સ્પોર્ટ્સ ડેસ્ક1 કલાક પેહલા
- કૉપી લિંક
ક્રિકેટ ઓસ્ટ્રેલિયા (CA)એ ફરી એકવાર ભારત અને પાકિસ્તાન વચ્ચે દ્વિપક્ષીય શ્રેણીની યજમાની કરવાની ઈચ્છા વ્યક્ત કરી છે. તેમનું કહેવું છે કે જો ભારતીય ક્રિકેટ બોર્ડ (BCCI) અને પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB) દ્વિપક્ષીય શ્રેણી રમવા માટે સંમત થાય તો તેઓ યજમાની કરવા તૈયાર છે. CAએ 2022 T20 વર્લ્ડ કપ પછી પણ આવી ઇચ્છા વ્યક્ત કરી હતી.
ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ મંગળવારે તેની હોમ સિઝનનું શેડ્યૂલ જાહેર કર્યું. આ શેડ્યૂલ અનુસાર આ વર્ષે નવેમ્બરમાં ભારત અને પાકિસ્તાનની ક્રિકેટ ટીમ ઓસ્ટ્રેલિયામાં હશે. ભારત ટેસ્ટ સિરીઝ માટે જ્યારે પાકિસ્તાન વન-ડે અને T20 સિરીઝ માટે ત્યાં હશે. આને ધ્યાનમાં રાખીને, CAએ ભારત-પાકિસ્તાન શ્રેણીની યજમાની કરવાની ઇચ્છાનો પુનરોચ્ચાર કર્યો છે.
CA 2024-25 સિઝનનું શેડ્યૂલ બહાર પાડ્યું
ક્રિકેટ ઓસ્ટ્રેલિયા (CA)એ મંગળવારે 2024-25 સિઝન માટે શેડ્યૂલ જાહેર કર્યું. આ શેડ્યૂલમાં ભારત સામેની પાંચ મેચની ટેસ્ટ શ્રેણીનો પણ સમાવેશ થાય છે. પ્રથમ ટેસ્ટ 22 નવેમ્બરે પર્થમાં રમાશે. આ પછી 6 ડિસેમ્બરથી એડિલેડમાં ડે-નાઈટ ટેસ્ટ રમાશે. ત્યારબાદ ત્રીજી ટેસ્ટ 14 ડિસેમ્બરથી બ્રિસ્બેનના ધ ગાબા મેદાન પર અને ચોથી ટેસ્ટ 26 ડિસેમ્બરથી મેલબોર્નમાં રમાશે. છેલ્લી ટેસ્ટ 3 જાન્યુઆરી 2025થી સિડનીમાં રમાશે.
ભારત ઉપરાંત પાકિસ્તાનની ટીમ 3 ODI અને 3 T20 મેચની સિરીઝ માટે ઓસ્ટ્રેલિયા જશે. પાકિસ્તાનનો પ્રવાસ 4 નવેમ્બરથી શરૂ થશે અને 18 નવેમ્બર સુધી ચાલશે. ચાર દિવસ બાદ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ટેસ્ટ ટેસ્ટનો પ્રારંભ થશે.
T20 વર્લ્ડ કપ 2022 પછી ઇચ્છા વ્યક્ત કરી હતી
T20 વર્લ્ડ કપ 2022 ઓસ્ટ્રેલિયામાં રમાયો હતો. તેની 16મી મેચ મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ (MCG) ખાતે ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાઈ હતી. જેમાં ભારતનો ચાર વિકેટે વિજય થયો હતો. જેમાં રેકોર્ડ 90,293 દર્શકો સ્ટેડિયમ પહોંચ્યા હતા. ત્યારથી, CA અને MCGએ ભારત-પાકિસ્તાન મેચની યજમાની કરવાની ઇચ્છા વ્યક્ત કરી હતી.
આ તસવીર T20 વર્લ્ડ કપ 2022માં ભારત-પાકિસ્તાનની મેચની છે.
જો અમને તક મળે તો અમે તેને હોસ્ટ કરવાનું પસંદ કરીશું- નિક હોકલી
CAના ચીફ એક્ઝિક્યુટિવ નિક હોકલીએ બુધવારે ફરી પોતાની ઇચ્છાનો પુનરોચ્ચાર કર્યો. તેમણે કહ્યું, ‘2022માં MCGમાં ભારત-પાકિસ્તાન મેચનું આયોજન આ મેદાનની સૌથી યાદગાર ક્ષણોમાંની એક હતી. હવે ઘણા લોકો ફરીથી આવી મેચના સાક્ષી બનવા માગે છે. જો આવી તક ઊભી થાય, તો અમને તેનું આયોજન કરવાનું ગમશે. અમે આ ઉનાળામાં પાકિસ્તાન અને ભારતની યજમાની કરવા માટે ઉત્સાહિત છીએ.’
છેલ્લી ટેસ્ટ શ્રેણી 2007માં રમાઈ હતી
ભારત-પાકિસ્તાને છેલ્લે 2012માં ભારતમાં દ્વિપક્ષીય શ્રેણી રમી હતી. આ મર્યાદિત ઓવરોની શ્રેણી હતી. બંને દેશો વચ્ચે છેલ્લી ટેસ્ટ શ્રેણી 2007માં રમાઈ હતી.
બંને દેશો માત્ર ICC અને ACC ઇવેન્ટમાં જ રમે છે
છેલ્લા દસ વર્ષથી ભારત અને પાકિસ્તાન માત્ર બહુરાષ્ટ્રીય ટુર્નામેન્ટમાં જ રમે છે. આ એવી ટુર્નામેન્ટ છે જેનું આયોજન ICC (આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલ) અને ACC (એશિયન ક્રિકેટ કાઉન્સિલ) દ્વારા કરવામાં આવે છે. બંને દેશોએ છેલ્લા 10 વર્ષથી દ્વિપક્ષીય શ્રેણી રમી નથી.