40 મિનિટ પેહલા
- કૉપી લિંક
આજે રાત્રે હોલિકા દહન થશે. પરંપરા અનુસાર, સંધ્યા સમયે હોળીની પૂજા કરવામાં આવે છે અને પછી તેનું દહન કરવામાં આવે છે.
હોળી પ્રગટાવવાનો શુભ સમય કેટલા વાગ્યાનો છે? પૂનમની તિથિનો પ્રારંભ 13 માર્ચ, ગુરુવાર સવારે 10.35 કલાકે થશે. પૂનમની તિથિની 14 માર્ચ, શુક્રવાર બપોરે 12.23 કલાકે સમાપ્ત થશે. દર વર્ષે સંધ્યા સમયે હોળીઓ પ્રગટાવવામાં આવે છે. પરંતુ આ વર્ષે સાંજે હોળી પર ભદ્રાનો ઓછાયો રહેશે. એટલા માટે આ સમયે પૂજા કરી શકાશે, પરંતુ હોળીકા દહનનો શુભ સમય રાત્રે 11.26થી 12.30 વાગ્યા સુધીનો રહેશે.

ધૂળેટી શા માટે ઉજવાય છે? જ્યોતિષાચાર્ય ડો. હેમીલ લાઠીયાના જણાવ્યાનુસાર, હોલિકાના દહનથી નકારાત્મક વૃત્તિ નાશ થઈ. જેના કારણે માનવ પોતાનામાં રહેલા અવગુણ, અહમ, ઈર્ષા, વેર, વગેરે જેવી નકારાત્મક વૃતિના નાશ થવાથી બીજે દિવસે સવારે કેસુડાના પાણી અને રંગો વડે ધૂળેટી ખૂબ ઉત્સાહ પૂર્વક ઉજવાય છે.
ધૂળેટી રમવા કેસુડાનાં ફૂલો જ કેમ વાપરવામાં આવે છે? ધૂળેટીમાં કેસુડાના ફૂલને પાણીમાં નાખી એક બીજા પર તે છાંટવાથી પરસ્પર લાગણી આદરભાવ પણ જાગૃત કરે છે. તેની પાછળની એક કથા પણ વિદ્વાનો પાસેથી જાણવા મળે છે કે, શંકર ભગવાનની તપસ્યા ભંગ કરવા કામદેવ આ વૃક્ષ ઉપર ચઢીને પુષ્પ બાણ ચલાવે છે અને શંકર ભગવાનની તપસ્યા ભંગ થાય છે અને તેમના ત્રીજા નેત્ર વડે કામદેવ આ વૃક્ષ સહિત બળી જાય છે. જ્યારે ભોલેનાથ કામદેવને માફી આપી પુનર્જીવિત કરે છે ત્યારે આ વૃક્ષ પણ ફરીથી જીવિત થાય છે પણ જેમ કામદેવ શરીર પ્રાપ્ત કરી શકતા નથી. તેમ આ વૃક્ષ પણ સુગંધ પ્રાપ્ત કરતું નથી પણ તેના ફૂલ પ્રેમ અને ખુશીભાવ સાથે કેટલાક ઔષધિગુણ પ્રાપ્ત કરે છે. આ ઉપરાંત પણ અન્ય કેટલીક વાત અન્ય ધાર્મિક ગ્રંથ તેમજ વિદ્વાનો પાસેથી જાણવા મળે છે. ક્યાંક ઉત્સાહમાં અતિરેક અથવા ધાર્મિક ભાવના રજૂ કરતા ગીતો ગવાય છે જે વિવિધ પ્રાંત મુજબ હોઈ શકે છે.
હોળીની જ્વાળાની દિશા દ્વારા શુભ-અશુભ ફળ સામાન્ય રીતે હોળીનું પૂજન કંકુ, ચોખા, કોઈ પ્રસાદી રૂપી વસ્તુ હોળી જ્વાળામાં પૂજન અર્થે મુકાય છે અને જલધારા વડે પ્રદક્ષિણા ફરાય છે. હોળી પ્રાગટ્ય ભદ્રા રહિત કરણમાં કરાય. ભદ્રા એટલે વિષ્ટિ, જો ભદ્રાના સમયમાં પ્રાગટ્ય થાય તો તે પ્રાંત માટે અશુભ ફળ મળે તેવું પણ જાણવા મળે છે. હોળીની જ્વાળા કઇ દિશા તરફ જાય છે કે ઉપર આકાશ તરફ જાય છે તે મુજબ તેનાં ફળ મળતાં હોય છે, જેમ કે પૂર્વ, દક્ષિણ, પશ્ચિમ, ઉત્તર, ઈશાન, અગ્નિ, નૈઋત્ય, વાયવ્ય વગેરે પરથી શુભાશુભ બાબત તે વર્ષ પૂરતું જણાતી હોય છે. જેમાં ગરમી, વરસાદ, દુકાળ, પૂર, રોગચાળો, મોંઘવારી, દુર્ઘટના જેવી શુભાશુભ બનાવો જેતે પ્રાંત/વિસ્તાર બાબતે કેટલાક લોકો વરતારો કાઢતા હોય છે. હોળી અંગે ઘણા પ્રાંતમાં અલગ મહિમા અને કેટલીક પ્રથા/માન્યતા મુજબ જોવા મળે છે

શાસ્ત્રો અનુસાર, સત્યયુગ પછી શ્રી રામે ત્રેતાયુગમાં હોળી રમી હતી, દ્વાપરમાં શ્રી કૃષ્ણએ રાધા અને ગોપીઓ સાથે હોળી રમી હતી. મોટાભાગના લોકો હોલિકા અને પ્રહલાદની વાર્તા જાણે છે, પરંતુ આ તહેવાર સાથે કેટલીક અન્ય માન્યતાઓ પણ જોડાયેલી છે.

