સ્પોર્ટ્સ ડેસ્ક12 મિનિટ પેહલા
- કૉપી લિંક
રવિચંદ્રન અશ્વિન 500થી વધુ ટેસ્ટ વિકેટ લેનાર માત્ર બીજો ભારતીય ખેલાડી છે.
ભારતીય ઓફ સ્પિનર રવિચંદ્રન અશ્વિન પોતાની ટેસ્ટ કારકિર્દીની 100મી મેચ ધર્મશાલામાં રમશે. તે 100 ટેસ્ટ રમનાર ભારતનો 14મો ખેલાડી બનશે. આ સિદ્ધિ હાંસલ કરનાર તે વિશ્વનો 77મો ખેલાડી હશે.
અશ્વિન ભારતના 92 વર્ષના ટેસ્ટ ઈતિહાસમાં 100 કે તેથી વધુ ટેસ્ટ રમનાર માત્ર પાંચમો બોલર હશે. તેમના પહેલા અનિલ કુંબલે, કપિલ દેવ, ઈશાંત શર્મા અને હરભજન સિંહ આ સિદ્ધિ મેળવી ચૂક્યા છે.
અશ્વિન ઉપરાંત ઇંગ્લેન્ડના જોની બેયરસ્ટોની પણ આ 100મી ટેસ્ટ મેચ હશે. તે 100 ટેસ્ટ રમનાર 17મો ઇંગ્લિશ પ્લેયર બનશે.
ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે પાંચ મેચની ટેસ્ટ શ્રેણીની છેલ્લી મેચ 7 માર્ચથી ધર્મશાલાના હિમાચલ પ્રદેશ ક્રિકેટ એસોસિયેશન સ્ટેડિયમમાં રમાશે. ભારત શ્રેણીમાં 3-1થી આગળ છે.
અશ્વિન 100 ટેસ્ટ રમનાર ચોથો એક્ટિવ ભારતીય હશે
અશ્વિન પહેલા ભારતના 13 ખેલાડીઓએ 100 ટેસ્ટ રમવાની સિદ્ધિ મેળવી હતી. આ યાદીમાં પૂર્વ સ્ટાર બેટર સચિન તેંડુલકર ટોપ પર છે. બીજા સ્થાને ટીમ ઈન્ડિયાના વર્તમાન હેડ કોચ રાહુલ દ્રવિડ છે. વિરાટ કોહલી, ચેતેશ્વર પૂજારા અને ઈશાંત શર્મા બાદ અશ્વિન ટેસ્ટ મેચમાં સદી પૂરી કરનાર ચોથો એક્ટિવ ભારતીય ખેલાડી હશે.
ઈશાંત શર્માએ તેની છેલ્લી આંતરરાષ્ટ્રીય મેચ 2021માં રમી હતી. તે પછી તે આંતરરાષ્ટ્રીય ક્રિકેટથી દૂર છે, પરંતુ અત્યાર સુધી તેણે સત્તાવાર નિવૃત્તિ લીધી નથી.
ઇંગ્લેન્ડના ખેલાડીઓએ સૌથી વધુ 100 ટેસ્ટ રમી છે
ટેસ્ટ ક્રિકેટના ઈતિહાસમાં સૌથી વધુ 100 મેચ રમનારા ખેલાડીઓ ઇંગ્લેન્ડના છે. ઇંગ્લેન્ડના અત્યાર સુધીમાં 16 ખેલાડીઓ આ માઈલસ્ટોન હાંસલ કરી ચૂક્યા છે. આ યાદીમાં ઓસ્ટ્રેલિયા બીજા સ્થાને છે. આ યાદીમાં ભારતનું નામ ત્રીજા નંબર પર છે.
અશ્વિનનો ખાસ રેકોર્ડ…
અશ્વિન ટેસ્ટમાં 500 વિકેટ લેનારો બીજો ભારતીય
અશ્વિને 99 ટેસ્ટમાં 507 વિકેટ લીધી છે. 500 વિકેટ લેનારો તે માત્ર બીજો ભારતીય બોલર છે. તેના પહેલા અનિલ કુંબલેએ 105 મેચમાં આ સિદ્ધિ મેળવી હતી. તે સૌથી ઓછી ટેસ્ટમાં 500 વિકેટ ઝડપનાર બોલરોની યાદીમાં બીજા સ્થાને છે. માત્ર શ્રીલંકાના મુથૈયા મુરલીધરને ઓછી મેચમાં (87) 500 વિકેટ પૂરી કરી હતી.
ભારત તરફથી અશ્વિને એક ટીમ સામે સૌથી વધુ વિકેટ લીધી
અશ્વિન એક ટીમની વિરુદ્ધ સૌથી વધુ વિકેટ લેનાર ભારતીય બોલર છે. અશ્વિને ઓસ્ટ્રેલિયા સામે 22 મેચ રમી હતી અને 114 વિકેટ લીધી હતી. આ યાદીમાં અનિલ કુંબલે બીજા સ્થાને છે. તેમણે ઓસ્ટ્રેલિયા સામે 111 વિકેટ ઝડપી છે.
અશ્વિને 35 વખત ટેસ્ટમાં 5 વિકેટ લીધી છે
અશ્વિને ટેસ્ટ ક્રિકેટમાં 35 વખત 5 વિકેટ હૉલ (એક ઇનિંગ્સમાં પાંચ વિકેટ) લીધી છે. તે ટેસ્ટમાં સૌથી વધુ વખત એક ઇનિંગમાં પાંચ વિકેટ લેનારો બીજો ભારતીય છે. તેની પહેલાં અનિલ કુંબલેએ આવું કર્યું હતું. કુંબલેએ પણ 35 વખત એક ઇનિંગમાં પાંચ કે તેથી વધુ વિકેટ લીધી છે.