38 મિનિટ પેહલા
- કૉપી લિંક
માચલપ્રદેશના સિમલામાં આવેલ જાખુ પર્વત દરિયાની સપાટીથી 8000 ફીટ ઊંચો છે. આ પર્વતની ટોચ પર આવેલું જાખુ મંદિર ભગવાન હનુમાનને સમર્પિત છે. અહીં દર્શનાર્થે આવતા યાત્રિકો માટે આ મંદિરની સાથોસાથ મંદિરની આસપાસની વનરાજી અને સિમલાનું મનોરમ્ય દૃશ્ય આકર્ષણભર્યું છે. જાખુ મંદિરનો સંબંધ રામાયણ કાળ સાથે હોવાનું માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે રામ-રાવણના યુદ્ધ દરમિયાન મેઘનાદના બાણથી લક્ષ્મણ મૂર્છિત થઇ ગયા, ત્યારે સુષેણ વૈદ્યે તેમના માટે સંજીવની બુટ્ટી લાવવાનું કહ્યું. ભગવાન હનુમાન લક્ષ્મણના ઉપચાર માટે સંજીવની બુટ્ટી લાવવા ગયા, ત્યારે રસ્તામાં આ જાખુ પર્વત પર તેઓ થોડો વિશ્રામ કરવા રોકાયા હતા. ભગવાન હનુમાન જ્યાં રોકાયા હતા તે સ્થળે મંદિર બનાવવામાં આવ્યું છે અને ભક્તો ભારે શ્રદ્ધા સાથે આ સ્થળના દર્શનાર્થે આવે છે. જાખુ મંદિરનું સૌથી મોટું આકર્ષણ અહીં બનાવવામાં આવેલી ભગવાન હનુમાનની 108 ફીટ ઊંચી પ્રતિમા છે, જે દુનિયાની ઊંચી ગણાતી પ્રતિમાઓમાંની એક ગણાય છે. આ પ્રતિમા 2010માં અહીં સ્થાપિત કરવામાં આવી હતી. સિમલાના વિવિધ વિસ્તારોમાંથી પણ આ પ્રતિમાનાં દર્શન થાય છે. ભગવાન હનુમાનના રોકાણ અને તેમની પ્રતિમા ઉપરાંત, આ મંદિર અહીં રહેતા અસંખ્ય વાંદરાઓને કારણે પણ પ્રખ્યાત છે. મંદિર સુધી પહોંચવા માટે 2.5 કિ.મી.નો સહેજ ઢોળાવવાળો રસ્તો છે. જેઓ ચાલીને ન જવા માગે, તેમને અહીંથી મંદિર સુધી જવા માટે ટેક્સી મળી રહે છે. તદુપરાંત, જાખુ પર્વતની તળેટીથી ટોચે મંદિર સુધી પહોંચાડતો જાખુ રોપ-વે પણ છે. આ મંદિરમાં અનેક શ્રદ્ધાળુઓ દર્શન કરવા આવે છે. ખાસ કરીને હનુમાન જયંતી અને દશેરાએ ભાવિક ભક્તોની સંખ્યા અનેકગણી હોય છે. તેઓ આ દિવસોએ ખાસ ઉજવણીમાં ભાગ લે છે. મંદિર સવારના સાત વાગ્યાથી રાતના આઠ વાગ્યા સુધી દર્શનાર્થે ખુલ્લું રહે છે.