23 મિનિટ પેહલા
- કૉપી લિંક
હિંદુ કેલેન્ડર પ્રમાણે ચૈત્ર મહિનાના સુદ પક્ષની નોમ તિથિએ શ્રીરામ જન્મોત્સવ ઉજવવામાં આવે છે. ગ્રંથો પ્રમાણે ત્રેતાયુગમાં આ તિથિએ પુનર્વસુ નક્ષત્રમાં શ્રીરામનો જન્મ થયો હતો. આ વર્ષે 17 એપ્રિલ, બુધવારે આ પર્વ ઉજવવામાં આવશે. શ્રીરામના જન્મ સમયે ગ્રહોની શુભ સ્થિતિ સાથે દુર્લભ યોગ પણ બની રહ્યાં હતાં. આ દિવસે પાંચ ગ્રહ ઉચ્ચ રાશિમાં સ્થિત હતાં. સૂર્ય, મંગળ, બૃહસ્પતિ, શુક્ર અને શનિના ઉચ્ચ રાશિમાં સ્થિત હોવાથી રાજયોગ અને પંચમહાપુરૂષ યોગ પણ બન્યો હતો. આ ગ્રહોના શુભ પ્રભાવથી ત્રેતા યુગમાં રાજા દશરથને ત્યાં ભગવાન વિષ્ણુના અવતાર એટલે મર્યાદા પુરૂષોત્તમ સ્વરૂપે જ્ઞાની, તેજસ્વી અને પરાક્રમી પુત્રનો જન્મ થયો હતો.
આવતીકાલે રામ નવમી છે. આ પ્રસંગે અયોધ્યામાં બપોરે 12 વાગ્યે રામલલ્લાને સૂર્ય તિલક કરવામાં આવશે. આ દરમિયાન અભિજીત મુહૂર્ત હશે. વાલ્મીકિ રામાયણ અનુસાર શ્રીરામનો જન્મ આ સમયે ત્રેતાયુગમાં થયો હતો. શ્રી રામ જન્મ પર પૂજા અને ઉપવાસ કરવાની પરંપરા છે. લગભગ અઢી કલાકની પૂજા માટે માત્ર એક જ શુભ મુહૂર્ત છે. જે સવારે 11:05 થી બપોરે 1:35 સુધી રહેશે. દિવ્ય ભાસ્કરે 1992થી રામલલાના મુખ્ય પૂજારી રહેલા સત્યેન્દ્ર દાસ અને વર્તમાન પૂજારી પં.સંતોષ તિવારી પાસેથી સરળ પૂજા પદ્ધતિ લખાવી હતી, આ વિધિ અનુસાર તમે ઘરે જ શ્રી રામની પૂજા કરી શકો છો..
રામનવમી કેવી રીતે ઉજવવી?
રામનવમીએ સવારે જલ્દી જાગીને સૂર્યને જળ ચઢાવવું. ત્યાર બાદ આખો દિવસ નિયમ અને સંયમ સાથે મર્યાદા પુરૂષોત્તમનું વ્રત કરવું. આ પર્વમાં ભગવાન શ્રીરામની જેમ મર્યાદામાં જીવન જીવવા માટે સંકલ્પ પણ લેવામાં આવે છે. ત્યાર બાદ ભગવાન રામ અને સીતા માતા સાથે જ ભગવાન લક્ષ્મણ અને હનુમાનજીની પૂજા કરવામાં આવે છે. અનેક જગ્યાએ ભજન-કીર્તનનું આયોજન કરવામાં આવે છે. ભગવાન રામની મૂર્તિને પારણાંમાં ઝુલવવામાં આવે છે. આ દિવસે રામચરિત માનસનો પાઠ કરવામાં આવે છે. માન્યતા છે કે, રામનોમના દિવસે ઉપવાસ રાખવાથી સુખ-સમૃદ્ધિ આવે છે અને પાપનો નાશ થાય છે.
નક્ષત્રોનો સંયોગઃ સૂર્ય તિલક સમયે 9 શુભ યોગ બનશે, ત્રણ ગ્રહોની સ્થિતિ ત્રેતાયુગ જેવી છે.
બપોરે 12 વાગ્યે જ્યારે રામલલાના સૂર્યનું તિલક થશે, તે સમયે કેદાર, ગજકેસરી, પારિજાત, અમલા, શુભ, વાશી, સરલ, કાહલ અને રવિયોગ રચાશે. આ 9 શુભ યોગોમાં રામલલ્લાનું સૂર્ય તિલક થશે.
વાલ્મીકિ રામાયણમાં લખવામાં આવ્યું છે કે રામના જન્મ સમયે સૂર્ય અને શુક્ર તેમની ઉચ્ચ રાશિમાં હતા. ચંદ્ર તેની પોતાની રાશિમાં હાજર હતો. આ વર્ષે પણ એવું જ થઈ રહ્યું છે. જ્યોતિષીઓના મતે નક્ષત્રોનો આ સંયોગ દેશ માટે શુભ સંકેત છે. – પ્રો. રામનારાયણ દ્વિવેદી, બનારસ અને ડૉ. ગણેશ મિશ્રા, પુરી
ઋષિ ઋષ્યશૃંગે પુત્રકામેષ્ટિ યજ્ઞ કરાવ્યો હતો
વાલ્મીકિ રામાયણ અનુસાર, રાજા દશરથ જ્યારે ઘણા ઘરડા થઇ ગયા ત્યારે સંતાન ન હોવાના કારણે તેઓ ખૂબ ચિંતામાં રહેવા લાગ્યા. ત્યારે બ્રાહ્મણોએ તેમને પુત્રકામેષ્ટિ યજ્ઞ કરવાનું કહ્યું. મહર્ષિ વશિષ્ઠના કહેવા પર રાજા દશરથે ઋષ્યશૃંગને આ યજ્ઞ કરવા માટે આમંત્રિત કર્યા. ઋષિ ઋષ્યશૃંગને કારણે જ આ યજ્ઞ સંપન્ન થયો. આ યજ્ઞના ફળસ્વરૂપે જ ભગવાન શ્રી રામ, લક્ષ્મણ, ભરત અને શત્રુઘ્નના જન્મ થયા હતા.
યજ્ઞથી દેવતાઓએ બનાવેલી ખીરનો પ્રસાદ મળ્યો
પુત્રકામેષ્ટિ યજ્ઞ પૂર્ણ થયા બાદ યજ્ઞમાં અગ્નિદેવ પ્રગટ થયા. તેમના હાથમાં સોનાનો એક ઘડો હતો, જેનું ઢાંકણ ચાંદીનું હતું. તે ઘડામાં ખીર હતી. અગ્નિદેવે એ ઘડો રાજા દશરથને આપતાં કહ્યું કે, આ ખીર દેવતાઓએ બનાવી છે. આ ખીર તમે તમારી રાણીઓને ખવડાવજો જેનાથી સર્વગુણ સંપન્ન અને બધી રીતે જ્ઞાનથી પૂર્ણ સંતાન તમને પ્રાપ્ત થશે. અગ્નિદેવના કહેવા પર રાજા દશરથે તે ઘડો લઇ લીધો અને પોતાની રાણીઓને યજ્ઞ સ્થળ પર બોલાવી. તેમણે ઘડાની અડધી ખીર કૌશલ્યાને આપી. કૌશલ્યાને આપેલી ખીરનો અડધો ભાગ કૌશલ્યાના હાથે સુમિત્રાને અપાવી. ઘડામાં જે ખીર બાકી હતી તે કૈકેયીને આપી ને કૈકૈયીને આપેલી ખીરનો અડધો ભાગ કૈકેયીના હાથે જ સુમિત્રાને અપાવ્યો. આ રીતે ત્રણેય રાણીઓએ પોતાનો પ્રસાદ અલગ -અલગ ગ્રહણ કરી લીધો.=
પુત્રકામેષ્ટિ યજ્ઞના એક વર્ષ બાદ શ્રી રામનો જન્મ થયો
પુત્રકામેષ્ટિ યજ્ઞના એક વર્ષ બાદ ચૈત્ર મહિનાના શુક્લપક્ષની નોમ તિથિ પર પુનર્વસુ નક્ષત્રમાં રાણી કૌશલ્યાએ એક તેજસ્વી બાળકને જન્મ આપ્યો. સુમિત્રાન ગર્ભથી જોડિયાં બાળકો જન્મ્યા અને કૈકયીએ એક પુત્રને જન્મ આપ્યો. આ બાળકોના જન્મ બાદ કુળ પુરોહિત વશિષ્ઠજીએ કૌશલ્યાના પુત્રનું નામ રામ રાખ્યું. કૈકેયીના દીકરાનું નામ ભરત અને સુમિત્રાના બન્ને બાળકોનું નામ લક્ષ્મણ અને શત્રુઘ્ન રાખ્યાં.