29 મિનિટ પેહલા
- કૉપી લિંક
20 માર્ચ એટલે કે આજે ફાગણ માસના શુક્લ પક્ષની એકાદશી છે. તેને આમલકી એટલે કે આંબળા એકાદશી કહેવામાં આવે છે, આ દિવસે આંબળાના વૃક્ષની પૂજા કરવાની સાથે આંબળાનું દાન કરવાની પણ પરંપરા છે આમલકી એકાદશીમાં શ્રીવિષ્ણુની પૂજા સાથે આંબળાના વૃક્ષની પૂજાનું પણ મહત્વ રહેલું છે.આ દિવસથી વ્રજમાં હોળીનો તહેવાર શરૂ થાય છે. રંગભરી એકાદશીના દિવસે શ્રીકૃષ્ણના મંદિરોમાં અબીલ-ગુલાલ અને ફૂલોની હોળી રમવામાં આવે છે. માન્યતા અનુસાર આ દિવસે ભગવાન વિષ્ણુની પૂજા અને આંબળાના ઝાડની પૂજા કરવાથી મનોકામનાઓ પૂર્ણ થાય છે. તમને સાંસારિક સુખ અને મોક્ષ પણ મળે છે. આ જ કારણ છે કે આ તિથિને આમલકી એકાદશી પણ કહેવામાં આવે છે. હિંદુ ધર્મમાં આમળાનું વૃક્ષ ખૂબ જ પવિત્ર અને પૂજનીય માનવામાં આવે છે.
આંબળા પવિત્ર અને આરોગ્યપ્રદ છે, તેથી ઋષિઓએ તેની પૂજા કરવાની પરંપરા બનાવી છે
આયુર્વેદ અને પુરાણો અનુસાર, આંબળાને અમૃત અને પવિત્ર ફળ માનવામાં આવે છે, તેથી ઋષિઓએ ઓક્ટોબર-નવેમ્બરમાં કારતક મહિનાની નવમી તારીખે અને ફેબ્રુઆરી-માર્ચમાં ફાગણ મહિનાની એકાદશીએ આંબળાના વૃક્ષની પૂજા કરવા જણાવ્યું છે. પરંપરા અનુસાર આ બંને દિવસે લોકો આંબળાને પાણીમાં ભેળવીને સ્નાન કરે છે. આ વૃક્ષની પૂજા કરવામાં આવે છે, તેનું દાન કરવામાં આવે છે અને આંબળા પણ ખાવામાં આવે છે. શાસ્ત્રોમાં લખ્યું છે કે આમ કરવાથી પાપ દૂર થાય છે, પુણ્ય વધે છે અને રોગોથી મુક્તિ મળે છે. હવે જો વ્યવહારિક રીતે સમજીએ તો આ બંને મહિનામાં હવામાન બદલાય છે. જેના કારણે રોગો વધે છે અને તેનાથી બચવા માટે આંબળા ખાવાની પરંપરા બનાવવામાં આવી હતી.
આમલકી એકાદશી તિથિ
શાસ્ત્રો અનુસાર ‘આમલકી’ એકાદશીને ‘આંબળા’ સાથે જોડવામાં આવે છે. આ દિવસે આંબળાના વૃક્ષની પૂજા કરવાનો મહિમા છે. એક માન્યતા અનુસાર આંબળાના દરેક અંગમાં દેવતાઓનો વાસ છે. પ્રચલિત કથા અનુસાર શ્રીહરિની નાભિમાંથી કમળ ખીલ્યું અને તેમાંથી પરમપિતા બ્રહ્માજીનું પ્રાગટ્ય થયું. સ્વયંના પ્રાગટ્યનું સત્ય જાણવા બ્રહ્માજીએ વર્ષો સુધી તપસ્યા કરી અને આખરે, તેમના તપથી પ્રસન્ન થઈ શ્રીવિષ્ણુ પ્રગટ થયા. તે સમયે બ્રહ્માજીની આંખમાંથી આંસુ સર્યા અને તે અશ્રુબિંદુમાંથી જ આંબળાના વૃક્ષનું પ્રાગટ્ય થયું ! શાસ્ત્ર અનુસાર આંબળાના વૃક્ષના પ્રાગટ્યના તે દિવસે ફાગણ સુદ એકાદશીની તિથિ હતી. કહે છે કે તે સમયે સ્વયં શ્રીવિષ્ણુએ બ્રહ્માજીને આશિષ પ્રદાન કરતા કહ્યું કે, “આ વૃક્ષ તમારા અશ્રુઓમાંથી ઉત્પન્ન થયું છે, એટલે તેમાં તમામ દેવતાઓ નિવાસ કરશે. તેનું દરેક અંગ પૂજનીય બનશે. ફાગણ સુદ એકાદશીએ જે વ્યક્તિ આ વૃક્ષ નીચે મારી પૂજા કરશે અથવા મને તેનું ફળ અર્પણ કરશે તેને જન્મ-મરણના ફેરામાંથી મુક્તિ મળી જશે.”
આમલકી એકાદશી પર સર્જાશે શુભ યોગ
હિંદુ કેલેન્ડર મુજબ આમલકી એકાદશી પર ઘણા શુભ યોગો બની રહ્યા છે. આ દિવસે રવિ યોગની સાથે અતિગંડ અને પુષ્ય નક્ષત્રની રચના થઈ રહી છે. રવિ યોગ સવારે 06.25 થી શરૂ થશે, જે રાત્રે 10.38 કલાકે સમાપ્ત થશે. આ સાથે અતિગંડ યોગ સવારથી સાંજના 05.01 સુધી છે. આ સિવાય પુષ્ય નક્ષત્ર રાત્રે 10.38 સુધી છે.
રંગભરી એકાદશી
આમ તો એકાદશીનો અવસર એ શ્રીવિષ્ણુની પૂજા કરવાનો અવસર હોય છે. પણ, આમલકી એકાદશી એ એકમાત્ર એવી એકાદશી છે કે જે દિવસે શિવ અને પાર્વતી બંન્નેની પૂજા કરવાનું પણ વિધાન છે. આ દિવસે શિવ-પાર્વતીને હોળી રમાડવામાં આવે છે. જેને લીધે જ આ એકાદશી રંગભરી એકાદશીના નામે પણ ઓળખાય છે.
આમલકી એકાદશી પૂજાની રીત
- આમલકી એકાદશીના દિવસે સવારે બ્રહ્મ મુહૂર્તમાં ઊઠીને સ્નાનાદિ કાર્યથી નિવૃત થઈ સ્વચ્છ વસ્ત્ર ધારણ કરો.
- ભગવાન વિષ્ણુનું ધ્યાન ધરીને વ્રતનો સંકલ્પ લો.
- આ દિવસે આસ્થા સાથે ભગવાન વિષ્ણુની પૂજા કરવી. અને આ પૂજા દરમિયાન તેમને આંબળા જરૂરથી અર્પણ કરવા.
- આમલકી એકાદશીએ આંબળાના ઝાડમાં ધૂપ, દીપ, ચંદન, કુમકુમ, પુષ્પ તેમજ અક્ષત અર્પણ કરવા.
- કોઇ ગરીબ, જરૂરિયાતમંદ કે બ્રાહ્મણને પોતાના સામર્થ્ય અનુસાર ભોજન કરાવવું.
- શક્ય હોય તો કોઈ બ્રાહ્મણને કળશ, વસ્ત્ર અને આંબળાનું દાન કરવું જોઇએ.
ચાલો જાણીએ તેની પાછળનું કારણ…
સૌથી પહેલા વાત કરીએ આંબળા પર થયેલા સંશોધનની, દુનિયાના ઘણા મોટા ડોક્ટરો માને છે કે આંબળામાં એન્ટીબેક્ટેરિયલ અને એન્ટી-ઈન્ફ્લેમેટરી ગુણ હોય છે. આંબળા ડાયાબિટીસ, કેન્સર, બળતરા, આંખો, હૃદય અને મગજ સહિત અનેક રોગોમાં અસરકારક છે. તેમાં ઇમ્યુનો એસિડ, આલ્કલોઇડ્સ, વિટામિન્સ, સી, ઇ, એ, આયર્ન અને કેલ્શિયમ હોય છે. જે સ્વસ્થ રહેવા માટે ખૂબ જ જરૂરી છે.
હવે વાત કરીએ આયુર્વેદની, અથર્વવેદમાંથી ઉતરી આવેલા આયુર્વેદમાં આંબળાનો ઉલ્લેખ અમૃત ફળ તરીકે કરવામાં આવ્યો છે. વૈદિક કાળ દરમિયાન, ઋષિ ચ્યવને પ્રથમ વખત આંબળાની વિશેષતા સમજાવી હતી. ચરક સંહિતા અનુસાર, ચ્યવન ઋષિ આંબળા ખાવાથી લાંબા સમય સુધી યુવાન રહ્યા. આંબળામાંથી બનેલો ચ્યવનપ્રાશ પણ ખૂબ જ સ્વાસ્થ્યવર્ધક છે જે ઘણી બીમારીઓથી બચાવે છે. આયુર્વેદમાં આંબળાની સાથે આ ઝાડની છાયા અને પાંદડાને પણ ઉપચારાત્મક માનવામાં આવે છે.
આંબળા એકાદશીનું વ્રત કરવાથી એક હજાર ગાયનું દાન કરવા જેટલું પુણ્ય મળે છે
મહર્ષિ વશિષ્ઠે રાજા માંધાતાને કહ્યું હતું કે ફાગણ મહિનામાં આંબળા એકાદશીનું વ્રત કરવાથી તમામ પ્રકારના પાપોનો નાશ થાય છે. આ વ્રત કરવાથી સહસ્ત્ર ગૌ દાન એટલે કે હજાર ગાયોનું દાન કરવા જેવું પુણ્ય મળે છે. ચૈત્રરથ નામના રાજાએ પણ આ એકાદશીનું વ્રત કર્યું હતું. જેના કારણે તેમનું રાજ્ય મુશ્કેલીમાંથી બચી ગયું.
આંબળામાં ઔષધીય ગુણ રહેલા હોય છે
આંબળાના ઝાડને પુરાણોમાં ખૂબ જ મહત્ત્વપૂર્ણ સ્થાન આપવામાં આવ્યું છે. જો આમલકી એકાદશીનું વ્રત કરીને આંબળાના વૃક્ષની પૂજા કરવામાં આવે તો બધા દેવી-દેવતાઓ પ્રસન્ન થાય છે. કેમ કે, આ ઝાડમાં બધા દેવી-દેવતાઓનો વાસ માનવામાં આવે છે. આંબળાના વૃક્ષને સ્વયં ભગવાન વિષ્ણુએ ઉત્પન્ન કર્યું હતું. આ જેટલું ધાર્મિક દૃષ્ટિએ ઉપયોગી તથા પૂજનીય છે તેટલા જ તેમાં ઔષધીય ગુણ પણ મળી આવે છે.
આમળા, કેસર કે હળદરનું દાન કરવાથી પુણ્ય મળશે
ભગવાન વિષ્ણુને પીળો રંગ ખૂબ જ પ્રિય છે, તેથી આ દિવસે પીળા વસ્ત્રો પહેરવાથી વ્રતનું પૂર્ણ ફળ મળે છે. આ એકાદશી પર કેળા, કેસર કે હળદરનું દાન કરવું શ્રેષ્ઠ માનવામાં આવે છે. આ સાથે આમળાનું પણ દાન કરવું જોઈએ. આ વસ્તુઓનું દાન કરવાથી પુણ્ય ફળ મળે છે.
ગંગાજળ અને આંબળાના જળથી સ્નાન કરવાની રીત
શાસ્ત્રોના નિયમો અનુસાર શક્ય હોય તો એકાદશીના દિવસે ગંગા સ્નાન પણ કરવું જોઈએ. તેનાથી તમામ પાપોનો નાશ થાય છે. જો તમે ગંગા નદીમાં સ્નાન કરી શકતા નથી, તો આ દિવસે ગંગાજળના પાણીના 5 ટીપા પાણીમાં ભેળવીને સ્નાન કરવાથી તીર્થ સ્નાનનું પૂર્ણ ફળ પ્રાપ્ત થાય છે.એવું માનવામાં આવે છે કે આમલકી એકાદશી પર આંબળાનો લેપ લગાવવો જોઈએ. તેની સાથે જ આંબળાના પાણીથી સ્નાન કરવું જોઈએ. આ દિવસે આંબળાના ઝાડ નીચે બેસી ભગવાન વિષ્ણુની પૂજા કરવાથી દરેક મનોકામના પૂર્ણ થાય છે.
રંગભરી એકાદશી અને આંબળાનો સંબંધ
પ્રાચીન માન્યતા પ્રમાણે રંગભરી એકાદશીએ આંબળાના વૃક્ષની પણ ઉપાસના કરવામાં આવે છે. એટલે આ એકાદશીને આમલકી એકાદશી પણ કહેવામાં આવે છે. આ દિવસે આંબળાના પૂજન સાથે જ અન્નપૂર્ણા માતાની સોના કે ચાંદીની મૂર્તિના દર્શન કરવાની પણ પરંપરા છે. રંગભરી એકાદશી મહાદેવ અને શ્રીહરિની કૃપા આપનાર સંયુક્ત પર્વ છે. માન્યતા છે કે આ દિવસે પૂજા-પાઠ કરવાથી સારું સ્વાસ્થ્ય અને સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે.
એકાદશી પર તમે આ શુભ કાર્યો કરી શકો છો
- ભગવાન વિષ્ણુની પૂજાની સાથે ભગવાન વિષ્ણુના મંત્ર ઓમ નમો ભગવતે વાસુદેવાયનો જાપ કરતા રહો.
- શ્રીકૃષ્ણનો અભિષેક કરો અને કૃષ્ણાય નમઃ મંત્રનો જાપ કરો. શ્રી કૃષ્ણની સાથે માતા ગાયની પણ પૂજા અવશ્ય કરો.
- કોઈપણ મંદિરમાં કુમકુમ, ચંદન, મીઠાઈ, તેલ-ઘી, હાર-ફૂલ, ભગવાનના વસ્ત્ર વગેરે જેવી પૂજા સામગ્રીનું દાન કરો.
- આમલકી એકાદશીના દિવસે તમારા ભોજનમાં આંબળાનું સેવન અવશ્ય કરો, તમે આંબળાનો રસ પણ પી શકો છો. આંબળાનું પણ દાન કરો.
- માતા અન્નપૂર્ણા ભોજનની દેવી છે. આ તિથિએ દેવીની પૂજા કરો અને જરૂરિયાતમંદ લોકોને ભોજન દાન કરો.