2 કલાક પેહલા
- કૉપી લિંક
ડો. પૃથુલ મહેતા
ર્ણય જીવનસાથીની પસંદગીનો હોય કે લાખો રૂપિયાની લોન લઈને નવા ધંધાની શરૂઆતનો! એક ખોટો નિર્ણય જીવનને અંધકારમય બનાવી શકે છે. જોબ છોડીને સ્વતંત્ર વ્યવસાય કરવામાં જો નસીબ હાથતાળી આપી જાય, તો આર્થિક ઉપરાંત માનસિક અને કૌટુંબિક શાંતિ પણ ડહોળાય જાય. કુંડળી પ્રમાણે ધંધામાં સફળતાનો યોગ ન હોય તો આવું અવશ્ય બને. ધ્યાન રહે કે વિધિ-વિધાન કરાવવાથી કુંડળી બદલાવાની નથી. હજારો રૂપિયાના નિરર્થક ખર્ચ કરવા કરતાં, કોઈ પણ સાહસ કરતાં પહેલાં જો વિદ્વાન જ્યોતિષવિદ્ પાસે માર્ગદર્શન મેળવી લેવામાં આવે, તો વ્યક્તિ મોટી નુકસાનીમાંથી બચી શકે છે. જ્યોતિષશાસ્ત્રના સંદર્ભે જોબ અને બિઝનેસના સૂત્રોને આજે સરળ ભાષામાં સમજીએ. જેથી દરેક વાચક મિત્રોને આ જ્ઞાન ઉપયોગી થઇ શકે. જ્યોતિષશાસ્ત્રમાં એક સિદ્ધાંત છે – ‘ભાભાકા’ એટલે ‘ભાવ’, ‘ભાવેશ’ અને ‘કારક’ – પહેલાં વાત ભાવ વિશે. જે બાબતનો પ્રશ્ન હોય તેને અનુરૂપ ભાવનો વિચાર કરવો એ પહેલું સૂત્ર. હવે ‘ભાવેશ’ એટલે શું? ભાવેશ એટલે ભાવનો અધિપતિ ગ્રહ. આપણે જે ભાવનો વિચાર કર્યો, તે ભાવમાં વિદ્યમાન રાશિનો સ્વામી ગ્રહ એટલે ભાવેશ, છેલ્લે કારક વિશે સમજી લઈએ. જેમ શાળામાં દરેક શિક્ષક પાસે અલગ-અલગ વિષયનો પોર્ટફોલિયો હોય છે, તેમ ગ્રહો પાસે પણ પોતાનો વિશિષ્ટ પોર્ટફોલિયો છે, જેને ગ્રહોનું કારકત્વ કહેવામાં આવે છે. પિતા વિશે જાણવું હોય તો કારક ગ્રહ તરીકે સૂર્યનું બળ જોવું પડે. અકસ્માત કે શસ્ત્રક્રિયા માટે કારક તરીકે મંગળનો વિચાર કરવો પડે. અહીં વાત નોકરી અને વ્યવસાયની છે, તો નોકરીના કારક તરીકે શનિ, જ્યારે ધંધાના કારક તરીકે બુધની સ્થિતિ કુંડળીમાં જોવી પડે. ભાવ, ભાવેશ અને કારક દરેકનું મૂલ્ય 33.33% અને આ ત્રણેય સૂત્રોનું આકલન કરીએ એટલે 100% માર્ગદર્શન મળી જાય અને પ્રાપ્ત પરિણામના આધારે સરળતાથી નિર્ણય લઈ શકાય કે જોબ સારી કે પછી બિઝનેસ? પહેલાં વાત કરીએ જોબ વિશે. કુંડળીનો છઠ્ઠો ભાવ જોબનું નિર્દેશન કરે છે. ધ્યાન રહે કે જન્મલગ્નથી ઘડિયાળના કાંટાથી વિરુદ્ધ દિશામાં ગણતરી કરવાની છે. ધારો કે, કોઈ મિત્રનું જન્મ-લગ્ન તુલા(7) છે, તો તુલાથી ઘડિયાળના કાંટાથી વિરુદ્ધ દિશામાં ગણતાં જ્યાં અંક-12 લખ્યો છે તે છઠ્ઠો ભાવ. તુલા લગ્ન ધરાવતા મિત્રો માટે આ નોકરીનો ભાવ છે. હવે આ ભાવમાં ધારો કે, કોઈ ગ્રહ નથી તો સવાલ નથી, પણ જો કોઈ ગ્રહ બિરાજમાન છે અને આ ગ્રહ ઉચ્ચનો કે સ્વગૃહી છે અથવા આ ભાવ પર ગુરુની દૃષ્ટિ છે, તો 33.33% ગુણ મળી જશે. હવે આ ભાવમાં જે મીન (12) રાશિ છે તેનો સ્વામી ગુરુ ભાવેશ બનીને બળવાન બનતો હોય, તો બીજા 33.33% ગુણ મળી ગયા. એટલે નોકરી સુરક્ષિત અને લાભકારી. હવે અંતમાં નોકરીના કારક તરીકે જો શનિ પણ કુંડળીમાં બળવાન હશે, ખાડાના સ્થાન સિવાય સ્થિત હશે, તો જોબમાં ઉત્તરોતર પ્રગતિ નિશ્ચિત! જે વાચક મિત્રો જ્યોતિષશાસ્ત્રનું પ્રાથમિક જ્ઞાન ધરાવે છે, તેમના માટે આ સમજવું અતિ સરળ છે. હવે જે મિત્રોને જોબમાં રુચિ નથી અને સ્વતંત્ર વ્યવસાય કરવા ઇચ્છુક છે, તો એક કરતાં વધારે ભાવ ચકાસવા જરૂરી છે. સૌપ્રથમ જન્મ લગ્નથી ઘડિયાળના કાંટાથી વિરુદ્ધ દિશામાં ગણતાં દસમો ભાવ અને તેના ભાવેશનું બળ જોવું પડે. આ ઉપરાંત, દ્વિતીય (2), સપ્તમ (7), એકાદશ (11) અને દ્વાદશ (12) આ ચાર ભાવ પણ ચકાસવા જરૂરી છે. બીજો ભાવ ધન-સંચય અને રોકડ આવકનો છે, જ્યારે અગિયારમો ભાવ મોટા લાભનો છે. લાખો-કરોડોની વાત માટે અગિયારમો ભાવ અને તેના ભાવેશનું કુંડળીમાં બળ ચકાસવું પડે. જો બીજો અને અગિયારમો ભાવ નિર્બળ હોય અને આવનારી મહાદશા પણ પ્રતિકૂળ હશે, તો નોકરી છોડીને ધંધો કરવો અવશ્ય જોખમી બની શકે છે. કુંડળીના બારમા ભાવથી નુકસાન, ખર્ચ વગેરેનો વિચાર કરવામાં આવે છે. આ ભાવ સાથે પાપ ગ્રહોનો સંબંધ મોટી નુકસાની આપી શકે છે. ભાગીદારી માટે સાતમો ભાવ પણ ચકાસવો પડે. ઉપરોક્ત તમામ ભાવો ચકાસ્યા પછી અંતમાં કારક તરીકે બુધનો વિચાર કરવો પડે. આમ, જોબની સરખામણીમાં વ્યવસાય માટે અનેક ભાવ વિચારણીય છે. આમ પણ ધંધામાં મોટી સફળતા મેળવવી એ લોઢાના ચણા ચાવવા સમાન છે. જોકે જે નસીબદાર મિત્રની કુંડળીમાં રાજયોગ બનતો હોય અને કુંડળીના આર્થિક ભાવ બળવાન હોય, તો ધંધો કરવાનું જોખમ અવશ્ય લઈ શકાય. કયા પ્રકારનો વ્યવસાય કરવો, તે પણ અગત્યની બાબત છે. દરેક વ્યક્તિ દરેક પ્રકારના ધંધામાં સફળ ન થઈ શકે.