47 મિનિટ પેહલા
- કૉપી લિંક
18 સપ્ટેમ્બરથી શ્રાદ્ધપર્વ શરૂ થયું છે. હિન્દુ માન્યતા પ્રમાણે શ્રાદ્ધપર્વમાં પિતૃઓ માટે પૂજા-પાઠ અને પિંડદાન કરવાની પરંપરા છે. શ્રાદ્ધપૂજા, પિંડદાન, તર્પણ અને અર્પણની વાત આવે એટલે આપણે સૌથી પહેલાં ગયા શહેર યાદ આવે છે. શ્રાદ્ધની પરંપરામાં આ શહેરનું નામ પ્રાચીનકાળથી જ જાણીતું છે. આજે શ્રાદ્ધના ત્રીજા દિવસે જાણો કે ગયા ખાતે શ્રાદ્ધ કરવાનું મહત્વ શું છે?
પૌરાણિક નગરી ગયા(બિહાર) ગયાને વિષ્ણુની નગરી માનવામાં આવે છે, જેને ‘વિષ્ણુ પદ’ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ ‘મોક્ષભૂમિ’ કહેવાય છે. ‘વિષ્ણુપુરાણ’ અનુસાર અહીં પૂર્વજોનું શ્રાદ્ધ પૂર્ણ ભક્તિ સાથે કરવાથી તેમને મોક્ષ મળે છે. એવું માનવામાં આવે છે કે ભગવાન વિષ્ણુ પોતે પિતૃ દેવતા તરીકે ગયામાં વિરાજમાન છે, તેથી તેને ગયાને પિતૃતીર્થ પણ કહેવામાં આવે છે. મૃત પૂર્વજની તિથિ વદ કે સુદમાં કોઈપણ પક્ષમાં હોય પરંતુ શ્રાદ્ધપર્વના આ 16 દિવસોમાં મૃત્યુ પામનારને તર્પણ-અર્પણ કરવાની પરંપરા છે. પિતૃપક્ષના બધા દિવસોમાં મોટી સંખ્યામાં પિંડદાનીઓ તેમના પૂર્વજોને પિંડદાન અર્પણ કરે છે.
ગયામાં ત્રીજા દિવસે પિંડદાન કેવી રીતે કરવું? ગયામાં પહેલાં પંચતીર્થમાં ઉત્તર માનસ તીર્થની વિધિ છે. ગયામાં કુશ લઈને માથા પર જળ છાંટો. પછી ઉત્તર માનસ(જગ્યાનું નામ)માં જઈને આત્મશુદ્ધિ માટે સ્નાન કરો. ત્યારબાદ તર્પણ કરીને પિંડદાન કરો. સૂર્યને નમસ્કાર કરવાથી પિતૃઓને સૂર્યલોકની પ્રાપ્તિ થાય છે. ઉત્તર માનસથી મૌન થઈને દક્ષિણ માનસમાં જઓ. દક્ષિણ માનસમાં ત્રણ તીર્થ છે. તેમાં સ્નાન કરીને અલગ-અલગ કર્મકાંડ કરીને ફલ્ગૂ નદીના કિનારા પર જે જિહ્વાલોક તીર્થ છે. ત્યાં પિંડદાન કરવાથી પિતૃઓને અક્ષય શાંતિ મળે છે. ત્યારબાદ તીર્થોની શ્રાદ્ધની યોગ્યતા સિદ્વિ માટે ગદાધર ભગવાનને પંચામૃતથી સ્નાન કરાવો અને વસ્ત્રાલંકાર ચઢાવો, તર્પણ ખુલ્લા સ્થાનમાં કરી શકો છો. પરંતુ ગયામાં શ્રાદ્ધ કરવા માટે ખુલ્લી જગ્યાએ બેસીને ખભા પર ધોતિયું (રૂમાલ) રાખીને શ્રાદ્ધ કરવું જોઈએ. બ્રહ્મચર્ચનું પાલન, જમીન કે લાકડા પર સૂવું તથા એકવાર ભોજન અનિવાર્ય છે.

પૂજામાં આ સામગ્રીનો ઉપયોગ થાય છે ગંગાજળ, કાચું દૂધ, જવ, તુલસી અને મધ મિશ્રિત જળ જલાંજલિ અર્પણ કર્યા પછી, ગાયના ઘીનો દીવો પ્રગટાવવાની જોગવાઈ છે. ધૂપ આપવો જોઈએ, ગુલાબનાં ફૂલ અને ચંદન પિતૃઓને ખૂબ પ્રિય માનવામાં આવે છે. તે પછી, બધા પૂર્વજોનાં નામનું સ્મરણ કરીને, વ્યક્તિએ ધ્યાન કરવું જોઈએ અને સ્વધા શબ્દ સાથે જળ અર્પણ કરવું જોઈએ. શ્રાદ્ધમાં કઢી, ખીર, પુરી અને શાકભાજીનો ભોગ લગાવવામાં આવે છે. ત્રીજા શ્રાદ્ધમાં ત્રણ બ્રાહ્મણોને ભોજન અર્પણ કરવામાં આવે છે. વ્યક્તિની ક્ષમતા મુજબ ખાંડ અને ચોખાનું દાન કરીને તેઓને સંતુષ્ટ કરવામાં આવે છે.
ભૂલથી પણ ન કરો આ કામ હિંદુ ધર્મમાં પિતૃપક્ષનું વિશેષ મહત્વ છે. પિતૃપક્ષનો સમય પિતૃઓને સમર્પિત છે. તે ભાદ્રપદ મહિનાના સુદ પક્ષની પૂર્ણિમાના દિવસથી શરૂ થાય છે, જે ભાદરવી અમાસના દિવસે સમાપ્ત થાય છે. આવી સ્થિતિમાં ભૂલથી પણ ઘરના રસોડામાં માંસ, માછલી, લસણ, ડુંગળી, દાળ ન રાંધો. આમ કરવાથી પિતૃઓ ગુસ્સે થાય છે અને પિતૃદોષ થાય છે. આ સાથે જે લોકો પોતાના પિતૃઓને તર્પણ અર્પણ કરે છે તેઓએ આ સમયગાળા દરમિયાન પોતાના શરીર પર સાબુ અને તેલનો ઉપયોગ ન કરવો જોઈએ. પિતૃ પક્ષ દરમિયાન નવાં વસ્ત્રો, જમીન, મકાન સહિત તમામ પ્રકારનાં શુભ કાર્યો પર પ્રતિબંધ છે. આ સમયગાળા દરમિયાન કોઈ પણ શુભ કાર્ય કરવાનું ટાળો.

પૂર્વજોનો વૈકુંઠમાં વાસ જ્યોતિષના મતે જે તિથિએ માતા-પિતા, દાદા-દાદી વગેરેનું મૃત્યુ થાય છે, આ સોળ દિવસોમાં તેમનું શ્રાદ્ધ કરવું શ્રેષ્ઠ છે. હિન્દુ માન્યતા પ્રમાણે પૂર્વજોના પુત્ર અથવા પૌત્ર દ્વારા શ્રાદ્ધ કરવામાં આવે છે, ત્યારે પૂર્વજો પિતૃલોકની યાત્રા સમાપ્ત કરીને મોક્ષ પ્રાપ્ત કરી વૈકુંઠ લોકમાં વાસ કરે છે.
પિતૃ પક્ષની તિથિ ભાદરવા વદ પક્ષની એકમથી અમાસ સુધીનો સમયગાળો પિતૃપક્ષ ગણાય છે. વૈદિક પરંપરા અને હિંદુ માન્યતાઓ અનુસાર, પિતૃઓ માટે આદરપૂર્વક શ્રાદ્ધ કરવું એ એક મહાન અને ઉત્તમ કાર્ય છે. માન્યતા અનુસાર, પુત્રનું પુત્રત્વ ત્યારે જ સાર્થક માનવામાં આવે છે જ્યારે તે તેના જીવનકાળ દરમિયાન તેના જીવતા માતા-પિતાની સેવા કરે છે અને તેમના મૃત્યુ પછી, તેઓ તેમની પુણ્યતિથિ (વરસી) અને મહાલય (પિત્રપક્ષ) પર તેમના માટે યોગ્ય શ્રાદ્ધ કરે છે.
પિંડદાન માત્ર ગયામાં જ શા માટે? ગયાને વિષ્ણુની નગરી માનવામાં આવે છે, જેને વિષ્ણુપદ તરીકે પણ ઓળખવામાં આવે છે. તેને મોક્ષ ભૂમિ કહેવાય છે. વિષ્ણુપુરાણ અનુસાર અહીં પૂર્વજોનું શ્રાદ્ધ પૂર્ણ ભક્તિ સાથે કરવાથી તેમને મોક્ષ મળે છે. એવું માનવામાં આવે છે કે ભગવાન વિષ્ણુ સ્વયં ગયામાં પૂર્વજ દેવતા તરીકે વિરાજમાન છે, તેથી તેને પિતૃતીર્થ પણ કહેવામાં આવે છે.

ભગવાન રામે ગયામાં પિંડદાન પણ કર્યું હતું એવી માન્યતાઓ છે કે ત્રેતાયુગમાં ભગવાન રામ, લક્ષ્મણ અને સીતા રાજા દશરથને પિંડદાન આપવા અહીં આવ્યાં હતાં અને આ જ કારણ છે કે આજે આખું વિશ્વ તેમના પૂર્વજોના ઉદ્ધાર માટે આવે છે.
ગયા શ્રાદ્ધનો ક્રમ ગયામાં શ્રાદ્ધનો ક્રમ ભાદરવી પુનમના દિવસથી 17 દિવસ સુધીનો હોય છે. જે લોકો પ્રથમ દિવસે ગયા શ્રાદ્ધ કરે છે તેઓ વિષ્ણુપદ ફાલ્ગુ નદી અને અક્ષયવટમાં શ્રાદ્ધ પિંડદાન કરીને આ વિધિને સમાપ્ત કરે છે. એ એક દૃષ્ટિને શ્રાદ્ધ કહેવાય છે. તે જ સમયે, 7 દિવસનાં કાર્યો ફક્ત સકામ શ્રાદ્ધ કરનારાઓ માટે છે. આ 7 દિવસ ઉપરાંત વૈતરણી ભસ્મકુટ, ગાયનું દાન વગેરે કરાય છે. ગયામાં સ્નાન, તર્પણ, પિંડદાન વગેરે પણ કરવામાં આવે છે. આ સિવાય 17 દિવસ સુધી શ્રાદ્ધ પણ કરવામાં આવે છે. જાણો આ 17 દિવસોમાં ગયામાં પિંડદાનની કઈ કઈ વિધિઓ છે.

પ્રથમ દિવસ પુનપુન કિનારે શ્રાદ્ધ કર્યા પછી, ગયા આવ્યા પછી, પ્રથમ દિવસે, વ્યક્તિ ફલ્ગુમાં સ્નાન કરે છે અને ફલ્ગુના કિનારે શ્રાદ્ધ કરે છે. આ દિવસે સવારે ગાયત્રી તીર્થ અને સાંજે અને બપોરે સાવિત્રી કુંડમાં સ્નાન કરવું જોઈએ. સરસ્વતી કુંડમાં સંધ્યાકાળે સ્નાન કરવું વિશેષ ફળદાયી માનવામાં આવે છે.
બીજો દિવસ બીજા દિવસે ફલ્ગુ સ્નાનની જોગવાઈ છે. ઉપરાંત, ગયામાં બ્રહ્મા કુંડ અને પ્રેતશિલામાં પિંડદાન કરવામાં આવે છે. ત્યાંથી રામશીલામાં આવીને રામકુંડ અને રામશીલા ખાતે પિંડદાન કરવામાં આવે છે અને ત્યાંથી નીચે ઊતરીને કાકબલિ સ્થાન પર કાક, યમ અને શ્વાનબલિ નામે પિંડદાન કરવામાં આવે છે.
ત્રીજો દિવસ ત્રીજા દિવસે લોકો પિંડદાન માટે ફલ્ગુમાં સ્નાન કરીને ઉત્તર માનસ જાય છે. ત્યાં સ્નાન, તર્પણ, પિંડદાન અને ઉત્તરારક દર્શન કરવામાં આવે છે. ત્યાંથી, વ્યક્તિએ ચુપચાપ સૂરજકુંડમાં આવીને ઔદિચી કનખલ અને દક્ષિણ માનસ મંદિરોમાં સ્નાન કરવું જોઈએ, તર્પણ-પિંડદાન કર્યા પછી દક્ષિણારકનાં દર્શન કરવા જોઈએ. અહીં પૂજા કર્યા પછી, ફાલ્ગુના કિનારે જઈને તર્પણ કરો અને ભગવાન ગદાધરજીનાં દર્શન કરો અને પૂજા કરો.

ચોથો દિવસ ચોથા દિવસે પણ ફલ્ગુ સ્નાન ફરજિયાત છે. માતંગ વાપી જગ્યાએ જઈને ત્યાં પિંડદાન આપવાનું હોય છે. આ દિવસે ધર્મેશ્વરનાં દર્શન કર્યાં પછી પિંડદાન કરવું જોઈએ અને પછી બોધગયા જઈને શ્રાદ્ધ કરવું જોઈએ.
પાંચમો દિવસ મોક્ષની નગરી ગયામાં પિતૃ પક્ષના પાંચમા દિવસે બ્રહ્મા સરોવરમાં પિંડદાન અર્પણ કરવાનું મહત્વ છે. જેમાં અડદના લોટનો એક ગઠ્ઠો બનાવવામાં આવે છે અને કાકબલિ વેદી પર કૂતરા, કાગડા અને યમને અર્પણ કરવામાં આવે છે. કાકબલિ સાથે યજ્ઞ કર્યા પછી, આંબાની પાણીની વેદી પાસે આંબાના ઝાડના મૂળને કુશની મદદથી પાણી આપવામાં આવે છે. ત્રણ વેદીઓમાંથી મુખ્ય વેદી બ્રહ્મા સરોવર છે.
છઠ્ઠો દિવસ છઠ્ઠા દિવસે, ફાલ્ગુમાં સ્નાન કર્યા પછી, વિષ્ણુપદ, દક્ષિણા અગ્નિપદ વેદીઓ પર આહ્વાન કરવામાં આવે છે, જે વિષ્ણુ મંદિરમાં જ માનવામાં આવે છે. તેમના દર્શન કર્યા પછી શ્રાદ્ધ પિંડદાન કરવું જોઈએ. ત્યાંથી ગજ કર્ણિકા(જગ્યા)માં તર્પણ કરવું જોઈએ. તેમજ ગયાસિર(જગ્યા) પર પિંડદાન કરવું જોઈએ. મૂંડ પુષ્ટા(જગ્યા)માં પણ પિંડદાન કરવું જોઈએ.

સાતમો દિવસ ફલ્ગુ સ્નાન, શ્રાદ્ધ, અક્ષય વટમાં જઈને અક્ષય વટની નીચે શ્રાદ્ધ કરવું જોઈએ. ત્યાં 3 કે 1 બ્રાહ્મણને ભોજન આપવું જોઈએ. ત્યાં જ ગયા પાલ પંડો દ્વારા સૂફલ (ફૂલો-ફળ) આપવામાં આવે છે.
આઠમો દિવસ આ દિવસે જળ અર્પણ કરવાથી પિતૃદોષમાંથી મુક્તિ મળે છે. પિતૃકાર્ય કરવાની સાથે પિતૃઓને પ્રસન્ન કરવા પિતૃ સ્તોત્રનો પાઠ પણ કરવો જોઈએ.
નવમો દિવસ પિંડદાન અર્પણ કર્યા પછી, કણવપદ, દધીચિપદ, કાર્તિકપદ, ગણેશપદ અને ગજકર્ણપદ(જગ્યાઓ) પર દૂધ, ગંગા જળ અથવા ફલ્ગુ નદીના જળથી અર્પણ કરવું જોઈએ. અંતમાં, કશ્યપપદ ખાતે શ્રાદ્ધ કર્યા પછી ઉત્તર તરફ મુખ કરીને પૂર્વજો, કનકેશ, કેદાર અને વામનનું ધ્યાન કરવાથી પિતૃઓ તરી જાય છે એવી માન્યતા પ્રચલિત છ.

દસમો દિવસ મોક્ષની નગરી, ગયાજીમાં પિંડદાનના દસમા દિવસે, માતૃનવમીના દિવસે આ બે પવિત્ર સ્થળો સીતાકુંડ અને રામ ગયાતીર્થમાં પિંડદાન આપવાની પરંપરા છે. દસમા દિવસે સીતાકુંડમાં સુહાગ પિટારી દાન(સ્ત્રીઓ માટેની વસ્તુઓ) અને રેતી(બાલુ)નો એક ગઠ્ઠો ચઢાવવામાં આવે છે. ફલ્ગુ નદીની રેતીથી પિંડ બનાવી ધાર્મિક વિધિ કરવામાં આવે છે.
અગિયારમો દિવસ મોક્ષના શહેર ગયાજીમાં પિંડદાનના 11મા દિવસે, ગયા સિર અને ગયા કૂપ નામનાં બે તીર્થસ્થાનોમાં પિંડદાન કરવામાં આવે છે. ગયા સિરમાં એવી માન્યતા છે કે અહીં પિંડદાન ચઢાવવાથી નરક પીડિત પિતૃઓને પણ સ્વર્ગની પ્રાપ્તિ થાય છે. તે જ સમયે, ગયા કુપ વિશે કહેવામાં આવે છે કે અહીં પિંડદાન અર્પણ કરવાથી સ્વર્ગસ્થ થયેલા પૂર્વજોને મોક્ષ પ્રાપ્ત થાય છે. બંને તીર્થોની પૌરાણિક કથા પણ પ્રચલિત છે.

12મો દિવસ મોક્ષની નગરી, ગયાજીમાં, પિંડદાનના 12મા દિવસે મુંડ ફરજા તીર્થ ખાતે પિંડદાન ચઢાવવાની પરંપરા છે. એકાદશીના દિવસે અહીં ફલ્ગુમાં સ્નાન કર્યા બાદ પિંડદાન કરવામાં આવે છે. સાથે જ એવી માન્યતા છે કે ખોયા (એક માવાની મીઠાઈ) અને ચાંદીની વસ્તુઓનું દાન કરવાથી પિતૃઓ મોક્ષની પ્રાપ્તિ કરે છે.
13મો દિવસ મોક્ષની નગરી ગયામાં, દ્વાદશી તિથિના દિવસે પિતૃ પક્ષની 13મી તિથિએ ભીમગયા, ગૌપ્રચાર અને ગદાલોલની ત્રણ વેદીઓ પર શ્રાદ્ધ કરવાની પરંપરા છે. મંગળા ગૌરી મંદિરના મુખ્ય માર્ગથી ભીમગયા વેદી અક્ષયવટ જવાના માર્ગ પર ગૌપ્રચાર વેદી છે. અહીં અક્ષયવટની સામે ગદાલોલ વેદી આવેલી છે, જ્યાં પિંડદાન કરવામાં આવે છે.
14મો દિવસ 14માં દિવસે ફલ્ગુ નદીમાં સ્નાન કરીને દૂધ ચઢાવવાની પરંપરા છે. પિતૃ દિવાળી અહીં 14મા દિવસે સાંજે ઊજવવામાં આવે છે. જેમાં પિતૃઓ માટે દીવા પ્રગટાવવામાં આવે છે અને આતશબાજી કરવામાં આવે છે.

15મો દિવસ આ દિવસે વૈતરણી સરોવરમાં પિંડદાન અને ગાયનું દાન કરવાનો નિયમ છે. એવી માન્યતા છે કે દેવનદી વૈતરણીમાં સ્નાન કરવાથી પિતૃઓ સ્વર્ગમાં જાય છે. પિંડદાન અને ગોદાન કર્યા પછી, તળાવની પાસે સ્થિત માર્કંડેય શિવ મંદિરમાં જઈને પૂજા કરવાની હોય છે.
16મો દિવસ ગયા ખાતે શ્રાદ્ધ પક્ષ દરમિયાન ગાયને ગોળ સાથે રોટલી ખવડાવો અને કૂતરા, બિલાડી અને કાગડાને પણ ખવડાવો. આનાથી તમારા પૂર્વજોની કૃપા તમારા પર જળવાઇ રહેશે. આ દિવસે અકસ્માત, શસ્ત્રો અને અકાળે મૃત્યુ પામેલા લોકો માટે શ્રાદ્ધ કરવામાં આવે છે. આ દિવસને તર્પણ-શ્રાદ્ધ કરીને પ્રસન્ન કરવાનો દિવસ માનવામાં આવે છે.
17મો અને છેલ્લો દિવસ પિતૃ અમાવસ્યાના છેલ્લા દિવસે, યાત્રાળુઓ તેમના પૂર્વજોની આત્માઓ માટે મોક્ષ મેળવવા માટે ફલ્ગુ નદીના પાણી સાથે મોક્ષદાયિની ફલ્ગુ નદીમાં તર્પણ કરે છે.