2 કલાક પેહલા
- કૉપી લિંક
- નવ ગ્રહોને શાંત નહીં કરો તો જીવન રોગ-દરિદ્રતાથી તબાહ થઈ જશે, શ્રાવણમાં આ વસ્તુઓથી કરો શિવાભિષેક
જ્યોતિષશાસ્ત્ર પ્રમાણે જ્યારે કોઈ ગ્રહો પીડિત હોય ત્યારે વ્યક્તિ ખૂબ જ મહેનત કરવા છતાં પણ મહેનતનું પૂર્ણ ફળ પ્રાપ્ત કરી શકતો નથી. નવ ગ્રહોમાંથી કોઈ ગ્રહ અશુભ હોય ત્યારે વ્યક્તિ બેરોજગારી, ગરીબી, પારિવારિક વાદ-વિવાદ, લગ્નજીવનમાં છુટાછેડા, અપમાન, નોકરીમાં નિષ્ફળતા, નોકરી છુટી જવી, વેપાર-ધંધામાં નુકસાન, ઘરમાં કંકાસ, બાળકોનું નાપાસ થવું, થરીર અશક્ત કે રોગગ્રસ્ત બનવું, મોટા અકસ્માતો થવા, શરીરમાં અચાનક મોટા ઓપરેશનો કરાવવા, કમાણીનો રૂપિયો રોગો પાછળ ખર્ચાઈ જવો વગેરે જેવા દુઃખોથી જીવન ઘેરાઈ જાય છે. જ્યોતિષશાસ્ત્ર પ્રમાણે વ્યક્તિના દરેક દુઃખો પાછળ નવગ્રહો જવાબદાર હોય છે. વ્યક્તિની ગ્રહસ્થિતિ નબળી હોય ત્યારે વ્યક્તિને આવા દુઃખો સહન કરવા પડે છે પરંતુ આ દુઃખોથી મુક્તિ મેળવવા માટે ધર્મશાસ્ત્રોમાં કેટલાક ઉપાયો પણ બતાવ્યા છે. જેનાથી દરેક વ્યક્તિ શ્રદ્ધાપૂર્વક વિવિધ પૂજા-પાઠ, મંત્રોચ્ચારથી ગ્રહો અને દેવતાઓને પ્રસન્ન કરી દુઃખોથી મુક્તિ મેળવી શકે છે. નવગ્રહોની પીડાથી મુક્તિ જોઈતી હોય તો દેવતાઓના દેવ મહાદેવને પ્રસન્ન કરવા જોઈએ.
શિવના આશીર્વાદ માટે શ્રાવણ માસને સૌથી પવિત્ર માસ માનવામાં આવે છે. આ માસમાં ભક્તોના નાનકડા પ્રયત્નોથી ભોલેનાથ પ્રસન્ન થઈ જાય છે. આ શ્રાવણ મહિનામાં રુદ્રાભિષેક કરવાથી કુંડળીમાં ગ્રહોની સ્થિતિ મજબૂત બની શકે છે. રુદ્રાભિષેકમાં અલગ-અલગ વસ્તુઓનો ઉપયોગ કરીને તમે 9 ગ્રહોની સ્થિતિને મજબૂત બનાવી શકો છો. આજે અમે તમને જણાવી રહ્યા છીએ કે તમામ 9 ગ્રહની સ્થિતિને મજબૂત કરવા માટે ભગવાન શિવનો રુદ્રાભિષેક કઈ વસ્તુઓથી કરવો જોઈએ?
સૂર્યની અશુભ અસરોઃ-
સૂર્યની અશુભ અસર વ્યક્તિને અહંકારી બનાવે છે. આવી વ્યક્તિઓ પોતાનું નુકસાન કરતાં અચકાતી નથી. આ સિવાય પિતાના ઘરથી અલગ થવું, કાયદાકીય વિવાદ અને મિલકતના વિવાદમાં ફસાઈ જવું, પત્નીથી દૂરી, વડીલો સાથે વિવાદ, દાંત, વાળના રોગો. સરકાર તરફથી નોટિસો મળવી અને સરકારી નોકરીઓમાં સમસ્યાઓનો સામનો કરવાનો પણ સમાવેશ થાય છે. જો તમારી કુંડળીમાં સૂર્ય ગ્રહ અશુભ સ્થિતિમાં હોય તો તમારે સમાજમાં વારંવાર અપમાનિત થવું પડી શકે છે. એની સાથે તમને હાઈ બીપી, હૃદય સંબંધિત સમસ્યાઓ અને આંખોમાં નબળાઈ પણ આવી શકે છે. ઉપાય તરીકે શ્રાવણમાં દરરોજ શિવલિંગ પર જળ ચઢાવો.
ચંદ્રની અશુભ અસરોઃ-
જે લોકોની જન્મપત્રિકામાં ચંદ્ર દુર્બળ હોય છે તેઓ શરદી અને અસ્થમાથી પીડાય છે. આવા લોકોને આંખ સંબંધિત સમસ્યાઓ પણ થતી હોય છે. એ સિવાય પરિવારમાં સુખ-શાંતિનો અભાવ, માનસિક બીમારીઓ, કોઈપણ કારણ વગર ભય અને ચિંતા, માતાથી દૂરી, છાતી સંબંધિત રોગો, કામમાં અસ્થિરતા અને પૈસાની ખોટ ચંદ્રની અશુભ અસર તરફ નિર્દેશ કરે છે. ઉપાય તરીકે શ્રાવણમાં દરરોજ કાચા દૂધમાં કાળા તલ ભેળવીને શિવલિંગનો અભિષેક કરો.
મંગળની અશુભ અસરોઃ-
જો કુંડળીમાં મંગળની સ્થિતિ અશુભ હોય, તો તમારા શરીરમાં લોહીમાં વિકૃતિઓ અને લોહીની ઊણપને લગતી સમસ્યાઓ મંગળની નબળાઈ દર્શાવે છે. તમે પેટના રોગોથી પરેશાન થઈ શકો છો. એ સિવાય વધુપડતો ગુસ્સો અને ચીડિયાપણું મંગળના અશુભ પ્રભાવના સંકેતો છે. ભાઈઓ વચ્ચે મતભેદ અને પરસ્પર વિરોધ મંગળના કારણે જ થાય છે. એ સિવાય જમીનને લઈને તણાવ અને ઝઘડો, આગમાં દાઝી જવું, ઘાયલ થવું, નાના-મોટા અકસ્માતો થવા એ બધું મંગળની અશુભ અસરને કારણે થાય છે. મંગળ માટેના ઉપાય તરીકે શ્રાવણમાં શિવલિંગનો દરરોજ મધથી અભિષેક કરો.
બુધ ગ્રહની અશુભ અસરોઃ-
જો તમારી જન્મપત્રિકામાં બુધ ગ્રહ દુર્બળ હોય, તો તમને પેટ અને ફેફસાંના રોગો થવાનું જોખમ રહે છે. બુધના અશુભ પ્રભાવથી બોલવામાં અને સાંભળવામાં મુશ્કેલી, બુદ્ધિનો ઓછો ઉપયોગ, આત્મવિશ્વાસનો અભાવ, નપુંસકતા, ધંધામાં નુકસાન, માતાનો વિરોધ અને શિક્ષણમાં અવરોધો આવે છે. જો બુધ અશુભ હોય તો સારા મિત્રો પણ મળતા નથી. બુધને શુભ બનાવવા શ્રાવણ મહિનામાં દરરોજ કાચા દૂધમાં પીળા કાનેરનાં ફૂલ ભેળવીને શિવલિંગનો અભિષેક કરો.
ગુરુની અશુભ અસરોઃ-
જે લોકોની જન્મપત્રિકામાં ગુરુ અશુભ સ્થાનમાં હોય છે તેમને વારંવાર આર્થિક તંગીનો સામનો કરવો પડે છે. તેઓ ત્વચા, દાંત અને કફ સંબંધિત સમસ્યાઓથી પરેશાન રહે છે. જેમને માન આપવું જોઈએ તેમની સાથે મતભેદ હોય, સમાજમાં તમારી બદનામી થાય અને માન ન મળે તો સમજવું કે ગુરુ તમારાથી નારાજ છે. વરિષ્ઠ અધિકારીઓ સાથે વાદ-વિવાદ, ધાર્મિક ઢોંગથી અનીતિ અને અનૈતિક કાર્યો કરવાં, દંભ કરીને પૈસા કમાવવા, સ્ત્રીઓ સાથે અનૈતિક સંબંધો રાખવા, સંતાન દોષ, સ્થૂળતા અને સોજો વગેરે ગુરુની અશુભ અસરો દર્શાવે છે. આવા લોકોએ શ્રાવણ મહિનામાં દરરોજ પીળા ચંદનને પાણીમાં ભેળવીને શિવલિંગનો અભિષેક કરવો જોઈએ.
શુક્રની અશુભ અસરોઃ-
જો કુંડળીમાં શુક્રની સ્થિતિ નબળી હોય તો તમારે શારીરિક નબળાઈનો સામનો કરવો પડી શકે છે. શુક્ર નબળો હોય ત્યારે વૈવાહિક જીવનમાં પણ સમસ્યાઓ સર્જાય છે. આ સિવાય શુક્રના અશુભ પ્રભાવને કારણે જાતીય સુખનો અભાવ, વ્યભિચાર, લગ્નજીવનમાં અવરોધ, પ્રેમમાં નિષ્ફળતા, હૃદયની અતિશય ચંચળતા, પ્રેમમાં છેતરપિંડી કરવાની વૃત્તિ હોય તો શુક્ર અશુભ હોવાનાં લક્ષણો છે. અશુભ શુક્રથી આ પરેશાનીઓ ચાલી રહી હોય તો શ્રાવણ મહિનામાં દરરોજ શિવલિંગનો પંચામૃતથી અભિષેક કરો. બધી સમસ્યાઓનું શમન થશે.
શનિની અશુભ અસરોઃ-
જે લોકોની કુંડળીમાં શનિ કમજોર હોય તેમને આર્થિક તંગી અને અનેક બીમારીઓનો સામનો કરવો પડી શકે છે. આવા લોકો ઘૂંટણના દુખાવા અને ઉધરસ તેમજ અસ્થમાથી પીડાઈ શકે છે. અશુભ શનિ વ્યક્તિને ઝઘડાખોર, આળસુ, ગરીબ, નિદ્રાધીન અને પીછેહઠ કરનાર બનાવે છે. અશુભ શનિ પગ અથવા જ્ઞાનતંતુઓમાં રોગોનું કારણ બને છે. શનિ અશુભ હોય ત્યારે વ્યક્તિના જીવનમાં જાતીય સુખનો અભાવ, નજીકના લોકો તરફથી ઉપેક્ષા, લગ્નજીવનમાં સમસ્યાઓ અને નપુંસકતા આ બધું અશુભ શનિના કારણે થાય છે. આ બધી સમસ્યાઓથી મુક્તિ મેળવવી હોય તો શ્રાવણમાં ભગવાન શિવનો દરરોજ શેરડીના રસનો અભિષેક કરવો જોઈએ.
રાહુની અશુભ અસરોઃ-
કુંડળીમાં રાહુ ગ્રહ નબળો હોય ત્યારે તમે હતાશાનો શિકાર બનો છો અને તમને વારંવાર તાવ આવે છે. શારીરિક નબળાઈ પણ ચાલુ રહે છે. આ સિવાય રાહુની અશુભ અસર માદક દ્રવ્યો અને દારૂનું વ્યસન, ખોટાં કામો કરવાનો શોખ, શેરબજારમાં નુકસાન, ઘરથી દૂર જવું અને અનૈતિક પ્રવૃત્તિઓમાં સંડોવાવું, ગુનાઓમાં સંડોવાવું અને શરીરે ફોડા-ફુંસી થવા એ પણ અશુભ રાહુની અસર દર્શાવે છે. રાહુની પીડા ઓછી કરવા તમારે શ્રાવણ મહિનામાં દરરોજ શિવલિંગ પર ભાંગ ચઢાવવી જોઈએ.
કેતુની અશુભ અસરોઃ-
જો તમારી કુંડળીમાં કેતુ ગ્રહની સ્થિતિ નબળી છે તો તમે ડાયાબિટીસથી પીડિત થઈ શકો છો અથવા તમારું જીવન જાતીય સમસ્યાઓથી ઘેરાઈ શકે છે. રાહુ અને મંગળના મિશ્ર સ્વરૂપને કારણે એની અશુભ અસર થાય છે. વધુપડતો ગુસ્સો, શરીરમાં વધુપડતી એસિડિટી, પેટમાં બળતરા, ચહેરા પર ફોલ્લીઓ કેતુની અશુભ અસર દર્શાવે છે. જ્યારે કેતુનો પ્રકોપ વધે છે ત્યારે વ્યક્તિને કોઈ ને કોઈ પ્રકારનું ઓપરેશન કરાવવું પડે છે. કેતુને શુભ બનાવવા શ્રાવણ મહિનામાં સરસવના તેલથી શિવલિંગનો અભિષેક કરો.