનાર શિવ પ્રસન્ન થાય છે.
મહાશિવરાત્રિની રાત્રિએ કરોડજ્જુ સીધી રાખીને કેમ બેસવું જોઈએ?
વૈજ્ઞાનિક દૃષ્ટિકોણથી જોવામાં આવે તો મહાશિવરાત્રિની રાત્રે બ્રહ્માંડમાં ગ્રહો અને તારાઓની એવી સ્થિતિ સર્જાય છે જેના કારણે એક વિશેષ ઊર્જા ઉપરની તરફ વહે છે. ઇક્વિનોસ એટલે કે આ સમયે ગ્રહનું સેન્ટ્રલ ફ્યુગલ ફોર્સ ખાસ રીતે કામ કરે છે અને આ ફોર્સ ઉપરની તરફ જાય છે, જેથી લોકોને આ કુદરતી ઊર્જાનો લાભ મળી શકે, કરોડરજ્જુ સીધી હોવી જરૂરી છે. જ્યારે આપણે સૂઈએ છીએ ત્યારે આપણા શરીરની સિસ્ટમને ઊર્જા મળતી નથી. આ જ કારણ છે કે, મહાશિવરાત્રીની રાત્રે જાગવાની સલાહ આપવામાં આવે છે. જેથી રાત્રે સીધી કરોડજ્જુ રાખીને ધ્યાનમાં બેસવાથી મન અને શરીર ઊર્જાવાન બને છે.
છેલ્લે,
12 જ્યોતિર્લિંગમાં પ્રહરના સમય અનુસાર શિવજી હાજર હોય છે. આખો દિવસ ફરતાં ફરતાં રાત્રે મહાદેવ ઓમકારેશ્વર પહોંચે છે અને પરોઢિયે મહાકાલેશ્વરમાં હાજર હોય છે. એટલે જ ઓમકારેશ્વરની શયન આરતી અને મહાકાલની ભસ્મ આરતીનું ખૂબ મહત્વ છે.
સોમવારથી શુક્રવાર સુધી રાત્રે 8 વાગ્યે જોતા રહો એડિટર્સ વ્યૂ…
(રિસર્ચ : યશપાલ બક્ષી )