10 કલાક પેહલા
- કૉપી લિંક
આચાર્ય વિજય ઉદયરત્ન સૂરિ મ.સા.
ને સાધુતા ગમે છે, સાધુપણું પામવાનો આનંદ તો હોય, પણ ગૌરવ પણ છે. જ્યાં જ્યાં સાધુતા દેખાય, ત્યાં ત્યાં હૈયું ઓવારી જાય છે. મારા-તારાનો ભેદ રાખીએ, તો મારું મુનિત્વ લાજે. સિદ્ધાંતની વાત આવે ત્યારે સિદ્ધાંતને વળગી રહીએ, સિદ્ધાંત-પરંપરા કે પ્રણાલિકાની સચ્ચાઈને ખૂબ જવાબદારીપૂર્વક રજૂ કરીએ. અશાસ્ત્રીય કે શાસન ઘાતક પરિબળોની કરાલ શબ્દોમાં આલોચના કરતાં પણ ગભરાઈએ નહીં. અલબત્ત, એ મારી ડ્યુટી છે. …પણ એ જ વિરોધી-વિદ્રોહી વર્ગમાં પણ કોઈ સાધુપુરુષ… કોઈ મહાસતી સ્વરૂપ શ્રમણી ભગવંતનાં દર્શન થઈ જાય, તો વેરો-આંતરો રાખ્યા વિના તેમના પ્રત્યે આંસુભીનું બહુમાન જાગે… – આ મારી પ્રકૃતિ છે. પ્રકૃતિ અને ડ્યુટી વચ્ચે આટલો તફાવત રહેવાનો. કર્તવ્ય નિભાવતી વખતે જે કઠોરતા હોય તે પ્રકૃતિગત નથી હોતી – ફરજપરસ્તી હોય છે. હમણાં હમણાં સ્વભાવ સહજ લાગણીશીલતા હૈયાને મખમલી સ્પંદનો કરાવે છે. આ જગતમાં કેટલું બધું સારું, કેટલી સારપ, ઉત્તમતા અને પવિત્રતા વેરાયેલી – વિખરાયેલી જોવા મળે… સાધુતા – મુનિતા શોભી ઊઠે તેવી ઝગમગતી થોડી ક્ષણો તમને સૌને વહેંચવાનું દિલ થાય છે. પાલિતાણામાં અનેક વયોવૃદ્ધ શ્રમણીવૃંદ સ્થિરવાસ બિરાજમાન છે. સ્થિરવાસ જૈનોનો પોતીકો પવિત્ર શબ્દ છે. કોઈ પણ સાધુ-સાધ્વી જંઘાબળથી ક્ષીણ થાય, ચાલી ન શકે તેવા વયોવૃદ્ધ કે ગ્લાન બને ત્યારે જૈન સંઘોની એક અદ્ભુત વ્યવસ્થા છે સ્થિરવાસની… અને જૈન સંઘો – શ્રાવકો સ્થિર બનેલાં સાધુ કે સાધ્વીની માતા–પિતા ની જેમ ભક્તિ કરે છે. પાલિતાણામાં આવા કેટલાક ખાસ સ્થળો છે. હું તો ત્યાં સુધી કહું છું… આદિનાથ દાદાની યાત્રાની સાથે આ તીર્થ સ્વરૂપ સ્થળોની યાત્રા થાય, તો આદિનાથ પ્રભુજી વધુ કૃપાવંત બને – કેમ કે આદિનાથ દાદાની પ્રાપ્તિ પણ આવા જ કોઈ પ્રસંગથી થયેલી. વયોવૃદ્ધ શ્રમણી ભગવંતોનું એક વૃંદ કાયમી સ્થિરવાસમાં રોકાયેલું છે. તેમાં એક નાની ઉંમરના સાધ્વીજી તેમની સેવામાં છે. 12 વર્ષથી એ નાનાં મહારાજ અખંડ સેવા કરી રહ્યાં છે. વૃદ્ધ સાધ્વીજી મહારાજમાં એકને ટ્યૂમર છે, એકને પેરાલિસીસ છે. સેવા કરનારાં નાના મહારાજે પાલિતાણામાં રહેવા છતાં 12 વર્ષમાં એક પણ વાર શત્રુંજયની યાત્રા કરી નથી. આપણી આંખો ભીની બને… સંસારમાં માતા-પિતાની સેવા ન થાય, એવી સેવા શ્રમણી ભગવંતની થઈ રહી છે. સાધ્વીજી મહારાજ કહે છે . ‘जो गिलाणं पडिसेवई सो मां पडिसेवई’ – જે ગ્લાનની સેવા કરે છે, તે મારી સેવા કરે છે. એવું કહેનાર ભગવાનની આજ્ઞા મુજબ મારા ગુરુની સેવા – આદિનાથ દાદાને જ પહોંચે ને? આવું કહેતાં એમના ચહેરા પર શોભી ઊઠતાં સ્મિત અને અહોભાવ આપણને ભાવુક બનાવી દે. કહે છે, એ નાનાં સાધ્વીજી મહારાજના પિતાજી સ્વયં જ્યારે દીક્ષા લઈ રહ્યા હતા.. ત્યારે પણ આ દીકરી મહારાજ પોતાના ગુરુની સેવા મૂકીને દીક્ષા પ્રસંગમાં પણ ગયાં નથી, શું કહું? જ્યારથી આ સાંભળ્યું છે, ત્યારથી મારું હૈયું કાબૂમાં નથી. આવાં શ્રમણી ભગવંતો સાધુતાનો વૈભવ છે. એક વૃદ્ધ શ્રમણી ભગવંતને કશું જ યાદ નથી. બસ, એટલું જ યાદ છે કે, ‘મારા ગુરુ મહારાજ કાળધર્મ પામ્યા છે… તે મહાવિદેહ ક્ષેત્રમાં સીમંધર સ્વામી ભગવાન પાસે ગયાં છે, ગમે ત્યારે મને લેવા આવશે.’ બસ, એમના વિચારોમાં સતત સીમંધર સ્વામી અને ગુરુ મહારાજ છવાયેલા રહે છે. આ બધા જંગમ તીર્થને નિહાળીને વૈયાવચ્ચ તીર્થનું સપનું જોયું છે… 08 ડિસેમ્બરના રોજ ઋષભરત્ન વાટિકાના શ્રમણીવિહારનો શિલાન્યાસ થશે.. આદિનાથ દાદાની છાયામાં ગુરુરામની કૃપાવૃષ્ટિ થશે. સેંકડો શ્રમણી ભગવંતોની પૂજા પ્રારંભાશે અને તે પૂજા આદિનાથને પહોંચશે… સાધુતાનો વૈભવ આ જ છે. અહીં જ છે…