બ્રાઝિલિયા53 મિનિટ પેહલા
- કૉપી લિંક
- 32 વર્ષના ક્લબ ફૂટબોલરનાં માતા-પિતા મો.ક.ગાંધીથી અત્યંત પ્રભાવિત હતાં
બ્રાઝિલના 32 વર્ષના ફૂટબોલ ખેલાડીનું નામ ભારતના રાષ્ટ્રપિતાની યાદ અપાવે એવું છે. ક્લબ ફૂટબોલ રમતા આ ખેલાડીનું આખું નામ મહાત્મા ગાંધી હેબેરપીઓ મેટોસ પાયર્સ છે. તે પોતાના સર્કલમાં મહાત્મા ગાંધી નામે જાણીતો છે. કાકા, રોનાલ્ડો, રિવાલ્ડો, ડીએગો કાર્લોસ, પેલે અને નેમાર જેવા ફૂટબોલ સ્ટાર ધરાવતા બ્રાઝિલમાં ફૂટબોલ ખેલાડી મહાત્મા ગાંધીએ પોતાના અનોખા નામને કારણે સારી એવી પ્રસિદ્ધિ મેળવી છે. આ ખેલાડીના માતા-પિતા મોહનદાસ કરમચંદ ગાંધીના ચાહક છે. ખાસ કરીને બ્રિટિશરો સામેની લડતમાં બાપુએ ઉગામેલા અહિંસાના શસ્ત્રથી તેઓ અત્યંત પ્રભાવિત થયા હતા. એટલા માટે 1992માં જન્મેલા પોતાના પુત્રનું નામ તેમણે મહાત્મા ગાંધી રાખ્યું હતું.
ફૂટબોલ ખેલાડી ગાંધીએ 2011માં કારકિર્દીનો પ્રારંભ કર્યો હતો. મોટેભાગે ડિફેન્સિવ મિડફિલ્ડર તરીકે રમતો આ ફૂટબોલર ઘણીવાર સેન્ટ્રલ મિડફિલ્ડર તરીકે પણ રમે છે. સ્ટેટ લીગ ટુર્નામેન્ટ જીતનાર ટીમમાં પણ તે સામેલ હતો. બ્રાઝિલની એક વેબસાઇટ પરથી પ્રાપ્ત જાણકારી અનુસાર હવે તે નિવૃત્ત થઈ ગયો છે. તેના માતાપિતા ગોએનીયા નામના શહેરના વતની હતા.
મહાત્મા ગાંધી 1893થી 1915 સુધી ફૂટબોલ સાથે સંકળાયેલા હતા
બ્રાઝિલના ફૂટબોલ ખેલાડીનું નામ ભલે મહાત્મા ગાંધી પરથી હોય પણ અસલી મહાત્મા ગાંધી પોતે પણ દક્ષિણ આફ્રિકામાં પોતાના વસવાટ દરમિયાન ફૂટબોલની રમત સાથે સંકળાયેલા હતા. ગાંધીજી 1893થી 1915 સુધી દક્ષિણ આફ્રિકામાં રહ્યા હતા. આ દરમિયાન તેમણે પેસિવ રેઝિસ્ટર્સ ફૂટબોલ ક્લબ માટે ત્રણ ફૂટબોલ ટીમની રચના કરી હતી. આ ફૂટબોલ ક્લબ્સ જોહાનિસબર્ગ, પ્રિટોરિયા અને ડર્બન સ્થિત હતી. ઑલ ઇન્ડિયા ફૂટબોલ ફેડરેશનની વેબસાઇટ પર ઉપલબ્ધ આ જાણકારી દર્શાવે છે કે મહાત્મા ગાંધી પોતે પણ ફૂટબોલની રમતના ચાહક હતા.