36 મિનિટ પેહલા
- કૉપી લિંક
આજ રોજ એટલે ચૈત્ર માસની સુદ એકાદશીના દિવસે કામદા એકાદશી વ્રત કરવામાં આવે છે. આ દિવસે ભગવાન વિષ્ણુનાં વાસુદેવ સ્વરૂપની પૂજા કરવામાં આવે છે. આ વ્રતમાં ભગવાનની પૂજા અને ભક્તિ અનુસાર અન્ન દાન કર્યા બાદ કથા સાંભળવી જોઈએ. કામદા એકાદશી વ્રતની કથા સૌપ્રથમ ભગવાન કૃષ્ણએ ધર્મરાજ યુધિષ્ઠિરને કહી હતી.
કામદા એકાદશીનું વ્રત કેમ કરવામાં આવે છે? જ્યોતિષાચાર્ય આશિષ રાવલના જણાવ્યાનુસાર, ધર્મ ગ્રંથો પ્રમાણે, કામદા એકાદશી વ્રતના પુણ્યથી જીવાત્માને પાપમાંથી મુક્તિ મળે છે. આ એકાદશીએ કષ્ટોનું નિવારણ થાય છે અને મનોવાંછિત ફળ પ્રાપ્ત થાય છે. માટે જ આ એકાદશીને ફળદા અને કામના પૂર્ણ કરતી કામદા એકાદશી કહેવામાં આવે છે.
આ એકાદશીની કથા અને મહત્ત્વ ભગવાન શ્રીકૃષ્ણએ પાંડુ પુત્ર ધર્મરાજ યુધિષ્ઠિરને જણાવ્યું હતું. તે પહેલાં રાજા દિલીપને આ વ્રતનું મહત્ત્વ વસિષ્ઠ મુનિએ જણાવ્યું હતું. ચૈત્ર મહિનામાં આવતી આ એકાદશી અન્ય મહિનાની અપેક્ષામાં વધારે મહત્ત્વ ધરાવે છે. શાસ્ત્રો પ્રમાણે જે વ્યક્તિ કામદા એકાદશીનું વ્રત કરે છે તે પ્રેત-આત્માની યોનિમાંથી મુક્તિ મેળવે છે.
કામદા એકાદશી શુભ મુહૂર્ત કામદા એકાદશી ગઈકાલે રાત્રે 8 વાગ્યે શરૂ થઈ છે અને તિથિ આજે રાત્રે 9.12 વાગ્યે સમાપ્ત થશે. કામદા એકાદશીનું પારણું 9 એપ્રિલે સવારે 6:02થી 8:34 વાગ્યા સુધી રહેશે.
પૂજા વિધિ
- શાસ્ત્રો પ્રમાણે આ એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુનું પૂજન કરવામાં આવે છે.
- વ્રતના એક દિવસ પહેલાં એકવાર ભોજન કરીને ભગવાનનું સ્મરણ કરવામાં આવે છે.
- કામદા એકાદશી વ્રતના દિવસે સ્નાન કર્યા બાદ વ્રતનો સંકલ્પ લેવો જોઇએ.
- વ્રતનો સંકલ્પ લીધા બાદ ભગવાન વિષ્ણુજીની પૂજા કરવી જોઇએ.
- આ દિવસે ભગવાન વિષ્ણુની પૂજામાં ફળ, ફૂલ, દૂધ, તલ અને પંચામૃત વગેરે સામગ્રીનો પ્રયોગ કરવો જોઇએ.
- એકાદશી વ્રતની કથા સાંભળવાનું પણ વિશેષ મહત્ત્વ છે.
- બારસના દિવસે બ્રાહ્મણોને ભોજન કરાવ્યાં બાદ દક્ષિણા આપીને વિદાય આપવી જોઇએ.
વ્રતની પૌરાણિક કથા ધર્મરાજ યુધિષ્ઠિરે ભગવાન કૃષ્ણને ચૈત્ર મહિના સુદની એકાદશી વિશે પૂછ્યું હતું. તે સમયે શ્રી કૃષ્ણએ કહ્યું કે આ વાર્તા પ્રથમ વસિષ્ઠ મુનિએ રાજા દિલીપને કહી હતી. રત્નાપુર શહેરમાં પુંડરિક નામનો એક રાજા હતો. તેમના રાજ્યમાં અપ્સરાઓ અને ગંધર્વો રહેતા હતા. તેમાં લલિત અને લલિતા નામના ગંધર્વ પતિ-પત્ની હતા. બંને એકબીજાને ખૂબ જ પ્રેમ કરતા હતા.
એક દિવસ રાજાના દરબારમાં નૃત્ય સમારંભમાં લલિત ગાતા ગાતા ગંધર્વ તેની પત્નીની યાદમાં ખોવાઈ ગયા હોય જેના કારણે અવાજ બગડી ગયો હતો. ભૂલ સમજીને કરકોટ નાગે રાજાને આ વાત કહી દીધી હતી. જેના કારણે રાજા ગુસ્સે થયા અને લલિતને શ્રાપ આપીને તેને રાક્ષસ બનાવી દીધો હતો. લલિતા પોતાના પતિની આ હાલત જોઈને દુઃખી થઈ ગઈ હતી. તે પણ રાક્ષસ યોનિમાં આવીને પતિના દુઃખમાંથી મુક્તિ મેળવવાનો ઉપાય શોધતી રહી.
એક દિવસ તેણે શ્રૃંગી ઋષિને આ વાત કહી હતી. શ્રૃંગી ઋષિએ કહ્યું કે ચૈત્ર શુક્લ પક્ષની એકાદશી તિથિના ઉપવાસ કરવાથી તમારા પતિને આસુરી જીવનથી મુક્તિ મળી શકે છે. લલિતાએ ઋષિએ કહ્યું તેમ કર્યું. આમ કરીને ગંધર્વને રાક્ષસની યોનિમાંથી મુક્તિ મળી હતી. એટલા માટે આ વ્રત અજાણતા કરેલા ગુનાઓ કે પાપોમાંથી મુક્તિ મેળવવા માટે કરવામાં આવે છે.