4 કલાક પેહલા
- કૉપી લિંક
અફઘાનિસ્તાને બીજી ટેસ્ટમાં ઝિમ્બાબ્વેને 72 રને હરાવ્યું હતું. આ સાથે ટીમે સિરીઝ પણ 1-0થી જીતી લીધી હતી. બીજી ઇનિંગમાં 7 વિકેટ લેનાર રાશિદ ખાન પ્લેયર ઑફ ધ મેચ બન્યો હતો. અફઘાનિસ્તાનના બેટર રહમત શાહને પ્લેયર ઑફ ધ સિરીઝ તરીકે પસંદ કર્યો હતો. સિરીઝની પ્રથમ ટેસ્ટ ડ્રો રહી હતી.
રાશિદ ખાને 7 વિકેટ લીધી અફઘાનિસ્તાન તરફથી લેગ સ્પિનર રાશિદ ખાને બીજી ઇનિંગમાં 7 વિકેટ ઝડપી હતી. લેફ્ટ આર્મ સ્પિનર ઝિયા ઉર રહેમાનને 2 વિકેટ મળી હતી, જ્યારે એક બેટર પણ રનઆઉટ થયો હતો. આ પ્રદર્શન માટે રાશિદને પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ મળ્યો હતો. તેણે પ્રથમ દાવમાં 4 વિકેટ ઝડપી હતી, જ્યારે રાશિદે પણ બંને દાવમાં બેટિંગ કરીને 48 રન બનાવ્યા હતા.

રાશિદ ખાને બીજી ટેસ્ટમાં 11 વિકેટ ઝડપી હતી.
અફઘાનિસ્તાન પહેલી ઇનિંગમાં માત્ર 157 રન જ બનાવી શકી ગુરુવારે ઝિમ્બાબ્વેએ ટૉસ જીતીને બોલિંગ પસંદ કરી હતી. અફઘાનિસ્તાનની ટીમ પ્રથમ દાવમાં માત્ર 157 રન જ બનાવી શકી હતી. રાશિદ ખાને સૌથી વધુ 25 રન બનાવ્યા હતા. 7 અન્ય બેટર્સે 10 રનનો આંકડો પાર કર્યો હતો, પરંતુ કોઈ મોટી ઇનિંગ રમી શક્યું ન હતું.
અફઘાનિસ્તાન તરફથી ઝિયા-ઉર-રહેમાન માત્ર 8 રન અને અહેમદઝાઈ માત્ર 2 રન બનાવી શક્યા હતા. ઈસ્મત આલમ ખાતું પણ ખોલાવી શક્યો નહોતો. ઝિમ્બાબ્વે તરફથી પ્રથમ દાવમાં સિકંદર રઝા અને ન્યુમેન ન્યામાહુરીએ 3-3 વિકેટ લીધી હતી. બ્લેસિંગ મુઝારાબાનીને 2 અને રિચર્ડ નાગરવાને 1 વિકેટ મળી હતી.

સિકંદર રઝાએ પ્રથમ દાવમાં 3 વિકેટ ઝડપી હતી.
ઝિમ્બાબ્વેની ખરાબ શરૂઆત પ્રથમઇનિંગમાં ઝિમ્બાબ્વેની શરૂઆત ખૂબ જ ખરાબ રહી હતી. ટીમે માત્ર 41 રનમાં 4 વિકેટ ગુમાવી દીધી હતી. જોયલોર્ડ ગુમ્બી માત્ર 8, બેન કરન 15 અને ડીયોન માયર્સ માત્ર 5 રન બનાવી શક્યા હતા. ટી. કાયતાનો ખાતું પણ ખોલાવી શક્યો ન હતો. ત્યારપછી સિકંદર રઝાએ કેપ્ટન ક્રેગ ઈરવિન સાથે ઇનિંગની કમાન સંભાળી હતી. બંનેએ ફિફ્ટી ફટકારીને સ્કોર 100 રનની પાર પહોંચાડ્યો હતો. રઝા 61 રન બનાવીને આઉટ થયો હતો.

સિકંદર રઝાએ ક્રેગ ઈરવિન સાથે ફિફ્ટીની ભાગીદારી કરી હતી.
વિલિયમ્સ-ઇરવિને લીડ આપી રઝાના આઉટ થયા બાદ ઝિમ્બાબ્વેએ 147 રનમાં 7 વિકેટ ગુમાવી દીધી હતી. બ્રાયન બેનેટ માત્ર 2 રન અને ન્યુમેન ન્યામહુરી માત્ર 11 રન બનાવી શક્યા હતા. ત્યાર બાદ શોન વિલિયમ્સે કેપ્ટન ઈરવિન સાથે 73 રનની ભાગીદારી કરી અને સ્કોર 220 સુધી લઈ ગયો. વિલિયમ્સ 49 રન બનાવીને આઉટ થયો હતો.
ઇરવિન પણ અંતમાં 75 રનના સ્કોર પર આઉટ થયો હતો અને ટીમનો સ્કોર 243 રન પર પહોંચ્યો હતો. અફઘાનિસ્તાન તરફથી રાશિદ ખાને 4 વિકેટ લીધી હતી. અહેમદઝાઈને 3 અને ફરીદ અહેમદને 2 વિકેટ મળી હતી. ઝિયા-ઉર-રહેમાનને પણ સફળતા મળી.

ક્રેગ ઇરવિને 75 રનની ઇનિંગ રમીને ટીમને લીડ અપાવી હતી.
બીજા દાવમાં અફઘાનિસ્તાનનું શાનદાર કમબેક અફઘાનિસ્તાન પ્રથમ દાવમાં 86 રનથી પાછળ હતું, પરંતુ ટીમે બીજી ઇનિંગમાં પુનરાગમન કર્યું હતું. ઓપનર અબ્દુલ મલિક માત્ર 1 અને રિયાઝ હસન માત્ર 11 રન બનાવી શક્યો હતો. રહેમત શાહ એક છેડે ઊભો હતો, પરંતુ તેની સામે હશમતુલ્લાહ શાહિદી, ઝિયા-ઉર-રહેમાન 6 અને અફસર ઝાઝાઈ 5 રન બનાવીને આઉટ થઈ ગયા હતા.

રહમત શાહ અને ઈસ્મત આલમે સદીની ભાગીદારી કરી હતી.
ઈસ્મત 350ને પાર કરી ગયો અફઘાનિસ્તાને 69 રનમાં 5 વિકેટ ગુમાવી દીધી હતી. અહીં શાહિદુલ્લા કમલે રહમત સાથે 67 રનની ભાગીદારી કરી અને સ્કોરને 100ની પાર પહોંચાડી દીધો. તેના પછી ઈસ્મત આલમે ફિફ્ટી ફટકારી અને રહમત શાહ સાથે મળીને સ્કોરને 250 થી આગળ લઈ ગયો. રહમત 139 રન બનાવીને આઉટ થયો હતો અને શાહિદુલ્લા સાથે તેની 132 રનની ભાગીદારી તૂટી હતી.
ત્યારબાદ ઈસ્મતે રાશિદ ખાન સાથે મળીને ઈનિંગની કમાન સંભાળી હતી. બંનેએ આઠમી વિકેટ માટે 50+ રનની ભાગીદારી કરી અને સ્કોરને 300ની પાર પહોંચાડી દીધો. ઈસ્મતે સદી ફટકારી હતી, તે 101 રન બનાવીને આઉટ થયો હતો. ટીમે બીજા દાવમાં 363 રન બનાવ્યા અને ઝિમ્બાબ્વેને 278 રનનો ટાર્ગેટ મળ્યો. ઝિમ્બાબ્વે તરફથી બ્લેસિંગ મુઝારાબાનીએ 6 વિકેટ લીધી હતી. રિચર્ડ નાગરવાને 3 અને સિકંદર રઝાને 1 વિકેટ મળી હતી.
278 રનના ટાર્ગેટ સામે ઝિમ્બાબ્વેની ખરાબ બેટિંગ ઝિમ્બાબ્વેને છેલ્લી ઇનિંગમાં 278 રનનો ટાર્ગેટ મળ્યો હતો. ટીમ તરફથી બેન કુરન અને સિકંદર રઝાએ 38-38 રન બનાવ્યા હતા. ટી કાયતાનો 21 રન બનાવીને આઉટ થયો હતો, તેની વિકેટ પડતાની સાથે જ બાકીના બેટર્સ પણ પેવેલિયન પરત ફરવા લાગ્યા હતા. કેપ્ટન ક્રેગ ઇરવિને ઇનિંગ્સને સંભાળવાનો પ્રયાસ કર્યો હતો.
ઇરવિન અંત સુધી ટકી રહ્યો, પરંતુ તેની સામે ટીમે 9 વિકેટ ગુમાવી દીધી. અંતે તે પણ 53 રન બનાવીને આઉટ થયો હતો અને ટીમ 205 રન બનાવીને ઓલઆઉટ થઈ ગઈ હતી. રહમત શાહને સિરીઝમાં 392 રન બનાવવા બદલ પ્લેયર ઓફ ધ સિરીઝનો એવોર્ડ મળ્યો હતો.

રહમત શાહને પ્લેયર ઓફ ધ સિરીઝ જાહેર કર્યો હતો.