સ્પોર્ટ્સ ડેસ્ક7 મિનિટ પેહલા
- કૉપી લિંક
વર્લ્ડ કપ 2023ની ફાઈનલમાં ઓસ્ટ્રેલિયાના હાથે હાર બાદ ટીમ ઇન્ડિયાના કેપ્ટન રોહિત શર્માનું પહેલું રિએક્શન આવ્યું છે. રોહિત લગભગ 23-24 દિવસ પછી પહેલીવાર કેમેરાની સામે જોવા મળ્યો હતો.
તેણે કહ્યું- મને ખબર ન હતી કે તેમાંથી કેવી રીતે બહાર નીકળવું. શરૂઆતના થોડા દિવસોમાં મને શું કરવું તે સમજાયું નહીં. મારા પરિવાર, મારા મિત્રોએ વસ્તુઓ સરળ બનાવી અને મને ટેકો આપ્યો, પરંતુ આગળ વધવું સરળ નહોતું.
રોહિત શર્માના ઇન્ટરવ્યૂનો આ વીડિયો બુધવારે તેની મેનેજિંગ ટીમના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી પોસ્ટ કરવામાં આવ્યો હતો. આ વીડિયો મુંબઈ ઈન્ડિયન્સ (MI)એ પણ ટ્વીટ કર્યો છે. તમને જણાવી દઈએ કે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં 19 નવેમ્બરે રમાયેલી ફાઈનલ મેચમાં ઓસ્ટ્રેલિયાએ ભારતને 6 વિકેટે હરાવ્યું હતું.
હું ટીમ પર ખૂબ જ ગર્વ અનુભવું છું
રોહિતે કહ્યું- હું હંમેશા 50 ઓવરનો વર્લ્ડ કપ જોઈને મોટો થયો છું. 50 ઓવરનો વર્લ્ડ કપ મારા માટે સૌથી મોટું ઈનામ હતું. અમે તે વર્લ્ડ કપ માટે ઘણા વર્ષો સુધી કામ કર્યું હતું. તે ખૂબ નિરાશાજનક છે જ્યારે તમે બધું સારું કર્યું, તમે જે કરી શકો તે કર્યું પણ તમને તે મળે નહીં.
જો કોઈ મને પૂછે કે તમે શું ખોટું કર્યું છે, તો મારી પાસે જવાબ નથી. અમે 10 મેચ જીત્યા. કોઈ પણ વ્યક્તિ ક્યારેય કમ્પ્લીટેડ નથી હોતું, તમે જીતો ત્યારે પણ તમે ભૂલો કરો છો. હું ટીમ પર ખૂબ જ ગર્વ અનુભવું છું.

ફાઈનલમાં હાર્યા બાદ ભારતીય કેપ્ટન રોહિત શર્માનું કંઈક આવું રિએક્શન હતું.
તેમાંથી બહાર નીકળવું તે સરળ ન હતું
કેપ્ટને આગળ કહ્યું- ફાઈનલ બાદ તેમાંથી બહાર કેવી રીતે આવવું તે મારા માટે સરળ નહોતું. મેં ક્યાંક દૂર જવાનું નક્કી કર્યું જ્યાં હું તેનાથી દૂર રહી શકું, પરંતુ વર્લ્ડ કપ અભિયાન દરમિયાન અમને ખૂબ સમર્થન આપનાર દરેકનો આભાર. દોઢ મહિના સુધી લોકોએ અમને સપોર્ટ કર્યો, સ્ટેડિયમમાં આવ્યા, અમને સમર્થન આપ્યું. તે બધાનો ખૂબ ખૂબ આભાર.
મને તે બધા માટે ખરાબ લાગ્યું, પરંતુ સૌથી સારી વાત એ હતી કે જ્યારે હું લોકોને મળ્યો ત્યારે તેઓ અમને સમજ્યા. તેમનામાં ગુસ્સો નહોતો પણ તેમની પાસેથી પ્રેમ મળ્યો. આનાથી અમને બધાને ખાસ કરીને મને શક્તિ મળી અને હું આગળ વધવા સક્ષમ છું.
અશ્વિને કહ્યું હતું- વર્લ્ડ કપ ફાઈનલમાં હાર બાદ રોહિત-વિરાટ ખૂબ રડ્યા હતા

ODI વર્લ્ડ કપ 2023ની ફાઇનલમાં હાર બાદ કેપ્ટન રોહિત શર્મા અને વિરાટ કોહલી ડ્રેસિંગ રૂમમાં ખૂબ રડ્યા હતા. આ વાતનો ખુલાસો ટીમના સ્ટાર સ્પિનર આર અશ્વિને પોતાની યુટ્યુબ ચેનલ પર એસ બદ્રીનાથ સાથે વાતચીત દરમિયાન કર્યો હતો.
હેડ-લાબુશેનની ઇનિંગ્સને કારણે ભારત હારી ગયું
વર્લ્ડ કપ 2023ની ફાઈનલમાં ભારતને 6 વિકેટે હારનો સામનો કરવો પડ્યો હતો. અમદાવાદમાં ટોસ હારતા પ્રથમ બેટિંગ કરતા ટીમ ઈન્ડિયા 240 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. ઓસ્ટ્રેલિયાના બેટર્સે 43 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને 241 રનનો લક્ષ્યાંક હાંસલ કર્યો હતો.
ટ્રેવિસ હેડે 137 રનની સદી ફટકારી હતી, જ્યારે માર્નસ લાબુશેને અણનમ 58 રન બનાવ્યા હતા. આ પહેલાં મિચેલ સ્ટાર્કે 3 વિકેટ લીધી હતી જ્યારે કેપ્ટન પેટ કમિન્સ અને જોશ હેઝલવુડને 2-2 વિકેટ મળી હતી. ટ્રેવિસ હેડ પ્લેયર ઓફ ધ મેચ રહ્યો હતો.