5 કલાક પેહલા
- કૉપી લિંક
- શિવરાત્રીએ 12 જ્યોતિર્લિંગનું સ્મરણ કરી શિવલિંગનો અભિષેક કરવાથી ગ્રહો શાંત થઈ શુભ ફળ આપે છે
જ્યોતિષશાસ્ત્ર પ્રમાણે માણસના દરેક સુખ-દુઃખ પાછળ નવગ્રહો જવાબદાર હોય છે. વ્યક્તિ જ્યારે જન્મે છે એ સમયે જ તેના સુખ-દુઃખનું ભાગ્ય લખાઈ જાય છે. સાંસારિક જીવનમાં માણસ આ જીવન કે પૂર્વજન્મમાં થયેલાં પાપોના આધારે કર્મફળ પ્રાપ્ત કરે છે પરંતુ કેટલીક વાર જન્મકુંડળીમાં અશુભ સ્થાને રહેલાં ગ્રહો પણ વ્યક્તિના સુખ-દુઃખ નક્કી કરે છે. જ્યોતિષશાસ્ત્ર પ્રમાણે જન્મકુંડળીમાં શુભફળ આપતા ગ્રહો પર અશુભ ગ્રહોની દ્રષ્ટિ હોય ત્યારે પણ વ્યક્તિને શુભ ગ્રહોનું યોગ્ય ફળ પ્રાપ્ત થઈ શકતું નથી. કેટલીકવાર વ્યક્તિ દિવસ-રાત મહેનત કરે છે તેમ છતાં પોતાનું ધાર્યું ફળ પ્રાપ્ત કરી શકતો નથી. ગ્રહોની આંટીઘુંટીમાં વ્યક્તિ વેપાર-ધંધામાં નુકસાન ભોગવે છે, અભ્યાસમાં અડચણો આવે છે, લગ્નજીવનમાં કંકાસ ચાલે છે, નોકરીમાં મુશ્કેલીઓ અનુભવે છે, વિવિધ માનસિક-શારીરિક રોગોને કારણે ધનનું નુકસાન ભોગવે છે, ઘર-પરિવારમાં ઝઘડા ચાલતાં રહે છે, અચાનક અકસ્માતોનો ભોગ બને છે, કેટલીકવાર ખોટી રીતે કાયદાકીય વિવાદોમાં ફસાઈ જાય છે. આવી અનેક સમસ્યાઓ અશુભ ગ્રહોના આધારે થતી હોય છે.
નવગ્રહોના કારણે સાંસારિક જીવનમાં ચાલતી આ સમસ્યાઓથી છુટકારો મેળવવો હોય તો ભગવાનોના ભગવાન ભોલેનાથ આ દુઃખોથી મુક્તિ અપાવી શકે છે. જી, હા, દેવોના દેવ મહાદેવ દરેક ગ્રહોથી પ્રાપ્ત થતાં દુઃખોને હળવા કરી શકે છે. 8 માર્ચે મહાશિવરાત્રી છે ત્યારે આ નવગ્રહોની શાંતિ માટે કેટલાક સરળ ઉપાયો કરવા જોઈએ, જેનાથી જીવનમાં સુખ-સમૃદ્ધિ અને સ્વાસ્થ્ય ફરીથી પ્રાપ્ત કરી શકાય છે. આજે અહીં જાણો અશુભ ગ્રહોને લીધે જીવનમાં કેવી યાતનાઓ સહન કરવી પડતી હોય છે અને તેનાથી મુક્તિ મેળવવા મહાશિવરાત્રીએ કયા ઉપાયો કરવા જોઈએ….
નવગ્રહની શાંતિ માટે મહાશિવરાત્રી પર કરો ચમત્કારી ઉપાય
સૂર્યની અશુભ અસરથી થતી સમસ્યાઓ
સૂર્યની અશુભ અસર વ્યક્તિને અહંકારી બનાવે છે. આવી વ્યક્તિઓ પોતાને નુકસાન પહોંચાડવામાં શરમાતી નથી. આ સિવાય પિતાના ઘરથી અલગ થવું, કાયદાકીય વિવાદ અને મિલકતના વિવાદમાં પડવું, પત્નીથી દૂરી, વડીલો સાથે વિવાદ, દાંત, વાળ, આંખ અને હૃદયના રોગો. આમાં સરકાર તરફથી નોટિસો મેળવવા અને સરકારી નોકરીઓમાં સમસ્યાઓનો સામનો કરવાનો પણ સમાવેશ થાય છે.
સૂર્ય ગ્રહની શાંતિ માટે મહાશિવરાત્રીના ઉપાય
જે લોકોની કુંડળીમાં સૂર્ય અશુભ ફળ આપતો હોય તેમણે મહાશિવરાત્રીના દિવસે બૈજનાથ અને અમરનાથનનું સ્મરણ કરી દાડમના રસનો શિવાભિષેક કરવો જોઈએ. શિવરાત્રી પર ગોળ મિશ્રિત હવન કરવો જોઈએ. આમ કરવાથી સૂર્ય શુભ ફળ આપવા લાગશે.

ચંદ્રની અશુભ અસરથી થતી સમસ્યાઓ
પરિવારમાં સુખ-શાંતિનો અભાવ, માનસિક રોગોની હાજરી, કોઈ કારણ વગર ભય અને ચિંતા, માતાથી દૂરી, શરદી-ખાંસી, છાતી સંબંધિત રોગો અને કામ અને પૈસામાં અસ્થિરતા એ ચંદ્રની અશુભ અસરો છે.
ચંદ્ર ગ્રહની શાંતિ માટે મહાશિવરાત્રીના ઉપાયો
જો કુંડળીમાં ચંદ્ર અશુભ ફળ આપતો હોય તો મહાશિવરાત્રીના દિવસે ભગવાન રામેશ્વરનું સ્મરણ કરી ગાયના દૂધમાંથી બનેલી ખીરથી શિવલિંગનો અભિષેક કરો. આમ કરવાથી વ્યક્તિ પર ચંદ્રની ખરાબ અસર સમાપ્ત થઈ જાય છે.

મંગળની અશુભ અસરથી થતી સમસ્યાઓ
વધુ પડતો ગુસ્સો અને ચીડિયાપણું મંગળની અશુભ અસરના સંકેતો છે. ભાઈઓ વચ્ચે મતભેદ અને પરસ્પર વિરોધ મંગળના કારણે જ થાય છે. લોહીમાં વિકૃતિઓ અને શરીરમાં લોહીની ઊણપ મંગળની નબળાઈ દર્શાવે છે. જમીનને લઈને તણાવ અને ઝઘડો, આગમાં દાઝી જવું અને ઈજાગ્રસ્ત થવું, નાના-મોટા અકસ્માતો થવાં એ બધું મંગળની અશુભ અસરથી થાય છે.
મંગળની શાંતિ માટે મહાશિવરાત્રીના ઉપાયો
જે વ્યક્તિની કુંડળીમાં મંગળ અશુભ ફળ આપતો હોય તેમણે મહાશિવરાત્રીના દિવસે બૈજનાથ અને અમરનાથનું સ્મરણ કરીને દાડમના રસથી શિવલિંગનો અભિષેક કરવો જોઈએ. મહાશિવરાત્રી પર ગોળ મિશ્રિત હવન કરવો જોઈએ. આમ કરવાથી મંગળ શુભ ફળ આપવાનું શરૂ કરશે.

બુધની અશુભ અસરથી થતી સમસ્યાઓ
બોલવામાં અને સાંભળવામાં મુશ્કેલી, બુદ્ધિનો ઓછો ઉપયોગ, આત્મવિશ્વાસનો અભાવ, નપુંસકતા, ધંધામાં નુકસાન, માતાનો વિરોધ અને શિક્ષણમાં અવરોધો બુધની અશુભ અસરથી થાય છે. જો બુધ અશુભ હોય તો સારા મિત્રો પણ મળતા નથી.
બુધ ગ્રહની શાંતિ માટે મહાશિવરાત્રીના ઉપાયો
જો કુંડળીમાં બુધ અશુભ ફળ આપતો હોય તો મહાશિવરાત્રીના દિવસે ભગવાન વિશ્વનાથનનું સ્મરણ કરી બિલ્વના પાન શિવલિંગ પર ચઢાવી પાણીથી અભિષેક કરવો જોઈએ. ભગવાન વિશ્વનાથનો લીલો શણગાર ચણાના છોડ અને ઘઉંની લીલી ડૂંડીઓથી કરવો જોઈએ અને પૂજા પછી સોપારી અર્પણ કરવી જોઈએ.

ગુરુની અશુભ અસરથી થતી સમસ્યાઓ
જેમનું સન્માન કરવું જોઈએ તેની સાથે જો મતભેદ થાય, સમાજમાં બદનામી થાય અને માન ન મળે તો સમજવું કે ગુરુ તમારાથી નારાજ છે. વરિષ્ઠ અધિકારીઓ સાથે વિવાદ, ધાર્મિક ઢોંગથી અનીતિના કાર્યો કરવા, દંભ દ્વારા પૈસા કમાવવા, સ્ત્રીઓ સાથે અનૈતિક સંબંધો રાખવા, સંતાન દોષ, સ્થૂળતા અને સોજો એ ગુરુની અશુભ અસરો છે.
ગુરુની શાંતિ માટે મહાશિવરાત્રીના ઉપાયો
જો વ્યક્તિની કુંડળીમાં ગુરુ અશુભ પરિણામ આપી રહ્યો હોય તો તે વ્યક્તિએ મહાશિવરાત્રિના દિવસે ભગવાન ઓમકારેશ્વરનું સ્મરણ કરીને શિવલિંગની પૂજા કરવી જોઈએ અને શિવલિંગને પીળા ફૂલોથી શણગારવું જોઈએ. ત્યાર બાદ ત્યાં બેસીને ભગવાન શિવના પંચાક્ષરી મંત્રના 11 વાર જાપ કરવા જોઈએ.

શુક્રની અશુભ અસરથી થતી સમસ્યાઓ
શુક્રની અશુભ અસરને કારણે જાતીય આનંદનો અભાવ, જાતીય રોગ, લગ્નજીવનમાં અવરોધ, પ્રેમમાં નિષ્ફળતા, હૃદયની વધુ પડતી ચંચળતા, પ્રેમમાં છેતરપિંડી કરવાની વૃત્તિ હોય તો શુક્ર અશુભ હોવાના લક્ષણો છે.
શુક્ર ગ્રહની શાંતિ માટે મહાશિવરાત્રીના ઉપાયો
જે વ્યક્તિની કુંડળીમાં શુક્ર અશુભ ફળ આપતો હોય તેણે મહાશિવરાત્રીના દિવસે ભગવાન ભીમાશંકરનું સ્મરણ કરી શિવપૂજા કરવી જોઈએ અને ત્યારબાદ શિવલિંગ પર અત્તર ચઢાવવું જોઈએ. તે પછી વ્યક્તિએ જરૂરિયાતમંદ લોકોને ચોખા અને દૂધનું દાન કરવું જોઈએ.

શનિની અશુભ અસરથી થતી સમસ્યાઓ
અશુભ શનિ વ્યક્તિને ઝઘડાખોર, આળસુ, ગરીબ, નિદ્રાધીન અને પાછીપાની કરનારો બનાવે છે. તે પગ અથવા જ્ઞાનતંતુઓમાં રોગોનું કારણ બને છે. શનિ અશુભ હોય ત્યારે જ પથરીની સમસ્યા થાય છે. લોકો તરફથી ઉપેક્ષા, લગ્નજીવનમાં સમસ્યાઓ અને નપુંસકતા શનિની અશુભ અસર છે.
શનિ ગ્રહની શાંતિ માટે મહાશિવરાત્રીના ઉપાયો
જો કુંડળીમાં શનિ અશુભ ફળ આપી રહ્યો હોય તો મહાશિવરાત્રીના દિવસે મહાકાલનું સ્મરણ કરી તેલથી શિવલિંગનો અભિષેક કરવો જોઈએ. અભિષેક કરેલ તેલ કેટલાક જરૂરિયાતમંદ લોકોને દાન કરવું જોઈએ અને શમીના પાન પણ અર્પણ કરવા જોઈએ. ત્યારબાદ વ્યક્તિએ ત્યાં બેસીને મહામૃત્યુંજય મંત્રની 11 માળાનો જાપ કરવો જોઈએ.

રાહુની અશુભ અસરથી થતી સમસ્યાઓ
ડ્રગ્સ અને આલ્કોહોલનું વ્યસન, ખોટા કામો કરવાનો શોખ, શેરબજારમાં નુકસાન, પરિવારથી દૂર રહેવું અને અનૈતિક કાર્યોમાં સામેલ થવું, શરીરમાં ગુપ્ત રોગો થવા, ગુનાઓમાં સંડોવવું એ રાહુ-કેતુની અશુભ અસરો છે.
રાહુ-કેતુ ગ્રહની શાંતિ માટે મહાશિવરાત્રીના ઉપાયો
જો રાહુ કુંડળીમાં શુભ સ્થાનમાં હોય તો વ્યક્તિ ઉચ્ચ પદ પ્રાપ્ત કરી શકે છે. સાથે જ કુંડળીમાં કેતુને શુભ ઘરમાં રાખવામાં આવે તો વ્યક્તિને જીવનમાં માન-સન્માન, સંપત્તિ અને સંતાન પ્રાપ્ત થાય છે. કુંડળીમાં રાહુ કેતુની સ્થિતિને શુભ બનાવવા માટે શિવલિંગ પર જળની ધારા ચઢાવો. ભાંગ અને ધતુરો પણ ચઢાવો. આનાથી રાહુ-કેતુ પરેશાન નહીં કરે.