સ્પોર્ટ્સ ડેસ્ક23 મિનિટ પેહલા
- કૉપી લિંક
ક્રિકેટ ઓસ્ટ્રેલિયા (CA)એ બિગ બેશ 2024 મેન્સ અને વુમન્સ લીગ માટે ડ્રાફ્ટ જાહેર કર્યો છે. 30 દેશોનું પ્રતિનિધિત્વ કરતા 432 પુરૂષો અને 161 મહિલા સહિત કુલ 593 ખેલાડીઓએ બિગ બેશ લીગ (BBL)ના ઓક્શન માટે તેમના નામ રજૂ કર્યા છે.
પુરુષોના ડ્રાફ્ટમાં જોફ્રા આર્ચર અને હારિસ રઉફનો સમાવેશ
BBL મેન્સ ડ્રાફ્ટમાં ઇંગ્લેન્ડના જોફ્રા આર્ચર અને પાકિસ્તાનના હારિસ રઉફ સહિત વિશ્વના કેટલાક શ્રેષ્ઠ ઝડપી બોલરોનો સમાવેશ થાય છે. દક્ષિણ આફ્રિકાનો ઝડપી બોલર લુંગી એન્ગિડી ડ્રાફ્ટ પૂલમાં અન્ય એક ઉચ્ચ-પ્રોફાઇલ નામ છે. જેની સાથે તેનો દેશબંધુ તબરેઝ શમ્સી પણ છે. ટૉપ ઓર્ડર બેટર રીઝા હેન્ડ્રીક્સ પણ સામેલ છે.
સ્મૃતિ મંધાના ડિફેન્ડિંગ ચેમ્પિયન સાથે રમશે
ભારતીય ઓપનર સ્મૃતિ મંધાના મહિલા બિગ બેશ લીગની આ સિઝનમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન એડિલેડ સ્ટ્રાઈકર્સ સાથે રમતા જોવા મળશે. તેણે ફ્રેન્ચાઇઝી સાથે પ્રી-ડ્રાફ્ટ ઓવરસિઝન કોન્ટ્રાક્ટ પર હસ્તાક્ષર કર્યા છે. આવું કરનાર તે પ્રથમ ભારતીય ખેલાડી બની ગઈ છે. મંધાના ઉપરાંત કેપ્ટન હરમનપ્રીત કૌર, જેમિમાહ રોડ્રિગ્સ અને દીપ્તિ શર્માને પણ ડ્રાફ્ટમાં સામેલ કર્યા છે.
28 વર્ષની મંધાના લીગના 10 વર્ષના ઈતિહાસમાં ચોથી ટીમ તરફથી રમતી જોવા મળશે. અગાઉ મંધાના 2016માં બ્રિસ્બેન હીટ, 2018-19માં હોબાર્ટ હરિકેન્સ અને 2021માં સિડની થંડર્સનો ભાગ રહી હતી.
ભારતની વાઈસ કેપ્ટન મંધાના 2023માં આ લીગનો ભાગ નહોતી. તેણે વર્કલોડ મેનેજમેન્ટ અને ડોમેસ્ટિક ક્રિકેટને કારણે લીગમાં ભાગ ન લેવાનો નિર્ણય લીધો હતો. લીગની વર્તમાન સિઝન 1 સપ્ટેમ્બરથી શરૂ થઈ રહી છે.
મંધાના ઓસ્ટ્રેલિયન લીગની ચોથી ફ્રેન્ચાઈઝી સાથે સંકળાયેલી છે.
મહિલા ડ્રાફ્ટ માટે કેટ ક્રોસ અને લોરેન ફિલરનો સમાવેશ
ઇંગ્લેન્ડની કેટ ક્રોસ અને લોરેન ફિલર બંને મહિલા ડ્રાફ્ટ માટે સંપૂર્ણ સિઝન માટે ઉપલબ્ધ છે. સાઉથ આફ્રિકાની ઝડપી બોલર શબનમ ઈસ્માઈલ, જેને હોબાર્ટ હરિકેન્સ જાળવી રાખી શકે છે.
આ વર્ષના BBL ડ્રાફ્ટ માટે વિવિધ 30 દેશોના ખેલાડીઓના નામ મંગાવ્યા હતા. તેમાં હોંગકોંગ, યુગાન્ડા, જાપાન, ગ્રીસ, ઈન્ડોનેશિયા અને રોમાનિયા જેવા ઉભરતા ક્રિકેટ દેશોના ખેલાડીઓ પણ છે.
ડ્રાફ્ટમાં ઘણા બિગ બેશ આઇકોન્સનું વળતર પણ જોવા મળ્યું છે. હારિસ રઉફ, જેને મેલબોર્ન સ્ટાર્સ જાળવી રાખી શકે છે. તેને ગેમ્સ 6-9 પ્લસ ફાઈનલ માટે નોમિનેટ કર્યો છે. સ્ટાર્સ સાથેનો તેનો અગાઉનો કાર્યકાળ અદ્ભુત હતો. તેણે મેલબોર્ન સ્ટાર્સ માટે ઘણી મેચ જીતી હતી.
દરેક ટીમે ચાર રાઉન્ડમાં 2 વિદેશી ખેલાડીઓ પસંદ કરવાના રહેશે
દરેક ટીમે બંને ડ્રાફ્ટના ચાર રાઉન્ડમાં ઓછામાં ઓછા બે વિદેશી ખેલાડીઓની પસંદગી કરવી આવશ્યક છે. ટીમો પહેલાથી હાજર વિદેશી ખેલાડીઓમાંથી તેમના મનપસંદ ખેલાડીઓની પસંદગી કરી શકે છે.