9 કલાક પેહલા
- કૉપી લિંક
દક્ષિણ આફ્રિકા પ્રવાસ પર 3 જાન્યુઆરીથી કેપટાઉનમાં રમાનારી બીજી ટેસ્ટ મેચ માટે મોહમ્મદ શમીના સ્થાને અવેશ ખાનનો સમાવેશ કરવામાં આવ્યો છે.
મોહમ્મદ શમીને દક્ષિણ આફ્રિકા પ્રવાસ માટે બે ટેસ્ટ મેચની શ્રેણી માટે ટીમમાં સામેલ કરવામાં આવ્યો હતો. સિરીઝની શરૂઆત પહેલા જ મોહમ્મદ શમી ફિટનેસ ટેસ્ટમાં પાસ ન થવાને કારણે પ્રવાસમાંથી બહાર થઈ ગયો હતો. જો કે, ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે તેના સ્થાને કોઈ ખેલાડીને સામેલ કર્યા નથી. હવે પ્રથમ મેચ સમાપ્ત થયા બાદ શમીના સ્થાને આવેશ ખાનને ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે.
આવેશ ખાન ODI ટીમનો ભાગ હતો
આવેશ ખાન દક્ષિણ આફ્રિકાના પ્રવાસ પર ODI ટીમનો ભાગ હતો. ટેસ્ટ સિરીઝ પહેલાં ટીમ ઈન્ડિયા ત્રણ T20 અને ત્રણ વન-ડે મેચની સિરીઝ રમી હતી. આવેશને ત્રણ મેચની વન-ડે શ્રેણી માટે સામેલ કરવામાં આવ્યો હતો. આવેશ ખાન 3 મેચની શ્રેણીમાં 4.82ના ઈકોનોમી રેટથી 6 વિકેટ લઈને ટીમ ઈન્ડિયા માટે બીજા સૌથી વધુ વિકેટ લેનાર બોલર હતો.
ઈશાન કિશન પહેલેથી જ બહાર છે
ટેસ્ટ ટીમનો હિસ્સો રહેલા વિકેટકીપર બેટર ઈશાને પણ અંગત કારણોસર પોતાનું નામ પાછું ખેંચી લીધું હતું. એશિયા કપ અને વર્લ્ડ કપ પછી ઈશાન ઓસ્ટ્રેલિયા સામેની 5 T20 હોમ સિરીઝમાં પણ ભારતીય ટીમનો ભાગ હતો. તે દક્ષિણ આફ્રિકા સામેની ત્રણ T-20 મેચની શ્રેણીમાં પણ ટીમનો ભાગ હતો. ઈશાન ટેસ્ટ શ્રેણીમાંથી ખસી ગયા બાદ તેની જગ્યાએ કેએસ ભરતને ટીમમાં સામેલ કરવામાં આવ્યો હતો.
આવેશ ખાન ટેસ્ટમાં ડેબ્યૂ કરી શકે છે
આવેશ ભારત માટે અત્યાર સુધીમાં 8 ODI અને 19 T20 મેચ રમી ચૂક્યો છે. તેણે 8 ODI મેચોમાં 5.54ના ઈકોનોમી રેટથી 9 વિકેટ લીધી છે. જ્યારે 19 T20માં તેણે 9.03ના ઈકોનોમી રેટથી 18 વિકેટ ઝડપી છે.
સેન્ચુરિયનમાં ભારત એક ઇનિંગ્સ અને 32 રનથી હાર્યું
સેન્ચુરિયનમાં રમાયેલી પ્રથમ ટેસ્ટ મેચમાં ભારતને ઇનિંગ્સ અને 32 રને હારનો સામનો કરવો પડ્યો હતો. આ મેચમાં દક્ષિણ આફ્રિકાએ ટોસ જીતીને ભારતને પ્રથમ બેટિંગમાં મોકલ્યું હતું. ટીમ ઈન્ડિયાએ પ્રથમ દાવમાં 245 રન બનાવ્યા હતા. કેએલ રાહુલે 137 બોલમાં 14 ચોગ્ગા અને 4 છગ્ગાની મદદથી 101 રન બનાવ્યા હતા.
દક્ષિણ આફ્રિકા માટે કાગિસો રબાડા સૌથી સફળ બોલર રહ્યો, તેણે 5 વિકેટ લીધી. જવાબમાં દક્ષિણ આફ્રિકાએ પ્રથમ દાવમાં 408 રન બનાવ્યા હતા અને 163 રનની જંગી લીડ મેળવી હતી. ડીન એલ્ગરે 287 બોલનો સામનો કર્યો અને 185 રન બનાવ્યા જેમાં 28 ચોગ્ગા સામેલ હતા. જ્યારે માર્કો યાન્સેને 11 ચોગ્ગા અને એક છગ્ગાની મદદથી અણનમ 84 રન બનાવ્યા હતા.
ભારત તરફથી પ્રથમ દાવમાં જસપ્રીત બુમરાહે ચાર અને મોહમ્મદ સિરાજે બે વિકેટ ઝડપી હતી. ત્યારબાદ ભારત બીજા દાવમાં 131 રનમાં સમેટાઈ ગયું હતું. બીજી ઇનિંગમાં ભારત માટે માત્ર વિરાટ કોહલી જ શાનદાર પ્રદર્શન કરી શક્યો હતો. કોહલીએ 82 બોલમાં 12 ચોગ્ગા અને એક છગ્ગાની મદદથી 76 રન બનાવ્યા હતા. દક્ષિણ આફ્રિકા તરફથી નાન્દ્રે બર્ગરે ચાર અને માર્કો યાન્સેને ત્રણ વિકેટ ઝડપી હતી.