સ્પોર્ટ્સ ડેસ્ક11 મિનિટ પેહલા
- કૉપી લિંક
IPLની શરૂઆત પહેલા ચેન્નાઈ સુપર કિંગ્સને મોટો ઝટકો લાગ્યો છે. ટીમનો અનુભવી કિવી ઓપનર ડેવોન કોનવે ઈજાના કારણે પ્રારંભિક મેચ રમી શકશે નહીં. તે ન્યૂઝીલેન્ડ તરફથી આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમતી વખતે ઈજાગ્રસ્ત થયો હતો. મે સુધી તે ફિટ થવાની અપેક્ષા નથી.
કોનવે 2022માં CSKમાં જોડાયો, 2 સીઝન માટે રુતુરાજ ગાયકવાડ સાથે ઓપનિંગ કર્યું. હવે 2024માં ન્યૂઝીલેન્ડના રચિન રવીન્દ્ર ગાયકવાડ સાથે ઓપનિંગ કરી શકે છે.
સર્જરીના કારણે બહાર
ડેવોન કોનવે ફેબ્રુઆરીમાં ઓસ્ટ્રેલિયા સામેની T20 સિરીઝ દરમિયાન ઈજાગ્રસ્ત થયો હતો. તેને ડાબા હાથના અંગૂઠામાં ઈજા થઈ હતી. જેના કારણે તે ઓસ્ટ્રેલિયા સામેની ત્રીજી T-20 અને ટેસ્ટ સિરીઝનો ભાગ બની શક્યો નથી.
ઈજાના કારણે કોનવેને હવે સર્જરી કરાવવી પડશે. સર્જરી બાદ તે લગભગ 8 અઠવાડિયા સુધી ક્રિકેટ રમી શકશે નહીં. આવી સ્થિતિમાં, તે મેના પહેલા અઠવાડિયા સુધી ચેન્નાઈ સુપર કિંગ્સ માટે IPL રમી શકશે નહીં. જો કે જૂનમાં શરૂ થનારા T20 વર્લ્ડ કપ સુધી તે ફિટ રહેવાની આશા છે.
IPL 22 માર્ચથી શરૂ થશે
ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની 17મી સિઝન 22 માર્ચથી શરૂ થઈ રહી છે. પ્રથમ મેચ ચેન્નાઈમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) વચ્ચે રમાશે. CSK આ મેચમાં રચિન રવીન્દ્રને ગાયકવાડની સાથે ઓપનિંગ કરવા મોકલી શકે છે.

ફાસ્ટ બોલર ઓ’રૉર્કે ટેસ્ટ સિરીઝમાંથી બહાર
કોનવે ઉપરાંત, ફાસ્ટ બોલર વિલિયમ ઓ’રર્કેની બાદબાકીથી ન્યૂઝીલેન્ડને પણ આંચકો લાગ્યો હતો. હેમસ્ટ્રિંગની ઈજાને કારણે તે ઓસ્ટ્રેલિયા સામેની ટેસ્ટ શ્રેણીની બીજી મેચ રમી શકશે નહીં. તેના સ્થાને બેન સીઅર્સનો ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો હતો.