સ્પોર્ટ્સ ડેસ્ક55 મિનિટ પેહલા
- કૉપી લિંક
ઓસ્ટ્રેલિયાએ ત્રણ મેચની T20 શ્રેણીની બીજી મેચમાં ન્યૂઝીલેન્ડને 72 રને હરાવ્યું. આ જીત બાદ ઓસ્ટ્રેલિયા શ્રેણીમાં 2-0થી આગળ છે. ઓકલેન્ડના ઈડન પાર્ક સ્ટેડિયમમાં ન્યૂઝીલેન્ડે ટૉસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરવાનું પસંદ કર્યું હતું.
પ્રથમ બેટિંગ કરતા ઓસ્ટ્રેલિયાએ ન્યૂઝીલેન્ડને 175 રનનો ટાર્ગેટ આપ્યો હતો. જવાબમાં કિવી ટીમ 17 ઓવરમાં 102 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી.
ઓસ્ટ્રેલિયા માટે પેટ કમિન્સે ઓલરાઉન્ડ પ્રદર્શન કર્યું હતું. તેણે 28 રન બનાવ્યા અને 19 રનમાં એક વિકેટ પણ લીધી. આ પ્રદર્શન માટે તેને પ્લેયર ઑફ ધ મેચ પસંદ કર્યો હતો.
ઓસ્ટ્રેલિયાની ઝડપી શરૂઆત
ઓસ્ટ્રેલિયાના ઓપનર ટ્રેવિસ હેડ અને સ્ટીવ સ્મિથે ટીમને ઝડપી શરૂઆત અપાવી હતી. બંનેએ માત્ર 2 ઓવરમાં જ ટીમના સ્કોરને 30 રનની પાર પહોંચાડી દીધો હતો. ત્રીજી ઓવરમાં સ્મિથ 7 બોલમાં 11 રન બનાવીને આઉટ થયો હતો.
આ પછી હેડ અને કેપ્ટન મિચેલ માર્શ વચ્ચે અડધી સદીની ભાગીદારી થઈ હતી. બંનેએ 53 રનની ભાગીદારી કરી હતી. આ મેચમાં ઓસ્ટ્રેલિયા માટે આ સૌથી મોટી ભાગીદારી હતી. આ ભાગીદારી હેડની વિકેટ સાથે તૂટી ગઈ હતી. હેડ 45 રન બનાવીને બેન સીઅર્સનો શિકાર બન્યો હતો.
ઓસ્ટ્રેલિયા તરફથી ટ્રેવિસ હેડે સૌથી વધુ 45 રન બનાવ્યા હતા.
હેડ અડધી સદી ચૂકી ગયો
ઓસ્ટ્રેલિયા તરફથી હેડે સૌથી વધુ 45 રન બનાવ્યા હતા. તેના સિવાય પેટ કમિન્સે 28 રન અને મિચેલ માર્શે 26 રન બનાવ્યા હતા. ન્યૂઝીલેન્ડ તરફથી લોકી ફર્ગ્યુસને સૌથી વધુ વિકેટ લીધી હતી. તેણે કીવી ટીમને ચાર સફળતા અપાવી હતી. એડમ મિલ્ને, મિચેલ સેન્ટનર અને બેન સીઅર્સે બે-બે વિકેટ લીધી હતી.
ન્યૂઝીલેન્ડના સાત બેટર્સ બે આંકડાને પાર કરી શક્યા નહીં
ઓસ્ટ્રેલિયાના 174 રનના જવાબમાં બેટિંગ કરવા આવેલી ન્યૂઝીલેન્ડની શરૂઆત ખૂબ જ ખરાબ રહી હતી. કિવી ટીમને પહેલો ફટકો 6 રનના સ્કોર પર લાગ્યો હતો. આ પછી ન્યૂઝીલેન્ડના બેટર્સ સતત આઉટ થતા રહ્યા. ટીમના સાત બેટર્સ બે આંકડા સુધી પહોંચી શક્યા ન હતા. ટીમ તરફથી સૌથી વધુ રન ગ્લેન ફિલિપ્સે કર્યા હતા. તેણે 35 બોલમાં 42 રન બનાવ્યા હતા.
ઓસ્ટ્રેલિયા તરફથી એડમ ઝામ્પાએ 4 ઓવરમાં 34 રન આપીને 4 વિકેટ લીધી, નાથન એલિસને 2 સફળતા મળી. આ સિવાય જોશ હેઝલવુડ, પેટ કમિન્સ અને મિચેલ માર્શે 1-1 વિકેટ લીધી હતી. દરમિયાન, ડેવોન કોનવે આંગળીની ઈજાને કારણે ગેરહાજર રહ્યો હતો.
બન્ને ટીમની પ્લેઇંગ-11
ન્યૂઝીલેન્ડ: મિચેલ સેન્ટનર (કેપ્ટન), ફિન એલન, ડેવોન કોનવે, વિલ યંગ, ગ્લેન ફિલિપ્સ, માર્ક ચેપમેન, જોશ ક્લાર્કસન, એડમ મિલ્ને, લોકી ફર્ગ્યુસન, ટ્રેન્ટ બોલ્ટ અને બેન સીઅર્સ.
ઓસ્ટ્રેલિયા: મિચેલ માર્શ (કેપ્ટન), ટ્રેવિસ હેડ, સ્ટીવ સ્મિથ, ગ્લેન મેક્સવેલ, જોશ ઇંગ્લિસ, ટિમ ડેવિડ, મેથ્યુ વેડ, પેટ કમિન્સ, નાથન એલિસ, એડમ ઝામ્પા અને જોશ હેઝલવુડ.