1 કલાક પેહલા
- કૉપી લિંક
મંગળવારનો દિવસ બજરંગબલીનો દિવસ હોય છે. હિન્દૂ ધર્મમાં હનુમાનજીનું ઘણુ મહત્ત્વ છે. એવી માન્યતા છે કે મંગળવારે હનુમાનજીની પૂજા, ઉપાસના, મંત્ર અને ચાલીસાનો પાઠ કરવાથી ભક્તોના બધા કષ્ટ દૂર થઇ જાય છે. ધાર્મિક માન્યતા અનુસાર શ્રીરામની આજ્ઞાનું પાલન કરતા આજે પણ હનુમાનજી ભક્તોનું રક્ષણ અને તેમના કલ્યાણ માટે પૃથ્વીલોકમાં નિવાસ કરે છે. ભક્તો અનુસાર મોટી સમસ્યાનું નિવારણ હનુમાનજીની પૂજા કરવાથી જ થઇ જાય છે.
હનુમાનજીને સંકટમોચનના નામે પૂજવામાં આવે છે. કારણ કે તે ભક્તના જીવનમાંથી સઘળા સંકટોનું શમન કરનારા છે. કહે છે કે જે વ્યક્તિ આસ્થા સાથે હનુમાનજીની પૂજા-અર્ચના કરે છે તેના જીવનમાંથી નકારાત્મક ઊર્જાનો સંપૂર્ણપણે નાશ થઈ જાય છે. એટલું જ નહીં, હનુમાનજી જટિલ બીમારીઓથી, ગંભીર સમસ્યાઓથી અને શત્રુબાધામાંથી પણ મુક્તિની પ્રાપ્તિ કરાવનારા છે. અલબત્, ભક્તોના મનોરથોને પૂર્ણ કરનારા આ મારુતિની ઉપાસનાનાં પણ કેટલાંક ખાસ નિયમો છે.
મંગળવારે સુંદરકાંડનાં પાઠ કરવા મંગળવારે સવારે વહેલા ઊઠીને સ્નાન કરીને ધ્યાન કરો. સુંદરકાંડનો પાઠ કરતા પહેલાં પૂજા સ્થાન પર રાખવામાં આવેલી હનુમાનજીની મૂર્તિની પૂજા કરો. સીતા-રામ અને હનુમાનજીની મૂર્તિઓ નજીકમાં રાખો. આ પછી ફળ, ફૂલ, મિઠાઈ અને સિંદૂરથી હનુમાનજીની પૂજા કરો. સુંદરકાંડનો પાઠ શરૂ કરતા પહેલા ભગવાન ગણેશની પૂજા કરો. સુંદરકાંડના પાઠ કરવાથી વ્યક્તિની અંદર સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે.
વ્રતના નિયમો
⦁ મંગળવારે વ્રત કરો ત્યારે મન શાંત રાખવું જોઇએ. શાંત મનથી બજરંગબલીનું ધ્યાન ધરવું જોઇએ.
⦁ મંગળવારના દિવસે વ્રત કરનારે એકટાણું કરવું જોઇએ.
⦁ મંગળવારના દિવસે વ્રત રાખનારે મીઠાનું સેવન ન કરવું જોઇએ.
⦁ આ દિવસે કોઇ મીઠી વસ્તુનું દાન કરવાથી સમસ્ત કષ્ટોથી મુક્તિ મળવાનની માન્યતા છે.
⦁ મંગળવારના વ્રતમાં પવિત્રતાનું ધ્યાન અવશ્ય રાખવું.
પવનસુત સંબંધી કોઈ અનુષ્ઠાન કરી રહ્યા હોવ તો બ્રહ્મચર્યનું પાલન જરૂરથી કરો
હનુમાન પૂજાના નિયમ
⦁ હનુમાનજીને તો શ્રીરામચંદ્રજીના નામથી પ્રિય બીજું કશું જ નથી. એટલે જ હનુમાનજીની ઉપાસના પહેલાં ભગવાન શ્રીરામનું સ્મરણ જરૂરથી કરવું. તેમજ શ્રીરામના નામની સ્તુતિ કરવી. શ્રીરામનું નામ બોલ્યા વિના હનુમાનજીની પૂજા ક્યારેય નથી ફળતી !
⦁ આપ જો હનુમાનજીની સાધના કરી રહ્યા હોવ અથવા પવનસુત સંબંધી કોઈ અનુષ્ઠાન કરી રહ્યા હોવ તો બ્રહ્મચર્યનું પાલન જરૂરથી કરો.
⦁ હનુમાનજીની ઉપાસના દરમિયાન સૌથી મહત્વનું છે સાત્વિક ભોજન. ઉલ્લેખનીય છે કે ભોજનની શુદ્ધતા અને આચરણની પવિત્રતા જ ભક્તને પવનસુતના આશિષની પ્રાપ્તિ કરાવવામાં મદદરૂપ બની શકે છે.
⦁ હનુમાનજીને લાલ રંગના પુષ્પ ખૂબ જ પ્રિય છે. એટલે તેમની પૂજામાં ખાસ કરીને લાલ ફૂલનો જ ઉપયોગ થાય તે વાતનું ધ્યાન રાખો.
⦁ તમે હનુમાનજીને પ્રસાદ ચઢાવો ત્યારે એ વાતનું ધ્યાન રાખો કે તે શુદ્ધ ઘીમાંથી જ બનેલો હોય. અને તે તુલસીપત્રની સાથે જ પ્રભુને અર્પણ કરવામાં આવે. આમ તો પવનસુતને ચણાના લોટના લાડુ તેમજ બુંદીના લાડુ સવિશેષ પ્રિય મનાય છે.
⦁ તમે હનુમાન ઉપાસના સવારે, સાંજે અથવા રાત્રે ગમે ત્યારે કરી શકો છો. હનુમાન પૂજામાં સમયને લઈને કોઈ અવરોધ નથી.
બજરંગ બલીના અનેક નામ છે, પરંતુ તેમની સ્તુતિ માટે ખાસ કરીને 12 નામનો જાપ કરવામાં આવે છે. જેને હનુમાન દ્વાદશનામ સ્ત્રોત કહેવામાં આવે છે. આ નામનો જાપ ભક્ત અનેક પ્રકારની સમસ્યાઓમાંથી મુક્તિ મેળવવા માટે કરે છે. હનુમાન દ્વાદશનામ સ્તોત્રમાં પહેલું નામ હનુમાન, બીજું નામ અંજનીસુત, ત્રીજું વાયુ પુત્ર, ચોથું મહાબલી, પાંચમું રામેષ્ટ એટલે ભગવાન શ્રીરામના પ્રિય, છઠ્ઠું નામ ફાલ્ગુણ સખા એટલે અર્જુનના મિત્ર, સાતમું પિંગાક્ષ એટલે જેમની આંખો લાલ અને સોનેરી છે, આઠમું નામ અમિત વિક્રમ એટલે જેમની વીરતા અથાક અને અપાર હોય, નવમું દધિક્રમણ એટલે એક છલાંગમાં સમુદ્ર પાર કરનારા, દસમું સીતાશોક વિનાશન એટલે માતા સીતાનું દુઃખ દૂર કરનારા, અગિયારમું લક્ષ્મણ પ્રાણદાતા એટલે લક્ષ્મણના પ્રાણ પાછા લઈ આવનારા અને બારમું નામ દશગ્રીવદર્પહા એટલે રાવણના ઘમંડને દૂર કરનાર.
સંપૂર્ણ હનુમાન દ્વાદશનામ સ્તોત્ર હનુમાનન્જનીસૂનુર્વાયુપુત્રો મહાબલઃ। રામેષ્ટ: ફાલ્ગુનસખઃ પિંગાક્ષોઽમિતવિક્રમ:।। ઉદધિક્રમણશ્ચૈવ સીતાશોકવિનાશનઃ। લક્ષ્મણપ્રાણદાતા ચ દશગ્રીવસ્ય દર્પહા।। એવં દ્વાદશ નામાનિ કપીન્દ્રસ્ય મહાત્મનઃ। સ્વાપકાલે પ્રબોધે ચ યાત્રાકાલે ચ યઃ પઠેત્।। તસ્ય સર્વભયં નાસ્તિ રણે ચ વિજયી ભવેત્। રાજદ્વારે ગહ્વરે ચ ભયં નાસ્તિ કદાચન।।
અર્થઃ- હનુમાન, અંજની સુત, વાયુપુત્ર, મહાબલી, રામેષ્ટ, ફાલ્ગુણ સખા, પિંગાક્ષ, અમિત વિક્રમ, ઉદધિક્રમણ, સીતા શોક વિનાશન, લક્ષ્મણ પ્રાણ દાતા, દશગ્રીવ દર્પહા. વાનરરાજ હનુમાનના આ 12 નામનો જાપ સવાર, બપોરે, સાંજે અને યાત્રા દરમિયાન જેઓ કરે છે. તેમને કોઇપણ પ્રકારનો ભય રહેતો નથી, દરેક જગ્યાએ તેમને વિજય પ્રાપ્ત થાય છે.