58 મિનિટ પેહલા
- કૉપી લિંક
આજે ફાગણ વદ એકાદશીની તિથિ છે, જેને પાપમોચિની એકાદશી પણ કહેવામાં આવે છે. આજના દિવસે ભગવાન વિષ્ણુની પૂજા કરવાનું મહત્ત્વ છે. હોળી અને ચૈત્ર નવરાત્રિ વચ્ચે આવતી આ એકાદશીમાં જળ અને અનાજનું દાન કરવાનું પણ ખાસ મહત્ત્વ ગ્રંથોમાં જણાવવામાં આવ્યું છે. આ દિવસે સત્યનારાયણ કથા અને ભગવાનનો અભિષેક કરવામાં આવે છે. નામ પ્રમાણે જ આ એકાદશીની વ્રત-પૂજા તમામ પ્રકારના પાપ અને તકલીફોમાંથી છુટકારો અપાવે છે.
આ એકાદશીના દિવસે અન્નદાનનું મહત્ત્વ ભગવાન વિષ્ણુની પૂજા સાથે એકાદશીના દિવસે અનાજનું દાન કરવાની પણ પરંપરા છે. ધાર્મિક ગ્રંથો પ્રમાણે આ દિવસે જરૂરિયાતમંદ લોકોને ભોજન કરાવવું અને પાણી પીવડાવવાથી જાણ્યે-અજાણ્યે થયેલાં પાપ દૂર થાય છે. આ દિવસે ગાયને ચારો ખવડાવવાથી અનેક ગણું શુભફળ મળે છે. આ શુભ તિથિએ વિષ્ણુ મંદિરમાં ભોજન અને અનાજનું દાન આપવામાં આવે છે.
ભગવાન વિષ્ણુની કેમ પૂજા કરવામાં આવે છે? આ સમયે વસંત ઋતુ ચાલી રહી છે. ભગવાન કૃષ્ણએ શ્રીમદભાગવતમાં કહ્યું છે કે હું ઋતુઓમાં વસંત છું. એટલે આ એકાદશી તિથિએ ભગવાન વિષ્ણુ સાથે શ્રીકૃષ્ણની પૂજા કરવી જોઈએ. શંખમાં દૂધ અને ગંગાજળ ભરીને તેમનો અભિષેક કરવો જોઈએ. તે પછી તુલસી ચઢાવવા. આવું કરવાથી અખૂટ પુણ્ય મળે છે.

એકાદશીના દિવસે શ્રીકૃષ્ણની પૂજા કરવી જોઈએ
એકાદશી સંદર્ભે પૌરાણિક કથા ભગવાન કૃષ્ણએ યુધિષ્ઠિરને કથા સંભળાવી હતી પૌરાણિક કથા પ્રમાણે ભગવાન કૃષ્ણ યુધિષ્ઠિરને કહે છે કે રાજા માન્ધાતાએ એક સમયે લોમશ ઋષિને જ્યારે પૂછ્યું કે પ્રભુ તે જણાવો કે મનુષ્ય જે જાણ્યે-અજાણ્યે પાપ કરે છે તેનાથી મુક્ત કેવી રીતે થઇ શકે છે. રાજાને જવાબ આપતાં ઋષિએ વાર્તા સંભળાવી કે ચૈત્રરથ નામના વનમાં ચ્યવન ઋષિના પુત્ર મેધાવી ઋષિ તપસ્યામાં લીન હતાં.
આ વનમાં એક દિવસ મંજુઘોષા નામની અપ્સરાની નજર ઋષિ ઉપર પડી ત્યારે તે તેમના ઉપર મોહિત થઇ ગઈ અને તેમને પોતાની તરફ આકર્ષિત કરવાની કોશિશ કરવા લાગી. જેનાથી ઋષિની તપસ્યા ભંગ થઇ ગઈ. જેથી ગુસ્સે થઇને તેમણે અપ્સરાને પિશાચિની બનવાનો શ્રાપ આપી દીધો. અપ્સરા દુઃખી થઇને તે ઋષિ પાસે માફી માગવા લાગી અને શ્રાપમાંથી મુક્તિ મેળવવા માટે પ્રાર્થના કરવા લાગી. ઋષિએ તેને વિધિ સહિત ફાગણ વદ પક્ષની એકાદશી કરવા માટે કહ્યું. આ વ્રતથી અપ્સરા પિશાચ યોનિમાંથી મુક્ત થઇ ગઈ. પાપથી મુક્ત થયા પછી અપ્સરાને સુંદર રૂપ મળ્યું અને તે સ્વર્ગ જતી રહી.