31 મિનિટ પેહલા
- કૉપી લિંક
ફાગણ માસની શરૂઆત થઈ ચૂકી છે. અગામી તા.6 માર્ચ ગુરુવારે પંચાંગ અનુસાર, ફાગણ સુદ 7થી હોળાષ્ટક પ્રારંભ થશે. જ્યોતિષાચાર્ય આશિષ રાવલના જણાવ્યાનુસાર, હોળા+અષ્ટક એટલે આઠ દિવસનો સમય જેને સામી હોળી કે સામી ઝાળનો સમય રહેવાથી શાસ્ત્રોના મત અનુસાર આવા સમયમાં તમામ શુભ-માંગલિક કાર્યો, મૂહુર્ત, ઉદ્ઘાટન કાર્યો કરવા માટે નિષેધ માનવામાં આવે છે, કારણ કે સામી હોળીના તરંગો સામે આવવાથી શુભ કે માંગલિક સફળ થતા નથી.
શા માટે માંગલિક કાર્યો નથી થતા? હોળાષ્ટકના દિવસોમાં મોટાભાગના ગ્રહોની સ્થિતિ ઉગ્ર હોય છે. ઉગ્ર ગ્રહોના યોગમાં જ્યોતિષીઓ દ્વારા શુભ કાર્ય ન કરવાની સલાહ આપવામાં આવે છે. તો બીજી તરફ એવું માનવામાં આવે છે કે ગ્રહોની અશુભ સ્થિતિમાં જો કામ શરૂ કરવામાં આવે તો ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડે છે. નાનાં કાર્યોમાં પણ મોટી સમસ્યાઓનો સામનો કરે છે. સફળતા સરળતાથી પ્રાપ્ત થતી નથી, કેટલીકવાર કરવામાં આવેલ કામ પણ બગડે છે જેના કારણે હોળાષ્ટકના દિવસોમાં શુભ કામ કરવાનું ટાળવું જોઈએ.

હોળાષ્ટક એટલે શું? હિંદુ ધર્મમાં હોળીના તહેવારનું વિશેષ મહત્ત્વ છે. હોળી ફાગણ મહિનાની પૂનમના દિવસે ઉજવવામાં આવે છે. પરંતુ હોળાષ્ટક ફાગણ મહિનાના શુક્લ પક્ષની અષ્ટમીથી જ જોવા શરૂ થઇ જાય છે. હોળાષ્ટક હોળી અને અષ્ટક શબ્દોથી બનેલો છે એટલે કે હોળીના આઠ દિવસ. સમગ્ર દેશમાં ફાગણ મહિનાની પૂનમ પર હોલિકા દહન કરવામાં આવે છે, તેથી હોળાષ્ટક હોળીના આઠ દિવસ પહેલાં જ લાગી જાય છે.

હોળાષ્ટકની પૌરાણિક કથા હોળાષ્ટક પાછળની પૌરાણિક વાત પણ છે, જેમાં જણાવવામાં આવ્યું છે કે, હિરણ્યકશ્યપે પોતાના પુત્ર નારાયણ ભક્ત પ્રહલાદથી નારાજ થયા હતા. તેમણે પ્રહલાદને મારવા માટે પૂનમનો દિવસ પસંદ કર્યો. પૂનમના દિવસથી આઠ દિવસ પહેલાં તેના નિર્દય પિતાએ ત્રાસ આપવાનું શરૂ કર્યું જેથી તે ડરમાં પિતાનો ભક્ત બની જાય છે, પરંતુ પ્રહલાદ તેની ભક્તિથી ડગતો નથી. આઠમા દિવસે હિરણ્યકશ્યપની બહેન હોલિકા પ્રહલાદ તેના ખોળામાં બેસાડીને મારવાની કોશિશ કરી હતી પરંતુ ભક્ત પ્રહલાદના વાળ પણ વાંકા થયા ન હતા. હોલિકા સળગીને રાખ થઇ ગઈ હતી. માન્યતાઓ છે કે પૂનમના આઠ દિવસ પહેલાં જ્યારે ભક્ત પ્રહલાદે ત્રાસ સહન કર્યો તેને હોળાષ્ટક કહેવામાં આવે છે, તેથી આ કારણોસર આ દિવસોમાં શુભ કાર્ય કરવાની મનાઈ છે.

સુખ-સમૃદ્ધિ માટે આ ઉપાયો કરો
- સંતાનપ્રાપ્તિનો ઉપાય જો કોઈ કપલ નિઃસંતાન હોય તો તેઓએ લાડુ ગોપાલના વિધિ-વિધાન સાથે હોળાષ્ટક દરમિયાન પૂજા-પાઠ કરવા જોઈએ. આ સમય દરમિયાન હવનમાં શુદ્ધ ગાય ઘી અને ખાંડનો ઉપયોગ કરો. આ ઉપાય લેવાથી નિઃસંતાનને પણ બાળકો મળે છે.
- કરિયરમાં સફળતા માટે જો તમે કરિયરમાં સફળતા મેળવવા માગતા હોવ તો હોળાષ્ટકમાં આ ઉપાય કરો. ઘરે અથવા ઓફિસમાં જવ તલ અને ખાંડ સાથે હવન કરો. આમ કરવાથી તમારી કરિયરમાં આવતા તમામ અવરોધો દૂર થઈ જશે. તમે જે પણ ક્ષેત્રમાં કામ કરવાનું શરૂ કરો છો તેમાં તમે સરળતાથી સફળતા મેળવી શકશો.
- સારા સ્વાસ્થ્ય માટે સારા સ્વાસ્થ્ય માટે હોળાષ્ટકમાં મહામૃત્યુંજય મંત્રનો જાપ કરવો જોઈએ. આ જાપ કર્યા પછી ગુગળથી હવન કરવાનું ભૂલશો નહીં. માન્યતા અનુસાર, આમ કરવાથી વ્યક્તિને અસાધ્ય રોગથી મુક્તિ મળે છે.
- ધન પ્રાપ્તિ માટે જે લોકો આર્થિક રીતે નબળા હોય તે લોકોએ હોળાષ્ટકમાં આ ઉપાય જરૂર કરવા જોઈએ. કનેરનાં ફૂલો સાથે સરસવ અને ગોળથી હવન કરવો જોઈએ. આમ કરવાથી પૈસાથી સંબંધિત તમામ સમસ્યાઓ દૂર થઈ જશે. એટલું જ નહીં, સંપત્તિ સંબંધિત બાબતોમાં પણ લાભ થશે.
14 માર્ચથી મીનારક કમૂરતાની શરૂઆત અગામી તા. 14 માર્ચ શુક્રવાર સાંજે 06.51થી ગ્રહમંડળના રાજાદી સૂર્ય ગ્રહ મીન રાશિમાં સતત એક મહિનો ભ્રમણ કરવાથી “મીનારક” કમૂરતા રહેશે. તા.13 એપ્રિલ સુધી તમામ શુભ માંગલિક કાર્યો કરી શકાશે નહી પરંતુ આવા સમયમાં સત્યનારાયણ ભગવાનની કથા,શિવજીનો રુદ્રાભિષેક નવગ્રહ નડતર નિવારણ પૂજા,અશુભ યોગોની શાંતિ કર્મ,રાંદલના લોટા તથા બ્રહ્મભોજન કે દાન દક્ષિણા અંગેના કાર્યો કરી શકાશે. જ્યોતિષાચાર્ય આશિષ રાવલના જણાવ્યાનુસાર, નર્મદા નદીથી ઉપરના વિસ્તાર માટે મીનારક દોષ લાગતો નથી. તેવો શુભ માંગલિક કાર્યો કરી શકશે.
