14 કલાક પેહલા
- કૉપી લિંક
ઉત્પત્તિ એકાદશી વ્રત કારતક મહિનાના વદ પક્ષની અગિયારમી તિથિએ કરવામાં આવે છે. આ વખતે આ વ્રત 08 ડિસેમ્બરના રોજ કરવામાં આવશે. વ્રતને પુરાણોમાં ખૂબ જ ખાસ જણાવવામાં આવે છે. શાસ્ત્રોમાં આ એકાદશીનું ઉત્પન્ના એકાદશી તેમજ કન્યા એકાદશી તરીકે પણ વર્ણન જોવા મળે છે. વાસ્તવમાં આ તિથિ એ દેવી એકાદશીનો પ્રાગટ્ય દિવસ છે. એટલે કે આ જ તિથિએ દેવી એકાદશીનો જન્મ થયો હોવાની માન્યતા છે. અને એટલે જ કહે છે કે આ તિથિએ વ્રત કરવાથી ભક્તને સવિશેષ લાભની પ્રાપ્તિ થાય છે. ત્યારે આવો જાણીએ કે કેવી રીતે થયું દેવી એકાદશીનું પ્રાગટ્ય !
ઉત્પત્તિ એકાદશીના દિવસે 2 યોગોનો સંયોગ
શુક્રવારના દિવસે સૌભાગ્ય અને અમૃત નામક શુભ યોગ બની રહ્યા છે. તેમની સાથે શુક્ર, મંગળ અને શનિ પણ પોતાની રાશિમાં રહેશે. તે જ સમયે, ગુરુ અને શુક્ર વચ્ચે દ્રષ્ટિ સંબંધ શુભ રહેશે. આ શુભ સંયોગ દરમિયાન કરવામાં આવેલ શુભ કાર્યનું ફળ વધે છે. કારતક માસની અગિયારસના દિવસે ભગવાન વિષ્ણુની પૂજા અને ભગવાન કૃષ્ણનું વ્રત કરવું જોઈએ. આ દિવસે, શ્રીકૃષ્ણના મંત્રોના જાપની સાથે, વ્યક્તિએ શાલિગ્રામની પણ પૂજા કરવી જોઈએ અને તુલસી પર જળ અર્પણ કરીને દીવો પ્રગટાવવો જોઈએ.
ઉત્પત્તિ એકાદશી નામ કેવી રીતે પડ્યું?
કારતક મહિનાના વદ પક્ષની એકાદશી તિથિએ ભગવાન વિષ્ણુ દ્વારા એકાદશી તિથિ પ્રગટ થયા હતાં. એટલે આ દિવસે ઉત્પત્તિ એકાદશીનું વ્રત કરવામાં આવે છે. તેને ઉત્પત્તિકા, ઉત્પન્ના, પ્રાકટ્ય અને વૈતરણી એકાદશી પણ કહેવામાં આવે છે. પદ્મ પુરાણ પ્રમાણે શ્રીકૃષ્ણએ ધર્મરાજ યુધિષ્ઠિરને આ એકાદશીની ઉત્પત્તિ અને તેના મહત્ત્વ અંગે જણાવ્યું હતું. વ્રતમાં એકાદશીને મુખ્ય અને બધી જ સિદ્ધિઓ આપનાર માનવામાં આવે છે.
એકાદશીની પ્રાગટ્ય કથા!
પદ્મપુરાણમાં ઉત્પન્ના એકાદશીના પ્રાગટ્યની કથા છે. તે અનુસાર સતયુગમાં મુર નામના રાક્ષસે દેવતાઓને પરાજિત કરી સ્વર્ગ પર આધિપત્ય જમાવી દીધું. એટલું જ નહીં, સૌને પરેશાન કરી તેણે ત્રણેય લોકમાં હાહાકાર મચાવી દીધો. મુરના ત્રાસથી મુક્તિ અર્થે દેવતાઓ અને ઋષિમુનિઓ મહાદેવની શરણમાં ગયા. ત્યારે, મહેશ્વરે તેમને શ્રીહરિની શરણમાં જવા કહ્યું. દેવો અને ઋષિઓ શ્રીવિષ્ણુ પાસે પહોંચ્યા. શ્રીહરિ અને અસુરો વચ્ચે ભયંકર યુદ્ધ થયું. જે વર્ષો સુધી ચાલ્યું. શ્રીવિષ્ણુએ મુરના સેંકડો સૈનિકોનો વધ કરી દીધો અને પછી તે વિશ્રામ માટે બદ્રિકાશ્રમની એક ગુફામાં જતા રહ્યા. સૈનિકોના વધથી ક્રોધિત થયેલો મુર પણ બદ્રિકાશ્રમ પહોંચ્યો. નિંદ્રાધીન શ્રીવિષ્ણુ પર પ્રહાર કરવા તેણે શસ્ત્ર ઉઠાવ્યું. તે જ સમયે શ્રીહરિના શરીરમાંથી એક દિવ્ય કન્યાનું પ્રાગટ્ય થયું
શ્રીવિષ્ણુના દેહમાંથી પ્રગટેલી તે કન્યા અને અસુર મુર વચ્ચે ભયંકર યુદ્ધ થયું. જેમાં તે કન્યાએ મુરનો વધ કરી દીધો. જ્યારે શ્રીહરિ નિંદ્રામાંથી જાગ્યા ત્યારે કન્યાના કાર્યને જોઈને પ્રસન્ન થઈ ગયા. તેમણે એકાદશીની તિથિએ ઉત્પન્ન થયેલી તે કન્યાને ‘એકાદશી’ના નામે જ સંબોધન કર્યું. સાથે જ તેને તમામ તીર્થોમાં સૌથી મોખરે રહેવાનું વરદાન પણ આપ્યું. અને કહ્યું કે, “આજથી દરેક એકાદશીએ મારી સાથે તારી પણ પૂજા થશે. જે ભક્ત એકાદશીનું વ્રત રાખશે તે સમગ્ર પાપોથી મુક્ત થઈ જશે.”
10 હજાર વર્ષ સુધી મુર-હરિ વચ્ચે યુદ્ધ ચાલ્યું
માયાવી મુરે સ્વર્ગલોક ઉપર પોતાનો અધિકાર જમાવી લીધો હતો, બધા દેવતા તેમનાથી બચવા માટે ભાગતાં ફરી રહ્યા હતાં, ભોળાનાથની આજ્ઞાનું પાલન કરીને દેવતાગણ શ્રીહરિ વિષ્ણુ પાસે પહોંચ્યા અને વિસ્તાર સાથે ઇન્દ્રને પોતાની પીડા જણાવી. દેવતાઓને મુરથી બચાવવાનું વચન આપીને ભગવાન વિષ્ણુ રણભૂમિમાં પહોંચી ગયાં. અહીં મુર સેના સહિત દેવતાઓ સાથે યુદ્ધ કરી રહ્યા હતાં. વિષ્ણુજીને જોતાં જ તેણે પ્રહાર કર્યો. એવું કહેવાય છે કે મુર-શ્રીહરિનું યુદ્ધ 10 હજાર વર્ષ સુધી ચાલ્યું હતું, વિષ્ણુજીના બાણથી મુરનું શરીર છિન્ન-ભિન્ન થઈ ગયું પરંતુ તે હાર માન્યો નહીં.
વિષ્ણુજીના અંશ છે ઉત્પત્તિ એકાદશી
યુદ્ધ કરીને ભગવાન વિષ્ણુ થાકી ગયા અને બદ્રીકાશ્રમ ગુફામાં જઈને આરામ કરવા લાગ્યાં. દૈત્ય મુર પણ વિષ્ણુજીનો પીછો કરીને ત્યાં પહોંચી ગયો. તે શ્રીહરિ ઉપર વાર કરવાનો જ હતો કે ત્યારે ભગવાન વિષ્ણુના શરીરમાંથી કાંતિમય સ્વરૂપ ધરાવતી દેવીનો જન્મ થયો. તે દેવીએ રાક્ષસનો વધ કર્યો. ભગવાન વિષ્ણુએ દેવીને કહ્યું કે તમારો જન્મ કારતક મહિનાના વદ પક્ષની એકાદશીએ થયો છે એટલે આજથી તમારું નામ એકાદશી હશે. આ દિવસે દેવી એકાદશી ઉત્પન્ન થયા હતાં એટલે આ દિવસને ઉત્પત્તિ એકાદશી કહેવામાં આવે છે. જે એકાદશીનું વ્રત કરે છે તેમને વૈકુંઠલોકની પ્રાપ્તિ થાય છે.
પુરાણો અને સ્મૃતિ ગ્રંથમાં એકાદશી
સ્કંદ પુરાણમાં ઉલ્લેખવામાં આવ્યું છે કે હરિવાસર એટલે એકાદશી અને બારસના ઉપવાસ વિના તપસ્યા, તીર્થયાત્રા કે કોઈપણ પ્રકારના પુણ્ય આચરણથી મોક્ષ નથી થતો. પદ્મ પુરાણ પ્રમાણે જે વ્યક્તિ ઇચ્છાથી કે કોઈ બીજા કારણોસર એકાદશી વ્રત કરે છે, તેના બધા જ પાપ દૂર થાય છે અને પરમધામ વૈકુંઠ પ્રાપ્ત કરે છે. કાત્યાયન સ્મૃતિમાં ઉલ્લેખવામાં આવ્યું છે કે આઠ વર્ષની ઉંમરથી એંસી વર્ષ સુધીના બધા જ સ્ત્રી-પુરૂષો માટે કોઈ ભેદ વિના એકાદશીમાં ઉપવાસ કરવાનું કર્તવ્ય છે. મહાભારતમાં શ્રીકૃષ્ણએ યુધિષ્ઠિરને બધા પાપ અને દોષથી બચવા માટે 24 એકાદશીના નામ અને તેનું મહત્ત્વ જણાવ્યું છે.
ભગવાન વિષ્ણુને તુલસી અર્પણ કરવાનું વિધાન
કારતક માસની એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુનો ઉપવાસ કરવામાં આવે છે. આ એકાદશી પર દક્ષિણાવર્તી શંખથી ભગવાન વિષ્ણુનો અભિષેક કરો. તેના માટે દૂધમાં કેસર મિક્સ કરીને શંખમાં ભરીને ભગવાનને અર્પણ કરો. આ રીતે અભિષેક કરતી વખતે ‘ઓમ નમો ભગવતે વાસુદેવાય’ મંત્રનો જાપ કરો. ત્યારબાદ પીળા ફૂલ, ચંદન, અક્ષત, અત્તર અને અન્ય સામગ્રીથી પૂજા કરો. આ પછી તુલસીના પાન ચઢાવો. પીળા વસ્ત્રોથી શણગાર કરો અને અગરબત્તી પ્રગટાવીને આરતી કરો.
ઉત્પત્તિ એકાદશી વ્રતના જરૂરી નિયમ
એકાદશી વ્રતમાં થોડાં જરૂરી નિયમોનું પાલન કરવું જરૂરી છે, નહીંતર વ્રતનું ફળ મળતું નથી. એકાદશી વ્રતના નિયમો પ્રમાણે એકાદશી પહેલાં દશમ તિથિએ રાતે ભોજન કરવું જોઈએ નહીં. શક્ય હોય તો એકાદશીના દિવસે આખો દિવસ નિર્જળા રહીને વ્રતનું પાલન કરવું. સાથે જ, આ દિવસે ઘરમાં ચોખાના પકવાન બનાવવા નહીં. શક્ય હોય તો વ્રત રાખનાર વ્યક્તિના ઘરના લોકોએ પણ ચોખાનું સેવન કરવું નહીં.
પૂજા વિધિ
- પદ્મ પુરાણ પ્રમાણે આ વ્રતમાં ભગવાન વિષ્ણુ અને દેવી એકાદશીની પૂજા કરવાનું પણ વિધાન છે.
- આ વ્રતના એક દિવસ પહેલાં એટલે દશમ તિથિએ ભોજન કર્યા પછી સરખી રીતે બ્રશ કરી લેવું જેથી મોઢામાં અનાજનો એકપણ અંશ ન રહે.
- ઉત્પત્તિ એકાદશીના દિવસે સવારે જલ્દી જાગીને તીર્થના જળ કે ગંગાજળથી સ્નાન કરવું જોઈએ.
- ઉગતા સૂર્યને અને તુલસીના છોડમાં જળ ચઢાવ્યા પછી ભગવાન વિષ્ણુને પ્રણામ કરીને વ્રતનો સંકલ્પ લેવો જોઈએ.
- ધૂપ, દીપ, નૈવેદ્ય વગેરે સોળ સામગ્રીથી ભગવાન વિષ્ણુની પૂજા અને રાતે દીપદાન કરવું જોઈએ.
- એકાદશી પૂજા કર્યા પછી વિષ્ણુ કે શ્રીકૃષ્ણ મંદિરમાં દર્શન કરો. પછી શ્રદ્ધા પ્રમાણે અનાજ કે કપડાનું દાન કરો.
- રાતે જાગરણ સાથે ભજન-કીર્તન કરવું જોઈએ અને ભગવાન પાસે અજાણ્યે થયેલી ભૂલ માટે માફી માગવી જોઈએ.
- બીજા દિવસે સવારે ફરીથી ભગવાનની પૂજા કરીને બ્રાહ્મણોને ભોજન કરાવો અને શ્રદ્ધા પ્રમાણે દાન આપીને વિદાય આપો.
એકાદશી તિથિએ આ વાતનું ખાસ ધ્યાન રાખો
- ચોખા અને તામસિક વસ્તુઓનું સેવન કરવું નહીં.
- લસણ-ડુંગળી અને માસાહાર તામસિક કહેવામાં આવે છે.
- કોઇપણ પ્રકારનો નશો કરવો નહીં. આખો દિવસ નિયમ અને સંયમથી રહેવું.
- શારીરિક અને માનસિક રીતે હિંસા થાય નહીં તે વાતનું ધ્યાન રાખવું
- ચોરી, હિંસા, સંભોગ, ગુસ્સો અને ખોટું બોલવાથી બચવું જોઇએ